ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના શપથ લે તે પહેલાં જ ત્રણ આતંકી હુમલાથી મહાસત્તા સમાન દેશ હચમચી ગયો છે. 20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ શપથ ગ્રહણ કરવાના છે, તે પહેલાં થયેલા આતંકી હુમલાએ અમેરિકાની સજ્જડ સુરક્ષા પર સવાલો ઉઠાવ્યા છે. અત્યાર સુધી IS
.
નમસ્કાર,
ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના શપથ લે તે પહેલાં જ તેમની સામે અમેરિકાની સુરક્ષાનો પડકાર ઊભો થયો છે. 2025ના આગમન સાથે જ આતંકી હુમલાથી અમેરિકા ભયમાં છે. આ હુમલાઓ પછી એ પણ સાબિત થઈ ચૂક્યું છે કે અમેરિકાની સુરક્ષા એજન્સીઓ અંધારામાં હતી. આતંકી હુમલા પછી ટ્રમ્પે ગેરકાયદે ઈમિગ્રન્ટનો મુદ્દો ઉઠાવ્યો પણ તેમાં તેની કારી ફાવી નહીં. કારણ કે ઠાર થયેલો હુમલાખોર અમેરિકાનો જ નાગરિક હતો.
અમેરિકામાં નવા વર્ષે ત્રણ હુમલા
- પહેલો હુમલો 31 ડિસેમ્બરની રાત્રે 3:15 વાગ્યે : ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં ટ્રક નીચે 15 કચડાયા, 35 ઘાયલ
- બીજો હુમલો 1 જાન્યુઆરીની રાત્રે 8:40 વાગ્યે : લાસ વેગાસમાં ટ્રમ્પની હોટેલ બહાર એલન મસ્કના સાયબર ટ્રકમાં બ્લાસ્ટ
- ત્રીજો હુમલો 1 જાન્યુઆરીની રાત્રે 11:20 વાગ્યે : ન્યૂયોર્કના નાઈટ ક્લબમાં અંધાધૂંધ ફાયરિંગ, 11 ઘાયલ
પહેલો હુમલો ક્યારે અને કેવી રીતે થયો? અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીથી 1600 કિલોમીટરના અંતરે લુઈસિયાના સ્ટેટ છે અને આ સ્ટેટનું શહેર છે- ન્યૂ ઓર્લિયન્સ. આ શહેરમાં મુખ્ય માર્કેટનો વિસ્તાર છે જેને બર્બન સ્ટ્રીટ કહે છે. ત્યાં લોકોની ભીડ જમા થઈ હતી અને 2025ને વેલકમ કરી રહ્યા હતા. લોકો નવા વર્ષનો આનંદ માણતા હતા ત્યાં આ બર્બન સ્ટ્રીટમાં એક મહાકાય ટ્રક ધસી આવે છે ને રસ્તામાં જે આવ્યા તેને કચડી નાખે છે. પછી ટ્રકમાંથી ડ્રાઈવર ઉતરે છે અને આડેધડ ફાયરિંગ કરવા લાગે છે. બે વ્યક્તિને ગોળી વાગે છે. આ વાતની જાણ પોલીસને થતાં નજીકમાં હાજર પોલીસ પહોંચી જાય છે ને હુમલાખોરને ઠાર કરે છે. આ ઘટના બની ત્યારે અમેરિકામાં રાત્રે 3:15 વાગ્યા હતા. આ ઘટનામાં 15 વ્સક્તિનાં મોત થયાં છે અને 35થી વધારે ઘાયલ થયા છે. જે લુઈસિયાના સ્ટેટમાં આ ઘટના બની તે સ્ટેટ ટ્રમ્પનો ગઢ ગણાય છે. ટ્રમ્પ અહીંથી જીત્યા હતા.
હુમલો કરનાર કોણ હતો? ન્યૂ ઓર્લિયન્સ શહેરમાં પહેલાં ટ્રક ચલાવીને, પછી ગન ફાયર કરીને હુમલો કરનાર વ્યક્તિની ઓળખ થઈ ગઈ છે. અમેરિકાની સેનાએ રોઈટર્સને માહિતી આપી હતી કે તેનું નામ શમસુદ્દીન જબ્બાર છે અને તે અમેરિકન આર્મીમાં સ્ટાફ સાર્જન્ટ તરીકે ફરજ બજાવી ચૂક્યો છે. 2007થી 2015 વચ્ચે તેની ડ્યુટી અફઘાનિસ્તાન બોર્ડર પર હતી. 2020 સુધી અમેરિકન સેનામાં રહ્યો. તેને ઘણા મેડલ પણ મળ્યા છે.
42 વર્ષનો શમસુદ્દીન જબ્બાર હ્યુમન રિસોર્સ એક્સપર્ટ અને આઈટી એક્સપર્ટ હતો. તે પેન્ટાગોનમાં કામ કરી ચૂક્યો છે. જબ્બારે જ્યોર્જિયા સ્ટેટ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટિંગમાં ડિગ્રી મેળવી. તે હ્યુસ્ટન, ટેક્સાસમાં રહેતો હતો. તે રિયલ એસ્ટેટ એજન્ટ તરીકે કામ કરતો હતો.
જે ટ્રકથી હુમલો કર્યો તેના પર ISISનો ઝંડો હતો હુમલાખોર શમસુદ્દીન જબ્બારે બે વાર લગ્ન કર્યા હતા. પછીથી બન્ને પત્નીઓથી છૂટાછેડા લીધા હતા. જબ્બારે ઈસ્લામ કબૂલ કરી લીધો હતો અને તે થોડા સમયથી તરંગી જેવું વર્તન કરવા લાગ્યો હતો. તે જે ટ્રકમાં ધસમસતો આવ્યો તેના પર આતંકી સંગઠન ISISનો ઝંડો હતો અને તેમાં વિસ્ફોટકો રાખવામાં આવ્યા હતા. એવું પણ બહાર આવ્યું છે કે તેણે ભીડને કચડી નાખવા માટે જે ટ્રકનો ઉપયોગ કર્યો હતો તે તુરો નામની રેન્ટલ વ્હીકલ એપ પરથી ભાડે લેવામાં આવ્યો હતો. ઘટના સ્થળના નિરીક્ષણ પછી અમેરિકાની સુરક્ષા એજન્સી FBIને લાગે છે, આ એકલા જબ્બારનું કામ નથી. તેની સાથે બીજા કેટલાક લોકો સંકળાયેલા હશે જે સ્થળ પર હાજર હશે. કારણ કે ટ્રકમાંથી વિસ્ફોટકો મળી આવ્યા હતા અને આસપાસ તપાસ કરતાં બીજા વિસ્ફોટકો પણ મળી આવ્યા હતા.
અમેરિકા અને ISIS પહેલેથી જ દુશ્મન છે અમેરિકા અને સિરિયાનું આતંકી સંગઠન ISIS વર્ષોથી દુશ્મન છે. 2014માં સીરિયાના કોબાની શહેરમાં અમેરિકાએ હવાઇ હુમલા કર્યા હતા, જેમાં ઇસ્લામિક સ્ટેટના હજારો આતંકવાદીઓ માર્યા ગયા હતા. ત્યારથી ISISને અમેરિકા માટે ઘૃણા છે. ISIS એ જ ફિરાકમાં છે કે અમેરિકામાં અરાજકતા ફેલાવવી અને તેની શરૂઆત ટ્રમ્પના આગમન પહેલાં થઈ ચૂકી છે. અમેરિકી વાયુસેનાના નેતૃત્વમાં કુર્દિશ લડાકુઓના શહેર કોબાનીમાં દર કલાકે એક હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો. અમેરિકાએ ISIS સામે બ્લૂગલ ફૂંક્યું, તે પછીનો 2014નો હુમલો તે ISIS પરનો સૌથી મોટો હુમલો હતો.
સપ્ટેમ્બર-2024માં પણ અમેરિકાએ ISIS પર હુમલો કર્યો હતો 16 સપ્ટેમ્બર 2024ના દિવસે મધ્ય સીરિયામાં ISISના ટ્રેનિંગ સેન્ટર પર અમેરિકાએ હવાઈ હુમલા કર્યા હતા. જેમાં 28 આતંકવાદીઓ માર્યા ગયા હતા. આ પછી અમેરિકી સેનાએ 24 સપ્ટેમ્બર 2024ના દિવસે ઉત્તર-પશ્ચિમ સીરિયા પર હુમલો કર્યો, જેમાં અલ કાયદાના 9 આતંકવાદીઓ માર્યા ગયા. એ વખતે અમેરિકી સેનાએ જણાવ્યું હતું કે, હુમલામાં અલ કાયદા સંગઠન સાથે સંકળાયેલા હુરસ અલ-દિનનો ટોચનો નેતા ‘અબ્દ-અલ-રઉફ’ માર્યો ગયો છે. ત્યારથી જ ISISએ અમેરિકામાં હુમલા કરવાનું નક્કી કરી લીધું હતું.
અમેરિકાના સૈનિકો વર્ષોથી સિરિયામાં તહેનાત હતા અમેરિકાએ સિરિયામાં ISISનો ખાતમો બોલાવવા તેમના સૈનિકો 2014 પછી તહેનાત કર્યા હતા. સિરિયાએ આનો વાંધો ઉઠાવ્યો ત્યારે 2019માં અમેરિકાએ કહ્યું હતું કે, તે સિરિયામાંથી હટી જશે અને કુર્દને સમર્થન નહીં આપે. છેલ્લે સપ્ટેમ્બર 2024ની વાત કરીએ તો લગભગ 900 અમેરિકન સૈનિકો સિરિયામાં હજુ પણ તહેનાત છે. અમેરિકાનું કહેવું છે કે તે અહીં ISIS સામે લડી રહ્યું છે. સિરિયામાં અત્યારે તો અસદ સરકાર નથી પણ જ્યારે હતી ત્યારે સરકારે અમેરિકા પર આરોપ લગાવ્યો હતો કે યુએસ આર્મી કુર્દિશ દળોની મદદથી તેમના તેલ ક્ષેત્રો પર કબજો જમાવી રહી છે અને તેલ વેચીને પૈસા કમાઈ રહી છે. જોકે અમેરિકાએ આરોપો ફગાવી દીધા હતા. સીરિયા પાસે લગભગ 2.5 અબજ બેરલ તેલનો ભંડાર છે. અન્ય આરબ દેશોની સરખામણીમાં આ ઘણું ઓછું છે, પરંતુ તે દેશના અર્થતંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સીરિયામાં તેલના ઘણા કૂવા સ્થાનિક કુર્દિશ દળોના નિયંત્રણમાં છે.
જો બાઈડને આતંકી હુમલો ગણાવ્યો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને હુમલાની નિંદા કરતાં કહ્યું કે મને આ ભયાનક ઘટના વિશે સતત જાણ કરવામાં આવી ત્યારે જ લાગ્યું કે આતંકવાદી હુમલો છે. એફબીઆઈ તપાસ કરી રહી છે. હું પીડિતો અને તેમના પરિવારો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું. અમેરિકામાં કોઈપણ પ્રકારની હિંસા માટે કોઈ સ્થાન નથી. હુમલા બાદ રાષ્ટ્રપતિ જો બાઈડેને રાષ્ટ્રને સંબોધિત કરીને ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.
ટ્રમ્પના નિવેદનથી વિવાદ થયો આ હુમલા બાદ અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે હું શરૂઆતથી જ કહેતો આવ્યો છું કે ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ અમેરિકામાં ઘૂસીને આવી ઘટનાઓને અંજામ આપી રહ્યા છે. તેઓ આપણા માટે જીવનું જોખમ બની ગયા છે. પરંતુ ડેમોક્રેટિક પાર્ટીએ અમારી વાત ન સાંભળી. આ હુમલાખોર પણ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ જ છે.જોકે, યુએસ પ્રશાસને બાદમાં હુમલાખોરની ઓળખ જાહેર કરી અને સ્પષ્ટતા કરી કે તે અમેરિકન નાગરિક જ હતો. તે અમેરિકાના ટેક્સાસમાં જન્મેલો અશ્વેત વ્યક્તિ હતો.
શું બીજો હુમલો આતંકવાદી હુમલો હતો? થર્ચીફર્સ્ટની રાત્રે અમેરિકામાં હુમલો થયા પછી દેશ ચિંતા અને ભયમાં હતો ત્યાં 1 જાન્યુઆરીની રાત્રે નેવાડા સ્ટેટના સૌથી મોટા શહેર લાસ વેગાસમાં આવેલી ડોનાલ્ડ ટ્રમ્પની હોટેલની બહાર બ્લાસ્ટ થયો. ટેસ્લાના માલિક અને ટ્રમ્પના મિત્ર ઈલોન મસ્કનો સાયબર ટ્રક આ હોટેલની બહાર પડ્યો હતો. તેમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ ધડાકામાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે ને સાત ઘાયલ થયા છે. શું ન્યૂ ઓર્લિયન્સ ટ્રક હુમલા અને ટેસ્લા વિસ્ફોટ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ, તેની તપાસ ચાલી રહી છે. પહેલાં તો ઈલોન મસ્કે ઉતાવળે ટ્વિટ કરી નાખ્યું કે, સાયબર ટ્રકમાં સીટ પર થોડા ફટાકડા પડ્યા હતા તેના કારણે બ્લાસ્ટ થયો હશે. છતાં મારી ટીમ અલગ રીતે તપાસ કરી રહી છે. એના થોડા સમય પછી મસ્કે ફરી ટ્વિટ કરીને લખ્યું કે, આ આતંકવાદી હુમલાનો ભાગ હોઈ શકે. CNNનો રિપોર્ટ કહે છે કે, સાયબર ટ્રકમાં ફટાકડા હતા, કેટલાક નાનાં ગેસ ટેન્ક હતા અને કમ્પિંગ ફ્યુઅલની બોટલો હતી. તેના કારણે વિસ્ફોટ થયો હોઈ શકે. હજી સુધી આ ઘટનામાં આતંકવાદી કનેક્શન મળ્યુ નથી પણ તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે. લાસ વેગાસ મેટ્રોપોલિટન પોલીસ વિભાગના શેરિફ કેવિન મેકમેહિલે જણાવ્યું હતું કે, આ કાર ત્યાં નહોતી પણ તેને કોઈ ચલાવીને લાવ્યું. હોટેલના એન્ટ્રન્સ પાસે પાર્ક થઈ ને વિસ્ફોટ થયો.
ત્રીજો હુમલો ન્યૂયોર્કની નાઈટ ક્લબમાં થયો… નવું વર્ષ અમેરિકા માટે ઘાતક સાબિત થયું છે. લુઈસિયાના સ્ટેટના ન્યૂ ઓર્લિયન્સ સ્ટેટમાં હુમલો થયો. લાસ વેગાસમાં ટ્રમ્પ હોટેલની બહાર બ્લાસ્ટ થયો અને 1 જાન્યુઆરીની રાત્રે અમેરિકન સમય મુજબ રાત્રે 11:20 વાગ્યે ન્યૂયોર્કની નાઈટ ક્લબમાં અંધાધૂંધ ગોળીબાર થયો. જેમાં 11 વ્યક્તિઓ ઘાયલ થયા છે. ન્યૂયોર્કમાં ક્વિન્સ નામનો વિસ્તાર છે ત્યાં નાઈટ ક્લબમાં અલગ અલગ હોલ છે. એમાં એક હોલનું નામ જમૈકા છે. આ હોલમાં 80 લોકો ન્યૂ યર સેલિબ્રેશન કરવા ભેગા થયા હતા. આ કાર્યક્રમ ‘અમાઝૂરા’ નામથી ઓળખાય છે. આ કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યાં એક વ્યક્તિ અંદર ઘૂસ્યો ને મા-દીકરાને લમણે ગન મૂકીને ઢાલ બનાવી. પછી અંધાધૂંધ ફાયરિંગ કરવા લાગ્યો. આ ઘટનામાં 11 વ્યક્તિ ઘાયલ થયા. તમામને સારવાર માટે લોંગ આઈલેન્ડ જ્યુઈશ હોસ્પિટલ અને કોહેન ચિલ્ડ્રન મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા છે. જે વ્યક્તિએ ફાયરિંગ કર્યું તે મા-દીકરાને ઢાલ બનાવીને ફરાર થવામાં સફળ રહ્યો છે. ન્યૂયોર્ક પોલીસ માને છે કે, નાઈટ ક્લબમાં એક વ્યકિત હતો પણ તેના સાથીઓ નાઈટ ક્લબની બહાર હતા તે પણ ફરાર છે.
છેલ્લે,
20 જાન્યુઆરીએ ડોનાલ્ડ ટ્રમ્પ સવારે કેપિટલ હીલ ખાતે સવારે શપથ લશે પછી ભાષણ આપશે. પછી રેલીરૂપે વ્હાઈટ હાઉસ પહોંચશે. પછી ભોજન કરશે ત્યાં લગભગ બપોરે ત્રણ વાગી ગયા હશે. સાંજે છ વાગ્યે વ્હાઈટ હાઉસમાં આમંત્રિત અતિથિઓ આવશે અને તેની સાથે ટ્રમ્પનું ડીનર થશે. વચ્ચેના જે ત્રણ કલાક રહેશે તેમાં નવા રાષ્ટ્રપતિએ પહેલા દિવસના નિર્ણય લેવાના હોય છે. બાઈડને આ ત્રણ કલાકમાં 17 નિર્ણય લીધા હતા અને ટ્રમ્પના મોટાભાગના નિર્ણયોને પલટી નાખ્યા હતા. હવે ટ્રમ્પ શું કરે છે, તે જોવાનું રહ્યું.
સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિસર્ચ : યશપાલ બક્ષી )