19 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાજધાની બેરૂતમાં હુમલા બાદ એક ઈમારતમાંથી ધુમાડાના ગોટે-ગોટા નીકળતા દેખાયા હતો.
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ભાષણના લગભગ એક કલાક પછી ઇઝરાયેલે શુક્રવારે બેરૂતમાં હિઝબુલ્લાના હેડક્વાર્ટર પર મિસાઇલો વરસાવી હતી. હુમલામાં 6 લોકોના મોત થયા છે અને 90થી વધુ લોકો ઘાયલ થયા છે. ઇઝરાયલના મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે આ હુમલામાં હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહની પુત્રી ઝૈનબ નસરાલ્લાહ મોતને ભેટી છે.
હિઝબુલ્લાએ ઝૈનબના મૃત્યુની પુષ્ટિ કરી નથી. ઇઝરાયલની ચેનલ 12એ તેના મૃત્યુની જાણ કરી છે. પાકિસ્તાની પત્રકાર અહમદ કુરૈશીએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે ઇઝરાયલના હુમલામાં કમાન્ડ સેન્ટરના કાટમાળમાંથી હિઝબુલ્લા ચીફની પુત્રીનો મૃતદેહ મળી આવ્યો હતો. તેમણે કહ્યું કે લેબનનના અધિકારીઓએ આ વાતની પુષ્ટિ કરી છે.
ઝૈનબ નસરલ્લાહ તેના પિતા સાથે હિઝબુલ્લામાં કામ કરતી હતી.
હિઝબુલ્લાહ ચીફના મૃત્યુ પર સસ્પેન્સ
આ દરમિયાન, રોયટર્સે લેબનનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલા બાદ હિઝબુલ્લાના ચીફ નસરલ્લાહનો સંપર્ક કરવામાં આવ્યો નથી. હુમલાના કેટલાક કલાકો પછી પણ હિઝબુલ્લાએ નસરલ્લાહ અંગે કોઈ નિવેદન જાહેર કર્યુ નથી.
ઇઝરાયલના એક અધિકારીએ ટાઈમ્સ ઓફ ઈઝરાયેલને જણાવ્યું કે જ્યાં હુમલો થયો હતો ત્યાં હિઝબુલ્લાહના ટોચના અધિકારીઓ બેઠકો યોજતા હતા. હુમલા સમયે હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહ ત્યાં હાજર હતા કે કેમ તે જાણી શકાયું નથી.
જો કે, હિઝબુલ્લાહની નજીકના સુત્રોએ અગાઉ રોઇટર્સને જણાવ્યું હતું કે નસરલ્લાહ જીવિત છે. આ પહેલા ઈરાનની તસનીમ ન્યૂઝ એજન્સીએ પણ કહ્યું હતું કે તેઓ સુરક્ષિત છે. આ દરમિયાન, ઇઝરાયલની સેનાએ કહ્યું છે કે તેમના હુમલામાં હિઝબુલ્લાહના મિસાઇલ યુનિટ કમાન્ડર મોહમ્મદ અલી ઇસ્માઇલ અને ડેપ્યુટી હોસૈન અહેમદ ઇસ્માઇલ માર્યા ગયા છે.
રાજધાની બેરૂત સહિત ઘણા વિસ્તારોમાં ઇઝરાયલ આર્મીનો મિસાઇલ હુમલો હજુ પણ ચાલુ છે. ઇઝરાયલે બેરુતના દહિયાહ શહેરમાં રહેતા લોકોને તાત્કાલિક વિસ્તાર ખાલી કરવા જણાવ્યું છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ જગ્યાઓનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.
હુમલા બાદની તસવીરો…
ઇઝરાયલી સેનાએ શનિવારે સવારે બેરૂત પર હુમલો ચાલુ રાખ્યો હતો.
હુમલા બાદ એક ઈમારતમાંથી ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા.
