1 કલાક પેહલા
- કૉપી લિંક
આ તસવીર કેનેડાના સર્રે ખાતે આવેલા લક્ષ્મી નારાયણ મંદિરની છે. ખાલિસ્તાનીઓએ ઘણી વખત તેના પર હુમલો કરવાની ધમકી આપી છે. (ફાઈલ)
કેનેડાના સર્રેમાં લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારના પુત્રના ઘર પર હુમલો કરવામાં આવ્યો છે. હુમલાખોરોએ 27 ડિસેમ્બરે સવારે 8:03 વાગ્યે 14 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. કેનેડિયન પોલીસના જણાવ્યા અનુસાર હુમલામાં કોઈને ઈજા થઈ નથી. જો કે, ઘરમાં ઘણી જગ્યાએ ગોળીઓના નિશાન જોવા મળે છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ હુમલો ખાલિસ્તાન સમર્થકો દ્વારા કરવામાં આવ્યો હતો. હાલમાં કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. આ વિસ્તારમાં રહેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે અને આ હુમલાને નજરે જોનારના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
આ તસવીર લક્ષ્મી નારાયણ મંદિરના પ્રમુખ સતીશ કુમારની છે, જેમના પુત્રના ઘર પર હુમલો થયો હતો. (ફાઈલ)
ખાલિસ્તાનીઓએ નવેમ્બરમાં મંદિર પર હુમલાની ધમકી આપી હતી
નવેમ્બરમાં કેનેડિયન ભારતીય મૂળના સાંસદ ચંદ્ર આર્યએ એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ખાલિસ્તાની સમર્થકો લક્ષ્મી નારાયણ મંદિરને નુકસાન પહોંચાડવાની વાત કરતા જોવા મળ્યા હતા. આર્યએ કહ્યું- કેનેડામાં વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે આ બધું કરવામાં આવી રહ્યું છે.
સાંસદે કહ્યું- છેલ્લા કેટલાક વર્ષોમાં હિન્દુ મંદિરો પર ઘણી વખત હુમલા થયા છે. હિન્દુ-કેનેડિયનો વિરુદ્ધ નફરતની દીવાલ ઊભી કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવી બાબતોને ખુલ્લેઆમ અને જાહેરમાં ચાલુ રાખવા દેવી તે સ્વીકાર્ય નથી. ખરેખરમાં, ખાલિસ્તાનીઓ કેનેડામાં મંદિરો પર હુમલા બાબતે ઘણી વખત ધમકીઓ આપી ચૂક્યા છે.
ઓગસ્ટ મહિનામાં મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી
આ પહેલા ઓગસ્ટમાં પણ ખાલિસ્તાનીઓએ લક્ષ્મી નારાયણ મંદિરમાં તોડફોડ કરી હતી. મંદિરમાં આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના પોસ્ટર લગાવવામાં આવ્યા હતા, જેની હત્યા માટે કેનેડાએ ભારત પર આરોપ લગાવ્યો છે. જણાવીએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એપ્રિલ 2015માં આ જ મંદિરમાં પ્રાર્થના કરી હતી.
આ પહેલા 25 નવેમ્બરે પણ ખાલિસ્તાની સમર્થકોએ હિન્દુઓને ધમકાવવાનો પ્રયાસ કર્યો હતો. ખાલિસ્તાની સમર્થકોએ ટોરોન્ટોમાં મિસીસોગામાં કાલીબારી મંદિરમાં પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન ખાલિસ્તાનીઓએ તિરંગાનું અપમાન પણ કર્યું હતું.
આ ફૂટેજ લક્ષ્મી નારાયણ મંદિરના છે, જ્યાં ખાલિસ્તાની સમર્થકો પોસ્ટર લગાવતા દેખાય છે.
નિજ્જર કેસ બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધ્યો હતો
ખાલિસ્તાનીઓના મુદ્દે ભારત અને કેનેડા વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. 18 સપ્ટેમ્બરે કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ તેમની સંસદમાં ભારત સરકાર પર આતંકવાદી નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી બંને દેશો વચ્ચે તણાવ વધી ગયો. ભારતે શરૂઆતથી જ કેનેડાના આરોપોને ફગાવી દીધા છે.
જો કે, વિદેશ મંત્રાલયે આ મામલે કેનેડા સરકાર પાસેથી આરોપો અને નક્કર માહિતીની માંગ કરી હતી. મંત્રાલયે કહ્યું હતું કે તે માહિતીના આધારે તપાસ કરવા તૈયાર છે. ટ્રુડોએ અત્યાર સુધી અનેક મંચો પર પોતાના આરોપો વારંવાર રટણ કર્યા છે.