વોશિંગ્ટન33 મિનિટ પેહલા
- કૉપી લિંક
20 દિવસ પહેલા સુધી યુએસ શેરબજાર રેકોર્ડ હાઈ પર હતું. અર્થતંત્ર મજબૂત દેખાતું હતું. મંદીના કોઈ સંકેત નહોતા. પણ હવે બધે મંદીની ચર્ચા છે. કારણ એ છે કે અમેરિકન શેરબજારમાં (ડાઉ જોન્સ, નાસ્ડેક, એસ એન્ડ પી 500) ભારે ઘટાડો નોંધાયો છે.
સોમવારે ડાઉ જોન્સ 2.08% અને મંગળવારે 1.06% ઘટ્યો. 10 માર્ચે નાસ્ડેક 4% અને 11 માર્ચે 0.51% ઘટ્યો. તેવી જ રીતે, S&P 500 સોમવારે 2.7% અને મંગળવારે 0.73% ઘટ્યો.
સોમવારે, નાસ્ડેકમાં સપ્ટેમ્બર 2022 પછીનો સૌથી ખરાબ દિવસ જોવા મળ્યો, જેમાં 4%નો ઘટાડો થયો. ડાઉ જોન્સ, જે લગભગ 900 પોઈન્ટ ઘટી ગયો હતો, તે 1 નવેમ્બર, 2023 પછી પહેલી વાર તેની 200-દિવસની મૂવિંગ એવરેજથી નીચે બંધ થયો.
ફોક્સ ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે મંદીની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે અર્થતંત્ર ‘પરિવર્તનના તબક્કા’માંથી પસાર થઈ રહ્યું છે. સોમવારના બંધ સમયે S&P 500 ના 366 ઘટકો, જે આશરે 73% છે, તેમના 52-સપ્તાહના ઉચ્ચતમ સ્તરથી 10% કે તેથી વધુ નીચે ટ્રેડ થઈ રહ્યા હતા.
મંદીના 6 મોટા સંકેતો
- વ્યાજ દરમાં વધારો થવાનો ભય: યુએસ ફેડરલ રિઝર્વે સંકેત આપ્યો છે કે તે ફુગાવાને નિયંત્રિત કરવા માટે ટૂંક સમયમાં વ્યાજ દરમાં વધારો કરશે. આનાથી રોકાણકારોમાં ડર ફેલાયો અને તેમણે મોટા પ્રમાણમાં શેર વેચવાનું શરૂ કર્યું.
- ટેરિફ યુદ્ધ: ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે કેનેડા, મેક્સિકો અને ચીન સાથે ટેરિફ યુદ્ધ અમેરિકનો માટે ‘થોડી મુશ્કેલી’ ઊભી કરી શકે છે. આ નિવેદનથી ડાઉ જોન્સમાં ભયનું વાતાવરણ સર્જાયું.
- ઇન્ડેક્સમાં ફેરફાર: CNNના ફિયર એન્ડ ગ્રીન ઇન્ડેક્સમાં સોમવારે ‘ભારે ભય’નું સ્તર દર્શાવ્યું, જે થોડા અઠવાડિયા પહેલા ‘તટસ્થ’ હતું.
- ટેકમાં મોટો ઘટાડો: યુએસ શેરબજારમાં ટેક કંપનીઓનું મોટું વજન છે. ટેસ્લાના શેર 13% જેટલા ઘટ્યા, જ્યારે Nvidia, Apple અને Alphabetના શેર 5% થી વધુ ઘટ્યા. માઈક્રોસોફ્ટ અને એમેઝોનના શેર 2-4% ઘટ્યા.
- કોર્પોરેટ નાદારી: 2025ના પહેલા બે મહિનામાં 129 કંપનીઓ નાદાર થઈ. 2010 પછી વર્ષની શરૂઆતમાં આ સૌથી વધુ સંખ્યા છે.
- મંદીની શક્યતા: ગોલ્ડમેન સૅક્સે મંદીની સંભાવના 15% થી વધારીને 20% કરી. જોકે, બેંકનું માનવું છે કે જો ટ્રમ્પ પરિસ્થિતિને વધુ ખરાબ થતી જોશે તો તેઓ તેમની નીતિઓ બદલી શકે છે.
સેન્સેક્સ-નિફ્ટીએ નુકસાનની ભરપાઈ કરી મંગળવારે સેન્સેક્સે તેના મોટાભાગના નુકસાનને પાછું મેળવ્યું અને લગભગ ફ્લેટ બંધ થયું. સેન્સેક્સ 12.85 પોઈન્ટના નજીવા ઘટાડા સાથે 74,102.32 પર બંધ થયો. જોકે, ખાનગી ક્ષેત્રની ઇન્ડસઇન્ડ બેંકના શેર 27% ઘટીને રૂ. 655.95 પર બંધ થયા.
બેંકે તેના ડેરિવેટિવ્ઝ પોર્ટફોલિયોમાં કેટલીક વિસંગતતાઓની જાણ કરી હતી. દિવસ દરમિયાન તે 28% ઘટીને 52 અઠવાડિયાના નીચલા સ્તર ₹649 પર પહોંચી ગયો. નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, ટ્રમ્પની ટેરિફ નીતિ પર અસ્થિરતા અને ઉચ્ચ અનિશ્ચિતતાની અસર શેરબજારો પર થવા લાગી છે.