વૉશિંગ્ટન7 મિનિટ પેહલા
- કૉપી લિંક
- ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શન , ટેક્સાસમાં મજૂરી ન મળતા લોકોની ફરિયાદ બાદ ઘટસ્ફોટ થયો
અમેરિકામાં ચીનના 23 વર્ષીય એક વિદ્યાર્થીએ ક્રિપ્ટો માઇનિંગ મારફતે આશરે દોઢ વર્ષ સુધી ચીન સાથે અબજો ડોલરની હેરાફેરી કરી હતી. પરંતુ દુનિયાભરના દેશોને સાઇબર સુરક્ષા અંગે સલાહસૂચન આપનાર અમેરિકન વહીવટીતંત્ર, સુરક્ષા તંત્ર તેમજ બેન્કોને આ અંગે કોઇ માહિતી મળી ન હતી. કાળાંનાણાંના આ રેકેટથી મની લોન્ડરિંગનો ખુલાસો એ વખતે થયો જ્યારે ટેક્સાસના નાનકડા શહેર ચેનિંગમાં કેટલાક મજૂરોએ મજૂરીના પૂરા પૈસા ન મળવાની સ્થિતિમાં સ્થાનિક વહીવટીતંત્ર સમક્ષ ફરિયાદ કરી હતી.
ત્યારબાદ તપાસમાં ખુલાસો થયો કે તેની પાછળ ચીનના રોકાણકારો અને રાજનેતાઓનો હાથ છે. આવી સ્થિતિમાં ડિજિટલ કરન્સી મારફતે ક્રોસ બોર્ડર ટ્રાન્ઝેક્શનના નવા મોડલને લઇને તમામ દેશોની સુરક્ષા સંસ્થાઓ એલર્ટ થઇ ગઇ છે. ટેક્સાસ વહીવટીતંત્રની તપાસમાં ખુલાસો થયો છે કે જેરી યૂ નામનો વિદ્યાર્થી નાની નાની કેટલીક ઇમારતોમાં ક્રિપ્ટો માઇનિંગનો કારોબાર કરી રહ્યો હતો.
આમાં 6000થી વધારે માઇનિંગ કોમ્પ્યુટર દિન-રાત કામ કરી રહ્યાં હતાં. મૂળ રીતે ચીનનો આ વિદ્યાર્થી ન્યુયોર્ક યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. આ વિદ્યાર્થીએ આ ઇમારતો આશરે 49 કરોડ રૂપિયામાં ખરીદી હતી. ચેનિંગ વિસ્તારમાં માત્ર 281 લોકો રહે છે. તેમના માટે આ કમાણીની તક હતી કારણ કે જેરી ઇલેક્ટ્રિસિટી અને માઇનિંગના અનેક પ્રકારનાં કામો કરાવી રહ્યો હતો. હકીકતમાં ક્રિપ્ટો માઇનિંગ માટે વીજળીની વધારે જરૂર હોય છે. કોમ્પ્યૂટર અંડરગ્રાઉન્ડ લગાવવામાં આવે છે. જ્યારે મજૂરોને પૂરું વળતર ન મળ્યું ત્યારે આ લોકોએ ફરિયાદ કરી હતી.
આ સમગ્ર કારોબાર દરમિયાન લેવડદેવડ ક્રિપ્ટો કરન્સીમાં થઈ હોવાના કારણે વહીવટીતંત્ર જેરી સામે કોઇ પુરાવા એકત્રિત કરી શક્યું ન હતું. જમીનની લેવડદેવડ ઉપરાંત તેનો ફ્લેટ પણ ક્રિપ્ટો કરન્સી ટેથર મારફતે જ ખરીદવામાં આવ્યો હોવાનો ખુલાસો થયો છે. આવી સ્થિતિમાં પૈસાના સોર્સ અને તેને મદદ કરનાર કોઇ વ્યક્તિની માહિતી મળી રહી નથી. બાઇનેન્સ પર પહેલાં જ મની લોન્ડરિંગ અને આતંકી ફન્ડિંગના આરોપો લાગી ચૂક્યા છે.
નવું મોડલ : સ્થાનિક કંપની પર જ લાપરવાહીનો કેસ કરી દીધો
અમેરિકન કંપની ક્રિપ્ટોને જેરીની કંપની બિટરશ પર સર્વિસ ટેક્સ ન આપવા બદલ કેસ કર્યો છે.આને લઇને જવાબ આપતા જેરીના વકીલ ગેવિન ક્લાર્કસને દાવો કર્યો છે કે તેની કંપની અમેરિકન સરકાર અને બેન્કોના તમામ નિયમો પાળે છે. કંપની પર મૂકવામાં આવેલા આરોપો નિરાધાર છે. બિટરશે ક્રિપ્ટો પર સેવામાં લાપરવાહીનો આરોપ મૂકીને દંડ તરીકે છ કરોડ રૂપિયાની માંગણી કરી છે.