કેલિફોર્નિયા40 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકામાં ભારતીય સમુદાયના લોકોએ FBI અને જસ્ટિસ ડિપાર્ટમેન્ટ સાથે બેઠક યોજી હતી.
અમેરિકામાં રહેતા ભારતીય મૂળના નાગરિકોએ FBI, જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને કેલિફોર્નિયાની સિલિકોન વેલીની સ્થાનિક પોલીસ સાથે બેઠક યોજી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે અમેરિકન જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલા માટે કરવામાં આવી રહ્યો છે.
આ દરમિયાન હિન્દુ અને જૈન મંદિરો વિરુદ્ધ હેટ ક્રાઈમના મુદ્દે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ બેઠકમાં લગભગ 25 ભારતીય-અમેરિકન નાગરિકો હાજર રહ્યા હતા. તેમણે કહ્યું- મંદિરો પર હુમલામાં અચાનક વધારો થયો છે, જેના કારણે અહીં રહેતા મુળ ભારતીયો ભયભીતમાં છે. ખાલિસ્તાની સમર્થકો સ્કૂલો અને દુકાનોની બહાર ટ્રક ઉભી રાખીને ભારતીયોને ડરાવવા-ધમકાવવાના પ્રયાસ કરે છે.
આ દરમિયાન ખાલિસ્તાની સંગઠન શીખ ફોર જસ્ટિસ (SFJ)નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો, જેની સ્થાપના ગુરપતવંત સિંહ પન્નુએ કરી હતી. બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે પન્નુના સમર્થકો અમેરિકામાં સૌથી વધુ હિન્દુ અને ભારત વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ રહે છે. ભારતીય સમુદાયના લોકોએ પણ પન્નુ દ્વારા વારંવાર જાહેર કરવામાં આવતા ઉશ્કેરણીજનક અને ધમકીભર્યા ભાષણો સામે પગલાં લેવાની માંગ કરી હતી.

ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ અનેકવાર વીડિયો જારી કરીને ભારત પર હુમલાની ધમકી આપી છે.
ભારતીયોએ કહ્યું- એજન્સીઓ આતંકવાદીઓ-ખાલિસ્તાનીઓ વિરુદ્ધ કાર્યવાહી નથી કરી રહી
બેઠક દરમિયાન ભારતીય-અમેરિકનોએ પણ નારાજગી વ્યક્ત કરી હતી કે એફબીઆઈ અને પોલીસ જેવી એજન્સીઓ આવા લોકો સામે કોઈ કાર્યવાહી કરી રહી નથી. તેમાં એવા લોકો પણ સામેલ છે જેમણે હાલમાં સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો અને ડિપ્લોમેટ્સને ખુલ્લેઆમ ધમકી આપી હતી.
બેઠકમાં ભાગ લેનાર એક ભારતીયે FBIને જણાવ્યું કે ખાલિસ્તાન સમર્થકો ખુલ્લેઆમ એર ઈન્ડિયાના વિમાનોને ઉડાવી દેવાની ધમકી આપી રહ્યા છે. ખાલિસ્તાનીઓ બેનરો પર લખેલા હિન્દુઓને નિશાન બનાવતા સંદેશાઓ સાથે ફરે છે.
બીજી તરફ FBI એ કહ્યું કે તેમની પાસે ખાલિસ્તાનીઓની પ્રવૃત્તીઓ વિશે કોઈ માહિતી નથી. બેઠકમાં, જસ્ટિસ ડિપાર્ટમેન્ટે એક કાર્યકારી જૂથ બનાવવાનું વચન આપ્યું હતું, જે ધાર્મિક સ્થળો પર સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે કામ કરશે. આ કાર્યકારી જૂથમાં ભારતીય સમુદાય સાથે જોડાયેલા ઘણા લોકોને પણ સામેલ કરવામાં આવશે.
અમેરિકામાં ભારતીયોના મૃત્યુના કેસમાં વધારો થયો છે છેલ્લા કેટલાક મહિનામાં અમેરિકામાં ભારતીયોના મોતની ઘટનાઓ સતત વધી રહી છે. આ વર્ષના પ્રથમ 2 મહિનામાં અમેરિકામાં 5 ભારતીય વિદ્યાર્થીઓ અને 3 ભારતીય મૂળના લોકોના મોત થયા છે.
વ્હાઈટ હાઉસે પણ ગયા મહિને ભારતીયોના મોત મામલે નિવેદન જાહેર કર્યું હતું. વ્હાઇટ હાઉસ નેશનલ સિક્યોરિટી કાઉન્સિલના પ્રવક્તા જોન કિર્બીએ કહ્યું- અમેરિકામાં જાતિ, લિંગ અથવા અન્ય કોઈ આધાર પર હિંસા સ્વીકારવામાં આવશે નહીં. રાષ્ટ્રપતિ જો બાઈડન અને તેમનું વહીવટીતંત્ર આ હુમલાઓને રોકવા માટે પુરતા પ્રયાસ કરી રહ્યા છે.

ખાલિસ્તાનીઓએ ગયા વર્ષે સાન ફ્રાન્સિસ્કોમાં ભારતીય દૂતાવાસ પર હુમલો કર્યો હતો. આ દરમિયાન અહીં આગ લગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કેલિફોર્નિયામાં ઘણા ગુરુદ્વારાઓ પર ખાલિસ્તાનીઓનો કન્ટ્રોલ
પંજાબને ભારતથી અલગ દેશ બનાવવા માટે SJFએ 28 જાન્યુઆરીએ કેલિફોર્નિયાના સાન ફ્રાન્સિસ્કોમાં ખાલિસ્તાન જનમતનું આયોજન કર્યું હતું. કેલિફોર્નિયામાં 2.50 લાખથી વધુ શીખો રહે છે.
અહીં સેન જોન્સ ગુરુદ્વારા, ગુરુદ્વારા ફ્રેમોન્ટ, અલ સોબ્રેન્ટ, રોસવિલે અને યુવા સિટી જેવા ઘણા ગુરુદ્વારા છે. ઘણા ગુરુદ્વારાઓની મેનેજમેન્ટ કમિટીઓ પર ખાલિસ્તાની સમર્થકોનો કબજો છે. ગુરુદ્વારા ફ્રેમોન્ટ સાહિબ પર ખાલિસ્તાનના સમર્થક શીખ ફોર જસ્ટિસની મદદ કરવાના આરોપ છે.
અમેરિકાએ ખાલિસ્તાની સમર્થકોની તપાસ કરવી જોઈએઃ થિંક ટેન્ક
અમેરિકન થિંક ટેન્ક હડસન ઈન્સ્ટિટ્યૂટએ પોતાના રિપોર્ટ ‘પાકિસ્તાન ડિસ્ટેબલાઈઝ પ્લેબુકઃ ખાલિસ્તાન સેપરેટિસ્ટ એક્ટિવિઝમ ઈન અમેરિકા’માં કહ્યું હતું કે અમેરિકામાં ઘણા ગુરુદ્વારા હવે ઉગ્રવાદ અને હિંસાનું જન્મસ્થળ બની ગયા છે.
આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતે ઘણી વખત ખાલિસ્તાની સમર્થકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી છે. ઉગ્રવાદી સંગઠનો સમગ્ર વિશ્વ માટે જોખમી છે, તેથી ખાલિસ્તાન સંબંધિત સંગઠનો અને તેમના સમર્થકોની તમામ પ્રવૃત્તીઓની તપાસ થવી જોઈએ.