ઇસ્લામાબાદ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્વેટા રેલવે સ્ટેશન પર બ્લાસ્ટમાં 14 જવાન મર્યા હતા.
- ક્વેટામાં હિંસા અને બળવા બાદ સરકાર પગલાં લેવા મજબૂર
પાકિસ્તાનના બલુચિસ્તાનમાં વધતા બળવા અને તાજી હિંસા પછી પાકિસ્તાની સેના અને શહબાઝ સરકાર હારેલી જણાય છે. ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા ભયાનક આતંકી હુમલામાં સેનાના 14 જવાન સહિત 26નાં મોત થયાં હતાં. આ હુમલા પછી બલુચિસ્તાનમાં સૈન્ય ઉપસ્થિતિ અને વહીવટી અંકુશ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આ વચ્ચે સૂત્રો અનુસાર પાકિસ્તાન આર્મી બલુચિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી પર પ્રતિબંધ મૂકવાની વિચારણા કરી રહી છે. સૈન્ય છાવણીમાં આને લઈને મોટા સ્તરે ચર્ચા થઈ રહી છે. સેનાનું કહેવું છે કે સરકારે સેના સાથે મળી વાતચીતનો માર્ગ શોધવો જોઈએ.
પાકિસ્તાન ગૃહમંત્રાલય સાથે જોડાયેલાં સૂત્રોએ પણ આ બાબતે કહ્યું છે કે વર્ષોથી થતી સૈન્ય કાર્યવાહીએ બલુચિસ્તાનમાં શાંતિને સ્થાને અસ્થિરતા ઊભી કરી છે. ગૃહમંત્રાલયના અધિકારીઓનું માનવું છે કે બલુચિસ્તાનમાં સૈન્યની ઉપસ્થિતિએ માત્ર સ્થાનિક લોકોમાં અસંતોષ વધાર્યો છે, જ્યારે તેનાથી પાકિસ્તાનની આંતરિક બાબતો પર પણ અસર પડી છે. ગૃહમંત્રાલય પણ સૈન્ય કાર્યવાહીને બદલે રાજકીય સંવાદથી જ સમસ્યાનું સ્થાયી સમાધાન ઈચ્છે છે. અધિકારીઓનું કહેવું છે કે બળવાખોરો સામે બળપ્રયોગે સ્થિતિને વધુ જટિલ કરી છે. બલુચ નેતાઓ અને બળવાખોરો સાથે સંવાદથી જ શાંતિ શક્ય છે.
બલુચિસ્તાનમાં આ વર્ષે 245 હુમલા… જે ગયા વર્ષ કરતાં બમણા આ વર્ષે બલુચિસ્તાનમાં શરૂઆતના 9 મહિનામાં જ 245 આતંકી હુમલા નોંધાયા છે. જે ગયા વર્ષની સરખામણીએ બમણાથી વધુ છે. 2023માં આખું વર્ષ કુલ 110 આતંકી ઘટના નોંધાઈ હતી. આ વર્ષે બલુચ છોકરાઓએ પાકિસ્તાની લશ્કરી ચોકી, ગ્વાદર બંદર, મહત્ત્વનાં સ્થળોને નિશાન બનાવ્યાં છે. પાકમાં રાજકીય અસ્થિરતા અને અફઘાનિસ્તાનથી અમેરિકી સેના પરત ફર્યા પછીથી આ જૂથોને નવી સૈન્ય ક્ષમતાઓ મળી છે.
પ્રશ્નો ઊભા થયા… બલુચિસ્તાનમાં હિંસા વધતા પાકિસ્તાની સેનામાં ખળભળાટ ક્વેટા રેલવે સ્ટેશન પર થયેલા હુમલા પછી બલુચ બળવાખોરો સામે સૈન્ય કાર્યવાહીનો શું લાભ થયો છે, આને લઈ સેનામાં પ્રશ્નો ઊભા થયા છે. પાકિસ્તાની સેનામાં ચર્ચા છે કે સેનાની ઉપસ્થિતિએ સ્થિતિને વધુ જટિલ બનાવી છે, જેથી સ્થાનિક લોકોનો વિશ્વાસ સતત નબળો પડ્યો છે. સૂત્રો અનુસાર, સેના માને છે કે બલુચિસ્તાનમાં સૈન્ય કાર્યવાહી અટકાવી એક રાજકીય સમાધાનનો માર્ગ અપનાવવામાં આવે.
ચીનની ચેતવણી… સરકાર સૈન્ય કાર્યવાહી પર પ્રતિબંધ મૂકે, સમાધાનથી ઉકેલ લાવે બલુચિસ્તાન પ્રાન્તની સરકારમાં હાજર એક સૂત્રે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે સીપેક પરિયોજનામાં આવતી સમસ્યાથી ચીનની સરકાર પાકથી ઘણી નારાજ છે. આ બાબતને કાબૂમાં કરવા ચીનની જિનપિંગ સરકારે પાકિસ્તાનની શહબાઝ સરકારને બલુચ બળવાખોરો વચ્ચે જલદી સમાધાન કરવા કહ્યું છે. જિનપિંગ સરકારનું કહેવું છે કે લશ્કરી કાર્યવાહીને બદલે રાજકીય રસ્તો શોધવો જોઈએ.