ભારત અને ચીન વચ્ચેની સંવેદનશીલ સરહદ લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પરથી બંને દેશોએ સમજૂતીથી પોતપોતાના સૈનિકોને હટાવી લીધા છે. હવે બંને દેશના સૈનિકો સરહદ પર માત્ર પેટ્રોલિંગ કરશે. ભારત સારા સંબંધો રાખવા ઈચ્છે તોપણ ચીન ખંધી ચાલ ચાલીને પોતાનું અસલી રૂપ
.
નમસ્કાર,
અત્યારે ડીલ એવી થઈ છે કે સરહદેથી સૈનિકો પાછા બોલાવી લેવા અને માત્ર પેટ્રોલિંગ કરવું, જોકે પેટ્રોલિંગ વખતે જ ચીન કાંકરીચાળો કરે છે, એટલે ભારતે હવે વધારે એલર્ટ રહેવાની જરૂર છે. 2020માં ગલવાન ઘાટીમાં બંને દેશના સૈનિકો પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે જ અથડામણ થઈ હતી અને પહાડ પાછળ છુપાયેલા ચીની સૈનિકોએ ભારતના સૈનિકો પર હુમલો કર્યો હતો. ચીન ફરીવાર આવી ચાલ ચાલી શકે છે.
અત્યારે એકબીજાના વિશ્વાસે ટેન્ટ હટાવવાનું કામ ચાલી રહ્યું છે ભારત અને ચીનની સરહદ પર છેલ્લાં ચાર વર્ષથી ચાલી રહેલો તણાવ હવે ધીમે ધીમે ઓછો થવા તરફ આગળ વધી રહ્યો છે. રશિયાના કઝાનમાં વડાપ્રધાન મોદી અને ચીનના વડાપ્રધાન શી જિનપિંગની મુલાકાતની અસર હવે સરહદ પર જોવા મળી રહી છે. મોદી જિનપિંગની બેઠક બાદ પૂર્વી લદ્દાખમાં એલએસી પરથી લશ્કરી દળોને વિખેરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. ડેપસાંગ અને ડેમચોકમાં સ્થાનિક કમાન્ડર ડિસએન્ગેજમેન્ટ પર નજર રાખી રહ્યા છે. દરમિયાન ડેમચોકમાં મોટું ડેવલપમેન્ટ થયું છે. અત્યારસુધીમાં બંને બાજુથી પાંચ-પાંચ ટેન્ટ હટાવી દેવામાં આવ્યા છે. ટેન્ટ હટાવવાનું સતત ચાલુ છે. બધા ટેન્ટ અને ટેન્પરરી સ્ટ્રક્ચર સંપૂર્ણપણે દૂર થઈ ગયા પછી જોઈન્ટ નિરીક્ષણ શરૂ થશે. આ નિરીક્ષણ ગ્રાઉન્ડ લેવલે અને જેટમાંથી કરવામાં આવશે. જોકે હાલમાં બંને પક્ષ વચ્ચેના પરસ્પર વિશ્વાસના આધારે કામગીરી ચાલી રહી છે.
બંને દેશના સૈનિકો પાછા ફરી રહ્યા છે ડેમચોકમાં ભારતીય સૈનિકો ચાર્ડિંગ ડ્રેઇનની પશ્ચિમ બાજુએ પીછેહઠ કરી રહ્યા છે, જ્યારે ચીની સૈનિકો નાલાની પૂર્વ તરફ પીછેહઠ કરી રહ્યા છે. બંને બાજુ 10થી 12 જેટલાં હંગામી બાંધકામો અને 12 જેટલા ટેન્ટ બાંધવામાં આવ્યાં છે, જે હટાવવાની તૈયારી છે. બીજી તરફ ડેપસાંગમાં ચીની સેના પાસે તંબુ નથી, પણ તેમણે વાહનોની વચ્ચે તાડપત્રીનો ઉપયોગ કરીને કામચલાઉ ટેન્ટ બનાવ્યા છે. ડેપસાંગમાં અત્યારસુધીમાં અડધાં બાંધકામો દૂર કરવામાં આવ્યાં છે. ચીની સેનાએ આ વિસ્તારમાં વાહનોની સંખ્યામાં ઘટાડો કર્યો અને ભારતીય સેનાના કેટલાક સૈનિકો ઓછા કર્યા.
