સોમવારે દુનિયાભરનાં સ્ટોક માર્કેટ ડાઉન થઈ ગયાં છે. અમુક તો એવાં ડાઉન થયાં છે કે કળ વળતાં વાર લાગશે. આ બધું થયું છે એક વ્યકિતને કારણે. એ છે ડોનાલ્ડ ટ્રમ્પ. ડોનાલ્ડ ટ્રમ્પે 14 જેટલા દેશો પર 20%થી લઈને 49% સુધી ટેરિફ લાદ્યો છે. તો સામે આ 14 દેશે પણ અમેર
.
નમસ્કાર,
જીદે ભરાયેલા ટ્રમ્પ કોઈનું માનવા તૈયાર નથી. અલગ અલગ દેશો પર ટેરિફ પર ટેરિફ લાદવા લાગ્યા છે અને એની સામે બીજા દેશો ખફા છે. બ્રિટને તો કહી દીધું કે અમેરિકાથી આવતી જેગુઆર અને લેન્ડ રોવર જેવી કારનું શિપમેન્ટ અમે રોકીશું. બ્રિટનમાં નહીં આવવા દઈએ. ટ્રમ્પ પર દુનિયાના દેશોનું દબાણ છતાં તેઓ ટસના મસ થતા નથી ને હવે હાલત એ થઈ છે કે અમેરિકાની અંદર તો ખરું જ, બીજા સાત-આઠ દેશોમાં ટ્રમ્પવિરોધી રેલીઓ નીકળી રહી છે અને ટ્રમ્પવિરોધી નારા લગાવાઈ રહ્યા છે.
ભારતીય સ્ટોક માર્કેટ 4 જૂન, 2024 પછી પહેલીવાર નીચલા સ્તરે ગયું
ભારતીય શેરબજારમાં (સોમવાર 7 એપ્રિલે) વર્ષનો બીજો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. સેન્સેક્સ 2226 પોઈન્ટ (2.95%) ઘટીને 73,137 પર બંધ થયો. નિફ્ટી 742 પોઈન્ટ (3.24%) ઘટીને 22,161 પર બંધ થયો. અગાઉ 4 જૂન, 2024ના દિવસે બજારમાં 5.74%નો ઘટાડો થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 29 શેરોમાં ઘટાડો થયો. ટાટા સ્ટીલ, ટાટા મોટર્સ અને લાર્સન એન્ડ ટુબ્રોના શેરમાં 7% સુધીનો ઘટાડો થયો. ઝોમેટોના શેર 0.17% વધીને બંધ થયા. NSE ઈન્ડેક્સમાં નિફ્ટી મેટલ સૌથી વધુ 6.75% ઘટ્યો. રિયલ્ટીમાં 5.69%નો ઘટાડો થયો. ઓટો, ફાર્મા, જાહેર ક્ષેત્રની બેંકો, તેલ અને ગેસ અને આઇટીક્ષેત્રો 4% ઘટીને બંધ થયા. 2 એપ્રિલથી ક્રૂડ ઓઇલના ભાવમાં 12.11%નો ઘટાડો થયો છે. તો બ્રેન્ટ ક્રૂડ 4% ઘટીને 64 ડોલરની નીચે આવી ગયું છે. આ છેલ્લાં 4 વર્ષમાં સૌથી નીચો સ્તર છે.
અમેરિકાનું શેરબજાર કેટલું તૂટ્યું?
છેલ્લા બે દિવસમાં અમેરિકાનું શેરમાર્કેટ તૂટીને વેરવિખેર થઈ ગયું છે. છેલ્લા બે દિવસમાં ડાઉજોન્સ 9% તૂટ્યો છે. નેસ્કેડ બે દિવસમાં 11% તૂટ્યો છે. S&P 9.30% જેટલો ઘટ્યો છે. અમેરિકાનું સ્મોલ કેપ ઈન્ડેક્સ છે – રસલ 5000 એ ઓલટાઈમ ડાઉન 35% તૂટી ચૂક્યો છે. સોના-ચાંદીમાં 4થી 8% ભાવ ઘટ્યા, એટલે અમેરિકામાં સોનું 3 હજાર ડોલર ઘટી ગયું. ડોલર ઈન્ડેક્સ 110 હતો એ સડસડાટ ઘટીને 102એ આવી ગયો.
અમેરિકામાં સ્ટોક માર્કેટ ડાઉન થવાનાં 4 કારણ
- ચીને અમેરિકા પર પણ 34% ટેરિફ લાદ્યો: ચીને શુક્રવારે અમેરિકા પર 34% રેસિપ્રોકલ ટેરિફ લાદવાની જાહેરાત કરી. નવો ટેરિફ 10 એપ્રિલથી અમલમાં આવશે. બે દિવસ પહેલાં યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે વિશ્વભરમાં ટિટ ફોર ટેટ ટેરિફ લાદ્યો હતો. આમાં ચીન પર 34%નો વધારાનો ટેરિફ લાદવામાં આવ્યો. હવે ચીને અમેરિકા પર પણ આ જ ટેરિફ લાદ્યો છે. અમેરિકાને એમ હતું કે ચીન દબાશે, પણ એવું થયું નહીં ને ચીને માથું ઊંચક્યું.
- કંપનીઓને નફામાં ઘટાડો થવાનો ભય: અમેરિકાએ તમામ આયાતી માલ પર ઓછામાં ઓછો 10% ટેરિફ અને કેટલાક દેશો પર એનાથી પણ વધુ ટેરિફ (જેમ કે ચીન પર 34%, વિયેતનામ પર 46%) લાદવાની જાહેરાત કરી છે. આનાથી ત્યાંથી આવતા માલના ભાવમાં વધારો થશે અને કંપનીઓના ખર્ચમાં વધારો થશે, જેની અસર તેમના નફા પર પડશે. નફામાં નુકસાન થવાના ડરથી રોકાણકારોએ શેર વેચવાનું શરૂ કરી દીધું છે. એના કારણે બજારમાં ઘટાડો જોવા મળ્યો છે.
- ગ્લોબલ ટ્રેડવોરનો ભય : અમેરિકા દ્વારા ટેરિફ જાહેર કર્યા પછી અન્ય દેશો પણ રેસિપ્રોકલ ટેરિફ લાદી શકે છે. ઉદાહરણ તરીકે, જો ભારત પર 26% ટેરિફ હોય, તો ભારત યુએસ માલ પર પણ ટેરિફ વધારી શકે છે. આનાથી ગ્લોબલ ટ્રેડ ડિસ્ટર્બ થઈ શકે છે, જે સપ્લાય ચેઇનને અસર કરશે. આ અનિશ્ચિતતાને કારણે રોકાણકારો ગભરાઈ ગયા છે અને તેમણે શેરબજારમાંથી પૈસા ઉપાડવાનું શરૂ કરી દીધું છે.
- આર્થિક મંદીના ભણકારા : જો ટેરિફને કારણે માલ મોંઘો થશે તો લોકો ઓછી ખરીદી કરશે, જે અર્થતંત્રને ધીમું કરી શકે છે. વધુમાં ઓછી માગને કારણે ક્રૂડ ઓઇલના ભાવ ઘટ્યા છે. અત્યારે ક્રૂડ 69.63 ડોલર પ્રતિ બેરલનો ભાવ છે. આ નબળી આર્થિક સ્થિતિ થવાનો સંકેત છે. આનાથી રોકાણકારોનો વિશ્વાસ ડગમગી ગયો છે અને બજારમાં તેજી અટકી ગઈ છે.
ટ્રમ્પ અને પોવેલ જીભાજોડી કરવા ઊતરી પડ્યા
ભારતમાં બેન્કિંગ સિસ્ટમને કંટ્રોલ રાખવા જેમ RBI રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા છે એમ અમેરિકામાં ફેડરલ રિઝર્વ સેન્ટ્ર્લ બેન્ક છે. આ ફેડરલ રિઝર્વના ચેરમેન જરોમ પોવેલ છે. પોવેલે એવું કહ્યું હતું કે ટ્રમ્પે ટેરિફ લગાવતાં મોંઘવારી અને બેરોજગારી વધશે. અર્થતંત્રની ગાડી પાટા પરથી ઊતરે નહીં એ જોવાનું કામ ફેડરલ રિઝર્વનું છે. ફેડરલ રિઝર્વ પોતાની રીતે કામ કરે છે. એમાં ટ્રમ્પ ફાચર મારે છે. ટ્રમ્પ મનમાની કરીને આડેધડ નિર્ણયો લે છે, એના કારણે અમેરિકાનું અર્થતંત્ર ડામાડોળ થઈ જશે.
તેની સામે ટ્રમ્પે પોવેલને આકરો જવાબ આપી દીધો છે. તેમણે કહી દીધું કે ફાલતુ વાતો બંધ કરો. પોલિટિક્સ ન કરો. હું કરું છું એટલું ઘણું છે. તમે પહેલા વ્યાજદર ઘટાડો.
ટ્રમ્પની ટેરિફવોર વિશે કોણે શું કહ્યું?
- IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) અને WTO (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન)એ કહ્યું હતું કે આનાથી ગ્લોબલ ગ્રોથમાં ઘણી અડચણો આવશે.
- EU (યુરોપિયન યુનિયન)એ કહ્યું હતું કે અમે અમેરિકા સાથે વાતચીત કરવા તૈયાર છીએ, પણ અમારું હિત સર્વોપરિ છે.
- બ્રિટને કહ્યું હતું કે અમેરિકા ફર્સ્ટની પોલિસીના કારણે ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતા પેદા થઈ છે.
- જાપાનના PMએ કહ્યું હતું કે આ અમારા માટે રાષ્ટ્રીય આપદા છે. અમે અમેરિકાને જવાબ આપીશું.
ટેરિફવોરના આંકડા પર એક નજર કરીએ…
અમેરિકાએ EU પર ટેરિફ લાદ્યો : 20%
EUએ અમેરિકા પર ટેરિફ લાદ્યો : 39%
અમેરિકાએ જાપાન પર ટેરિફ લાદ્યો : 24%
જાપાને અમેરિકા પર ટેરિફ લાદ્યો: 46%
અમેરિકાએ મલેશિયા પર ટેરિફ લાદ્યો : 24%
મલેશિયાએ અમેરિકા પર ટેરિફ લાદ્યો:47%
અમેરિકાએ દ.કોરિયા પર ટેરિફ લાદ્યો : 25%
જાપાને દ.કોરિયા પર ટેરિફ લાદ્યો: 50%
અમેરિકાએ પાકિસ્તાન પર ટેરિફ લાદ્યો : 29%
પાકિસ્તાને અમેરિકા પર ટેરિફ લાદ્યો: 58%
અમેરિકાએ દ.આફ્રિકા પર ટેરિફ લાદ્યો : 30%
જાપાને દ.આફ્રિકા પર ટેરિફ લાદ્યો: 60%
અમેરિકાએ ઈન્ડોનેશિયા પર ટેરિફ લાદ્યો : 32%
ઈન્ડોનેશિયાએ અમેરિકા પર ટેરિફ લાદ્યો: 64%
અમેરિકાએ તાઈવાન પર ટેરિફ લાદ્યો : 32%
તાઈવાન અમેરિકા પર ટેરિફ લાદ્યો: 64%
અમેરિકાએ ચીન પર ટેરિફ લાદ્યો : 67%
ચીને અમેરિકા પર ટેરિફ લાદ્યો: 34%
અમેરિકાએ થાઈલેન્ડ પર ટેરિફ લાદ્યો : 36%
થાઈલેન્ડે અમેરિકા પર ટેરિફ લાદ્યો: 72%
અમેરિકાએ બાંગ્લાદેશ પર ટેરિફ લાદ્યો : 37%
બાંગ્લાદેશ અમેરિકા પર ટેરિફ લાદ્યો: 74%
અમેરિકાએ શ્રીલંકા પર ટેરિફ લાદ્યો : 44%
શ્રીલંકા અમેરિકા પર ટેરિફ લાદ્યો: 88%
અમેરિકાએ વિયેતનામ પર ટેરિફ લાદ્યો : 46%
વિયેતનામે અમેરિકા પર ટેરિફ લાદ્યો: 90%
અમેરિકાએ કંબોડિયા પર ટેરિફ લાદ્યો : 49%
કંબોડિયાએ અમેરિકા પર ટેરિફ લાદ્યો: 97%
ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં દુનિયાભરમાં વિરોધપ્રદર્શન – હેન્ડ્સ ઓફ
ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક મળીને દુનિયાને જાણે તબાહ કરવા નીકળ્યા છે એવી રીતે મનફાવે એવી નીતિ લાગુ કરવા લાગ્યા છે. ટ્રમ્પ અને મસ્કની સામે વિરોધપ્રદર્શનોએ જોર પકડ્યું છે. આ વિરોધની શરૂઆત અમેરિકાથી જ થઈ હતી. અમેરિકામાં મોટેપાયે મોંઘવારી અને બેરોજગારીનો ભય ફેલાયો છે. આ ભય ખોટો પણ નથી. ટ્રમ્પ અને મસ્કના વિરોધમાં અમેરિકાનાં તમામ 50 રાજ્યમાં વિરોધપ્રદર્શનો થયાં હતાં. આ વિરોધપ્રદર્શનોમાં લાખો લોકોએ ભાગ લીધો હતો. એકલા અમેરિકામાં જ 1400 રેલી નીકળી હતી. 6 લાખ લોકોએ રેલીમાં જોડાવવા રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. આ વિરોધપ્રદર્શનને હેન્ડ્સ ઓફ નામ આપવામાં આવ્યું છે. હેન્ડ્સ ઓફનો અર્થ થાય છે- ‘અમારા અધિકારોથી દૂર રહો.’ માત્ર અમેરિકામાં જ નહીં, ટ્રમ્પના વિરોધમાં કેનેડા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, મેક્સિકો, પોર્ટુગલ બધી જગ્યાએ રેલીઓ નીકળી રહી છે. ટ્રમ્પની ટેરિફનીતિનો વિરોધ થઈ રહ્યો છે.
જ્યારે જ્યારે મંદી આવી ત્યારે ત્યારે અમેરિકા જ જવાબદાર બન્યું
1929 : 23 ઓક્ટોબર 1929એ ન્યૂયોર્ક સ્ટોક એક્સચેન્જ શેરનો ભાવ અચાનક 50 અબજ ડોલર સુધી નીચે ગયો હતો. એ પછી અમેરિકાએ જે નિર્ણયો લીધા એની અસર બીજા દેશો પર બહુ ઊંડી પડી હતી. 1929માં પહેલા વિશ્વયુદ્ધ વખતે સૌથી મોટી સમસ્યા ઉધારની હતી. યુરોપીય સંઘ અને બ્રિટન જેવા દેશોએ અમેરિકા પાસેથી મોટા પાયે ઉછીના રૂપિયા વ્યાજે લીધા હતા. શરૂઆતમાં અમેરિકા ડાયરેક્ટ યુદ્ધમાં નહોતું, પણ તેના મિત્ર દેશોને વ્યાજે રૂપિયા આપતું હતું. અમેરિકી ઉદ્યોગપતિઓને લાગ્યું કે આપણે પૈસા તો આપીએ છીએ, પણ પાછા ફરે એવી સંભાવના લાગતી નથી એટલે અમેરિકાએ જાહેરાત કરી કે હવેથી તે કોઈ દેશને ઉધાર રૂપિયા નહીં આપે. અમેરિકાની આ જાહેરાતથી યુરોપની ઘણી બેન્કોને તાળાં મારવા પડ્યાં હતા. 1929ની જે મંદી આવી એની સૌથી વધારે અસર અમેરિકાને થઈ હતી. બેન્કોએ જેમને લોન આપી હતી તેવા લોકો લોન ચૂકવવામાં અસમર્થ બન્યા. બેન્કોએ કાર, મકાન બધું જપ્ત કરવા માંડ્યું. 1929થી 1933 સુધીમાં 4 હજાર બેન્ક બંધ થઈ ચૂકી હતી. આ ચાર વર્ષના ગાળામાં 1 લાખ 10 હજાર કંપની બંધ થઈ ગઈ હતી.
1929માં આ મંદીની ચપેટમાં ભારત પણ આવી ગયું હતું. એ વખતે ભારત કૃષિપ્રધાન દેશ હતો. ભારતે કૃષિ પેદાશોની નિકાસ કરવાનું શરૂ કરી દીધું હતું અને અન્ય માલની આવક ચાલુ કરી હતી. ત્યારે અંગ્રેજરાજ હતું. ગ્લોબલ મંદીની અસર એ થઈ હતી કે ભારતના ઘઉંની કિંમત 50 ટકા જેટલી ઘટી ગઈ હતી. આનાથી ખેડૂતો અને અનાજના વેપારીઓને બેવડો માર પડ્યો હતો. ભાવ ઘટી ગયા હતા અને અંગ્રેજો લગાન પણ વધારે વસૂલતા હતા. 1931માં મંદી એની ચરમસીમાએ હતી. ભારતનાં ગામડાંમાં હાહાકાર હતો. શહેરમાં રહેતા જમીનદારોને કોઈ ફેર પડ્યો નહોતો, કારણ કે તેમની આવક ફિક્સ હતી.
2008 : આ વર્ષમાં દુનિયામાં ભારે મંદી આવી હતી. ઘણી કંપનીઓએ દેવાળું ફૂંક્યું હતું તો લાખો લોકોને નોકરી છોડવી પડી હતી. આ મંદી કોઈ એક દેશમાં નહોતી. આખી દુનિયાની કમર તૂટી ગઈ હતી. અમેરિકા જેવો મજબૂત દેશ પણ એ વખતે આ મંદીનો સામનો નહોતો કરી શક્યો. એ વખતે પણ ગ્લોબલ મંદીની શરૂઆત અમેરિકાથી થઈ હતી. ઘણી બેન્કો ફડચામાં ગઈ. અમેરિકાની સૌથી મોટી વીમા કંપની AIG નાદારીના આરે પહોંચી ગઈ. અમેરિકાથી ગ્લોબલ મંદીએ માથું ઊંચક્યું, જે આખી દુનિયામાં ફેલાઈ અને આ મંદીને ‘ધ ગ્રેટ રિસેશન’નું નામ આપવામાં આવ્યું.
ભારતમાં પાંચ વખત મંદી આવી…
જો આપણે GDP વૃદ્ધિના આંકડાઓ પર નજર કરીએ તો આઝાદી પછી ભારતમાં કુલ પાંચ મંદી જોવા મળી છે. આ 1958, 1966, 1973, 1980 અને 1991.
- 1957-58નાં વર્ષો દરમિયાન ભારતે તેની અર્થવ્યવસ્થામાં પહેલીવાર ઘટાડો નોંધાવ્યો, જ્યારે GDP રેટ નેગેટિવ થઈ ગયો. એ વર્ષે GDP વૃદ્ધિદર માઈનસ 1.2% નોંધાયો હતો. આ પાછળનું કારણ આયાત બિલમાં ભારે વધારો હતો.
- 1965-66માં ગંભીર દુષ્કાળને કારણે ભારતનો જીડીપી રેટ ડાઉન થયો. એ વખતે માઈનસ 3.66% રહ્યો હતો.
- 1973ની મંદીનું કારણ ક્રૂડ ઓઈલ સંકટ હતું. ઓર્ગેનાઇઝેશન ઓફ આરબ પેટ્રોલિયમ પ્રોડ્યુસિંગ કન્ટ્રીઝ (OAPEC)એ યોમ કિપ્પુર યુદ્ધમાં ઇઝરાયલને ટેકો આપનારા તમામ દેશોને ઓઈલ આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં થોડા સમય માટે 400%નો વધારો થયો હતો.1973માં ભારતનો GDP રેટ માઈનસ 0.3 હતો.
- 1980માં ઈરાની ક્રાંતિને કારણે મંદી આવી હતી. ઈરાની ક્રાંતિએ વિશ્વભરમાં ક્રૂડ ઓઈલ ઉત્પાદનને મોટો ફટકો આપ્યો. તેલ આયાતના ભાવમાં ભારે વધારો થયો. ભારતનું ઓઈલ આયાત બિલ પણ લગભગ બમણું થઈ ગયું અને ભારતની નિકાસમાં આઠ ટકાનો ઘટાડો થયો. 1980માં ભારતનો GDP વૃદ્ધિદર -5.2% હતો.
- છેલ્લી કહી શકાય એવી મંદી આવી 1991માં. એ વખતે ભારતમાં આર્થિક અને રાજકીય સંકટ આવ્યું. નવેસરથી ચૂંટણી થઈ ને નરસિમ્હા રાવની સરકારમાં ડો. મનમોહન સિંહ નાણામંત્રી બન્યા. તેમના કેટલાક ક્રાંતિકારી નિર્ણયોના કારણે ભારત મંદીમાંથી બહાર આવી શક્યું.
1991માં ભારતમાં ભયાનક મંદી આવી, એ જ મંદીએ ભારતનું મજબૂત અર્થતંત્ર બનાવ્યું…
આ એ સમય હતો, જ્યારે ભારત પાસે આયાત કરવા ત્રણ સપ્તાહની જ વિદેશી મુદ્રા બચી હતી. ડો. મનમોહન સિંહે આ સંકટને અવસરમાં બદલી નાખી.
વિશ્વમાં મંદી ધીમા પગલે આવી રહી હતી. એવામાં 90ના દાયકામાં ખાડી યુદ્ધ છેડાઈ ગયું. ભારત પર સંકટનાં વાદળો ઘેરાયાં હતાં. ભારત પાસે માત્ર અઢી અબજ ડોલરનો વિદેશી મુદ્રાનો ભંડાર બચ્યો હતો. એનાથી ત્રણ સપ્તાહ સુધી જ માલની આયાત થઈ શકે એટલી જ મુદ્રા હતી. આંતરરાષ્ટ્રીય ક્રેડિટ એજન્સીઓએ ભારતનું રેટિંગ ઘટાડી દીધું એટલે વ્યાજે પૈસા લેવાનું અઘરું બની ગયું. 1991માં રાજકીય માહોલ પણ અસ્થિર હતો. ચંદ્રશેખરની ટેકાથી ઊભેલી સરકાર હતી, જે બજેટ પણ પાસ કરાવી નહોતી શકી.
જ્યારે IMF (ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ) પાસેથી વ્યાજે રૂપિયા લેવાની વાત ચાલી રહી હતી ત્યારે કોંગ્રેસે સમર્થન પાછું લઈ લીધું. દેશમાં ચૂંટણી આવી. એવામાં રાજીવ ગાંધીની હત્યા થઈ. આનાથી દેશમાં રાજકીય અને આર્થિક સંકટ વધારે ઘેરું બન્યું. એવામાં ચૂંટણીઓ થઈ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર બની. આ વખતે વડાપ્રધાન બન્યા પી.વી.નરસિમ્હા રાવ. તેમણે ડો. મનમોહન સિંહને નાણામંત્રી બનાવ્યા. ડો. સિંહ RBIના ગવર્નર હતા. ડો. સિંહે સાહસિક અને ઐતિહાસિક પગલાં લીધાં.
સૌથી પહેલા તેમણે રૂપિયાનું અવમૂલ્યન કર્યું, એટલે ડોલરની સામે રૂપિયાની કિંમતને 20% સુધી ઘટાડી દીધી. આ પગલાથી નિકાસ વધી.
ભારતે 47 ટન સોનું ગીરવી મૂકીને IMF પાસેથી રૂપિયા લીધા. ડો. સિંહે 1991નું ઐતિહાસિક બજેટ રજૂ કર્યું. તેમણે લાઇસન્સ રાજ ખતમ કર્યું. આયાત પરની પાબંદીઓ દૂર કરી. વિદેશી રોકાણકારોને ભારતમાં 51% સુધી રોકાણ કરવાની છૂટ આપી. આ નિર્ણયોએ ઉદ્યોગોમાં નવા પ્રાણ ફૂંક્યા.
ભારતીય માર્કેટમાં ઈન્ટરનેશનલ બ્રાન્ડ, જેમ કે કોકાકોલા, પેપ્સી અને મેકડોનાલ્ડની એન્ટ્રી થઈ. ટીવી, ટેલિકોમ અને એવિએશન સેક્ટરમાં પણ ક્રાંતિ આવી. આ દોર ભારતમાં આર્થિક મંદીનો ઐતિહાસિક અધ્યાય હતો અને પણ આ દોર એ હતો જેણે ભારતને આર્થિક રીતે સૌથી વધારે મજબૂત પણ કર્યું. એ વખતે ડોક્ટર મનમોહન સિંહે કહેલું કે કોઈ ભી તાકત ઉસ વિચાર કો નહીં રોક સકતી, જિસકા સમય આ ચૂકા હૈ…
છેલ્લે,
મંદી અને મોંઘવારીના મારની શરૂઆત ભારતમાં થઈ ચૂકી છે. ભારત સરકારે પેટ્રોલ- ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી 2 રૂપિયા વધારી દીધી છે. આનો બોજો સીધો પેટ્રોલિયમ કંપનીઓ પર આવશે. બીજું રાંધણગેસના બાટલામાં 50 રૂપિયા પણ વધારી દેવામાં આવ્યા છે.
સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે તમે જોતાં રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું…
નમસ્કાર.
(રિસર્ચઃ યશપાલ બક્ષી)