પહેલા પેજર-વોકીટોકી પછી હવાઇહુમલો, હવે ઇઝરાયલ ટેન્કથી હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઇઝરાયલ-લેબનન વચ્ચે યુ્દ્ધ હવે થઇને જ રહેશે એવું લાગે છે. અમેરિકાએ યુદ્ધવિરામ કરવા કહ્યું, પણ ઇઝરાયલે કહ્યું કે ઉત્તરી ઇઝરાયલમાં કોઈ યુદ્ધવિરામ નહિ થાય, એમાં અમારા ફસા
.
નમસ્કાર,
વધુ એક યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ઈઝરાયલ અને લેબનન વચ્ચે એક અઠવાડિયાંથી તંગદિલી છે. પેજર બ્લાસ્ટની ઘટના પછી ઈઝરાયલે લેબનન પર હુમલા વધાર્યા છે અને અત્યારસુધીમાં 700નાં મોત થયાં છે. ઈઝરાયલે હવે મોટે પાયે હુમલાની ચેતવણી આપી છે. આ એલાન પછી હવે યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. લેબનનમાં યુદ્ધ જેવી સ્થિતિને લઈને બુધવારે મોડીરાત્રે ભારત સરકારે એડવાઈઝરી જાહેર કરીને લેબનનમાં રહેતા ભારતીય નાગરિકોને તાત્કાલિક દેશ છોડી દેવા કહ્યું છે. તો અમેરિકા અને ફ્રાન્સ જેવા દેશોએ ઈઝરાયલને યુદ્ધ ન કરવા સલાહ આપી છે. ઈઝરાયલ લેબનન પર મિસાઈલ, રોકેટ અને ફાઈટર પ્લેનથી હુમલા કરે છે, પણ હવે ટેન્ક લઈને ઘૂસીને હુમલા કરવાની તૈયારી કરી રહ્યું છે.
ઇમેન્યુઅલ મેક્રોને સંઘર્ષ પૂરો કરવા પર ભાર મૂક્યો ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે લેબનનમાં કોઈ યુદ્ધ ન થાય તો જ સારું છે, એટલે જ અમે ઈઝરાયલને લેબનન પર હુમલા રોકવા અને હિઝબુલ્લાહને પણ ઈઝરાયલ પર મિસાઈલ ન છોડવા માટે વિનંતી કરીએ છીએ. ફ્રાન્સના રાષ્ટ્રપતિનું આ નિવેદન મિડલ ઈસ્ટના સંઘર્ષને સમાપ્ત કરવા માટે બાઈડન સાથેની વાતચીત પછી તરત જ આવ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે મારે ઈઝરાયલ સાથે વાત થઈ ગઈ છે. મેં તેને 21 દિવસના યુદ્ધવિરામ કરારનો અમલ કરીને સંઘર્ષ ખતમ કરવા કહ્યું છે. ઈઝરાયલે એક તરફ જો બાઈડનને ખાતરી આપી અને બીજી તરફ તેના જ સૈન્ય વડાએ સૈનિકોને તૈયાર રહેવા કહ્યું છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડને ઈઝરાયલને શું કહ્યું? ઇઝરાયલ-લેબનન યુદ્ધને રોકવા માટે બુધવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA)માં ઈમર્જન્સી મિટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં યુદ્ધવિરામની માગ કરવામાં આવી હતી. આ ઈમર્જન્સી મિટિંગમાં અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને ઈઝરાયલને યુદ્ધ ન કરવા ચેતવ્યું હતું. તેમણે કહ્યું હતું કે બની શકે કે એક મોટું યુદ્ધ થાય. મને લાગે છે કે હજી પણ એક એવી તક છે કે એક કરાર થઈ શકે છે, જેનાથી શાંતિ થાય. યુ.એસ.અને ફ્રાન્સ બંને દેશ લેબનન-ઇઝરાયલ સરહદ પર તાત્કાલિક 21-દિવસીય યુદ્ધવિરામના કરારનો અમલ કરવા અપીલ કરે છે. પરિસ્થિતિ ‘અસહ્ય’ બની ગઈ છે અને એ ન તો ઇઝરાયલ માટે સારી છે કે ન લેબનનના લોકો માટે.