બેરૂતમાં હુમલા બાદ ઘણી ઇમારતોને નુકસાન થયું હતું.
ક્ષતિગ્રસ્ત ઈમારતોમાં હિઝબુલ્લાહનું હેડક્વાર્ટર પણ હતું.
રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને રાહત કાર્યમાં લાગેલી છે.
આસપાસના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
ઇઝરાયલે બંકર બ્લાસ્ટર બોમ્બથી હુમલો કર્યો ઇઝરાયલના મીડિયાનો દાવો છે કે સેનાએ હિઝબુલ્લાના હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે બંકર બ્લાસ્ટર્સ બોમ્બનો ઉપયોગ કર્યો હતો. આ બોમ્બ વિસ્ફોટ કરતા પહેલા જમીનમાં ઊંડે સુધી પહોંચે છે અને પછી વિસ્ફોટ થાય છે અને ભૂગર્ભ ટનલ અને બંકરોને ભારે નુકસાન પહોંચાડે છે.
ઇઝરાયલે લેબનન સરહદ પર વધારાની ટેન્ક અને સશસ્ત્ર વાહનો તહેનાત કર્યા છે. નેતન્યાહુએ સેનાને લેબનનમાં સંભવિત ગ્રાઉન્ડ મિશન માટે તૈયાર રહેવા સૂચના આપી છે.
આ તસવીર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિનના કાર્યાલય દ્વારા જાહેર કરવામાં આવી છે. યુએનમાં ભાષણ પછી, નેતન્યાહૂએ લેન્ડલાઇન દ્વારા લેબનનમાં હુમલો કરવાનો આદેશ આપ્યો. આ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
નેતન્યાહૂ અમેરિકાનો પ્રવાસ અધૂરો છોડીને પરત ફરશે બેરૂતમાં ઇઝરાયલ હુમલા બાદ પીએમ નેતન્યાહુએ તેમની યુએસ મુલાકાત ટુંકાવી દીધી છે. તેમના કાર્યાલય દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે વડાપ્રધાન ટૂંક સમયમાં ઇઝરાયલ પરત ફરી રહ્યા છે.
ઇઝરાયલે રાજધાની બેરૂતના દહિયાહ શહેરમાં રહેતા લેબનન નાગરિકોને તાત્કાલિક સ્થળ ખાલી કરવા જણાવ્યું છે. ઇઝરાયલની સેનાનું કહેવું છે કે હિઝબુલ્લાહ આ સ્થળોનો ઉપયોગ ઇઝરાયલ પર હુમલો કરવા માટે કરી રહ્યું છે.
ખામેનીએ ઈરાનમાં ઈમરજન્સી બેઠક બોલાવી ન્યૂયોર્ક ટાઈમ્સના જણાવ્યા અનુસાર, બેરૂત પર ઇઝરાયલના હુમલા બાદ ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લાહ ખામેનીએ શુક્રવારે રાત્રે પોતાના ઘરે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી હતી. બેઠકમાં ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝકિયાને ઇઝરાયલના હુમલાની નિંદા કરી અને તેને વોર ક્રાઈમ ગણાવ્યો હતો.
ખામેનીના સલાહકાર અલી લારિજાનીએ કહ્યું કે ઈઝરાયલ રેડ લાઈન પાર કરી રહ્યું છે. તેમણે કહ્યું કે લોકોને મારવાથી ઉકેલ આવશે નહીં. અન્ય તેમની જગ્યા લેશે. ઇઝરાયલના આતંકનો સામનો કરવા લોકો વધુ મજબૂતીથી એક થશે.
નેતન્યાહુએ UNમાં કહ્યું – ઈરાન-ઈરાક મધ્ય પૂર્વ માટે શાપ છે ઇઝરાયલ અને લેબનન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે શુક્રવારે ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ યુએન જનરલ એસેમ્બલીને સંબોધી હતી. તેમણે કહ્યું કે તેઓ આ વખતે યુએનજીએમાં ભાષણ આપવા માંગતા ન હતા, પરંતુ ઇઝરાયલ વિશે ફેલાવવામાં આવી રહેલા જૂઠાણાંએ તેમને તેમના દેશનો પક્ષ રજૂ કરવા મજબુર કર્યા.
