કેનેડાની રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ(RCMP)નાં આસિસ્ટન્ટ મહિલા કમિશનર બ્રિગિટ ગૌવિને કહ્યું કે, કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વોને ભારત નિશાન બનાવી રહ્યું છે અને આના માટે ભારત સરકારના એજન્ટો બિશ્નોઈ ગેંગની મદદ લઈ રહ્યા છે. કેનેડાનું આ નિવેદન ત્યારે આવ
.
નમસ્કાર,
ભારત અને કેનેડાના સંબંધો નાજુક વળાંક પર આવીને ઊભા છે અને ગમે ત્યારે આ સંબંધો તૂટી શકે તેવું વલણ બંને દેશ અપનાવી રહ્યા છે. રવિવારે ભારત અને કેનેડાએ પોતપોતાના દેશમાંથી 6-6 અધિકારીઓને હાંકી કાઢ્યા ત્યારથી બંને દેશ વચ્ચેના સંબંધો વણસ્યા છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટીન ટ્રુડો ખુલીને ભારત સામે આક્ષેપો કરી રહ્યા છે. ભારત પણ ટ્રુડોના વલણથી નારાજ છે. આ બધા વચ્ચે કેનેડામાં વસતા ભારતીયોની ચિંતા તેમના પરિવારજનોને થઈ રહી છે. જોકે તેમણે ચિંતા કરવા જેવું નથી.
ભારત-કેનેડાના સંબંધો કેમ વણસ્યા?
પંજાબ અત્યારે ભારતનું રાજ્ય છે. પણ કેટલાક તત્વો પંજાબને અલગ દેશ તરીકે માન્યતા આપવાની હઠ પકડીને બેઠા છે. પંજાબને અલગ દેશ બનાવવો અને તેનું નામ ખાલિસ્તાન રાખવું. આ માગણી વર્ષોથી થઈ રહી છે. ખાલિસ્તાન બનાવવાની માગણી કરનારા તત્વો ખાલિસ્તાની કહેવાયા. પણ આમના હિંસક વલણના કારણે ખાલિસ્તાની આતંકવાદી તરીકે ઓળખાવા લાગ્યા. આ લોકોનો હેતુ જ તોફાન કરવા, મર્ડર કરવા, સ્મગલિંગ કરવું, એવો રહ્યો છે. એટલે અલગ ખાલિસ્તાન બનાવવાના નામે ગેરકાયદે ધંધા કરી રહ્યા છે. આ ખાલિસ્તાનીઓ કેનેડામાં રહે છે અને ત્યાંથી ભારત વિરોધી ઝેર ઓકે છે. ભારત વિરોધી કૃત્યો કરે છે. આ ખાલિસ્તાનીઓના અલગ અલગ સંગઠનો છે અને તેના વડા પણ છે. એમાંના એક વડા હરદીપસિંહ નિજ્જરની કેનેડામાં હત્યા કરવામાં આવી. આ હત્યા ભારતે કરાવી છે, તેવો આક્ષેપ કેનેડાની સરકારે કર્યો. ત્યારથી ભારત અને કેનેડાના સંબંધોમાં તણાવ આવી ગયો છે.
કેનેડાના નેશનલ સિક્યોરિટી ઓફિસરે બિશ્નોઈ ગેંગનું નામ કેમ લીધું?
કેનેડામાં નેશનલ સિક્યોરિટી પોલીસની વિંગ છે, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ. તેનાં મહિલા આસિસ્ટન્ટ કમિશનર બ્રિગિટ ગૌવિને ઓન્ટારિયોના ઓટ્ટાવા ખાતે સોમવારે પ્રેસ કોન્ફરન્સ કરી. તેમાં એક પત્રકારે ખાલિસ્તાનીઓ અંગે સવાલ પૂછ્યો. તેના જવાબમાં બ્રિગિટ ગૌવિને કહ્યું કે, ભારત દક્ષિણ એશિયાઈ સમુદાયને નિશાન બનાવી રહ્યું છે. ખાસ કરીને કેનેડામાં ખાલિસ્તાની તરફી તત્વોને નિશાન બનાવાય છે. અમને જાણવા મળ્યું છે કે તેઓ સંગઠિત અપરાધ સાથે સંકળાયેલા લોકોનો ઉપયોગ કરે છે. આના માટે બિશ્નોઈ ગેંગનો સપોર્ટ છે. અમે માનીએ છીએ કે આ બિશ્નોઈ ગેંગ ભારત સરકારના એજન્ટો સાથે જોડાયેલી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગનું ભારતના 12 રાજ્યો અને 6થી વધારે દેશમાં નેટવર્ક છે. 700થી વધારે શૂટર્સ છે. કેનેડામાં ભારત વિરોધી પ્રવૃત્તિ કરી રહેલા ખાલિસ્તાનીઓને મારવા માટે લોરેન્સ ગેંગ સક્રિય હોવાનું બહાર આવ્યું હતું.
