3 કલાક પેહલા
- કૉપી લિંક
7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલ ઇઝરાયેલ-હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે. અલ જઝીરા અનુસાર ગાઝામાં યુદ્ધ દરમિયાન 32 હજારથી વધુ લોકોના મોત થયા છે.
ઇઝરાયલ અને હમાસ વચ્ચે સાડા પાંચ મહિના સુધી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે ગાઝામાં રમઝાનને ધ્યાનમાં રાખીને તાત્કાલિક સીઝફાયર માટે સોમવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં એક પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. બેઠક દરમિયાન, 15માંથી 14 સભ્યોએ પ્રસ્તાવની તરફેણમાં મતદાન કર્યું હતું, જ્યારે યુનાઇટેડ સ્ટેટ્સ મતદાનથી દૂર રહ્યું હતું.
પ્રસ્તાવમાં તમામ બંધકોને શરતો વિના તાત્કાલિક મુક્ત કરવાની માંગ કરવામાં આવી હતી. ગાઝાને માનવતાવાદી સહાય પૂરી પાડવા માટેના તમામ અવરોધોને દૂર કરવા પણ કહેવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે અમેરિકાએ સીઝફાયર પ્રસ્તાવ પર મતદાન કર્યું નથી. આ પહેલા તેઓ UNSCમાં આ પ્રસ્તાવોને ત્રણ વખત વીટો લગાવી ચૂક્યા છે.
ગાઝામાં સીઝફાયરના પ્રસ્તાવ પર 14 દેશો સંમત થયા હતા, જ્યારે અમેરિકા મતદાનથી દૂર રહ્યું હતું.
અમેરિકાએ ત્રણ વખત સીઝફાયર પ્રસ્તાવને વીટો લગાવ્યો
યુદ્ધને રોકવા માટેનો પહેલો પ્રસ્તાવ માલ્ટાએ નવેમ્બર 2023માં રજૂ કર્યો હતો. બીજી વખત UAEએ ડિસેમ્બર 2023માં પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને ત્રીજી વખત ફેબ્રુઆરી 2024માં ઉત્તર આફ્રિકન દેશ અલ્જેરિયાએ પ્રસ્તાવ રજૂ કર્યો હતો. અમેરિકાએ તેને ત્રણેય વખત પ્રસ્તાવને ફગાવ્યો હતો.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, UNSCના ઠરાવોને આંતરરાષ્ટ્રીય કાયદો ગણવામાં આવે છે. સભ્ય દેશોએ તેનું પાલન કરવું જરૂરી છે. જો કે, ઇઝરાયલ UNSCનું કાયમી સભ્ય નથી.
સુરક્ષા પરિષદમાં જો કોઈ પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો પણ અહીં તેનો અમલ કરવાનો કોઈ રસ્તો નથી. હા, એ વાત સાચી છે કે સભ્ય દેશોની સંમતિથી ઈઝરાયલ પર પ્રતિબંધો લાદી શકાય છે.
બેન્જામિન નેતન્યાહુએ ઈઝરાયલના પ્રતિનિધિમંડળની મુલાકાત રદ કરી
UNSC વોટિંગમાંથી અમેરિકાની હટી જવા પર ઇઝરાયલે નારાજગી વ્યક્ત કરી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલના પ્રતિનિધિમંડળની વોશિંગ્ટનની મુલાકાતને અમેરિકા દ્વારા વીટો ન લગાવવાના કારણે રદ કરી દીધી હતી.
આ સિવાય ઇઝરાયલના વિદેશ મંત્રી કાત્ઝે કહ્યું- અમે ફાયરિંગ બંધ નહીં કરીએ. અમે હમાસનો ખાતમો કરીશું અને જ્યાં સુધી દરેક બંધકને છોડવામાં નહીં આવે અને ઘરે પરત ન આવે ત્યાં સુધી અમે યુદ્ધ ચાલુ રાખીશું.
આ તરફ યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું – UNSCએ ગાઝામાં લાંબા સમયથી પેન્ડિંગ પ્રસ્તાવને મંજૂરી આપી છે. તેણે તાત્કાલિક યુદ્ધવિરામ અને તમામ બંધકોની બિનશરતી મુક્તિની માંગ કરી હતી. આ પ્રસ્તાવને વહેલીતકે લાગુ કરવો જોઈએ.
વીટો શું છે…
UNSCમાં પાંચ સ્થાયી સભ્યો છે. જેમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ અને ચીનનો સમાવેશ થાય છે. માત્ર તેમની પાસે વીટો પાવર છે. આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સુરક્ષા પરિષદ આ પાંચ દેશોની સંમતિ વિના કોઈપણ પ્રસ્તાવ પસાર કે લાગુ કરી શકતો નથી. જો 5 સભ્યોમાંથી એક પણ તેનો વીટો કરે તો પ્રસ્તાવ પસાર થતો નથી.
હમાસના આતંકવાદીઓએ 234 લોકોને બંધક બનાવ્યા હતા
7 ઓક્ટોબર, 2023ના રોજ ઇઝરાયલ પરના હુમલામાં હમાસે ગાઝામાં લગભગ 234 લોકોને બંધક બનાવ્યા હતા. અત્યાર સુધી બંને પક્ષો વચ્ચે 24-30 નવેમ્બર સુધી માત્ર એક જ વાર સીઝફાયર થયું છે. ત્યારપછી હમાસ અને ઇઝરાયલની સેનાએ 7 દિવસ સુધી હુમલા રોકી દીધા હતા. આ સમયગાળા દરમિયાન, લગભગ 107 બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતા.
બંધકોની મુક્તિ મામલે ઇઝરાયલમાં દેખાવો થઈ રહ્યા છે.
‘અલ-અક્સા ફ્લડ’ સામે ઇઝરાયલનું ઓપરેશન ‘સ્વોર્ડ્સ ઓફ આયર્ન શરૂ કર્યું.
હમાસના મિલિટરી કમાન્ડર મોહમ્મદ દીફે કહ્યું હતું – આ હુમલો ઇઝરાયલ દ્વારા જેરુસલેમની અલ-અક્સા મસ્જિદને અપવિત્ર કરવાનો બદલો છે. ખરેખરમાં, ઇઝરાયલ પોલીસે એપ્રિલ 2023માં અલ-અક્સા મસ્જિદ પર ગ્રેનેડ ફેંક્યા હતા.
હમાસના પ્રવક્તા ગાઝી હમાદે અલ જઝીરાને કહ્યું – આ કાર્યવાહી તે આરબ દેશો માટે અમારો જવાબ છે જે ઇઝરાયેલની નજીક વધી રહ્યા છે. હાલના દિવસોમાં, મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી અરેબિયા અમેરિકાની પહેલ પર ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી શકે છે.