નેતન્યાહુનું ભાષણ શરૂ થતાની સાથે જ ઘણા દેશોના પ્રતિનિધિઓ ઉભા થઈ ગયા અને યુએન એસેમ્બલીમાંથી બહાર નીકળી ગયા. નેતન્યાહુએ કહ્યું, “છેલ્લી વખતે જ્યારે મેં નકશો બતાવ્યો હતો, ત્યારે ઇઝરાયલ અને તેના સાથી આરબ દેશો એશિયાને યુરોપ, હિન્દ મહાસાગરને ભૂમધ્ય સમુદ્રથી જોડતા હતા.”
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ શુક્રવારે યુએન જનરલ એસેમ્બલીને સંબોધન કર્યુ હતું.
ઇઝરાયેલના પીએમ નેતન્યાહુએ યુએનજીએમાં 2 નકશા બતાવ્યા. આમાંના એકમાં સાઉદી, ઇજિપ્ત અને સુદાનને આ ક્ષેત્ર માટે વરદાન ગણાવ્યા હતા.
નેતન્યાહુએ લેબનન સાથે યુદ્ધ બંધ કરવાનો ઇનકાર કર્યો ઇઝરાયલે 26 સપ્ટેમ્બરે લેબનનમાં યુદ્ધ રોકવાનો ઇનકાર કર્યો હતો. ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી. એવું કહેવામાં આવ્યું છે કે યુદ્ધવિરામના અહેવાલો ખોટા છે.
યુદ્ધવિરામ પર નેતન્યાહૂના ઇનકાર બાદ વ્હાઇટ હાઉસે કહ્યું કે યુદ્ધવિરામ પ્રસ્તાવની જાહેરાત કરતા પહેલા તેણે ઇઝરાયલ સાથે ચર્ચા કરી હતી. પછી તે તેના માટે સંમત થયા.
સીએનએન અનુસાર, વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ જીન પિયરે કહ્યું કે 21 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવની જાહેરાત ઇઝરાયલી પક્ષની સહમતિ બાદ જ કરવામાં આવી હતી. આ પછી અમેરિકા અને ફ્રાન્સે યુએનમાં આ અંગે સંયુક્ત નિવેદન પણ જાહેર કર્યુ હતું, પરંતુ થોડા કલાકો પછી ઇઝરાયલે તેનો ઇનકાર કર્યો હતો.
ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 18 વર્ષમાં સૌથી મોટું યુદ્ધ ફાટી નીકળ્યું ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 2006 પછીનું સૌથી મોટું યુદ્ધ ફાટી નીકળ્યું છે. 17 સપ્ટેમ્બરે લેબનનમાં પેજર હુમલો થયો હતો. માત્ર એક દિવસ પછી, પેજર અને વોકી-ટોકી પણ વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાહ અને લેબનને આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું.
ઇઝરાયલ લેબનનમાં 9 દિવસથી મિસાઇલ હુમલા કરી રહ્યું છે. અલજઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલના મિસાઇલ હુમલાના કારણે લેબનનમાં 700થી વધુ લોકોના મોત થયા છે. આ સિવાય 5 લાખથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે. ઇઝરાયલે લેબનનમાં હાથ ધરાયેલા ઓપરેશનને “નોર્દન એરોજ” નામ આપ્યું છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ 23 સપ્ટેમ્બરે લેબનન પર સૌથી મોટો હુમલો કર્યો હતો. IDFએ હિઝબુલ્લાહની 1600 જગ્યાઓને નિશાન બનાવીને હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 10 હજાર રોકેટ નષ્ટ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 569 લોકોના મોત થયા હતા.