વોશિંગ્ટનઅમુક પળો પેહલા
- કૉપી લિંક
લોસ એન્જલસના 3 વિસ્તારોમાં આગ ફેલાઈ ગઈ હતી.
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં લોસ એન્જલસ નજીકના ત્રણ જંગલોમાં મંગળવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. CNN મુજબ, આગ પહેલા પેસિફિક પેલિસેડ્સ, ઈટન અને હર્સ્ટના જંગલોમાં લાગી હતી અને પછી હવે રહેણાંક વિસ્તારોમાં પણ ફેલાઈ રહી છે. પેસિફિક પેલિસેડ્સમાં સવારે 10 વાગ્યે, ઇટનમાં સાંજે 6 વાગ્યે અને હર્સ્ટમાં રાત્રે 10 વાગ્યે આગ ફાટી નીકળી હતી.
પેસિફિક પેલિસેડ્સને સૌથી વધુ નુકસાન થયું છે. અહીં આગ દોઢ દિવસમાં 3,000 એકર સુધીના વિસ્તારમાં ફેલાઈ ગઈ છે. આગના કારણે 30 હજારથી વધુ લોકોને તેમના ઘર છોડવા પડ્યા હતા. રિપોર્ટ મુજબ, પેસિફિક પેલિસેડ્સમાં લાગેલી આ આગ એક મિનિટમાં પાંચ ફૂટબોલ મેદાન જેટલા વિસ્તારને બાળીને રાખ કરી રહી છે.
લોસ એન્જલસ પ્રશાસને સમગ્ર શહેરમાં ઈમરજન્સી જાહેર કરી છે. તે અમેરિકામાં સૌથી વધુ વસ્તી ધરાવતો વિસ્તાર છે. અહીં 1 કરોડ લોકો રહે છે. જંગલમાં ફેલાયેલી આગને કારણે અહીંના લગભગ 50 હજાર લોકોને તાત્કાલિક તેમના ઘર ખાલી કરવા માટે કહેવામાં આવ્યું છે.
કેલિફોર્નિયા પ્રશાસને સામાન્ય લોકોને અસરગ્રસ્ત વિસ્તારમાં ન જવાની સલાહ આપી છે. દરમિયાન રાષ્ટ્રપતિ જો બાઈડને આર્થિક મદદની જાહેરાત કરી છે.
વિમાનમાંથી આગનો વીડિયો
લોસ એન્જલસ સુધી વિસ્તરેલા વિસ્તારમાં ઘણા ઘરો સળગી ગયા હતા અને ઘણા લોકોઓ ઘર છોડી દીધા હતા. X પર આ ભયાનક ઘટનાના ઘણા વીડિયો વાયરલ થયા છે. ફ્લાઈટમાંથી રેકોર્ડ કરાયેલા વીડિયોમાં આગ ફેલાતી પણ જોઈ શકાય છે.
10 તસવીરોમાં આગની ઘટના…
પેસિફિક પેલિસેડ્સના જંગલોમાં આગ ઝડપથી ફેલાઈ રહી છે.
કેલિફોર્નિયાના પસાડિનામાં એક યહૂદી પ્રાર્થના સ્થળે આગ લાગી હતી.
પેસિફિક પેલિસેડ્સમાં ઝડપથી ફેલાતી આગને જોઈને એક મહિલા રડે છે.
પેસિફિક પેલિસેડ્સ, લોસ એન્જલસમાં આગથી એક ઘર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.
રેસ્ક્યુ ટીમનો એક સભ્ય આગ ઓલવવાનો પ્રયાસ કરે છે.
આગ ઓલવતી વખતે રેસ્ક્યુ ટીમનો સ્ટાફ ઘરની દિવાલ પરથી કુદી રહ્યો છે.
લોસ એન્જલસના લોકો આગ બાદ ઘર છોડીને ભાગી રહ્યા છે.
પેસિફિક પેલિસેડ્સ, લોસ એન્જલસમાં આગ સામે ઝઝુમી રહેલ બચાવ ટીમનો સ્ટાફ.
હેલિકોપ્ટરમાંથી પાણી વરસાવીને આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
પોતાને ગરમ હવાથી બચાવવા માટે કપડાથી નાક ઢાંકતી યુવતી.
શા માટે આગ ભભૂકી રહી છે? હેલિકોપ્ટર અને પ્લેન વડે આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, પરંતુ ભારે પવનોને કારણે આગ પર કાબૂ મેળવવો મુશ્કેલ બની રહ્યો છે. પવનની દિશા બદલાવાને કારણે અલગ-અલગ જગ્યાએ આગ સતત ફેલાઈ રહી છે.
અસરગ્રસ્ત વિસ્તારમાં તહેનાત રેસ્ક્યૂ ટીમ હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ લઈ જઈ રહી છે. સ્થાનિક શાળાઓ, સામુદાયિક કેન્દ્રો અને અન્ય સુરક્ષિત સ્થળોને ઈમરજન્સી શેલ્ટર તરીકે તૈયાર કરવામાં આવ્યા છે.
આગના કારણે માત્ર જાનમાલને નુકસાન જ નથી થયું પરંતુ પર્યાવરણને પણ ગંભીર નુકસાન થઈ રહ્યું છે. આગમાં સેંકડો વૃક્ષો અને પ્રાણીઓ સળગી ગયા છે. રસ્તાઓ પર જામના કારણે લોકો પોતાની કાર છોડીને સલામત સ્થળે પગપાળા જઈ રહ્યા છે.
આગ ફાટી નીકળવાનું સૌથી મોટું કારણ ‘સાંતા સના’ પવનો છે. આ પવનો અત્યંત ગરમ હોય છે. આ સામાન્ય રીતે પાનખર ઋતુમાં ફુંકાય છે. આ પવનો દક્ષિણ કેલિફોર્નિયાને સૌથી વધુ અસર કરે છે. અહેવાલો અનુસાર, હાલમાં 130 થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે, જેના કારણે નુકસાન વધી રહ્યું છે.