ટ્રમ્પ ચાર વર્ષનો બ્રેક લઇને આવ્યા પણ પુતિન હજી ત્યાંના ત્યાં જ છે.
.
આ જોડી હવે ફરી વિશ્વભરના દેશોને, અર્થતંત્રને નચાવશે. દુનિયા જાણે છે કે રશિયા અને અમેરિકાને બનતું નથી. ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વિજેતા બન્યા ત્યારે વિશ્વભરના નેતાઓએ અભિનંદન આપ્યા હતા પણ રશિયાના રાષ્ટ્રપતિ પુતિને બે દિવસ પછી અભિનંદન આપ્યા. હવે ટ્રમ્પે ચૂંટણી જીત્યા પછી પહેલીવાર પુતિન અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને ફોન કર્યો ને યુદ્ધ ખતમ કરવા કહ્યું. બંને નેતાઓએ ‘હા એ હા’ કરી ને ટ્રમ્પના ફોન પછીના થોડા કલાકોમાં ડ્રોન હુમલા કર્યા. એ કહેવાની જરૂર નથી કે અમેરિકાના રાષ્ટ્રપતિની અવગણના મોંઘી પડશે.
નમસ્કાર,
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કહેલું કે, હું રાષ્ટ્રપતિ બનું ને ધારું તો રશિયા-યુક્રેન યુદ્ધ 24 કલાકમાં ખતમ કરાવી શકું. ટ્રમ્પે હજી સત્તાવાર ખુરશી સંભાળી નથી,છતાં પુતિન અને ઝેલેન્સકીને ફોન કર્યો. બંને દેશ અમેરિકાનું માને એવા નથી પણ આ બંને દેશ એ ભૂલી રહ્યા છે કે, અમેરિકામાં હવે બાઈડન શાસન લાંબો સમય રહેવાનું નથી અને 20 જાન્યુઆરી-2025થી ટ્રમ્પ શાસન આવવાનું છે.
ટ્રમ્પની જીતના બે દિવસ પછી પુતિને શું કહ્યું હતું?
પુતિને સોચીના બ્લેક સી રિસોર્ટમાં ઈન્ટરનેશનલ કોન્ફરન્સમાં ટ્રમ્પના વખાણ કર્યા હતા. તેમણે કહ્યું, જ્યારે તેમના પર હુમલો થયો ત્યારે હું ટ્રમ્પના વર્તનથી ખૂબ પ્રભાવિત થયો હતો. ટ્રમ્પ એક હિંમતવાન વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા. હુમલા બાદ ટ્રમ્પે પોતાને અલગ ટ્રેક પર રાખ્યા હતા. જો ટ્રમ્પ રશિયા સાથેના સંબંધો ફરી સ્થાપિત કરવાની અને યુક્રેન સંકટને સમાપ્ત કરવામાં મદદ કરવાની વાત કરી રહ્યા છે, તો મને લાગે છે કે તેના પર ધ્યાન આપવું યોગ્ય છે. ટ્રમ્પ સાહસી છે અને તેમના અમેરિકા રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન રશિયા શાંતિના માર્ગે આગળ વધશે.
ટ્રમ્પે પુતિનને કહ્યું- યાદ રાખજો, હજી યુરોપમાં અમેરિકાની ફોર્સ તહેનાત છે
અમેરિકી રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રથમ વખત રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી છે. રોયટર્સના અહેવાલ મુજબ, 7 નવેમ્બરે બંને નેતાઓ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી, જેની વિગતો હવે સામે આવી છે. બંને નેતાઓએ યુક્રેનમાં શાંતિ જાળવવાની વાત કરી હતી. ટ્રમ્પે પુતિનને યુક્રેન યુદ્ધને વધુ ન વધારવાની સલાહ આપી અને કહ્યું કે, યાદ રાખજો, હજી યુરોપમાં અમેરિકાની ફોર્સ તહેનાત છે. ટ્રમ્પે ફ્લોરિડામાં તેમના રિસોર્ટમાંથી વાત કરી હતી. વાતચીતની શરૂઆતમાં પુતિને ચૂંટણી જીત પર અભિનંદન આપ્યા અને કહ્યું કે રશિયા અમેરિકા સાથે વાતચીત માટે તૈયાર છે. આ દરમિયાન બંને નેતાઓએ યુરોપમાં શાંતિ જાળવી રાખવા પર પણ ચર્ચા કરી હતી.
