કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ રાજીનામું આપ્યું, પછી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મમરો મૂક્યો કે, કેનેડા અમેરિકાનું 51મું રાજ્ય બને.જો કે, ટ્રુડોએ ટ્રમ્પની વાતને ફગાવી દીધી. એક સંયોગ એ ભેગો થયો છે કે, કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ રાજીનામું આ
.
નમસ્કાર,
ટ્રુડોએ રાજીનામું આપ્યા પછી કેનેડામાં રાજકીય હલચલ વધી છે. બધાની નજર ભારતીય મૂળના સચિત મહેરા ઉપર છે. કારણ કે, કેનેડાના નવા વડાપ્રધાન નિયુક્ત કરવાની જવાબદારી લિબરલ પાર્ટીએ તેમના શિરે નાખી છે. નજીકના દિવસોમાં કેનેડાને નવા PM મળી જશે એ નક્કી પણ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી કેનેડા માટે ક્યા પડકારો ઊભા કરશે તે પણ જોવાનું રહ્યું.
9 વર્ષ સુધી PM રહ્યા બાદ ટ્રુડોએ રાજીનામું કેમ આપવું પડ્યું? કેનેડાની સંસદમાં લિબરલ પાર્ટીના 153 સાંસદો છે. અડધાથી વધુ સાંસદો જસ્ટિન ટ્રુડોના રાજીનામાની માંગ કરી રહ્યા હતા. ટ્રુડોએ રાજીનામું આપવું પડ્યું, તેની પાછળ 4 મુખ્ય કારણો હતા..
1. 2025ની ચૂંટણીમાં હારવાની સંભાવના હતી 31 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર થયેલા નેનોસ રિસર્ચના સર્વે રિપોર્ટ અનુસાર, ટ્રુડોની લિબરલ પાર્ટી વિપક્ષી કન્ઝર્વેટિવ પાર્ટીથી 26 પોઈન્ટથી પાછળ છે. કન્ઝર્વેટિવ પાર્ટીને 46.6% સમર્થન મળ્યું છે. જો આમ જ ચાલતું રહ્યું તો 2025ની ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને પ્રચંડ બહુમતી મળી શકે છે. 3 જાન્યુઆરીના રોજ જાહેર કરાયેલા એંગસ રીડ ઇન્સ્ટિટ્યૂટના સર્વે રિપોર્ટ અનુસાર, જો લિબરલ પાર્ટી પૂર્વ ડેપ્યુટી પીએમ ક્રિસ્ટિયા ફ્રીલેન્ડને નેતા બનાવે છે, તો કન્ઝર્વેટિવ્સ પાર્ટી સાથે રસાકસી થાય તેમ છે.
2. કેનેડિયન સંસદમાં નબળા નેતા સાબિત થયા કેનેડિયન સંસદમાં સેનેટ અને હાઉસ ઓફ કોમન્સ એ બે ગૃહો છે. હાઉસ ઓફ કોમન્સમાં 338 સીટો છે અને બહુમતી માટેનો આંકડો 170 છે. લિબરલ પાર્ટી પાસે 153 સાંસદ છે. ખાલિસ્તાન તરફી કેનેડિયન શીખ જગમીત સિંહની ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ના 25 સાંસદોના સમર્થનને કારણે ટ્રુડો આ ગૃહમાં બહુમતીમાં હતા. NDPએ સપ્ટેમ્બર 2024માં સમર્થન પાછું ખેંચ્યું હતું. જોડાણ તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. 1 ઓક્ટોબરના રોજ જ્યારે સંસદમાં વિશ્વાસનો મત લેવાનો હતો, ત્યારે અલગતાવાદી બ્લોક ક્યૂબેકોઈસના 33 સાંસદોએ ટ્રુડોને ટેકો આપ્યો ને સરકાર બચી ગઈ હતી.
