18 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર જેવો હુમલો રશિયાના સારાટોવમાં થયો છે. સોમવારે સવારે એક ડ્રોન 38 માળની રહેણાંક ઇમારત ‘વોલ્ગા સ્કાય’ સાથે અથડાયું હતું. અત્યાર સુધીમાં ચાર લોકો ઘાયલ થયાના અહેવાલ છે.
રોયટર્સ અનુસાર, સોમવારે રશિયા પર 20 ડ્રોન છોડવામાં આવ્યા હતા. તેમાંથી સૌથી વધુ 9 સારાટોવમાં છોડાયા હતા. મોસ્કોના ગવર્નરે દાવો કર્યો હતો કે, યુક્રેને આ ડ્રોન હુમલા કર્યા છે. યુક્રેને હજુ સુધી આ અંગે કોઈ ટિપ્પણી કરી નથી. મળતી માહિતી મુજબ ડ્રોનને યુક્રેનથી છોડવામાં આવ્યું હતું.
હુમલામાં ઈમારતના મોટા ભાગને નુકસાન થયું છે. હુમલાને કારણે બિલ્ડિંગની નીચે પાર્ક કરાયેલા 20થી વધુ વાહનોને નુકસાન થયું છે. હુમલામાં એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે, જેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. સારાટોવ યુક્રેન સરહદથી 900 કિમી દૂર છે. આ હુમલા બાદ તમામ પ્રકારની હવાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.
ડ્રોન બિલ્ડિંગ સાથે કેવી રીતે અથડાયું તે જોવા માટે જુઓ વીડિયો!
સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે, એક ડ્રોન ‘વોલ્ગા સ્કાય’ બિલ્ડિંગ તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને તેને ટક્કર મારી રહ્યું છે. 11 સપ્ટેમ્બર, 2001ના રોજ આતંકવાદીઓએ આ રીતે અમેરિકાના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં વિમાનો તોડી નાખ્યા હતા.
આતંકવાદીઓએ 4 પ્લેન હાઇજેક કર્યા હતા. તેમાંથી 3 પ્લેન એક પછી એક અમેરિકાની 3 મહત્વની ઈમારતો પર તૂટી પડ્યા હતા. પ્રથમ ક્રેશ રાત્રે 8:45 વાગ્યે થયો હતો. બોઇંગ 767 ખૂબ જ ઝડપે વર્લ્ડ ટ્રેડ સેન્ટરના નોર્થ ટાવર સાથે અથડાયું હતું. 18 મિનિટ પછી બીજું બોઇંગ 767 બિલ્ડિંગના દક્ષિણ ટાવર સાથે અથડાયું.
જ્યારે એક પ્લેન યુએસ ડિફેન્સ મિનિસ્ટ્રી એટલે કે પેન્ટાગોન સાથે ટકરાયું હતું. ચોથું વિમાન ખેતરમાં ક્રેશ થયું હતું. 9/11ના હુમલામાં 93 દેશોના 3 હજાર લોકો માર્યા ગયા હતા. માનવ ઈતિહાસનો સૌથી ભયંકર આતંકવાદી હુમલો માનવામાં આવે છે.
આ હુમલામાં ઈમારતના ત્રણ માળને નુકસાન થયું.
રશિયાનું વ્યૂહાત્મક બોમ્બર લશ્કરી મથક સારાટોવમાં
રિપોર્ટ અનુસાર, યૂક્રેનની સેનાએ સારાટોવ પ્રાંતના એંગલ્સમાં સૌથી ઊંચી ઈમારતને નિશાન બનાવી હતી. એંગલ્સમાં રશિયાનું વ્યૂહાત્મક બોમ્બર લશ્કરી મથક પણ છે. રશિયા-યુક્રેન યુદ્ધની શરૂઆતથી યુક્રેન તેના પર અનેકવાર હુમલો કરી ચૂક્યું છે.
યુક્રેન 20 દિવસથી રશિયા પર હુમલો કરી રહ્યું છે
અઢી વર્ષ લાંબા રશિયા-યુક્રેન યુદ્ધમાં 6 ઓગસ્ટ, 2024ના રોજ પહેલીવાર આવું બન્યું જ્યારે યુક્રેન રશિયામાં ઘૂસીને તેના કુર્સ્ક વિસ્તાર પર કબજો કર્યો. ત્યારથી યુક્રેન સતત રશિયા પર હુમલા કરી રહ્યું છે.
RT રિપોર્ટ અનુસાર 20 દિવસમાં યુક્રેનિયન હુમલામાં 31 રશિયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે.
તે જ સમયે, 140થી વધુ લોકો ઘાયલ થયા છે. બીજા વિશ્વયુદ્ધ પછી આ પહેલીવાર બન્યું છે જ્યારે રશિયન ભૂમિ પર વિદેશી શક્તિનો કબજો થયો છે. યુક્રેને બે અઠવાડિયામાં રશિયાનો 1263 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો હતો.
જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીની આ જીત અલ્પજીવી છે અને તે હારમાં ફેરવાઈ શકે છે. અત્યારે યુક્રેનનું ધ્યાન કુર્સ્ક પર છે, જેનાથી રશિયાને ડોનેટ્સકમાં પોકરોવસ્ક તરફ આગળ વધવાની તક મળી છે.
રાજકીય નિષ્ણાત તાતીઆના સ્ટેનોવાયા કહે છે કે રશિયા તેની બીજા વિશ્વ યુદ્ધની રણનીતિ અપનાવી રહ્યું છે. તેમની વ્યૂહરચના એ રહી છે કે પહેલા દુશ્મનને અંદર પ્રવેશવા દે અને પછી ઘેરીને હુમલો કરે. આ કારણે, યુક્રેનનું કુર્સ્ક અભિયાન ઝેલેન્સકી માટે પ્રતિકૂળ સાબિત થઈ શકે છે.