ટ્રમ્પ અને ઝેલેન્સકી વચ્ચેની વાતચીતમાં મસ્ક પણ સામેલ હતા
આ પહેલાં ટ્રમ્પે 6 નવેમ્બરે ઝેલેન્સકી સાથે પણ વાત કરી હતી. આ વાતચીત 25 મિનિટ સુધી ચાલી હતી. ટ્રમ્પે ઝેલેન્સકીને આશ્વાસન આપ્યું કે તે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધમાં તેમની મદદ કરશે. ટ્રમ્પે ઝેલેન્સકીને કહ્યું કે તે ડિપ્લોમસીને બીજી તક આપવા માંગે છે. હું વચન આપું છું કે હું તમને નિરાશ કરીશ નહીં પણ યુદ્ધ ખતમ કરવું જરૂરી છે. આ વાતચીત બાદ ટ્રમ્પે મસ્કને ફોન સોંપ્યો હતો. મસ્કે પણ ઝેલેન્સ્કી સાથે વાત કરી. ઝેલેન્સકીએ યુક્રેનને ઈન્ટરનેટ આપવા બદલ મસ્કનો આભાર માન્યો હતો. મસ્કે કહ્યું કે તે તેના સ્ટારલિંક સેટેલાઇટ દ્વારા યુક્રેનને મદદ કરવાનું ચાલુ રાખશે. 2022માં યુદ્ધ શરૂ થયા બાદ રશિયાએ યુક્રેનમાં કોમ્યુનિકેશન નેટવર્કનો નાશ કર્યો હતો. ત્યારથી મસ્કની સ્ટારલિંક સિસ્ટમ યુક્રેનમાં ઇન્ટરનેટ આપે છે.
ટ્રમ્પે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે વાત કરીને થોડા કલાકોમાં જ ડ્રોન હુમલા થયા
2022માં રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થયું, ત્યારથી અત્યાર સુધીમાં રશિયા પરનો સૌથી મોટો હુમલો યુક્રેને કર્યો હતો. યુક્રેને રશિયાની રાજધાની મોસ્કો પર સૌથી મોટો હુમલો કર્યો છે. યુક્રેને 34 ડ્રોનથી મોસ્કોને નિશાન બનાવ્યું છે. આ હુમલાને કારણે મોસ્કોના ત્રણ મોટા એરપોર્ટ પરથી ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી. રોઈટર્સના રિપોર્ટ મુજબ, રશિયાએ પણ વળતા જવાબમાં યુક્રેન પર 13 ડ્રોનથી હુમલો કર્યો હતો. બંને હુમલામાં કોઈ નુકસાની કે જાનહાનિ થઈ નથી. પણ આ હુમલા ત્યારે થયા જ્યારે ટ્રમ્પે બંને દેશના રાષ્ટ્રપતિ સાથે ફોનમાં શાંતિની વાત કરી હતી.
ટ્રમ્પે કહેલું કે, પુતિન માટે હું જ સમસ્યા બનીશ
જુલાઈ 2018માં ટ્રમ્પે CNBCને આપેલા એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે પુતિન સાથે કરાર સુધી પહોંચવાના તેમના પ્રયાસો નિષ્ફળ જાય છે, તો તેઓ પુતિનના સૌથી મોટા દુશ્મન હશે. ટ્રમ્પે એવું પણ કહ્યું હતું કે, હું જ પુતિન માટે સૌથી મોટી સમસ્યા બનીશ, પરંતુ મને નથી લાગતું કે આની જરૂર પડે. હું રશિયા પ્રત્યે જેટલો કડક છું એટલા કડક અમેરિકાના કોઈ રાષ્ટ્રપતિ રહ્યા નથી. ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ (2017-2021) દરમિયાન મોટા યુરોપિયન દેશો ફ્રાન્સ, જર્મની અને બ્રિટન બેચેન દેખાતા હતા. પડોશી દેશ કેનેડા પ્રત્યે પણ ટ્રમ્પનું વલણ એકદમ કડક હતું. હજી પણ કેનેડા માટે ટ્રમ્પનું વલણ કડક જ છે.
ટ્રમ્પ યુક્રેનને મળતી મદદ બંધ કરી શકે છે
2022માં જ્યારે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો ત્યારે અમેરિકા અને યુરોપના દેશો યુક્રેનના સમર્થનમાં હતા. આજે પણ આ જ સ્થિતિ છે. પણ સવાલ એ છે કે અમેરિકામાં સરકાર બદલાયા બાદ અમેરિકા અને યુક્રેન વચ્ચેના સંબંધો પહેલા જેવા જ રહેશે કે નહીં? કારણ કે ઝેલેન્સકી નહીં માને તો અમેરિકા તરફથી યુક્રેનને મળતી ડિફેન્સ મદદ બંધ થઈ શકે છે. ટ્રમ્પે હાલમાં જ ચૂંટણી પ્રચાર દરમિયાન ઝેલેન્સકી વિશે મોટું નિવેદન આપ્યું હતું. તેણે કહ્યું હતું કે ઝેલેન્સકી બહુ મોટા સેલ્સમેન છે. જ્યારે પણ તે અમેરિકા આવે છે ત્યારે લાખો ડોલર લઈ જાય છે. હવે આવું નહીં ચાલે. અત્યારે ટ્રમ્પ યુક્રેનનું વલણ જોઈ રહ્યા છે. તેલ અને તેલની ધાર જોયા પછી ટ્રમ્પ યુક્રેનને મદદ રોકવાનો નિર્ણય લઈ શકે છે.