ઈઝરાયલે બાઈડનની વાતને ફગાવી દીધી અમેરિકાના કટ્ટર મિત્ર મનાતા દેશ ઈઝરાયલે બાઈડનની યુદ્ધવિરામની વાતને ફગાવી દીધી છે. આ સંકેત જ ગંભીર છે. ઈઝરાયલે અમેરિકા સહિત અન્ય દેશો દ્વારા આપવામાં આવેલા 21 દિવસના યુદ્ધવિરામ પ્રસ્તાવને નકારી કાઢ્યો છે અને કહ્યું છે કે અંતિમ લક્ષ્ય લેબનનમાંથી હિઝબુલ્લાહને ખતમ કરવાનું છે. ઇઝરાયલના નાણાપ્રધાન બેઝાલેલ સ્મોટ્રિચે ગુરુવારે જણાવ્યું હતું કે લેબનનમાં હિઝબુલ્લાહને કચડી નાખવું એ જ એક લક્ષ્ય છે.
નેતન્યાહુએ લેબનનના લોકોને શું કહ્યું?
- ઈઝરાયલની લડાઈ લોકો સાથે નથી. હિઝબુલ્લાહ સાથે છે.
- હિઝબુલ્લાહ લેબનનના લોકોને ઢાલ બનાવી રહ્યું છે.
- હિઝબુલ્લાહે અમારા પર રોકેટ છોડ્યાં છે. અમે અમારા લોકોને બચાવવા માટે હુમલા કર્યા.
- હિઝબુલ્લાહને શરણે ન થાવો.
- અમારું ઓપરેશન ખતમ થાય પછી તમે તમારા ઘરે પાછા જઈ શકો છો.
ઈરાને કહ્યું, ઈઝરાયલના આ હુમલા તેનું ગાંડપણ છે ઈરાને ઈઝરાયલના હુમલાને ગાંડપણ ગણાવ્યું તેમજ ગંભીર પરિણામો ભોગવવાની ધમકી આપી. લેબનન પર ઈઝરાયલે હુમલા કર્યા એની નિંદા હમાસે પણ કરી છે. હમાસે કહ્યું હતું કે આ યુદ્ધ અપરાધ છે. આ પછી ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દેશને એક સંદેશ આપ્યો. તેણે કહ્યું- અમે હિઝબુલ્લાહના ટોચના નેતાઓને ખતમ કરી રહ્યા છીએ, કમાન્ડરોને ખતમ કરી રહ્યા છીએ. તેમના રોકેટને ખતમ કરી રહ્યા છીએ. જે કોઈ આપણને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે, અમે તેને છોડીશું નહીં. પછી એ હમાસ હોય કે હિઝબુલ્લાહ.
લેબનનના વડાપ્રધાનને યુદ્ધવિરામ થવાની આશા આ પહેલાં લેબનનના વડાપ્રધાન નજીબ મિકાતીએ આશા વ્યક્ત કરી હતી કે ઈઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચેની લડાઈને ખતમ કરવા માટે ટૂંક સમયમાં યુદ્ધવિરામ થઈ શકે છે. ઈઝરાયલે એવી જાહેરાત કરી છે કે તેના સૈનિકો લેબનનની સરહદમાં ઘૂસીને મોટે પાયે આક્રમણ કરશે. આ આક્રમણ કરવાનું વિચારતા બંને દેશો વચ્ચે યુદ્ધનો ખતરો ઊભો થયો છે.
લેબનનમાં માણસોની દયનીય સ્થિતિ બે દેશ વચ્ચેના સંઘર્ષમાં નિર્દોષ નાગરિકોની સ્થિતિ બહુ ખરાબ છે. ઇઝરાયલે હિઝબુલ્લાહના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને ખતમ કરવાની ઝુંબેશ શરૂ કરી ત્યારથી લેબનનમાં 700થી વધુ લોકોનાં મોત થયા છે. યુએનના આંકડા અનુસાર, આ દરમિયાન લેબનનમાં લગભગ 90 હજાર લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે તણાવ વધ્યો એ પહેલાં જ 1,10,000 લોકો ઘર છોડીને ભાગી ગયા છે. બીજે હિજરત કરી ગયા છે.
ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર માર્યો ગયો લેબનનની રાજધાની બૈરૂતમાં ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી માર્યો ગયો હતો. આ સિવાય 5 અન્ય લોકોનાં પણ મોત થયાં છે. ઇઝરાયલ છેલ્લા 5 દિવસથી લેબનન પર સતત હુમલો કરી રહ્યું છે. આ સાથે લેબનનમાં 2 દિવસમાં મૃત્યુઆંક 569 પર પહોંચી ગયો છે. તો હિઝબુલ્લાહે ઇઝરાયલમાં 8 સ્થળે મિસાઇલથી નિશાન બનાવવાનો પણ દાવો કર્યો હતો. એના પર ઈઝરાયલે કહ્યું હતું કે હિઝબુલ્લાહ દ્વારા 55 રોકેટ છોડવામાં આવ્યાં હતાં, જેમને હવામાં જ નષ્ટ કરી દેવાયાં છે.
ઈરાને કહ્યું, મિડલ ઈસ્ટ વિનાશના આરે છે, એને રોકવું જરૂરી છે
- જ્યારે એબીસી ન્યૂઝ સાથેના ઈન્ટરવ્યૂમાં જો બાઈડનને લેબનનની પરિસ્થિતિ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, બની શકે કે એક મોટું યુદ્ધ થાય. મને લાગે છે કે હજી પણ એક એવી તક છે કે એક કરાર થઈ શકે છે, જેનાથી શાંતિ થાય.
- વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે યુ.એસ.અને ફ્રાન્સ બંને દેશ લેબનન-ઇઝરાયલ સરહદ પર તાત્કાલિક 21-દિવસીય યુદ્ધવિરામના કરારનો અમલ કરવા અપીલ કરે છે. પરિસ્થિતિ ‘અસહ્ય’ બની ગઈ છે અને એ ન તો ઇઝરાયલ માટે સારી છે કે ન લેબનનના લોકો માટે.
- ઇઝરાયલના યુએન એમ્બેસેડર ડેની ડેને કહ્યું હતું કે યહૂદી રાજ્ય યુદ્ધવિરામનું સ્વાગત કરશે અને રાજદ્વારી ઉકેલથી સંઘર્ષ પૂરો થાય એ વાતને પસંદ કરશે, જોકે તેમણે કહ્યું હતું કે ઈરાન આ ક્ષેત્રમાં હિંસાનું કેન્દ્ર છે અને શાંતિ માટે આ ખતરાને ખતમ કરવો જરૂરી છે.
- એના જવાબમાં ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું હતું કે તેહરાન હિઝબુલ્લાહનું સમર્થન કરે છે. આ પ્રદેશ સંપૂર્ણ વિનાશને આરે છે. જો એને રોકવામાં નહીં આવે તો વિશ્વને ભયંકર પરિણામોનો સામનો કરવો પડશે.
- યુએન સેક્રેટરી-જનરલ એન્ટોનિયો ગુટેરેસે કહ્યું, લેબનન તૂટી રહ્યું છે અને આ દેશ બીજું ગાઝા ન બની શકે. આખા વિશ્વએ એક અવાજમાં કહેવું જોઈએ કે હત્યા અને વિનાશ બંધ કરો. આક્ષેપબાજી બંધ કરો અને શાંતિ રાખો.
- સૈનિકોને સંબોધતાં ઇઝરાયલના સેનાપ્રમુખ લેફ્ટનન્ટ જનરલ હલેવીએ પણ કહ્યું હતું કે અમે હિઝબુલ્લાહના દરેક ઠેકાણા પર હુમલો કરતા રહીએ છીએ.
- હિઝબુલ્લાહે દાવો કર્યો હતો કે તેણે ઈઝરાયલની જાસૂસી સંસ્થા મોસાદના હેડક્વાર્ટરને નિશાન બનાવ્યું હતું અને તેલ અવીવ તરફ મિસાઈલ છોડી હતી.
- ઇઝરાયલી સૈન્યે જણાવ્યું હતું કે હિઝબુલ્લાહની મિસાઇલને એરડોમે અટકાવી દીધી હતી અને કોઈ નુકસાન થયું નથી.
ઈઝરાયલ અને લેબનનની સૈન્ય તાકાત જાણી લો…
- ઈઝરાયલની વસતિ 90 લાખ છે. લેબનનની વસતિ માત્ર 53 લાખ છે.
- ઈઝરાયલ પાસે 37 લાખ સૈનિક છે તો લેબનન પાસે 20 લાખ સૈનિક છે.
- ઈઝરાયલ પાસે 31 લાખ જવાન એવા છે, જે આર્મીમાં ભરતી થઈ શકે. લેબનન પાસે 17 લાખ છે.