સ્ટ્રક્ચર હટાવ્યા બાદ 22મા રાઉન્ડની મંત્રણા શરૂ થશે દરરોજ સવારે બંને દેશના સ્થાનિક સૈન્ય કમાન્ડરો દિવસ માટે આયોજિત કામગીરી અંગે ચર્ચા કરવા માટે હોટલાઈન કોલ કરે છે. બંને દેશના કમાન્ડર દરરોજ એક કે બેવાર નક્કી કરેલી જગ્યા પર મળે છે. ગલવાન સહિત ચાર બફર ઝોન પર હજુ સુધી ચર્ચા થઈ નથી. એકવાર ડેમચોક અને ડેપસાંગમાં પેટ્રોલિંગ ફરી શરૂ થઈ જાય અને ટ્રસ્ટની સ્થાપના થઈ જાય, કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીત બફર ઝોનમાં ફરી પેટ્રોલિંગ શરૂ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. ડેમચોક અને ડેપસાંગ મેદાનોમાંથી હંગામી માળખાને સંપૂર્ણ રીતે હટાવવા અને પેટ્રોલિંગ ફરી શરૂ કર્યા પછી કોર્પ્સ કમાન્ડર સ્તરની વાતચીતનો 22મો રાઉન્ડ થાય એવી સંભાવના છે. ટૂંકમાં, બંને દેશના સૈનિકો સરહદે કેમ્પમાં રહેશે નહીં, પણ માત્ર પેટ્રોલિંગ કરશે.
શું છે લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ- LAC? ભારત અને ચીન વચ્ચેના વિવાદનો ઇતિહાસ થીજેલા પાણી જેવો છે, જેના પર આશા લપસતી રહે છે. ચીને 58 વર્ષમાં પાંચ વખત ભારત સાથે દગો કર્યો છે, કારણ- એક જ છે- સરહદ વિવાદ. ભારત-ચીન વચ્ચેની સીમા 4056 કિમી લાંબી છે અને એ પશ્ચિમથી પૂર્વમાં હિમાલયની રેન્જમાં જાય છે. વિશ્વની સૌથી ઊંચાઈ પર છે, જ્યાં સૈનિકો ખૂબ મુશ્કેલ પરિસ્થિતિમાં તહેનાત છે, જ્યાં ઘણી જગ્યાએ શિયાળામાં તાપમાન શૂન્યથી પણ નીચે રહે છે. આને વિશ્વની સૌથી મોટી સરહદ પણ માનવામાં આવે છે, એટલે જ એનું સંપૂર્ણ રીતે મેપિંગ થઈ શક્યું નથી. ભારત મેકમોહન લાઇનને વાસ્તવિક બોર્ડર માને છે, જ્યારે ચીન એને સરહદ તરીકે માનતું નથી. આ લાઇન અંગે 1962માં ભારત અને ચીન વચ્ચે યુદ્ધ પણ થયું હતું, કારણ કે લદ્દાખ, અરુણાચલ પ્રદેશ સહિત અનેક જગ્યાએ ચીને ભારતીય જમીન પર કબજો કર્યો હતો, જોકે ચીનનો આ કબજો 58 વર્ષ પછી પણ છે. જ્યાં સુધી ચીનનો કબજો છે ત્યાં સુધી સરહદને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) અથવા વાસ્તવિક નિયંત્રણની લાઇન તરીકે ઓળખવામાં આવે છે.
ગલવાનની ઘાટી શું છે અને અહીં કેટલીવાર અથડામણ થઈ છે? ભારત-ચીન સરહદ પર લદ્દાખ પાસે મોટો ખીણ વિસ્તાર છે. એને ગલવાન ઘાટી કહે છે. ગલવાન ઘાટી અક્સાઇ ચીનક્ષેત્રમાં આવે છે. 1962માં પણ ચીને અહીં ગોરખા પોસ્ટ પર હુમલો કર્યો હતો. ચીન 1956થી તેના પશ્ચિમી ક્ષેત્ર પર કબજો કરવાનો દાવો કરે છે. 1960માં ગલવાન નદીની પશ્ચિમ બાજુ, એની આસપાસની ટેકરીઓ અને શ્યોક નદી ઘાટી પર ચીને અચાનક દાવો કરવાનું શરૂ કર્યું. પરંતુ ભારત સતત કહેતું રહ્યું છે કે અક્સાઇ ચીન તેનો વિસ્તાર છે. આ પછી જ 1962માં ભારત-ચીન યુદ્ધ થયું હતું. ત્યારે પણ ચીને અહીં ગોરખા પોસ્ટ પર હુમલો કર્યો હતો. આ ગલવાન પોસ્ટ પર ભારે ગોળીબાર અને બોમ્બમારા માટે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા બટાલિયન મોકલવામાં આવી હતી. આ સમય દરમિયાન અહીં 33 ભારતીય માર્યા ગયા, કંપનીના ઘણા કમાન્ડર અને અન્ય લોકોને ચીની સેનાએ બંધક બનાવ્યા. એ પછી ચીને એક્સાઈ-ચીન પર પોતાના દાવાવાળા વિસ્તાર પર કબજો કર્યો હતો. 2020માં પણ લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. અહીં ભારતના 20 જવાન શહીદ થયા હતા.
ભારત-ચીન વચ્ચે 1962માં જંગનું કારણ શું હતું? ચીને 20 ઓક્ટોબર 1962માં ભારત પર હુમલો કર્યો હતો. કારણ આ હિમાલયની વિવાદિત સરહદ જ હતી. પરંતુ અન્ય મુખ્ય કારણ અને મુદ્દાઓ પણ હતા. જેમાં પ્રમુખ કારણ 1959માં તિબેટીયન વિદ્રોહ પછી દલાઈ લામાને જગ્યા આપવાનું હતું. ચીને લદ્દાખના ચુશૂલમાં રેજાંગ-લા અને અરુણાચલના તવાંગમાં ભારતીય જમીનો પર કબજો કરી લીધો હતો. તે સાથે જ ચીને ભારત પર લદ્દાખ, હિમાચલ, ઉત્તરાખંડ અને અરુણાચલમાં એકસાથે હુમલો કર્યો હતો. આ યુદ્ધમાં ચીનને જીત મળી હતી. જોકે ભારત ત્યારે યુદ્ધ માટે તૈયાર જ નહોતું. ચીને એક મહિના પછી 20 નવેમ્બર 1962ના રોજ યુદ્ધ વિરામની ઘોષણા કરી હતી.
1962 પછી બંને દેશોમાં કયા મોટા વિવાદો થયા?
- 1967: નાથુ લા પાસ પાસે અથડામણ
1967ની અથડામણ ત્યારે શરૂ થઈ જ્યારે ભારતે નાથુ લાથી સેબુ લા સુધી તાર લગાવી બોર્ડરનું મેપિંગ કર્યું હતું. 14,200 ફુટ પર સ્થિત નાથુ લા પાસ તિબેટ-સિક્કિમ સરહદ પર છે, તેમાંથી જૂનો ગંગટોક-યાતુંગ-લ્હાસા માર્ગ પસાર થાય છે. 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન, ચીને ભારતને નાથુ લા અને જેલેપ લા પાસ ખાલી કરવા કહ્યું હતું. ભારતે જેલેપ લાને ખાલી કરી આપ્યો હતો પરંતુ નાથુ લા પાસની પરિસ્થિતિ એક જેવી જ રહી હતી. ત્યારથી નાથુ લા વિવાદનું કેન્દ્ર બન્યો.
- 1975 : ચીને અરુણાચલમાં તુલુંગ પર આક્રમણ કર્યું
1967ની હાર ચીન ક્યારેય પચાવી શક્યું નહીં અને સરહદ પર તણાવ વધારવાનો સતત પ્રયાસ કર્યો. આવી જ એક તક 1975માં આવી. અરુણાચલ પ્રદેશના તુલુંગ લા ખાતે આસામ રાઇફલ્સના જવાનોની પેટ્રોલિંગ ટીમ પર હુમલો થયો હતો. આ હુમલામાં ચાર ભારતીય જવાન શહીદ થયા હતા. ભારતે કહ્યું કે ચીને ભારતીય સેના પર LAC પર હુમલો કર્યો. પરંતુ ચીને ભારતના દાવાને નકારી દીધો.
- 1987 : તવાંગમાં બંને દેશો વચ્ચે અથડામણ
1985માં ભારતીય સેના આખા ઉનાળા માટે અહીં ઉભી હતી, પરંતુ 1986માં પહોંચી તો ચીની સૈન્ય હાજર હતા. ચીને સમાદોરંગ ચૂના ભારતીય ક્ષેત્રમાં તેના તંબુને લગાવી દીધા હતા, ભારતે ચીનને તેની સરહદ પર પાછા ફરવાનું કહ્યું, પરંતુ ચીન સ્વીકારવા તૈયાર નહોતું. ભારતીય સેનાએ ઓપરેશન ફાલ્કન ચલાવ્યું હતું અને જવાનોને વિવાદિત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ચીન-ભારતના સૈનિકો વચ્ચે 1987માં તવાંગ પ્રાંતમાં અથડામણ થઈ હતી પણ એમાં કોઈ જવાન શહીદ થયા નહોતા અને બંને પક્ષે કોઈને ઈજા પણ નહોતી થઈ.
