ઇસ્લામાબાદથી ભાસ્કરના સંવાદદાતા રઝા હમદાની30 મિનિટ પેહલા
- કૉપી લિંક
9 મે, 2023ના રોજ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનની ધરપકડથી ઉશ્કેરાયેલા પીટીઆઈ કાર્યકરો દ્વારા લશ્કરી છાવણી પરના હુમલાને એક વર્ષ થઈ ગયું છે. વિરોધીઓ રાવલપિંડીમાં આર્મી હેડક્વાર્ટરમાં ઘૂસી ગયા અને લાહોરમાં કોર્પ્સ કમાન્ડર હાઉસમાં તોડફોડ કરી હતી.
પાકિસ્તાનમાં પહેલીવાર જનતા દ્વારા સૈન્ય ઠેકાણાઓ પર થયેલા હુમલાએ રાજકારણને બદલી નાખ્યું. આ હુમલાના એક વર્ષ પછી પણ જેલમાં રહેલા ઈમરાન દેશની રાજનીતિનું કેન્દ્રબિંદુ બનેલા છે. સેના અને શરીફ સરકાર ત્યારે નિષ્ફળ ગઈ હતી અને અત્યારે પણ નિષ્ફળ રહી છે.
વરિષ્ઠ પત્રકાર આમિર ખાનનું કહેવું છે કે સેનાએ પહેલા ઈમરાનને ભ્રષ્ટ સાબિત કરવાનો પ્રયાસ કર્યો હતો. પછી તેણે શરિયા સિવાયના લગ્નનો કેસ દાખલ કરીને ધાર્મિક કાર્ડ રમ્યું, પરંતુ બંને વખત નિષ્ફળ ગઈ.
વિશ્લેષક અને વરિષ્ઠ પત્રકાર મુહમ્મદ ઈલ્યાસ કહે છે કે ઈમરાનની લોકપ્રિયતા ઘટાડવા માટે સેનાએ છાવણી પર હુમલાને મુદ્દો બનાવ્યો અને પીટીઆઈ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી. સેનાને લાગ્યું કે ઈમરાનની લોકપ્રિયતા ઘટશે. પરંતુ, 8 ફેબ્રુઆરીએ સામાન્ય ચૂંટણીના પરિણામોએ સ્પષ્ટ કરી દીધું કે ઈમરાનની લોકપ્રિયતા યથાવત્ છે.
પાકિસ્તાનમાં ગયા વર્ષે 9 મેના રોજ થયેલી હિંસામાં તોફાનીઓએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી હતી.
શાહબાઝ સરકારઃ ખાનની ધરપકડ દેશ અને બહાર એક સમસ્યા બની ગઈ
ઇમરાને જેલમાંથી જ પોતાની સજાને આંતરરાષ્ટ્રીય મીડિયામાં મુદ્દો બનાવ્યો છે. તેણે ધ ઈકોનોમિસ્ટ અને ડેઈલી ટેલિગ્રાફમાં લખ્યું છે કે લશ્કરી નેતૃત્વ માટે તેમની ‘હત્યા’ જ એકમાત્ર વિકલ્પ બચ્યો હતો. વરિષ્ઠ પત્રકાર ઈમ્તિયાઝનું કહેવું છે કે ઈમરાન ખાન અને પાકિસ્તાની સેના વચ્ચેની મડાગાંઠ લાંબા સમય સુધી ચાલુ રહી શકે નહીં. પાછલા બારણે વાટાઘાટો ચાલી રહી છે.
અમેરિકાએ ઈમરાન સહિત તમામ પાકિસ્તાની કેદીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. પાકિસ્તાનના બે સૌથી મોટા સાથી ચીન અને સાઉદી અરેબિયાએ શાહબાઝ સરકારને પહેલા આંતરિક મામલાઓ ઉકેલવા કહ્યું છે. પીટીઆઈએ 9 મેના રોજ દેશભરમાં શાંતિપૂર્ણ વિરોધની જાહેરાત કરી હતી. તેઓ ન્યાયિક પંચની રચનાની માંગ કરી રહ્યા છે.
સેના: કોર્ટ કેસ ટાંકીને મુદ્દાને ટાળી રહી છે
પાક આર્મી મુશ્કેલીમાં છે કારણ કે તેણે ઈમરાનને 9 મેના હુમલા માટે માફી માંગવાનું કહ્યું હતું. પરંતુ ઈમરાન મક્કમ છે અને સ્પષ્ટપણે ના પાડી રહ્યા છે. સાથે જ સુરક્ષા સૂત્રોનું કહેવું છે કે સેનાને ઈમરાનની સજા, જેલ અને જેલવાસ સાથે કોઈ લેવાદેવા નથી.
ઈમરાનને કોર્ટે સજા ફટકારી છે અને કોર્ટે જ તેને જેલમાં ધકેલી દીધા છે. પાકિસ્તાની સેના દેશના બંધારણ અને સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ ચાલી રહી છે. જેમની સામે સૈન્ય કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે તે પણ બંધારણ મુજબ છે.
ઈમરાનનો આરોપ છે કે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ આસિફ મુનીરના કહેવા પર જ શહેબાઝ શરીફને પીએમ પદ મળ્યું હતું.
કોર્ટઃ પુરાવાના અભાવે ઈમરાનને રાહત
- 1 મે : ઈસ્લામાબાદ હાઈકોર્ટે કહ્યું- FIA પાસે કોઈ પુરાવા નથી કે ગુપ્ત દસ્તાવેજો (સાઈફર) ઈમરાન પાસે હતા, તે તેની પાસેથી ગુમ થયા છે.
- 4 મે : 9 મેના રમખાણોના કેસમાં પીટીઆઈના 14 નેતાઓને કોર્ટે રાહત આપતા આગોતરા જામીન મંજૂર કર્યા.
- 6 મે : પાક સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના નિર્ણયને રદ કર્યો, જેણે PTIના સહયોગી સુન્ની ઇત્તેહાદ કાઉન્સિલને અનામત બેઠકો આપવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
- 7 મે: બુશરા બીબીને અદિયાલા જેલમાં ટ્રાન્સફર કરવાનો આદેશ. ઈમરાન ખાન પણ અહીં કેદ છે.