- ઈઝરાયલ પાસે 612 એરક્રાફ્ટ છે તો લેબનન પાસે માત્ર 81 એરક્રાફ્ટ છે.
- ઈઝરાયલ પાસે 241 ફાયર એરક્રાફ્ટ છે, પણ લેબનન પાસે એકપણ નથી.
- ઈઝરાયલ પાસે 146 હેલિકોપ્ટર છે તો લેબનન પાસે 69 હેલિકોપ્ટર છે.
- ઈઝરાયલ પાસે 43 હજાર આર્મ્ડ વ્હીકલ છે, પણ લેબનન પાસે 4500 જ છે.
- ઈઝરાયલ પાસે 5 સબમરીન છે, પણ લેબનન પાસે એકપણ નથી.
ઈઝરાયલ પાસે દુનિયાની શક્તિશાળી ટેન્ક મર્કવા છે
- ઈઝરાયલ પાસે 500 જેટલી મર્કવા ટેન્ક છે
- આ દુનિયાની સૌથી શક્તિશાળી ટેન્ક છે.
- મર્કવા એમકે-4 ટેન્ક લેઝર વોર્નિંગ સિસ્ટમ અને સ્મોક સ્ક્રીન ગ્રેનેડ્સથી સજ્જ છે.
- આ ટેન્ક હુમલા પહેલાં જ મિસાઈલની જાણકારી મેળવી લે છે એવી ટ્રોફી સિસ્ટમ એમાં ફિટ છે.
- રેતી હોય કે પથ્થર, એકદમ ફાસ્ટ દોડી શકે છે.
- આ ટેન્કમાંથી 48 રાઉન્ડ દારૂગોળો છૂટી શકે છે.
- ટેન્કમાં જ 3 મશીનગન, 1 મોર્ટાર ગન અને 12 સ્મોક ગ્રેનેડ લોન્ચર લાગેલાં છે.
- ટેન્ક ચલાવવા 4 વ્યક્તિ જોઈએ, જેમાં એક કમાન્ડર, એક ગનર, એક ડ્રાઈવર અને એક લોડર સામેલ છે.
- ટેન્કનું વજન 65 ટન છે. મઝલ (નાળચાં) સાથે 9.04 મીટર લાંબી અને મઝલ વગર 7.60 મીટર લાંબી છે. પહોળાઈ 3.72 મીટર અને ઊંચાઈ 2.66 મીટર છે.
- આ ટેન્ક ઈઝરાયલમાં જ બને છે.
પેજરથી મિસાઈલ સુધી, અઠવાડિયામાં લેબનન પર ઈઝરાયલે આટલા હુમલા કર્યા
- 25 સપ્ટેમ્બર 2024 : બાલ્બેક અને બેલમાં હુમલા, 72નાં મોત
- 24 સપ્ટેમ્બર 2024 : બૈરૂત પર હુમલો, 6નાં મોત
- 23 સપ્ટેમ્બર 2024 : 1600 સ્થળે હુમલા, 558નાં મોત
- 22 સપ્ટેમ્બર 2024 : 150 મિસાઈલથી હુમલા, 23 ઘાયલ
- 21 સપ્ટેમ્બર 2024 : 400 મિસાઈલ હુમલા, 14નાં મોત
- 20 સપ્ટેમ્બર 2024 : 70 મિસાઈલથી હુમલા, 45નાં મોત
- 18 સપ્ટેમ્બર 2024 : વોકી-ટોકી બ્લાસ્ટમાં 27નાં મોત
- 17 સપ્ટેમ્બર 2024 : ત્રણ હજાર પેજર બ્લાસ્ટમાં 12નાં મોત
છેલ્લે,
ગયા મહિને 16 ઓગસ્ટે ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ નરેન્દ્ર મોદીને સામેથી ફોન કર્યો હતો. સ્વતંત્રતા દિવસની શુભકામના આપી હતી. ત્યારે નરેન્દ્ર મોદીએ ડિપ્લોમસીથી યુદ્ધ ખતમ કરવા સૂચન કર્યું હતું. આખી દુનિયા જાણે છે કે વૈશ્વિક નેતાઓમાં નેતન્યાહુના સારા મિત્ર હોય તો એ મોદી છે. લેબનન સામેના યુદ્ધમાં ભારત શું સ્ટેન્ડ લે છે એ જોવું રહ્યું. નેતન્યાહુના ફોનની ઘંટડી રણકે તો સારું.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )