5 મિનિટ પેહલા
- કૉપી લિંક
અત્યાર સુધી કેનેડામાં રેકોર્ડ સંખ્યામાં બહારથી લોકો આવ્યા તેના કારણે કેનેડાનો વસતી વૃદ્ધિદર 3.2 ટકા થઈ ગયો હતો જે સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપી હતો. વસતી વધવાના કારણે લેબર માર્કેટમાં સપ્લાય વધી ગયો, પરંતુ તેની સાથે સાથે હાઉસિંગના ભાવ વધી ગયા, મોંઘવારીમાં વધારો થયો. આના કારણે કેનેડાના કેટલાક રાજકારણીઓને લાગ્યું કે વિદેશી વર્કર્સ અને સ્ટુડન્ટની સંખ્યા પર અંકુશ મુકવો જરૂરી છે. કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે કહ્યું કે, કેનેડામાં જે વિદેશથી આવેલા સ્ટુડન્ટ રહે છે તેની સંખ્યા મર્યાદિત કરવાનું વિચાર રહ્યા છીએ. કારણ કે સરકારને હાઉસિંગ એફોર્ડેબિલિટીમાં તકલીફ પડી રહી છે. આટલા બધા લોકો આવે છે પણ ક્યાં રહેશે તે અમારા માટે મોટો સવાલ છે. કારણ કે એટલી રહેણાકની વ્યવસ્થા જ નથી.

કહેવાય છે કે, કેનેડામાં નોકરી કરવાનો અને ભણવાનો ક્રેઝ વધતો જાય છે એટલે કેનેડા તરફ વિદેશી લોકોનો પ્રવાહ સતત વધતો જાય છે. સીટીવીને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઈમિગ્રેશન મિનિસ્ટર મિલરે કહ્યું કે, લિબરલ સરકારે આ વર્ષે પહેલા ત્રણ મહિના અને પછીના ત્રણ મહિનામાં ઈન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યા નક્કી કરવાનું વિચારી રહી છે. મિલરના અનુસાર, કેનેડામાં અત્યારે સ્થિતિ એવી છે કે, કેનેડાના જ મૂળ સ્ટુડન્ટ કરતાં બહારના સ્ટુડન્ટ્સની સંખ્યા ઘણી વધી ગઈ છે અને તેના કારણે બેરોજગારી પણ વધી ગઈ છે. મિલરે કહ્યું કે, કેનેડામાં જે સ્ટુડન્ટ બહારથી આવીને રહે છે. હવે દરેક સ્ટુડન્ટના ઓફર લેટરની તપાસ થશે અને તેના આધારે છટણી કરવામાં આવશે. સાથે એવું પણ ઓફિશિયલ સ્ટેટમેન્ટ બહાર પડાશે કે બહારથી હવે કોઈ સ્ટુડન્ટ કેનેડામાં ન આવે.
ક્યા કારણોથી સ્ટુડન્ટ પર નિયંત્રણ આવી શકે
1. વર્ષ 2024ના પ્રથમ છ મહિનામાં કેનેડા કદાચ મંદીનો પણ સામનો કરી શકે છે.
2. કેનેડાનો વૃદ્ધિદર આખા વર્ષ દરમિયાન માત્ર 0.1 ટકા રહેવાની શક્યતા છે.
3. 2025થી 2028 દરમિયાન કેનેડાનો સરેરાશ ગ્રોથ રેટ માત્ર 1.95 ટકા રહી શકે
એક્સપર્ટ શું માને છે?
કેનેડા સ્ટુડન્ટ વિઝા અને ટેમ્પરરી વર્કર્સના વિઝા પર નિયંત્રણ મૂકે છે પરંતુ તેના કારણે અર્થતંત્રને ભારે અસર થવાની શક્યતા છે. બહારના લોકો વગર કેનેડામાં ગ્રોથ રેટ જ ધીમો પડી જશે. કદાચ મંદી પણ આવી શકે છે. કેનેડાએ વિકાસ કરવો હોય તો બહારના લોકોને આવવા દેવા પડશે તેમ એક્સપર્ટ માને છે.
