સોલ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
- પુસ્તકો દ્વારા માનસિક સ્વાસ્થ્ય-તણાવ સામે લડવા સંદેશ આપવામાં આવે છે
દક્ષિણ કોરિયન સંસ્કૃતિએ છેલ્લા કેટલાક વર્ષોથી વિશ્વને ઘણું બધું આપ્યું છે, જેમાં ‘બીટીએસ’ જેવા લોકપ્રિય બેન્ડ અને ‘પેરાસાઇટ’ અને ‘સ્ક્વિડ ગેમ’ જેવા મનોરંજનના ઉત્તમ ઉદાહરણ સામેલ છે. હવે દક્ષિણ કોરિયામાંથી બીજો નવો ટ્રેન્ડ ઉભરી આવ્યો છે – ‘કે-હીલિંગ’. આ નવો ટ્રેન્ડ માનસિક થાક (બર્નઆઉટ)ને દૂર કરવાની રીતો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ખાસ કરીને પુસ્તકો દ્વારા.
લેખિકા હ્વાંગ બો-રૂમનું કહેવું છે કે તે વાચકોને સંદેશ આપવા માગે છે કે જીવનની ખુશીઓ પાછી મેળવવા માટે ધીમે ધીમે આગળ વધવું જરૂરી છે. મોટા ભાગના પુસ્તકો થાક અને નિરાશા સામે લડતી વખતે જીવનની ગતિ ધીમી પાડવાનો સંદેશ આપે છે. કોઈપણ કાર્યમાં ઉતાવળ કરવાની જરૂર નથી. તાજેતરમાં અમેરિકા અને બ્રિટનમાં પ્રકાશિત પુસ્તક ‘મેરીગોલ્ડ માઇન્ડ લોન્ડ્રી’ આ ‘હીલિંગ’ સાહિત્યનો એક ભાગ છે. આ પુસ્તકમાં શાંતિ અને સુલેહનો સંદેશ ઝળકે છે, જે તેના કવરથી લઈને અંદરના પૃષ્ઠો સુધી અનુભવી શકાય છે. મોટાભાગના પુસ્તકોના કવર એક સુંદર અને શાંતિપૂર્ણ સ્થળનું ચિત્રણ હોય છે, જેમ કે કોઈ પુસ્તકાલય અથવા કાફે, જ્યાં લોકો જીવનની ધમાલથી દૂર માનસિક શાંતિ શોધે છે. ઉદાહરણ તરીકે, કોઈ તણાવપૂર્ણ નોકરી છોડી બુકશોપ ખોલે છે, તો કોઈ માટીકામના વર્ગમાં જોડાય છે. હીલિંગ સાહિત્યના ઉદભવ પાછળનું કારણ કોરિયન સમાજનું સ્પર્ધાત્મક અને તણાવપૂર્ણ વાતાવરણ હોવાનું કહેવાય છે, જેમાં બર્નઆઉટ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. તાજેતરના અહેવાલ મુજબ, દક્ષિણ કોરિયાના 70 ટકા લોકો માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓથી ઝઝૂમી રહ્યા છે.
કોરોના બાદ ક્રેઝ વધ્યો હીલિંગ પુસ્તકોની લોકપ્રિયતા કોરોના મહામારી દરમિયાન શરૂ થઈ હતી. હકીકતમાં, કોરોના દરમિયાન લોકો સામાજિક અંતરને કારણે તેમના ઘરોમાં પૂરાઈ ગયા હતા, તેથી આ પુસ્તકોની વાર્તાઓએ તેમને ખૂબ આકર્ષ્યા. આ વાર્તાઓએ વાચકોને તે સમયની મુશ્કેલીઓ દૂર કરવાની તક આપી. ખાસ કરીને યુવતીઓ જેઓ સોશિયલ મીડિયા પર આ પુસ્તકોની ચર્ચા કરતી હતી, તે આ ટ્રેન્ડનો એક ભાગ બની હતી. આ વાર્તાઓમાં પણ ‘કે-પૉપ’નો પ્રભાવ જોવા મળે છે. ઘણા ‘કે-પૉપ’ સ્ટાર્સે આ પુસ્તકો વિશે સકારાત્મક ટિપ્પણીઓ છોડી છે, જેણે આ વલણને વધારવામાં મદદ કરી છે.
આંતરરાષ્ટ્રીય લોકપ્રિય પુસ્તકોના વેચાણમાં ઉછાળો હીલિંગ સાહિત્ય આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બની રહ્યું છે. ઘણા મોટા પ્રકાશકો દક્ષિણ કોરિયન ‘હીલિંગ’ પુસ્તકો પ્રકાશિત કરવા દોડધામ કરી રહ્યા છે. એક ખાનગી પ્રકાશક આગામી 6 મહિનામાં ત્રણ પુસ્તકો પ્રકાશિત કરવાની યોજના ધરાવે છે.