ઇસ્લામાબાદ28 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ભારતની લોકસભા ચૂંટણી બાદ સંબંધો સુધરવાની આશા વ્યક્ત કરી છે.
પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે આશા વ્યક્ત કરી છે કે ભારતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયા બાદ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરી શકે છે. ઈસ્લામાબાદમાં નેશનલ એસેમ્બલીની બહાર મીડિયા સાથે વાતચીત કરતા રક્ષા મંત્રીએ કહ્યું કે, “ત્યાં ચૂંટણી પુરી થયા બાદ અમારા સંબંધો સુધરી શકે છે. ભારત-પાકિસ્તાન સંબંધોનો પોતાનો એક ખાસ ઈતિહાસ રહ્યો છે.”
છેલ્લા 10 દિવસમાં આ બીજી વખત છે જ્યારે પાકિસ્તાને ભારત સાથે સંબંધો સુધારવાને લઈને નિવેદન આપ્યું છે. અગાઉ 23 માર્ચે પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે કહ્યું હતું કે પાકિસ્તાનનો વેપારી સમુદાય ભારત સાથે ફરીથી વેપાર શરુ કરવા માંગે છે. સરકાર આ મામલે સંબંધિત લોકોની સલાહ લઈને તમામ પ્રસ્તાવોની સમીક્ષા કર્યા બાદ નિર્ણય લેશે.
જો કે, થોડા દિવસો બાદ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ ઝહરા બલોચે ભારત સાથે વેપાર શરૂ કરવાની શક્યતાનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, “2019માં ભારતે જમ્મુ અને કાશ્મીરમાં ગેરકાયદેસર રીતે કલમ 370 હટાવી દીધી હતી. ત્યારથી ભારત અને પાકિસ્તાન વચ્ચે કોઈ વેપાર સંબંધ નથી. પાકિસ્તાન હજુ પણ પોતાના સ્ટેન્ડ પર કાયમ છે.”
ઈશાક ડારે (ડાબે) લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં પ્રેસ બ્રીફિંગ દરમિયાન ભારત સાથેના ટ્રેડ અંગે ચર્ચા કરી હતી.
પાકિસ્તાને કહ્યું- અમે હંમેશા અફઘાનિસ્તાન માટે બલિદાન આપ્યું છે
બીજી તરફ અફઘાનિસ્તાન સાથેના સંબંધો વિશે વાત કરતા ખ્વાજા આસિફે કહ્યું કે, “હું એક ડેલિગેશન સાથે અફઘાનિસ્તાન ગયો હતો. અમે તાલિબાન સરકારને અપીલ કરી હતી કે તે આતંકવાદને રોકવા માટે યોગ્ય પગલાં ભરે. પરંતુ તેમણે જે ઉપાય સુચવ્યો તેનો અમલ કરવો શક્ય નથી.”
ખ્વાજા આસિફે કહ્યું, “અફઘાનિસ્તાનની સરકારના વલણ બાદ પડોશી દેશો સાથેના સંબંધોને લઈને અમારા વિકલ્પો દિવસેને દિવસે ઘટી રહ્યા છે. અમે હંમેશા અફઘાનિસ્તાનને સમર્થન આપ્યું છે, તેમની સાથે યુદ્ધ લડ્યા અને બલિદાન આપ્યું છે.”
પાકિસ્તાન સાથે હજુ પણ દરિયાઈ માર્ગે વેપાર ચાલી રહ્યો છે
ફેબ્રુઆરી 2024માં ભારત સરકારે કહ્યું હતું કે પાકિસ્તાન સાથે હજુ પણ અમુક વેપાર થઈ રહ્યો છે. તે દરિયાઈ માર્ગો દ્વારા થઈ રહ્યો છે. એકતરફી રીતે માત્ર જમીન સરહદ દ્વારા ઈમ્પોર્ટ- એક્સપોર્ટ બંધ કરી દીધું હતું.
વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્ય મંત્રી અનુપ્રિયા પટેલે લોકસભામાં કહ્યું હતું કે – પહેલા અટારી-વાઘા બોર્ડર અને કરાચી બંદરથી વેપાર થતો હતો. હવે જમીન માર્ગે કોઈ વેપાર થતો નથી. પરંતુ અમુક વેપાર સમુદ્ર અને હવાઈ માર્ગે થઈ રહ્યો છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાન અન્ય એશિયાઈ દેશો મારફતે ભારતીય સામાન ખરીદી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે કલમ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે
ગયા વર્ષે 11 ડિસેમ્બરે, ભારતની સુપ્રીમ કોર્ટે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મુદ્દા પર સુનાવણી કરતા સરકારના નિર્ણયને યથાવત રાખ્યો હતો. SCએ કહ્યું હતું કે કલમ 370 કામચલાઉ હતી. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. રાષ્ટ્રપતિને અહીં નિર્ણય લેવાની સંપૂર્ણ સત્તા છે. આ સાથે રાજ્યમાં સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરાવવાના આદેશ પણ આપવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવી દીધી હતી. આ ઉપરાંત, રાજ્યને જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના બે કેન્દ્રશાસિત પ્રદેશોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. તેની સામે સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ કરવામાં આવી હતી. 5 જજોની બેન્ચે તમામ અરજીઓની એકસાથે સુનાવણી કરી હતી.
કલમ 370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો વણસી ગયા હતા. તે સમયે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન હતા. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 ફરીથી સ્થાપિત નહીં થાય ત્યાં સુધી ભારત સાથે કોઈ વાતચીત નહીં થાય. ઈ તરફ ભારતે એમ પણ કહ્યું હતું કે જ્યાં સુધી આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી વાતચીતનો સવાલ જ નથી.