વોશિંગ્ટન31 મિનિટ પેહલા
- કૉપી લિંક
ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ બન્યા છે. તેમણે સોમવારે રાત્રે ભારતીય સમય અનુસાર 10:30 કલાકે અમેરિકી સંસદ કેપિટોલ હિલ ખાતે પદના શપથ લીધા હતા. સુપ્રીમ કોર્ટના જજ જોન રોબર્ટ્સે તેમને શપથ લેવડાવ્યા હતા. આ તેમનો બીજો કાર્યકાળ છે. તેઓ 2017થી 2021 સુધી અમેરિકાના 45મા રાષ્ટ્રપતિ હતા.
ટ્રમ્પના શપથ સમયે પત્ની મેલાનિયા બાઈબલ લઈને ઊભી હતી. શપથ બાદ સંસદનો કેપિટોલ રોટુન્ડા હોલ થોડીવાર તાળીઓના ગડગડાટથી ગુંજતો રહ્યો. પોતાના ભાષણમાં ટ્રમ્પે કહ્યું કે અમેરિકાને મહાન બનાવવા માટે ભગવાને તેમને બચાવ્યા. આ પહેલા જેડી વેન્સે અમેરિકાના 50મા ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા.
કેપિટોલ હિલના રોટુન્ડા હોલમાં ટ્રમ્પના શપથ ગ્રહણ દરમિયાન તેમની પત્ની મેલાનિયા હાથમાં બાઈબલ લઈને ઊભી હતી.
ટ્રમ્પે કહ્યું- અમેરિકાને ફરી મહાન બનાવીશું શપથ બાદ ટ્રમ્પે 30 મિનિટ સુધી રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. તેમના પ્રથમ ભાષણમાં તેમણે કહ્યું હતું કે, ‘અમેરિકાનો સુવર્ણ યુગ હજુ શરૂ થઈ રહ્યો છે. આ દિવસથી આપણો દેશ ફરીથી સમૃદ્ધ બનશે અને સમગ્ર વિશ્વમાં તેનું સન્માન થશે. હું ફક્ત અમેરિકાને પ્રથમ સ્થાન આપીશ. અમારી સુરક્ષા પુનઃસ્થાપિત કરવામાં આવશે. ન્યાયના ત્રાજવા પછી સંતુલિત થશે. અમે અમેરિકાને ફરી મહાન બનાવીશું.
પ્રથમ ભાષણમાં તેમણે ટ્રાન્સજેન્ડરની માન્યતા સમાપ્ત કરવાની વાત કરી
ટ્રમ્પે શપથ લીધા પછીના ભાષણમાં કહ્યું – હું તમામ સરકારી સેન્સરશીપને તાત્કાલિક બંધ કરવા અને અમેરિકામાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પાછી લાવવા માટેના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીશ. આજથી, યુએસ સરકારની સત્તાવાર નીતિ એવી હશે કે ત્યાં ફક્ત બે જ લિંગ હશે – પુરુષ અને સ્ત્રી. એટલે કે ટ્રાન્સજેન્ડરને ઓળખ નહીં મળે.
કેપિટોલ હિલ ખાતે શપથ ગ્રહણની 7 તસવીરો…
અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવા માટે કેપિટોલ હિલમાં પ્રવેશ્યા ત્યારે ટ્રમ્પ અને તેમનો પરિવાર પણ અહીં હાજર હતો.
ભૂતપૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટન (દૂર ડાબે), હિલેરી ક્લિન્ટન, જ્યોર્જ ડબ્લ્યુ. બુશ (વચ્ચે) અને બરાક ઓબામા (દૂર જમણે) ટ્રમ્પના ઉદ્ઘાટન દરમિયાન જોવા મળે છે.
ટ્રમ્પના શપથ દરમિયાન, જો બાઈડેન તેમની નજીક ઊભા હતા, જ્યારે ટ્રમ્પની પત્નીએ બાઈબલ હાથમાં રાખ્યું હતું
પદના શપથ લીધા બાદ ટ્રમ્પે ત્યાં હાજર લોકોને સલામ કરી હતી, ત્યારબાદ તેમણે 30 મિનિટનું ભાષણ આપ્યું હતું.
ઠંડીના કારણે સંસદની અંદર ટ્રમ્પનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો, ટ્રમ્પે અહીંથી રાષ્ટ્રને સંબોધન કર્યું.
ટ્રમ્પના શપથ માટે એલોન મસ્ક (ડાબે), જેફ બેઝોસ (જમણેથી પાંચમા) સહિત ઘણા અબજોપતિ અને ટેક જાયન્ટ્સ હાજર હતા.
ટ્રમ્પ પહેલા રિપબ્લિકન નેતા જેડી વેન્સે ઉપરાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા, આ દરમિયાન તેમની પત્ની ઉષા અને પુત્રી પણ તેમની સાથે હતા.
વિજય પરેડમાં કહ્યું- ટ્રમ્પ ઇફેક્ટથી હમાસ યુદ્ધ અટક્યું, શેરબજારમાં ઉછાળો
શપથ ગ્રહણ સમારોહના આગલા દિવસે નીકળેલી વિજય પરેડમાં ટ્રમ્પે કહ્યું- ચૂંટણીમાં જીતના અઢી મહિના પછી જ ફરક દેખાય છે. તેને ટ્રમ્પ ઈફેક્ટ ગણાવીને કહ્યું કે, ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામ થઈ ગયો છે. અમેરિકાના શેરબજારમાં તેજી જોવા મળી રહી છે. 39 વર્ષમાં પ્રથમ વખત બિઝનેસનો આશાવાદ રેકોર્ડ 41 પોઈન્ટ પર પહોંચ્યો છે. સોફ્ટ બેંકે અમેરિકામાં 2 હજાર કરોડ ડોલરના નવા રોકાણની જાહેરાત કરી છે.
મસ્કે વિક્ટરી પરેડમાં તેના ચાર વર્ષના પુત્ર સાથે સ્ટેજ પર ડાન્સ કર્યો
ટ્રમ્પે વિક્ટરી પરેડના અંતે ટેસ્લાના સીઈઓ એલોન મસ્કને સ્ટેજ પર બોલાવ્યા હતા. મસ્ક તેના ચાર વર્ષના પુત્ર XAE સાથે સ્ટેજ પર આવ્યા અને ડાન્સ પણ કર્યો. ટ્રમ્પ-મસ્ક માટે સમર્થકોએ જોરથી તાળીઓ પાડી. ટ્રમ્પે કહ્યું કે મસ્કનું ડીઓજી (સરકારી કાર્યક્ષમતા વિભાગ) અમેરિકાને પાટા પર પાછું લાવશે.