ભારત માટે જસ્ટીન ટ્રુડોએ શું કહ્યું?
- કેનેડા ભારતના સંબંધોમાં વેપારનો લાંબો ઈતિહાસ રહ્યો છે. પણ અત્યારે જે જોઈ રહ્યા છીએ તેને સહન કરી શકાય નહીં.
- મેં ગયા અઠવાડિયે PM મોદી સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, સિંગાપુરમાં NSA વચ્ચે થનારી બેઠક મહત્વની બની રહેશે.
- ભારત સરકારે એ વિચારીને જ ભૂલ કરી કે કેનેડાની ધરતી પર આપણા જ લોકો ક્રિમિનલ એક્ટિવિટીમાં સામેલ થઈ શકે. આ બિલકુલ સહન નહીં થાય.
- કોઈપણ દેશ પોતાની સંપ્રભુતાના ઉલ્લંઘનને સ્વીકાર નહીં કરી શકે. અમને આશા હતી કે ભારત આપણી સંપ્રભુતા અને પ્રદેશની અખંડતાનું સન્માન કરશે. પણ એવું થયું નહીં.
- જ્યારે અમને ખબર પડી કે, નિજ્જરની હત્યામાં ભારતનો હાથ છે તો અમે ભારત સરકારને કહ્યું કે, આ ઈશ્યૂને સોલ્વ કરવા માટે અમારી સાથે કામ કરો.
- ભારતે આ સમસ્યાને ઉકેલવાના કેનેડાના પ્રયાસોને જાકારો આપીને કેનેડાની બધી માગણી ફગાવી દીધી હતી.
વ્હાઈટ હાઉસે કહ્યું કે, ભારતે ખાલિસ્તાની પર હુમલાની મંજૂરી આપી
ટ્રુડોએ આ મુદ્દે બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટાર્મર સાથે પણ વાત કરી છે. સોશિયલ મીડિયા પર આ માહિતી આપતાં તેમણે કહ્યું કે બંને નેતાઓએ તેમના નાગરિકોની સુરક્ષા અને કાયદો જાળવવાના મુદ્દા પર ચર્ચા કરી. આ દરમિયાન અમેરિકન મીડિયા હાઉસ વોશિંગ્ટન પોસ્ટે દાવો કર્યો છે કે ભારતની એજન્સીએ મળીને કેનેડામાં ગુપ્ત માહિતી એકત્ર કરવા અને ખાલિસ્તાની આતંકવાદીઓ પર હુમલાની મંજૂરી આપી હતી. આ કાર્યનું નેતૃત્વ કેનેડામાં બેઠેલા ભારતના હાઈકમિશનર સંજય વર્માએ કર્યું હતું. રિપોર્ટ અનુસાર, 12 ઓક્ટોબરે કેનેડાના NSAએ ભારતના NSA અજીત ડોભાલને પણ આ અંગેની જાણ કરી હતી.
બંને દેશ વચ્ચે જેના કારણે તણાવ વધ્યો કે નિજ્જર કોણ હતો?
18 જૂન, 2023ની સાંજે કેનેડાના સરે શહેરમાં ગુરુદ્વારામાંથી બહાર નીકળતી વખતે હરદીપસિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. ગયા વર્ષે 18 સપ્ટેમ્બરે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ ભારત સરકાર પર નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો આરોપ મૂક્યો હતો, જેને ભારતે ફગાવી દીધો હતો. આ પછી 3 મેના રોજ નિજ્જરની હત્યાના ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્રણેય આરોપીઓ ભારતીય છે. કેનેડિયન પોલીસે જણાવ્યું કે પોલીસ ઘણા મહિનાઓથી તેમના પર નજર રાખી રહી હતી. કેનેડા સરકાર માને છે કે ભારતે તેમને નિજ્જરને મારવાનું કામ સોંપ્યું હતું. ત્યારે ભારતે આ મામલે કહ્યું હતું કે આ કેનેડાનો આંતરિક મામલો છે. હરદીપસિંહ નિજ્જર ભારતમાં મોસ્ટ વોન્ટેડ હતો પણ કેનેડાનો ‘લાડલો’ હતો. 45 વર્ષનો નિજ્જર ખાલિસ્તાની ફોર્સનો કમાન્ડર હતો. મૂળ જલંધરનો રહેવાસી હતો અને તેની સામે NIAએ 10 લાખનું ઈનામ જાહેર કર્યું હતું. 1995માં પંજાબ પોલીસે તેની ધરપકડ કરી પણ 1997માં તે છટકીને કેનેડા પહોંચી ગયો. કેનેડાની છોકરી સાથે લગ્ન કર્યા. 2015માં કેનેડાની નાગરિકતા મળી ગઈ. 2020માં કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિજ્જરને આતંકી જાહેર કર્યો.
ટ્રુડો માટે નિજ્જર મુદ્દો શા માટે અગત્યનો છે?
ઓક્ટોબર 2025માં કેનેડામાં સંસદીય ચૂંટણી યોજાશે. ખાલિસ્તાન સમર્થકોને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોની પાર્ટીની મોટી વોટ બેંક માનવામાં આવે છે. જો કે, ગયા મહિને જ ખાલિસ્તાન સમર્થક જગમીત સિંહની એનડીપી પાર્ટી, જે ટ્રુડો સરકારનો ભાગ હતી તેણે પોતાનું સમર્થન પાછું ખેંચી લીધું છે. જોડાણ તૂટવાને કારણે ટ્રુડો સરકાર લઘુમતીમાં આવી ગઈ હતી. જો કે, 1 ઓક્ટોબરે ટ્રુડોએ બહુમતી સાબિત કરવાની હતી. ટ્રુડોની લિબરલ પાર્ટીને અન્ય પક્ષનો ટેકો મળ્યો હતો. આ કારણે ટ્રુડોએ ફ્લોર ટેસ્ટ પાસ કર્યો હતો. હવે આવતા વર્ષે ચૂંટણી આવશે ત્યારે ટ્રુડોએ ખાલિસ્તાની વોટબેન્ક જાળવી રાખવા ભારત વિરોધી ઝેર ઓકવું પડશે અને તે અત્યારથી ચાલુ કરી દીધું છે.
કેનેડાને ભારત પર આટલી ચીઢ કેમ છે? પાંચ પોઈન્ટમાં સમજો…
1. ઓપરેશન બ્લુ સ્ટાર, ઈન્દિરા ગાંધીની હત્યા અને ગુનેગારોનું ખાલિસ્તાની જોડાણ
1984માં ભારત સરકારે ઓપરેશન બ્લુ સ્ટાર શરૂ કર્યું અને જૂન 1985માં વિમાન દુર્ઘટના થઈ જેમાં 329 લોકોના જીવ ગયા. 23 જૂન, 1985ના રોજ એર ઈન્ડિયાનું એક વિમાન કેનેડાથી નવી દિલ્હી માટે રવાના થયું તેની 45 મિનિટ પછી ત્યાં એક જોરદાર વિસ્ફોટ થયો અને ક્રેશ થયું. કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોના પિતા તે સમયે કેનેડાના વડાપ્રધાન હતા અને ઈન્દિરા ગાંધી ભારતના વડાપ્રધાન હતા. પ્રારંભિક તપાસમાં તેનું ખાલિસ્તાની કનેક્શન બહાર આવ્યું હતું, પરંતુ કેનેડાની સરકારે આજ સુધી આ કેસમાં ગુનેગારોને સજા કરવા માટે કોઈ પહેલ કરી નથી. એ સમયે આ ઘટનામાં મુખ્ય આરોપી તરીકે આતંકી ઈન્દ્રજીત સિંહ રેયાતનું નામ સામે આવ્યું હતું.
2. ખાલિસ્તાનીઓને ટેકો આપવાની કેનેડાની નીતિ અને ભારત પર આક્ષેપ
ગયા વર્ષે બનેલી ઘટનાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોમાં તિરાડ પાડી હતી. ખાલિસ્તાન સમર્થકોને કેનેડાની ધરતી પરથી તમામ પ્રકારની મદદ મળી રહી છે. ભારત સરકાર આ મામલે સમયાંતરે કેનેડાની સરકારને ચેતવણી આપી રહી છે, પરંતુ કેનેડાની સરકારે ક્યારેય ખાલિસ્તાની સમર્થકોની ગતિવિધિઓને સ્વીકારતી નથી કે મદદ અટકાવતી નથી. જે ચાલ આતંકીઓ મામલે પાકિસ્તાન ચાલી રહ્યું છે, તે જ ચાલ ખાલિસ્તાનીઓ મામલે કેનેડા ચાલી રહ્યું છે.
3. મતની લાલસા, ભારત વિરોધી નિવેદનો અને એ બેનર
નિજ્જરની હત્યા બાદ જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ ભારતીય હાઈકમિશનર અને કોન્સ્યુલેટમાં વિરોધ ઉગ્ર નોંધાવ્યો ત્યારે સરકારે કેનેડિયન હાઈકમિશનરને ભારતમાં બોલાવ્યા અને આવી તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી. આ એ જ સમય હતો જ્યારે ભારતમાં અન્ય આતંકવાદી-ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહ વિરુદ્ધ પણ કાર્યવાહી ચાલી રહી હતી. આના બે મહિના પછી કેનેડામાં એક રેલી થઈ જેમાં પૂર્વ પીએમ ઈન્દિરા ગાંધીની હત્યા દર્શાવતું બેનર બતાવવામાં આવ્યું હતું. ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું કે કેનેડાની વર્તમાન સરકાર વોટ માટે આ બધું કરી રહી છે.
4.પીએમ ટ્રુડોએ સુરક્ષિત રીતે કેનેડા પહોંચવાની ઓફર ફગાવી દીધી
કેનેડાના પીએમ ગયા વર્ષે ભારતમાં આયોજિત G-20 સમિટમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરમાં અને પોતાની અંગત મુલાકાતમાં પણ સ્પષ્ટ કર્યું હતું કે આતંકવાદને હવે આ દુનિયામાં કોઈ સ્થાન નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે સંગઠિત અપરાધો, ડ્રગ માફિયાઓ અને માનવ તસ્કરી સામે ચાલી રહેલી લડાઈમાં કેનેડાએ પણ ભારત સરકાર સાથે ખભે ખભા મિલાવવા જોઈએ. પણ કેનેડિયન પીએમ પર તેની કોઈ અસર થઈ નહોતી. તે ભારતમાંથી રવાના થવાના હતા પણ તેમના પ્લેનમાં ખામી સર્જાઈ હતી. તેમનો ગુસ્સો એ વાત પરથી પણ સ્પષ્ટ થાય છે કે તેઓ બે દિવસ સુધી દિલ્હીની હોટલમાંથી બહાર નીકળ્યા ન હતા. ભારત સરકારે પોતાના પ્લેનમાં કેનેડા જવાની ઓફર કરી હતી પણ ટ્રુડોએ ભારત સરકારની તે ઓફર પણ ફગાવી દીધી હતી. પોતાનું પ્લેન રિપેર થયા પછી જ તે ભારતથી પાછા ફર્યા અને ઘરે પહોંચતાની સાથે જ કેનેડાની સંસદમાં ભારત વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું.