કેનેડામાં અત્યારે 8 લાખ સ્ટુડન્ટ છે
અત્યારે એક્ટિવ વિઝા હોય તેવા 8 લાખ સ્ટુડન્ટ કેનેડામાં છે. જે 2012માં 2 લાખ 75 હજાર સ્ટુડન્ટ હતા. 2023ના એન્ડમાં એટલે છેલ્લા ત્રણ મહિનામાં 3 લાખ સ્ટુડન્ટો કેનેડા પહોંચ્યા હતા. એનો અર્થ એ થયો કે દર મહિને એક લાખ સ્ટુડન્ટ કેનેડા પહોંચે છે. ઓક્ટોબર 2022થી ઓક્ટોબર 2023 સુધીના 12 મહિનાના ગાળામાં કેનેડાએ 4.54 લાખ નવા પર્મેનન્ટ રેસિડન્ટને સ્વીકાર્યા હતા. તેની સાથે આ સંખ્યા વધીને કુલ 8 લાખનો આંકડો પાર કરી ગઈ હતી. કેનેડામાં ટેમ્પરરી રેસિડન્ટ લોકોની સંખ્યા ઘટશે તો ઈકોનોમી પણ ધીમી પડશે.
ભારત જેવા વિશાળકાય દેશ વર્ષ 2024માં 7 ટકાથી વધારે વૃદ્ધિદરની અપેક્ષા રાખે છે ત્યારે કેનેડાનો વૃદ્ધિદર આખા વર્ષ દરમિયાન માત્ર 0.1 ટકા રહેવાની શક્યતા છે. વર્ષ 2025થી 2028 દરમિયાન કેનેડાનો સરેરાશ ગ્રોથ રેટ માત્ર 1.95 ટકા રહેવાની શક્યતા છે. ટેમ્પરરી રેસિડન્ટ માટે કેનેડાના દરવાજા બંધ થઈ જાય તો વર્ષ 2024માં કેનેડાનો રિયલ જીડીપી વૃદ્ધિદર 0.7 ટકા ઘટવાની શક્યતા છે. ત્યાર પછીના ચાર વર્ષમાં વાસ્તવિક જીડીપી ગ્રોથ રેટ માત્ર 1.78 ટકા રહેશે.

1 જાન્યુઆરી, 2024થી કેનેડા સરકારે શું ફેરફાર કર્યા?
કેનેડામાં રહીને ભણતા ભારતીય સ્ટુડન્ટ અને જે સ્ટુડન્ટ કેનેડા જવાની તૈયારી કરી રહ્યા છે, તેમના માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. કેનેડા સરકારે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ માટે ત્રણ ફેરફાર કર્યા છે. આ ફેરફારો 1 જાન્યુઆરી 2024થી લાગુ પડશે. આ ત્રણ ફેરફારો વિશે ઈમિગ્રેશન કન્સલટન્ટ પાર્થેશ ઠક્કરે દિવ્ય ભાસ્કરને વિગતથી માહિતી આપી હતી.
પહેલો ફેરફાર – કેનેડિયન વિઝા લેવા માટે વર્ષે 10 હજાર કેનેડિયન ડોલર એટલે ભારતીય 6 લાખ 20 હજાર રૂપિયા GCI (ગેરેન્ટેડ ઈન્વેસ્ટમેન્ટ સર્ટિફિકેટ) ત્યાંની બેન્કમાં જમા કરાવવા પડતા હતા. તેને ડબલ કરીને વર્ષે 20,635 કેનેડિયન ડોલર એટલે ભારતના 12 લાખ 66 હજાર રૂપિયા ભરવા પડશે. દર વર્ષે ડબલ રૂપિયા આપવાના.
બીજો ફેરફાર – ભારત અને બીજા દેશોમાંથી જે ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ કેનેડામાં રહીને અભ્સાસ કરે છે અને જે સ્ટુડન્ટે કેનેડા જવા માટે 7 ડિસેમ્બર 2023 પહેલાં સ્ટુડન્ટ વિઝા અપ્લાય કરી દીઘા છે તેવા સ્ટુડન્ટ 30 એપ્રિલ 2024 સુધી ફુલટાઈમ જોબ કરી શકશે. એટલે ઓફ કેમ્પસ 20 કલાકના બદલે 40 કલાક કામ કરી શકશે.
ત્રીજો ફેરફાર – કેનેડા સરકારે 2021, 2022 અને 2023 એમ ત્રણ વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટ આપી હતી અને આ ત્રણ વર્ષની પરમિટને 18 મહિના માટે ફ્રીમાં લંબાવી હતી. હવે પોસ્ટ ગ્રેજ્યુએટ વર્ક પરમિટમાં એક્સટેન્શન નહીં મળે. માનો કે એક્સટેન્શન લેવું હોય તો તેની પ્રોસેસ ફોલો કરવી પડશે. કાં તો આગળ વધારે ભણવું પડશે, કાં જોબ કરવી પડશે.