- 2017 : ડોકલામમાં 75 દિવસ સુધી બંને દેશની સેના સામસામે ઉભી રહી
ડોકલામ રાજ્ય ભારત, ભૂટાન અને ચીનના ત્રિભેટે ઊભેલો વિસ્તાર છે. ડોકલામ વિવાદિત પર્વતીય ક્ષેત્ર છે, જેના પર ચીન અને ભૂટાન બંને પોતાનો દાવો કરે છે. ભારત ડોકલામ પર ભૂટાનના દાવાને સમર્થન આપે છે. જૂન 2017માં જ્યારે ચીને અહીં રસ્તા બનાવવાનું કામ શરૂ કર્યું હતું, ત્યારે ભારતીય સૈનિકો દ્વારા તેને અટકાવવામાં આવ્યું હતું. ચીની સૈનિકો ભારતના સિલિગુરી કોરિડોરને કબજે કરવા માટે ડોકલામનો ઉપયોગ કરી શકે છે. બંને દેશોની સરહદો 75 દિવસથી વધુ સમય માટે સામ-સામે રહી હતી, પરંતુ તેમાં કોઈ હિંસા થઈ નહોતી.
મોદી-જિનપિંગ તો હમણાં મળ્યા, આ પહેલાં ભારત-ચીન વચ્ચે કઈ કઈ સમજૂતી થઈ હતી?
- 1993થી બંને દેશો વચ્ચે સરહદ પર શાંતિ જાળવવા માટે અનેક દ્વિપક્ષીય કરાર અને પ્રોટોકોલ પર વાતચીત શરૂ થઈ. 90ના દાયકામાં ચીન સાથેના સંબંધોનો પાયો 1988માં તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીની ચીન મુલાકાતથી નખાયો હતો.
- 1993માં ભારતના તત્કાલીન વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ ચીનના પ્રવાસે ગયા હતા અને આ સમય દરમિયાન તેમણે ચીની પ્રીમિયર લી પેંગ સાથે મેન્ટેનન્સ ફ પીસ એન્ડ શાંતિ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. કરાર LAC પર શાંતિ પુન સ્થાપિત કરવાનો હતો.
- ચીનના રાષ્ટ્રપતિ જિયાંગ ઝેમિન 1996માં ભારત આવ્યા અને LACને લઈને અન્ય એક સમજૂતી થઈ. આ કરાર પર તત્કાલિન ભારતીય વડાપ્રધાન એચડી દેવેગૌડાએ હસ્તાક્ષર કર્યા હતા.
- 2003માં અટલ બિહારી વાજપેયીની સરકારે સરહદ વિવાદ માટે વિશેષ પ્રતિનિધિ કક્ષાની પદ્ધતિ તૈયાર કરી.
- 2005, 2012 અને 2013માં મનમોહનસિંહે સરહદ વિવાદ પર વાતચીત વધારવા માટે ચીન સાથે ત્રણ કરાર કર્યા હતા. એ વખતે એસ.જયશંકર ચીનમાં ભારતના રાજદૂત હતા.
- વડાપ્રધાન બન્યા બાદ મોદીએ જિનપિંગને અમદાવાદ બોલાવ્યા હતા. ત્યારબાદ 2018માં વુહાનમાં જિનપિંગ સાથે અનૌપચારિક સમિટની શરૂઆત કરી. આ સંદર્ભમાં, બંને નેતાઓની મુલાકાત 2019માં મહાબલિપુરમમાં થઈ હતી અને પાંચ વર્ષ પછી 2024માં રશિયાના કઝાનમાં મોદી અને જિનપિંગની મુલાકાત થઈ.
છેલ્લે,
યુનાઈટેડ નેશન્સ સિક્ટોરિટી કાઉન્સીલ (UNSC)માં સભ્ય બનવા માટે ભારત બહુ મથામણ કરે છે. આમાં પાંચ દેશ અમેરિકા, બ્રિટન, રશિયા, ફ્રાન્સ અને ચીન કાયમી સભ્ય છે. આ પાંચમાંથી ચાર દેશ ભારત માટે સમર્થન કરે છે પણ ચીન દર વખતે વીટો પાવર વાપરીને ભારતને સભ્ય બનાવવા ઈચ્છતું નથી. એ કોઈ ને કોઈ બહાનું ધરીને ભારતનો વિરોધ કરે છે. વિડંબણા એ છે કે, જ્યારે ચીનને UNSCમાં સભ્ય પદ મેળવવા સમર્થનની જરૂર હતી ત્યારે ભારતે તેને સમર્થન આપ્યું હતું. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ…
(રિચર્સ : યશપાલ બક્ષી)