3. ટ્રુડો પર ભ્રષ્ટાચારના સતત આરોપો લાગ્યા કેનેડાના સરકારી ફાઉન્ડેશન સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ટેક્નોલોજી કેનેડા (SDTC) સાથે સંબંધિત કૌભાંડમાં જસ્ટિન ટ્રુડોનું નામ પણ સામે આવી રહ્યું છે. જોકે SDTC હવે બંધ છે. ગયા વર્ષે ઓડિટર જનરલે આ સંબંધિત અબજો ડોલરના ‘ગ્રીન સ્લશ ફંડ’ને બંધ કરી દીધું હતું. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આનાથી સંબંધિત લાખો ડોલર લોકોને અને પ્રોજેક્ટને આપવામાં આવ્યા હતા જે અયોગ્ય હતા.
4. અમેરિકા અને ભારત સાથે બગડતા સંબંધોની અસર અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા પર 25% ટેરિફ લાદવાની વાત કરી છે. આ પછી ટ્રુડો નવેમ્બર 2024માં ફ્લોરિડામાં ટ્રમ્પને મળ્યા હતા. એ વખતે ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવાની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે સોશિયલ મીડિયા ટ્રુથ પર પણ આવી વાત લખી અને ટ્રુડોને ‘કેનેડાના ગવર્નર’ કહ્યા હતા. ટ્રુડો પર ખાલિસ્તાની વોટ બેંકને સમર્થન આપવા માટે ભારત સામેના આરોપોનો ફાયદો ઉઠાવવાનો આરોપ હતો. આંતરિક રાજકીય સંકટ અને ભ્રષ્ટાચારના આરોપોથી લોકોનું ધ્યાન હટાવવા માટે ટ્રુડોએ આવું કર્યું હતું. આ સિવાય બિનજરૂરી નિવેદનોને કારણે ટ્રુડોના ભારત સાથેના સંબંધો વધુ બગડ્યા. ટ્રમ્પના નિવેદનો અને ભારત સાથેના બગડતા સંબંધોથી કેનેડામાં ટ્રુડો વિરુદ્ધ વાતાવરણ ઊભું થયું હતું.
કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ રાજીનામું આપીને શું કહ્યું? 6 જાન્યુઆરીની સાંજે જસ્ટિન ટ્રુડોએ કેનેડાના વડાપ્રધાન પદેથી રાજીનામું આપી દીધું. રાજીનામું આપ્યા પછી લોકોને સંબોધિત કરતાં ટ્રુડોએ કહ્યું, મેં લિબરલ પાર્ટીના અધ્યક્ષને નવા નેતાની ચૂંટણી શરૂ કરવા કહ્યું છે. જો મારે ઘરમાં જ લડવું પડતું હોય તો આવનારી ચૂંટણીમાં હું બેસ્ટ ઓપ્શન નહીં બની શકું. જ્યાં સુધી લિબરલ પાર્ટી ચૂંટણી કરીને તેમના સ્થાને નવા નેતાની પસંદગી નહીં કરે ત્યાં સુધી તેઓ પાર્ટીના નેતા અને કેનેડાના વડાપ્રધાન રહેશે.
ટ્રુડોના રાજીનામા પછી હવે શું થશે? લિબરલ પાર્ટી દ્વારા વચગાળાના નેતાની નિમણૂક કરી શકાય છે, જેના માટે ચૂંટણીઓ યોજવામાં આવશે. કેનેડામાં ઓક્ટોબર 2025માં સંસદીય ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ઉદારવાદીઓ ટૂંક સમયમાં નેતા પસંદ કરશે. એવી શક્યતા છે કે પક્ષ ચૂંટણી વગર કોઈને નિયુક્ત કરે. જો આવું થશે તો કેનેડાના ઈતિહાસમાં પહેલીવાર થશે.
ટ્રુડો પછી કોણ બનશે કેનેડાના પીએમ? સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઈન્ટરનેશનલ સ્ટડીઝ એટલે કે CSIS મુજબ, લિબરલ્સ એવી કોઈ વ્યક્તિને પસંદ કરી શકે છે જે સંસદના વર્તમાન સભ્ય ન હોય. જો આવું થાય છે, તો નવા પીએમને સંસદના સભ્ય બનાવવા માટે સેઈફ સીટ પરથી સાંસદનું રાજીનામું અપાવીને તેમને ત્યાંથી ચૂંટણી લડાવાશે. સમસ્યા એ છે કે પાર્ટી પાસે બહુ ઓછી સેઈફ સીટ બચી છે. એવું પણ એક સમીકરણ છે કે પાર્ટી હારનું જોખમ લીધા વિના કોઈપણ વર્તમાન સાંસદને પીએમ બનાવી શકાય છે.
