બગદાદ6 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈરાકમાં ઈરાન અને શિયાની સમર્થિત PMFના ઠેકાણાઓ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું હતું અને લગભગ 8 લોકો ઘાયલ થયા હતા.
ઈરાન અને ઇઝરાયેલના ટકરાવ વચ્ચે શનિવારે ઈરાકમાં એક સૈન્ય મથક પર વિસ્ફોટ થયો હતો. સમાચાર એજન્સી AFPના જણાવ્યા અનુસાર હુમલામાં એક વ્યક્તિનું મોત થયું છે, જ્યારે 8 લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલના ટાઈમ્સે અહેવાલ આપ્યો છે કે એરસ્ટ્રાઈક ઈરાન સમર્થિત પોપ્યુલર મોબિલાઈઝેશન ફોર્સ (PMF)ના હેડક્વાર્ટર પર થઈ હતી.
જો કે આ હુમલો કોણે કર્યો તેની માહિતી મળી નથી. PMF અધિકારીઓએ હુમલા માટે અમેરિકન સૈનિકો પર આરોપ લગાવ્યો છે. પરંતુ અમેરિકાની સેનાએ તેમના આરોપોને ફગાવી દીધા હતા. અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા આ માહિતી આપી હતી. આ સિવાય ઇઝરાયલે પણ હુમલામાં પોતાની ભૂમિકા હોવાનો ઈન્કાર કર્યો છે.

ISIS સામે લડવા માટે 2014માં PMFની રચના કરવામાં આવી હતી. (ફાઈલ)
ISIS સામે લડવા માટે PMF બનાવવામાં આવી હતી
PMFને હાશેદ અલ-શાબી તરીકે પણ ઓળખવામાં આવે છે. તે શિયા સશસ્ત્ર જૂથોનું સંગઠન છે, જેની રચના 2014માં ISIS સામે લડવા માટે કરવામાં આવી હતી. તે હવે ઇરાકના સુરક્ષા દળોનો ભાગ છે. AFPના અહેવાલ મુજબ, એરસ્ટ્રાઈક એક વેરહાઉસ પર થઈ હતી. આ દરમિયાન PMFના સાધનો, હથિયારો અને લશ્કરી વાહનોને નિશાન બનાવવામાં આવ્યા હતા.
છેલ્લા કેટલાક મહિનામાં PMFએ ઈરાક અને સીરિયામાં હાજર અમેરિકન સૈનિકો પર હુમલો કર્યો હતો. સંગઠને કહ્યું હતું કે હમાસ વિરુદ્ધના યુદ્ધમાં અમેરિકા ઇઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. જેના વિરોધમાં તેઓએ હુમલો કર્યો હતો.
ઈરાને કહ્યું- ઇઝરાયલ દ્વારા જે ડ્રોન મોકલવામાં આવેલા તે ડ્રોનથી અમારા બાળકો રમે છે
બીજી તરફ શુક્રવારે સવારે ઈરાન પર ઇઝરાયેલની મિસાઈલ અને ડ્રોન હુમલા મામલે ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીરાબ્દુલ્લાહિયાનનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, “ઇઝરાયલે ઈસ્ફહાન શહેર પર હુમલો કરવા માટે જે ડ્રોનનો ઉપયોગ કર્યો હતો તે અમારા બાળકો માટે રમકડાં સમાન હતા.”
ઈરાનના વિદેશ મંત્રી હાલમાં UNSC સત્ર માટે ન્યૂયોર્કમાં છે. તેમણે કહ્યું કે ઈરાન હાલમાં ઇઝરાયલ પર કોઈ હુમલાની યોજના બનાવી રહ્યું નથી. હુસૈને ઇઝરાયલને ચેતવણી આપી છે કે જો તે ઈરાન વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરશે તો ઈરાન પૂરી તાકાતથી જવાબ આપશે.

આ ફૂટેજ 1 એપ્રિલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ ઓફિસ પર થયેલા હુમલાના છે.
સીરિયામાં ઈરાનના દૂતાવાસ પર ઈઝરાયલના હુમલા બાદ તણાવ વધી ગયો છે
1 એપ્રિલના રોજ, ઇઝરાયલે સીરિયામાં ઈરાનના કોન્સ્યુલેટ પર એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં ઈરાનના 2 ટોચના કમાન્ડર સહિત 13 લોકો માર્યા ગયા હતા. આ ઘટના બાદ બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો હતો. હુમલા બાદ ઈરાને ઇઝરાયલ સામે બદલો લેવાની ધમકી આપી હતી.
12 દિવસ પછી 13 એપ્રિલે ઈરાને ઇઝરાયલ પર 300થી વધુ મિસાઈલો અને ડ્રોન વડે હુમલો કર્યો. આ દરમિયાન નેવાતિમ મિલિટરી બેઝને નિશાન બનાવવામાં આવ્યું હતું. હુમલામાં એક બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ હતી. જો કે, ઇઝરાયલે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સ સાથે મળીને ઈરાનના 99% હુમલા નિષ્ફળ બનાવ્યા હતા.
ઇઝરાયલે ઈરાન સામે બદલો લીધો
હુમલા બાદ ઈરાને કહ્યું કે તેણે તેનો બદલો લઈ લીધો છે અને તે વિવાદને વધુ વધારવા માંગતો નથી. પરંતુ ઇઝરાયલે ઈરાન સામે જવાબી કાર્યવાહી કરવાની વાત કરી હતી. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ આ માટે વોર કેબિનેટની 5 બેઠકો યોજી હતી.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઈરાનના સુપ્રીમ લીડર આયતુલ્લાહ ખામેનીના 85માં જન્મદિવસે 19 એપ્રિલે ઇઝરાયલે ઈસ્ફહાન શહેર પર 3 મિસાઈલ અને ડ્રોનથી હુમલો કર્યો હતો. ઈરાનની નતાન્ઝ ન્યુક્લિયર સાઈટ પણ આ શહેરમાં છે. જો કે, આ હુમલામાં તેમને કોઈ નુકસાન થયું ન હતું.

ઈરાને દાવો કર્યો હતો કે તેણે ઇઝરાયેલના 3 ડ્રોન તોડી પાડ્યા છે. હુમલાથી કોઈને નુકસાન થયું નથી. આ હુમલા બાદ ઈરાનના અધિકારીએ કહ્યું કે હાલમાં તેઓ કોઈ જવાબી હુમલાની યોજના બનાવી રહ્યા નથી.