5. ભારત વિરુદ્ધ લેવાયેલા પગલાં, વિઝા સેવાઓ રદ
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ કેનેડાએ ભારત વિરુદ્ધ વધુ એક પગલું ભર્યું હતું. જેમાં ખાલિસ્તાની આતંકવાદીની હત્યા માટે ભારતને જવાબદાર માનીને ભારતીય ઈન્ટલિજન્ટ અધિકારીને ભારત પરત ફરવાનો આદેશ આપી દીધો હતો. વાત વણસી તો ભારતીય દૂતાવાસે કેનેડાની વિઝા સેવાઓ સ્થગિત કરી દીધી. જાન્યુઆરી 2024માં કેનેડાએ ફરી એકવાર ભારત પર આરોપ લગાવ્યા અને ભારતને વિદેશી ખતરો પણ ગણાવ્યું. તેણે એમ પણ કહ્યું કે કેનેડામાં યોજાનારી ચૂંટણીમાં ભારત હસ્તક્ષેપ કરી શકે છે. ભારતે તેનો વિરોધ કર્યો અને કહ્યું કે કેનેડા ભારતના આંતરિક મામલામાં દખલ કરી રહ્યું છે. આ વર્ષે એટલે કે એપ્રિલ 2024માં ભારતનો ગુસ્સો ફરી એક વખત સામે આવ્યો જ્યારે ખાલિસ્તાની સમર્થકોએ કેનેડાના પીએમની હાજરીમાં સૂત્રોચ્ચાર કર્યા. ભારત સરકારે પણ આનો જોરદાર વિરોધ કર્યો હતો, પરંતુ કેનેડા સરકાર આ બાબતોથી અજાણ રહેવાનો પ્રયાસ કરતી જોવા મળી.
અજિત દોભાલે લોરેન્સ બિશ્નોઈ વિશે શું કહ્યું?
વોશિંગ્ટન પોસ્ટ અખબારમાં છપાયેલા રિપોર્ટ મુજબ, ગયા સપ્તાહે સિંગાપોરમાં ભારતના NSA અજિત દોભાલ, કેનેડાના NSA નથાલી ડ્રોનિન, કેનેડાના નાયબ વિદેશમંત્રી ડેવિડ મોરિસન અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના ઉચ્ચ અધિકારી વચ્ચે ગુપ્ત બેઠક થઈ હતી. જેમાં કેનેડાએ પુરાવા આપ્યા હતા કે, ભારતના એજન્ટો સાથે મળીને લોરેન્સ બિશ્નોઈ ગેંગે નિજ્જરની હત્યા કેવી રીતે કરી. વોશિંગ્ટન પોસ્ટના રિપોર્ટમાં એવું પણ લખ્યું છે કે, ડોભાલે એ વાતનો સ્વિકાર કર્યો કે લોરેન્સ એટલો સક્ષમ છે કે તેને કોઈપણ જેલમાં કેદ કરો તો પણ તે જેલમાંથી કોઈપણ ગુનાને અંજામ આપી શકે છે. કહેવાય છે કે, સિંગાપોરમાં આ બેઠક પાંચ કલાક સુધી ચાલી. કેનેડાના અધિકારીઓએ વોશિંગ્ટન પોસ્ટને જણાવ્યું કે, અમે ગમે તેટલા પુરાવા આપીશું તો પણ ભારત નિજ્જરની હત્યામાં સામેલ હોવાનો ઈન્કાર જ કરશે. ડોભાલે જતાં જતાં કેનેડાના અધિકારીઓને કહ્યું કે, આપણે મળ્યા જ નથી, એવું રાખજો.
છેલ્લે,
કેનેડાની 3.88 કરોડની વસ્તીમાંથી 18.6 લાખ ભારતીયો રહે છે. કેનેડામાં 8.07 લાખ ઈન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ છે. તેમાંથી 3.19 લાખ ભારતીય સ્ટુડન્ટ છે. ભારતીય સ્ટુડન્ટ્સ દર વર્ષે કેનેડાની અર્થવ્યવસ્થામાં 1200 કરોડ ડોલર આપે છે. જો બધા ભારતીયો કેનેડામાંથી નીકળી જાય તો કેનેડાનું અર્થતંત્રને મોટો ફટકો પડી શકે એમ છે.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)