મિડલ ઈસ્ટના 11 દેશોમાં એકમાત્ર દેશ ઈરાન એવો છે જે નજીકના સમયમાં ન્યૂક્લિયર હથિયાર બનાવી લેશે. અમેરિકાની એવી ઈચ્છા છે કે ઈરાન ન્યૂક્લિયર હથિયાર ન બનાવે. ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ લીડર ખામેનીને લેટર લખ્યો કે, આ બધું બંધ કરી દો, નહીંતર જોરદાર બોમ્બમારો કર
.
ડોનાલ્ડ ટ્રમ્પની નીતિના કારણે નવું યુદ્ધ છેડાઈ શકે છે અને તે દુનિયા માટે ચિંતાનો વિષય છે… બીજી તરફ અમેરિકા – ભારત વચ્ચે ન્યૂક્લિયર એનર્જી ડિલ થઈ છે. એટલે ન્યૂક્લિયરના ઉપયોગથી ઊર્જા ઉત્પન્ન થશે.
નમસ્કાર,
2015માં અમેરિકા, ઈરાન અને બીજા મોટા દેશો વચ્ચે એવી ડિલ હતી કે, આપણામાંથી કોઈ ન્યૂક્લિયર હથિયાર બનાવીશું નહીં. પણ ઈરાન આડું ફાટ્યું. છાનામાનાં ન્યૂક્લિયર વેપન બનાવવા લાગ્યું. આ વાતની ખબર ડોનાલ્ડ ટ્રમ્પને પડી ગઈ. એ વખતે તે પહેલીવાર રાષ્ટ્રપતિ બન્યા હતા. તે 2016માં જ આ ડિલમાંથી નીકળી ગયા. પછી પણ ઈરાને ન્યૂક્લિયર ડિલનું ઉલ્લંઘન ચાલુ રાખ્યું ને હવે અમેરિકા વિફર્યું છે. એક્સપર્ટ કહે છે કે, આ અમેરિકાની પ્રેશર ટેકટિક્સ છે.
ડોનાલ્ડ ટ્રમ્પે ખોમેનીને લખેલા લેટરમાં શું વાત છે? અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનના સર્વોચ્ચ લીડર આયાતુલા અલી ખામેનીને લેટર લખીને એવું કહ્યું છે કે, 2015માં આપણે જે ન્યૂક્લિયર ડિલ કરી હતી તેવી જ ન્યૂક્લિયર ડિલ ફરીવાર કરીએ. નવેસરથી ડિલ કરવાથી કોઈ દેશ પરમાણુ હથિયાર બનાવી શકશે નહીં. આટલું લખ્યા પછી ટ્રમ્પે બીજી બે લીટી ઉમેરી, એમાંથી આ બાબલ ચાલુ થઈ. ટ્રમ્પે લખ્યું કે, તમારે આ ન્યૂક્લિયર ડિલ કરવી જ પડશે. નહીંતર અમે ઈરાન પર એવો બોમ્બમારો કરીશું કે તમે ક્યારેય જોયો નહીં હોય. આ છેલ્લી બે લીટી વાંચીને ઈરાન ભડક્યું. ઈરાનની આર્મીએ ટ્વિટર પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તહેનાત કરેલી મિસાઈલો દેખાય છે. એનો મતલબ એવો થયો કે, ઈરાન કોઈપણ સંજોગોમાં અમેરિકાને જવાબ આપવા તૈયાર છે.
ઈરાન માટેની રણનીતિ બીજા કાર્યકાળમાં પણ ચાલુ રહી ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યૂમાં ટ્રમ્પે કહ્યું કે, હું ઈરાન સાથે વાતચીત કરીને સમજૂતી કરવાનું પસંદ કરીશ. ઈરાન પાસે પરમાણુ હથિયાર હોઈ શકે નહીં. હોવા જ ન જોઈએ… ટ્રમ્પે કહ્યું કે, હું એક ડિલ કરવા માગીશ. મને ખબર નથી કે બધા મારી સાથે સહમત છે કે નહીં, પણ અમે એવી ડિલ કરી શકીએ છીએ જે યુદ્ધમાં મળેલી જીતની ખુશી જેટલી જ ખુશી આપશે. ટ્રમ્પના પહેલા શાસનકાળની રણનીતિ એવી રહી છે કે તે ઈરાન પર જોરદાર દબાણ કર્યું હતું. તેના બીજા કાર્યકાળમાં પણ ટ્રમ્પે આ નીતિ જાળવી રાખી છે. ઈરાનના સર્વોચ્ચ નેતા ખામેની અને ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝસ્કિયાને અમેરિકા સાથે કોઈપણ જાતની સમજૂતી કરવાની સ્પષ્ટ ના પાડી દીધી છે. ખામેનીએ કહ્યું હતું કે અમેરિકી સરકાર સાથે વાતચીત કરવામાં સમજદારી નથી.
કોણે શું કહ્યું? ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાકચીએ કહ્યું કે, અમેરિકા સાથે અમે ત્યાં સુધી કોઈ વાતચીત નહીં કરીએ જ્યાં સુધી વધારે દબાણ કર્યા કરશે. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બકાઈએ કહ્યું કે, વધારે પડતું દબાણ કરવું કાયદાનું ઉલ્લંઘન છે અને માનવતાની દ્રષ્ટિએ ગુનો છે. અલગ અલગ સમયે ઈરાન પર દબાણ અને ધમકીની નીતિ નિષ્ફળ રહી છે. ઈરાનના પરમાણું કાર્યક્રમ પર નજર રાખનારી તમામ સંસ્થાઓનું કહેવું છે કે, આ ઈસ્લામિક દેશ પરમાણું બોમ્બ બનાવવામાં થોડાં ડગલાં જ દૂર છે. UNની પરમાણુ પર નજર રાખતી સંસ્થાના પ્રમુખ રાફેલ ગ્રાસીએ કહ્યું કે, હું વાતચીત માટે ઈરાન જઈશ. બંને વચ્ચે સમાધાન કરાવીશ. ઈરાનના સંસદ અધ્યક્ષ મોહમ્મદ અઘર કાલીબાફે કહ્યું, જો અમારી સંપ્રભુતા પર હુમલો થશે તો અમે પણ તૈયાર છીએ. ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝસ્કિયાએ કહ્યું કે, ઓમાન મારફત અપ્રત્યક્ષ વાતચીત થઈ શકે છે. પણ ટ્રમ્પની ધમકીઓ વચ્ચે વાતચીત કરવી મુશ્કેલ છે.
આગળ શું થશે? 3 સંભાવના છે
- ઈરાન પરમાણુ હથિયાર બનાવાના રસ્તે આગળ વધે.
- ટ્રમ્પ સૈન્ય કાર્યવાહી કરે અને મિડલ ઈસ્ટમાં મોટું યુદ્ધ થાય.
- કૂટનીતિથી કોઈ સમજૂતી થાય.
મિડલ ઈસ્ટના 8 દેશોમાં અમેરિકી સૈનિક
- તુર્કી – 1465
- ઈરાક – 2500
- સિરિયા – 800
- કુવૈત – 13,500
- જોર્ડન – 3000
- સાઉદી અરબ – 2700
- કતાર – 10,000
- દુબઈ – 3500
અમેરિકા અને ઈરાનની સૈન્ય તાકાત
એક્ટિવ સૈનિક અમેરિકા : 13 લાખ ઈરાન : 5 લાખ
રિઝર્વ સૈનિક અમેરિકા : 8 લાખ ઈરાન : 2 લાખ
ટેન્ક અમેરિકા : 5 હજાર ઈરાન : 2 હજાર
હથિયાર સાથેનાં વાહન અમેરિકા : 38 હજાર ઈરાન : 3 હજાર
તોપખાનું અમેરિકા : 3 હજાર ઈરાન : 4 હજાર
રોકેટ અમેરિકા : 700 ઈરાન : 1700
એરક્રાફ્ટ અમેરિકા : 13 હજાર ઈરાન : 1 હજાર
ફાઈટર પ્લેન અમેરિકા : 377 ઈરાન : 127
હેલિકોપ્ટર અમેરિકા : 5000 ઈરાન : 400
વોર શિપ અમેરિકા : 500 ઈરાન : 300
સબમરીન અમેરિકા : 70 ઈરાન : 25
આ ચાર ઘટના પરથી સમજો કે અમેરિકા-ઈરાન કેમ લડતા રહે છે? 1953 – બળવો: આ તે વર્ષ હતું જ્યારે અમેરિકા અને ઈરાન વચ્ચે દુશ્મનાવટ શરૂ થઈ હતી. અમેરિકન ગુપ્તચર એજન્સી CIA એ બ્રિટન સાથે મળીને ઈરાનમાં બળવો કર્યો. ચૂંટાયેલા વડાપ્રધાન મોહમ્મદ મોસાદેકને હટાવીને ઈરાનના શાહ રેઝા પહલવીને સત્તા સોંપવામાં આવી. આનું મુખ્ય કારણ ઓઈલના ભંડાર હતું. મોસાદેક ઈચ્છતા હતા કે ઈરાનમાંથી નીકળેલા તેલ પર આખી દુનિયાનો અધિકાર છે.
1979 – ઈરાની ક્રાંતિ: ઈરાનમાં એક નવા નેતાનો ઉદય થયો – આયાતુલ્લા ખોમેની. ઈરાને અમેરિકા પર નિર્ભર રહેવું પડતું હતું. ખોમેની આ વાતના સખત વિરોધી હતા. ખોમેનીના નેતૃત્વમાં ઈરાનમાં અસંતોષ વધવા લાગ્યો. શાહ રેઝા પહલવીને ઈરાન છોડવું પડ્યું.
1981 – દૂતાવાસ કટોકટી: ઈરાન અને યુનાઇટેડ સ્ટેટ્સ વચ્ચે રાજદ્વારી સંબંધો તૂટી ગયા. ઈરાની વિદ્યાર્થીઓએ તેહરાનમાં યુએસ દૂતાવાસ પર કબજો કર્યો. 52 અમેરિકન નાગરિકોને 444 દિવસ સુધી બંધક બનાવવામાં આવ્યા. આ દરમિયાન ઇરાકે અમેરિકાની મદદથી ઈરાન પર હુમલો કર્યો. આ યુદ્ધ આઠ વર્ષ સુધી ચાલ્યું.
2015 – પરમાણુ કરાર: ઓબામાના યુએસ રાષ્ટ્રપતિ તરીકેના કાર્યકાળ દરમિયાન બંને દેશો વચ્ચેના સંબંધોમાં થોડો સુધારો થવા લાગ્યો. ઈરાન સાથે પરમાણુ કરાર થયા હતા. જેમાં ઈરાન તેના પરમાણુ હથિયાર કાર્યક્રમને કંટ્રોલ કરવા સંમત થયું હતું. બદલામાં તેના પર લાદવામાં આવેલા આર્થિક પ્રતિબંધોમાં થોડો ઘટાડો કરવામાં આવ્યો. પણ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા પછી આર્થિક પ્રતિબંધો લાદ્યા અને ઈરાન- અમેરિકા વચ્ચે ફરી દુશ્મનાવટ શરૂ થઈ.
હવે ભારત- અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર ડિલની વાત… ભારત – અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર એનર્જીની મોટી ડિલ થઈ છે. આ ડિલ અંતર્ગત અમેરિકાની કંપની ભારતમાં ન્યૂક્લિયર રિએક્ટર ડિઝાઈન કરી શકશે અને ભારત માટે બનાવી શકશે. વાત એમ છે કે, અમેરિકાના એનર્જી ડિપાર્ટમેન્ટે 26 માર્ચે એક નોટિફિકેશન જાહેર કર્યું. તેમાં હોલટેક ઈન્ડસ્ટ્રીયલ નામની કંપનીને ભારતમાં ન્યૂક્લિયર રિએક્ટર બનાવવાની મંજૂરી આપવામાં આવી. યુએસ એનર્જી વિભાગના મંત્રી ક્રિસ રાઈટ છે અને આ ડિલમાં તેની મહત્વની ભૂમિકા છે. હોલટેક ઈન્ડસ્ટ્રી ભારતમાં ત્રણ ફર્મ સાથે મળીને મોડ્યુલર રિએક્ટર બનાવશે. જેમાં હોલટેક એશિયા, TCE (ટાટા કન્સલ્ટિંગ ઈન્જિનિયર્સ લિમિટેડ) અને L&T. આમાંથી ‘હોલટેક એશિયા’ એ હોલટેક કંપનીની જ એશિયાની બ્રાન્ચ છે. 2010થી હોલટેક એશિયાના પુણે અને ગુજરાતના દહેજમાં કેટલાક યુનિટ ચાલી રહ્યા છે. અમેરિકાની હોલટેક કંપનીનું ભારત સાથે કનેક્શન છે અને તે એ છે કે આ કંપનીના CEO ભારતીય મૂળના ક્રિશ સિંહ છે.
ભારત સરકારે આ મંજૂરી ન આપી એટલે કામ પ્રાઈવેટ કંપની પાસે ગયું હોલ્ટેક કંપનીએ સરકારને એમ પણ કહ્યું હતું કે તે આ ટેકનોલોજી વધુ ત્રણ સરકારી કંપનીઓને આપવા માંગે છે. આ કંપનીઓના નામ ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NPCIL), થર્મલ યુટિલિટી NTPC લિમિટેડ અને એટોમિક એનર્જી રિવ્યુ બોર્ડ (AERB) છે. પરંતુ ભારત સરકારે આ કંપનીઓને કેટલાક જરૂરી દસ્તાવેજો પૂરા પાડ્યા નહોતા. એટલે આ કંપનીઓને મંજૂરી મળી નહીં ને કામ પ્રાઈવેટ કંપનીઓ પાસે જતું રહ્યું.
ભારતને શું ફાયદો થશે? આ કરાર ભારત માટે ખૂબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી ભારતને સસ્તી અને સ્વચ્છ ઊર્જા મળશે. ઉપરાંત, ભારત પરમાણુ ઊર્જાના ક્ષેત્રમાં વધુ પ્રગતિ કરી શકશે. ભારતના પરમાણુ ઊર્જા ક્ષેત્રમાં નવા પરિવર્તનની શક્યતા છે. આ ડિલ ભારત માટે તેની રિએક્ટર ટેકનોલોજી સુધારવાની તક છે. આનાથી પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ્સને ઝડપથી આગળ વધારવામાં મદદ મળશે. હાલમાં ન્યૂક્લિયર સંબંધિત પ્રોજેક્ટ્સની ગતિ ખૂબ જ ધીમી છે.
ન્યૂક્લિયર રિએક્ટર શું છે? આપણે એટલું તો જાણીએ જ છીએ કે ન્યૂક્લિયર એનર્જી બનાવવાની હોય કે ન્યૂક્લિયર બોમ્બ. તેના માટે એક બેઝીક સિદ્ધાંત ફોલો થાય છે. આના માટે એક પાયાનો સિદ્ધાંત છે ચેઈન રિએક્શન. આમાં એક તત્વનું રિએક્શન શરૂ થાય છે તો એ રોકાતું જ નથી. આ જ સિદ્ધાંતના આધારે પરમાણુ બોમ્બ અને પરમાણુ ઊર્જા બનાવવામાં આવે છે. ન્યૂક્લિયર રિએક્ટર એવું ડિવાઈઝ હોય છે જે આ ચેઈનના રિએક્શનને શરૂ કરે છે કંટ્રોલ કરે છે. આનો ઉપયોગ પરમાણુમાંથી વીજળી ઉત્પાદન કરવામાં પણ થાય છે. આ ડિલની એક શરત એ છે કે આ વ્યૂક્લિયરનો ઉપયોગ નાગરિકોના ભલાં માટે જ કરવામાં આવે. આ બધું સંભવ ત્યારે થયું જ્યારે 2006માં ભારત-અમેરિકા વચ્ચે ન્યૂક્લિયર ડિલ થઈ.
2006માં ડિલ થઈ હતી તે શું હતી? 1998ના પોખરણ પરમાણુ પરિક્ષણ પછી અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બિલ ક્લિન્ટને ભારત પર એક તરફી પરમાણુ પરિક્ષણ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. પણ જ્યોર્જ બુશે બિલ ક્લિન્ટનના પરમાણુ નિયમોને સાઈડમાં કરી દીધા. તેણે ભારતને ન્યૂક્લિયર બનાવવા માટેના યુરેનિયમ સપ્લાય કરવાની સંમતી આપી દીધી હતી. આ જ સંમતીને ભારત-અમેરિકા વચ્ચે થયેલી ન્યૂક્લિયર ડિલ કહે છે. આ ડિલ થઈ હતી 18 જુલાઈ 2006ના દિવસે. ન્યૂક્લિયર ડિલનો શ્રેય જાય છે ભારતના પૂર્વ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘને. આ ડિલ પછી મનમોહન સિંઘે દાવો કર્યો તો કે આ ડિલ પછી ભારતના એટોમિક એનર્જી સ્ટેશનોને જરૂરી માત્રામાં યુરેનિયમ સપ્લાય કરાશે. એ ડિલથી ભારતે એટોમિક ક્ષેત્રે પોતાનો અલગ રસ્તો બનાવ્યો છે.
છેલ્લે,
ગયા મહિને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા ત્યારે ન્યૂક્લિયર એનર્જીની ડિલ થઈ હતી અને અમેરિકા હવે આ ડિલ તરફ આગળ વધ્યું છે, પણ મોદી નિવૃત્ત થશે એવી વાતો ઘણા સમયથી થતી આવી છે. હમણાં મોદી નાગપુરમાં સંઘના કાર્યાલયમાં જઈ આવ્યા પછી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મોદી નિવૃત્ત થવાના નથી. અમિત શાહે પણ કહ્યું કે, ભાજપમાં નિવૃત્તિનો કોઈ નિયમ નથી.