ન્યૂયૉર્ક17 મિનિટ પેહલા
- કૉપી લિંક
- નવા વર્ષમાં 10 લાખ રૂપિયાનો વધારાનો ભાર
ભારતીય વિદ્યાર્થીઓનું અમેરિકાની ડિગ્રીનું ‘સપનું’ મોંઘું થયું છે. અમેરિકાની કૉલેજો-યુનિવર્સિટીઓએ એપ્રિલથી શરૂ થનારા નવા સત્રથી ફીમાં 30 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે. કૅલિફોર્નિયા અને સ્ટેનફોર્ડ યુનિવર્સિટીએ તો અત્યારથી જ ફી વધારી દીધી છે. નવા વર્ષથી અમેરિકાનાં 50 રાજ્યએ તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ફીમાં વધારાની કરાયેલી જાહેરાતથી સૌથી વધુ અંદાજે સવા ત્રણ લાખ ભારતીય વિદ્યાર્થીને અસર થશે.
અમેરિકામાં વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો છે. અહીં દર વર્ષે લગભગ 1 લાખ નવા ભારતીય વિદ્યાર્થી વિવિધ કૉલેજ-યુનિવર્સિટીમાં અરજી કરે છે. એક અનુમાન પ્રમાણે ફીમાં વધારા પછી દરેક ભારતીય વિદ્યાર્થી ઉપર ડિગ્રી દરમિયાન 10 લાખ રૂપિયાનો વધારાનો બોજો પડશે. ભારતીય વિદ્યાર્થીઓ પહેલાથી જ અનેક પ્રકારની પરેશાની અને પડકારોનો સામનો કરી રહ્યા છે ત્યારે હવે ફીમાં 30 ટકાનો વધારો કરી દેવામાં આવ્યા બાદ સમસ્યા વધી ગઇ છે.
સ્ટાફનો પગાર વધારાયો, વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાત
અમેરિકાની સૌથી મોટી સરકારી યુનિવર્સિટી કૅલિફોર્નિયાનું કહેવું છે કે રાષ્ટ્રપતિ બાઇડેને ટીચિંગ સ્ટાફનો પગાર કલાકદીઠ 972 રૂપિયાથી વધારીને રૂ. 1215 કર્યો છે. વેતનવધારા માટે સરકારે વધારાનું ભંડોળ આપ્યું નથી. હવે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફી વધારીને ભરપાઈ કરાઈ રહ્યું છે.
સ્કોલરશિપ 2%થી પણ ઓછા વિદ્યાર્થીને મળે છે
કૉલેજો-યુનિવર્સિટીઓએ ફીમાં વધારા સાથે સ્કોલરશિપ વધારવાની પણ જાહેરાત કરી છે. સ્ટેનફોર્ડ યુનિવર્સિટીના વિદ્યાર્થી સમર્થના કહેવા પ્રમાણે ફી 30 ટકા સુધી વધારાઈ છે પરંતુ સ્કોલરશિપમાં માત્ર 5%નો જ વધારો કરાયો છે. ભારતથી આવનારા લગભગ સવા 3 લાખ વિદ્યાર્થીમાંથી 6 હજારને જ સ્કોલરશિપ મળે છે.
ભારતથી આવનારી પ્રતિભામાં ઘટાડો થશે : ફૅકલ્ટી
કૅલિફોર્નિયા યુનિવર્સિટી ફૅકલ્ટી ઍસોસિયેશનના કહેવા પ્રમાણે ફીમાં વૃદ્ધિથી ભારતીય પ્રતિભામાં ઘટાડો થશે. 70 ટકા ભારતીય વિદ્યાર્થી અમેરિકામાં જ આગળ સંશોધન કરે છે અથવા અમેરિકાની કંપનીઓમાં કામ કરે છે.