તેલ અવીવ/દમાસ્કસ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઈઝરાયલે રવિવારે મોડી રાત્રે સીરિયાના શહેર ટાર્ટસ પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં ઇઝરાયલે ટાર્ટસના સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે, જ્યાં મોટી માત્રામાં દારૂગોળો અને શસ્ત્રોનો સંગ્રહ કરવામાં આવ્યો હતો. હુમલા બાદ સ્થળ પર મોટો વિસ્ફોટ થયો હતો.
સીરિયન વોર મોનિટરે ઇઝરાયલના હુમલાને છેલ્લા એક દાયકામાં ટાર્ટસ પરનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે. ઇઝરાયલી ફાઇટર જેટ દ્વારા જે ટાર્ગેટ પર હુમલો કરવામાં આવ્યો તેમાં એર ડિફેન્સ યુનિટ્સ પર પ્રહાર કરતા મિસાઇલોના ડેપોનો સમાવેશ થાય છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેના કારણે ટાર્ટસમાં ભૂકંપ પણ આવ્યો હતો. આ ભૂકંપની તીવ્રતા 3.1 હતી. હુમલાના ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રશિયાએ સીરિયામાંથી પોતાના રાજદ્વારીઓને બહાર કાઢ્યા ઇઝરાયલના સતત હુમલા અને બળવાખોર જૂથો દ્વારા કબજે કર્યા બાદ રશિયાએ તેના રાજદ્વારીઓને સીરિયામાંથી બહાર કાઢ્યા છે. રશિયાના વિદેશ મંત્રાલયે કહ્યું કે દમાસ્કસમાં હાજર કેટલાક રશિયન રાજદ્વારીઓને સીરિયાના ખ્મીમિમ એરપોર્ટથી એરફોર્સની વિશેષ ફ્લાઈટ દ્વારા રશિયા પરત લાવવામાં આવ્યા છે.
રશિયન રાજદ્વારીઓ ઉપરાંત બેલારુસ અને ઉત્તર કોરિયાના રાજદ્વારીઓને પણ આ જ વિમાન દ્વારા પરત લાવવામાં આવ્યા છે. જો કે, મંત્રાલયે સ્પષ્ટ કર્યું કે દમાસ્કસમાં દૂતાવાસ હજુ પણ તેનું કામ ચાલુ રાખશે. આ માટે ટેલિગ્રામની મદદ લેવામાં આવશે.
UAEએ ઇઝરાયલની ગોલાન હાઇટ્સ યોજનાની નિંદા કરી સંયુક્ત આરબ અમીરાત (UAE)એ ગોલાન હાઇટ્સમાં નાગરિકોની સંખ્યા બમણી કરવાની ઇઝરાયલની યોજનાની નિંદા કરી છે. આ પહેલા રવિવારે ઇઝરાયલે ગોલાન હાઇટ્સમાં નાગરિકોની સંખ્યા બમણી કરવાની જાહેરાત કરી હતી.
આ માટે ઇઝરાયલના અન્ય ભાગોમાંથી નાગરિકોને ગોલાન હાઇટ્સમાં સ્થાયી કરવામાં આવશે. UAE સિવાય ઈરાન અને સાઉદી અરેબિયાએ પણ ઈઝરાયેલના આ પગલાની નિંદા કરી છે.
ઇઝરાયલે 1967માં ગોલાન હાઇટ્સ પર કબજો કર્યો હતો. અગાઉ તે સીરિયાનો એક ભાગ હતો, જેને ઈઝરાયલે 6 દિવસના યુદ્ધ બાદ જીતી લીધું હતું. સીરિયાએ ઇઝરાયલને આ વિસ્તારમાંથી ખસી જવાની માગ કરી હતી, પરંતુ ઇઝરાયલે સુરક્ષાની ચિંતાઓ દર્શાવીને ઇનકાર કર્યો હતો.
ગોલાન હાઇટ્સ પર ઇઝરાયલના કબજાને 2019માં તત્કાલિન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા માન્યતા આપવામાં આવી હતી.
14 નવેમ્બર શનિવારના રોજ સીરિયાને લઈને નેતન્યાહૂ અને ટ્રમ્પ વચ્ચે ફોન પર વાતચીત થઈ હતી.