જીત પછી ટ્રમ્પે 70 દેશોના નેતાઓ સાથે વાત કરી ચૂક્યા છે, નેતન્યાહુ સાથે ત્રણ વખત વાત કરી
ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ 10 નવેમ્બરે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે, ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી જીત્યા એ પછી પોતે ટ્રમ્પ સાથે ત્રણ વખત વાત કરી ચૂક્યા છે. બંને વચ્ચેની વાતચીતનો હેતુ ઈઝરાયલ અને અમેરિકા વચ્ચેની ભાગીદારીને વધુ મજબૂત બનાવવાનો હતો. ટ્રમ્પ પણ ઈરાનને મોટો ખતરો માને છે. આ પહેલાં એનબીસી ન્યૂઝ સાથે વાત કરતાં ટ્રમ્પે કહ્યું હતું કે, ચૂંટણીમાં તેમની જીત પછી મેં 70 દેશોના નેતાઓ સાથે વાત કરી છે. આમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકી પણ છે. રિપોર્ટ અનુસાર, ટ્રમ્પ અને પુતિન વચ્ચેની વાતચીતની માહિતી યુક્રેનના અધિકારીઓને પણ આપવામાં આવી છે.
દુનિયાભરના નેતાઓ સાથે અંગત રીતે વાત કરી રહ્યા છે ટ્રમ્પ
વિશ્વભરના નેતાઓ સાથે ટ્રમ્પ વ્યક્તિગત સ્તરે અંગત રીતે વાત કરી રહ્યા છે. તે વિદેશ મંત્રાલય કે અમેરિકન સરકારની મદદથી કોઈની સાથે વાત કરતા નથી. ટ્રમ્પે હજુ સુધી જનરલ સર્વિસ એડમિનિસ્ટ્રેશન સાથે કરાર પર હસ્તાક્ષર કર્યા નથી. રાષ્ટ્રપતિ બન્યા પછી આ જરૂરી પ્રક્રિયા કરશે. ટ્રમ્પના ઘણા કોલ્સ તેમના પહેલા કાર્યકાળ દરમિયાન લીક થયા હતા. ત્યારથી ટ્રમ્પે સરકારી અધિકારીઓ પર બહુ ઓછો વિશ્વાસ કર્યો છે. એટલે જ તે પોતાના ખાનગી રિસોર્ટમાં આખું સેટઅપ ગોઠવીને વાત કરે છે.
ટ્રમ્પ અને પુતિન વચ્ચે સંબંધો સુધરે તો ભારતને ફાયદો
ટ્રમ્પ અને પુતિન વચ્ચેના સંબંધો સુધરશે તો ભારત માટે પણ સારું રહેશે. ભારત અને રશિયાની મિત્રતાથી અમેરિકા કાયમ ચિડાયેલું રહે છે. બાઈડેન સરકાર તરફથી દબાણ હતું કે ભારતે રશિયા પાસેથી તેલની આયાત ન વધારવી જોઈએ. અમેરિકા એ પણ ઇચ્છે છે કે રશિયા સાથે ભારત વચ્ચે ડિફેન્સ ડીલ મર્યાદિત રહે. પણ ટ્રમ્પના આગમન બાદ આવા દબાણનો અંત આવશે તેમ કહેવાય છે. રશિયામાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અને ભારતના ભૂતપૂર્વ વિદેશ સચિવ કંવલ સિબ્બલનું માનવું છે કે ટ્રમ્પ પુતિન વિશે એવું નથી વિચારતા જેવું બાઈડેન વિચારતા હતા. ભારત રશિયા સાથેના સંબંધોમાં બાઈડેન સરકારની જેમ ટ્રમ્પના દબાણમાં નહીં આવે. પરંતુ ટ્રમ્પના આગમન પછી પણ રશિયા પર પશ્ચિમી દેશો પરના પ્રતિબંધો આસાનીથી હટાવવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, ભારત માટે પેમેન્ટની મુશ્કેલીઓ રહેશે. જો પુતિન અને ટ્રમ્પ સંબંધો સુધારે છે, અમેરિકા અને રશિયા વચ્ચે સંબંધો સારા રહે છે તો ભારતને આગળ જતાં ફાયદો થવાનો છે.
છેલ્લે,
ભારતમાં ઘણા દેશના ઘણા નેતાઓના મંદિરો વિશે આપણે સાંભળ્યું છે પણ તેલંગાણાના જનગાંવ જિલ્લાના કાન્ને ગામમાં લોકોએ ટ્રમ્પનું મંદિર બનાવીને છ ફૂટની મૂર્તિ બનાવી છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી)