વોશિંગ્ટન ડીસી23 મિનિટ પેહલા
- કૉપી લિંક
વકીલોએ સલાહ આપી છે કે લોકોએ કોઈપણ પ્રકારના દબાણમાં આવીને એરપોર્ટ પર પોતાનું ગ્રીન કાર્ડ સરેન્ડર ન કરે.
અમેરિકામાં ગ્રીનકાર્ડ હોલ્ડર્સને પરેશાન કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓ ગ્રીનકાર્ડ હોલ્ડર્સ પર તેમના ગ્રીન કાર્ડ પરત કરવા દબાણ કરી રહ્યા છે. આમાં ભારતીયોનો પણ સમાવેશ થાય છે.
ઇમિગ્રેશન સબંધીત મામલાના ઘણા વકીલોએ જણાવ્યું હતું કે ગ્રીન કાર્ડ હોલ્ડર્સની એરપોર્ટ પર પૂછપરછ કરવામાં આવી રહી છે. તેમને આખીરાત કસ્ટડીમાં રાખવામાં આવી રહ્યા છે. એવા ઘણા વૃદ્ધ લોકોને વધુ નિશાન બનાવવામાં આવે છે, જેઓ અમેરિકામાં પોતાના બાળકો સાથે રહે છે, પરંતુ શિયાળામાં ભારત જતા રહે છે.
વકીલોએ સલાહ આપી છે કે લોકોએ કોઈપણ પ્રકારના દબાણમાં આવીને એરપોર્ટ પર પોતાનું ગ્રીનકાર્ડ સરેન્ડર ન કરવું જોઈએ. ગ્રીનકાર્ડ હોલ્ડર્સને ઇમિગ્રેશન જજ દ્વારા તેમના કેસની સુનાવણી કરવાનો અધિકાર છે.
એક વકીલે જણાવ્યું હતું કે કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓ કોઈનું ગ્રીનકાર્ડ રદ કરી શકતા નથી, જ્યાં સુધી તે વ્યક્તિ પોતે તેને સરેન્ડર ન કરે.

વકીલે કહ્યું- ભારતીય વૃદ્ધ લોકો અધિકારીઓના નિશાના પર ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલ મુજબ, વકીલોએ જણાવ્યું હતું કે ઇમિગ્રેશન અને નેશનેલિટી એક્ટ હેઠળ, જો ગ્રીન કાર્ડ હોલ્ડર 180 દિવસથી વધુ સમય માટે અમેરિકાની બહાર રહે છે, તો તેણે રી-એડમિશન કરાવવું પડશે.
જો તે એક વર્ષથી વધુ એટલે કે 365 દિવસ અમેરિકાની બહાર રહે છે તો તેનું કાર્ડ રદ થઈ શકે છે. આવી સ્થિતિમાં, શિયાળામાં આવા ગ્રીન કાર્ડ હોલ્ડર્સના ભારતમાં રહેવાના કિસ્સાઓ વધી રહ્યા છે. મોટાભાગના અધિકારીઓ આવા વૃદ્ધ લોકોને નિશાન બનાવે છે.
વકીલે કહ્યું – અધિકારીઓ પોતાને જજ માની રહ્યા છે વકીલ અશ્વિન શર્માએ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, “હું એવા ઘણા કિસ્સાઓ જોઈ રહ્યો છું જ્યાં અમેરિકાની બહાર લાંબો સમય વિતાવનારા વૃદ્ધ ભારતીયો પર ફોર્મ I-407 પર સહી કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.” આ ફોર્મ જણાવે છે કે સહી કરનાર સ્વેચ્છાએ પોતાનો કાયમી નિવાસી દરજ્જો (ગ્રીન કાર્ડ) પરત કરી રહ્યા છે.
જો આવા લોકો વિરોધ કરે છે, તો કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન અધિકારીઓ તેમને અટકાયત અથવા દેશનિકાલની ધમકી આપી રહ્યા છે. આ અધિકારીઓ પોતાને જજ માની રહ્યા છે કારણ કે તેમને ટ્રમ્પની નીતિઓથી હિંમત મળી છે.
યુએસ ઉપરાષ્ટ્રપતિએ કહ્યું હતું- ગ્રીન કાર્ડ ધારકોને કાયમ માટે રહેવાનો અધિકાર નથી
2 દિવસ પહેલા અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું હતું કે ગ્રીન કાર્ડ ધારકો અમેરિકામાં કાયમ માટે રહી શકતા નથી. ગ્રીન કાર્ડ હોવાથી કોઈને યુનાઇટેડ સ્ટેટ્સમાં આજીવન રહેવાનો અધિકાર મળતો નથી. સરકારને ગ્રીન કાર્ડ હોલ્ડરને બહાર કાઢવાનો અધિકાર છે.
ગ્રીન કાર્ડ શું છે?
ગ્રીન કાર્ડને કાયદેસર રીતે કાયમી નિવાસી કાર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આનાથી યુનાઇટેડ સ્ટેટ્સમાં કાયમી ધોરણે રહેવાનો અને કામ કરવાનો અધિકાર મળે છે, જો કે વ્યક્તિ ઇમિગ્રેશન કાયદાઓનું ઉલ્લંઘન કરતા કોઈપણ ગુનામાં સામેલ ન હોય. ગ્રીન કાર્ડ મળ્યા પછી 3 થી 5 વર્ષની અંદર વ્યક્તિ યુએસમાં કાયમી રહેઠાણ માટે અરજી કરી શકે છે.
12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઈ રહ્યા છે
અમેરિકામાં મેક્સિકન પછી ગ્રીન કાર્ડ મેળવનારાઓમાં ભારતીયો બીજા ક્રમે છે. યુએસએ ફેક્ટ્સ અનુસાર, 2013 થી 2022 સુધીમાં, અમેરિકામાં 7.16 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યું છે. 2022માં 1.27 લાખ ભારતીયોને ગ્રીન કાર્ડ મળ્યું છે. આ ઉપરાંત, 12 લાખથી વધુ ભારતીય ઇમિગ્રન્ટ્સ ગ્રીન કાર્ડ માટે વેટિંગ લિસ્ટમાં છે.