વડાપ્રધાન રેસમાં કોણ કોણ?
- ક્રિસ્ટિયા ફ્રીલેન્ડ, પૂર્વ ડેપ્યુટી પીએમ
- ડોમિનિક લેબ્લાંક, નાણામંત્રી
- માર્ક જોસેફ કાર્ની, અર્થશાસ્ત્રી
- મેલાની જોલી, ફોરેન અફેર મિનિસ્ટર
- અનિતા આનંદ, પરિવહન મંત્રી
કેનેડાના વડાપ્રધાન નક્કી કરવાની જવાબદારી સચિત મહેરાના શિરે ટ્રુડોની જગ્યાએ વડાપ્રધાન કોણ? આ સવાલ આખી દુનિયામાં ચર્ચાઈ રહ્યો છે. કેનેડાની સત્તાધારી લિબરલ પાર્ટીના નેતાની પસંદગીની જવાબદારી ભારતીય મૂળના સચિત મહેરાને આપવામાં આવી છે. ટ્રુડો સરકારનો કાર્યકાળ આ વર્ષે ઓક્ટોબર સુધીનો છે, પરંતુ તેમના રાજીનામા પછી એવું માનવામાં આવે છે કે કેનેડામાં ટૂંક સમયમાં ચૂંટણી યોજાઈ શકે છે. સચિત મહેરા ભારતીય મૂળના કેનેડિયન બિઝનેસમેન છે. તેઓ હાલમાં લિબરલ પાર્ટીના પ્રેસિડેન્ટ છે. તેમના પિતા દિલ્હીના રહેવાસી હતા. તેઓ 1960ના દાયકામાં કેનેડા શિફ્ટ થયા હતા. તેમણે કેનેડાના વિનીપેગ અને ઓટાવા શહેરોમાં ઈસ્ટ ઈન્ડિયા કંપની રેસ્ટોરન્ટ્સ નામની રેસ્ટોરન્ટ ચેઈન શરૂ કરી. સચિત મહેરા હાલમાં આ ફેમિલી બિઝનેસ સંભાળી રહ્યા છે. સચિત 2019માં લિબરલ પાર્ટીમાં જોડાયા હતા. વર્ષ 2023માં તે આ પાર્ટીના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. હવે ટ્રુડોના રાજીનામા બાદ તેઓ ટૂંક સમયમાં લિબરલ પાર્ટીમાં નવા નેતાની પસંદગી કરવા માટે બેઠક બોલાવશે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું લખ્યું? અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઓફર કરી. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોએ રાજીનામું આપ્યું તેના થોડા કલાકો પછી ટ્રમ્પે આ વાત કરી.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર ટ્રમ્પે લખ્યું કે, કેનેડામાં ઘણા લોકો 51મું રાજ્ય બનવાનું પસંદ કરશે. અમેરિકા હવે મોટાપાયે સબસીડી આપી શકે તેમ નથી. કેનેડાને આની સખત જરૂર છે. જસ્ટીન ટ્રુડોને આ વાતની ખબર હતી એટલે તેમણે રાજીનામું આપી દીધું. જો કેનેડા અમેરિકામાં સામેલ થાય છે તો કોઈ ટેરિફ નહીં લાગે. ટેક્સ ઓછો થઈ જશે. સાથે જ કેનેડાને રશિયન અને ચીની જહાજોના ખતરા સામે સુરક્ષા મળશે.
ટ્રુડોએ ટ્રમ્પને જવાબ આપી દીધો ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડાને અમેરિકામાં જોડાવા અને રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ 51મું રાજ્ય બનવાની ઓફર કરી છે. આની સામે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ટ્રમ્પને જવાબ આપી દીધો છે કે, કેનેડા એ અમેરિકાનું રાજ્ય બને તેવો કોઈ અવકાશ નથી. જસ્ટીન ટ્રુડોએ ટ્વિટ કરીને લખ્યું કે, કેનેડા અમેરિકાનો હિસ્સો બને તેવી કોઈ શક્યતા નથી. બંને દેશોમાં કામદારો અને સમાજો એકબીજાના સૌથી મોટા વેપાર અને સંરક્ષણ ભાગીદાર હોવાનો લાભ મેળવે છે. કેનેડાના વિદેશ મંત્રી મેલાની જોલીએ પણ ટ્રમ્પને કડક શબ્દોમાં જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે કેનેડા આવી ધમકીઓથી ડરીને પીછેહઠ નહીં કરે. કેનેડા મામલે ટ્રમ્પની સમજ ઘણી નબળી છે. આપણી અર્થવ્યવસ્થા અને આપણા લોકો ખૂબ જ મજબૂત છે. અમે ધમકીઓનો સામનો કરવામાં ક્યારેય શરમાશું નહીં.
અમેરિકા-કેનેડાની બોર્ડર વિશે આટલું જાણો…
- અમેરિકા અને કેનેડા વચ્ચે 8,891 કિલોમીટર લાંબી બોર્ડર છે
- અમેરિકા-કેનેડા બોર્ડર કરવી, એવી શરૂઆત 1783માં પેરિસ સંધિથી થઈ
- 1794માં આંતરરાષ્ટ્રીય સીમા આયોગ બનાવાયું
- 1872 સુધી કેનેડાની સરહદ અંગે અમેરિકાને વિવાદ થતા રહ્યા
- 1903માં યુકે, કેનેડા અને અમેરિકાની સંયુક્ત ટ્રીબ્યુનલે બોર્ડર નક્કી કરી
- 1925માં આંતરરાષ્ટ્રીય સીમા આયોગને કાયમી સંસ્થા બનાવી દેવામાં આવી
ટ્રુડોના રાજીનામા બાદ કેનેડામાં ખાલિસ્તાની આંદોલન નબળું પડશે? વિદેશી રાજનીતિના એક્સપર્ટ માને છે કે, જસ્ટીન ટ્રુડો ખાલિસ્તાની ચળવળના કટ્ટર સમર્થક હતા. એટલે જ ખાલિસ્તાનના સમર્થનમાં ભારત પર આરોપ લગાવ્યા કરતા હતા. હવે ટ્રુડોએ રાજીનામું આપી દીધું એટલે કેનેડામાં ભારત વિરોધી રાજનીતિ અને ખાલિસ્તાની આંદોલનમાં ઘટાડો થશે, પણ સાવ ખતમ નહીં થાય. કેનેડામાં ખાલિસ્તાનીઓની બહુ વોટબેંક છે, જેના કારણે કોઈ પણ પક્ષ ખાલિસ્તાની સમર્થકોને વધુ કડક રીતે નિયંત્રિત કરી શકતો નથી. ટ્રુડો માટે ખાલિસ્તાની માત્ર એક મુદ્દો છે, જેના પર તેઓ કેનેડાની સ્વતંત્રતા અને સુરક્ષાની અપીલ કરીને પોતાના માટે એક ગ્રુપનું સમર્થન મેળવતા હતા. હવે તેમના વિરોધપક્ષ કન્ઝર્વેટિવની આગામી ચૂંટણીમાં જીત લગભગ નિશ્ચિત માનવામાં આવે છે. એક વાત તો નક્કી છે કે નવી સરકાર ખાલિસ્તાન સમર્થકોથી અંતર રાખીને ભારત સાથે સંબંધો સુધારવા માગશે.
છેલ્લે,
2010માં ભારતના વડાપ્રધાન ડો. મનમોહન સિંહ G20 સમિટમાં ભાગ લેવા કેનેડા ગયા હતા ત્યારે તેમણે ખાલિસ્તાન મુદ્દે કેનેડાનો કાન આમળ્યો હતો. ડો. મનમોહન સિંહે કહ્યું હતું કે, પંજાબમાં ખાલિસ્તાની આંદોલન ખતમ થઈ ચૂક્યું છે. પણ ભારત બહાર, ખાસ કરીને કેનેડામાં એવા તત્વો છે જે આ આગને સળગતી રાખવા માગે છે.
કેનેડામાં હજુ પણ ખાલિસ્તાની આગ સળગી રહી છે. સવાલ એ છે કે એ ઠરશે ક્યારે?
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )