વોશિંગ્ટન3 કલાક પેહલા
- કૉપી લિંક
પોલીસનું કહેવું છે કે 26 ઓગસ્ટે સાંજે લગભગ 5:30 વાગ્યે મુના પાંડેની તેના એપાર્ટમેન્ટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
નેપાળી યુવતીની હત્યાના આરોપમાં અમેરિકામાં એક ભારતીય શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આ વ્યક્તિની ઓળખ બોબી સિંહ શાહ (52 વર્ષ) તરીકે થઈ છે. અમેરિકાના હ્યુસ્ટનમાં એક નેપાળી વિદ્યાર્થિનીની તેના ફ્લેટમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
મૃતક વિદ્યાર્થિનીનું નામ મુના પાંડે (21 વર્ષ) છે. તેના શરીર પર ગોળીઓના ઘણા નિશાન જોવા મળ્યા હતા. પોલીસે જણાવ્યું કે આરોપી નેપાળી વિદ્યાર્થિનીના ફ્લેટમાં ચોરી કરવાના ઈરાદે ઘુસ્યો હતો, પરંતુ જ્યારે તે પકડાઈ ગયો તો તેણે વિદ્યાર્થિનીને ગોળી મારી દીધી હતી.
સોમવારે સાંજે પોલીસને મુનાનો મૃતદેહ તેના ફ્લેટમાંથી મળ્યો હતો. આ પહેલા પોલીસને એક કોલ આવ્યો હતો જેમાં તેમને આ અંગે જાણ કરવામાં આવી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને જોયું તો મુના પલંગ પર માથું નીચું કરીને સૂતી હતી. તેને ત્રણ ગોળી વાગી હતી. પોલીસે તેને મૃત જાહેર કરી હતી.
મુના ત્રણ વર્ષ પહેલા અભ્યાસ અર્થે અમેરિકા આવી હતી. તે હ્યુસ્ટન કોલેજની વિદ્યાર્થિની હતી.
હત્યાના 2 દિવસ બાદ ખુલાસો
ઘટનાના બે દિવસ બાદ પોલીસને સીસીટીવી ફૂટેજ પરથી જાણવા મળ્યું કે શનિવારે જ તેનું મોત થયું હતું. જેમાં આરોપી મુનાના એપાર્ટમેન્ટમાંથી નીકળતો જોવા મળ્યો હતો. જેના આધારે પોલીસે બોબીની તસવીર જાહેર કરી હતી.
ફોટો જાહેર થયાના એક દિવસ પછી એક વ્યક્તિ પોલીસ પાસે આવ્યો. તેણે જણાવ્યું કે આરોપીનો ચહેરો બોબી શાહ જેવો છે. તેણે તેની સાથે રેસ્ટોરન્ટમાં કામ કર્યું છે. તેણે પોલીસને આરોપીનું સરનામું અને નંબર પણ આપ્યો હતો.
પોલીસે સોમવારે જ શાહની ધરપકડ કરી હતી અને તેમની સામે હત્યાના આરોપમાં કેસ નોંધવામાં આવ્યો હતો. બોબીને શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ત્યાં તેણે કબૂલ્યું કે તેણે ગન બતાવીને મુના પાસે દરવાજો ખોલાવ્યો હતો.
બોબી હત્યા કર્યા પછી રૂમમાંથી બહાર નીકળી રહ્યો હતો, તે કેમેરામાં કેદ થયો હતો.
શનિવારે બહાર જવાની હતા તે પહેલા જ તેની હત્યા કરવામાં આવી
કોર્ટના દસ્તાવેજ મુજબ મુનાએ શનિવારે મિત્રો સાથે બહાર ફરવા જવાનો પ્લાન કર્યો હતો, પરંતુ તે પહેલા જ તેની હત્યા કરવામાં આવી હતી. મિત્રોએ તેને ફોન કરીને મેસેજ કર્યો પણ કોઈ જવાબ મળ્યો નહોતો.
મુના પાંડેના મિત્રએ પોલીસને જણાવ્યું કે એક વર્ષ પહેલા એક છોકરો તેની પીછો કરતો હતો. તે એપાર્ટમેન્ટમાં એકલી રહેતી હતી તેથી તેણે ગેટની સામે કેમેરા લગાવ્યો હતો. હવે એ જ કેમેરામાં ગુનેગારની ઓળખ થઈ ગઈ છે.
મુના વર્ષ 2021માં હ્યુસ્ટન કોમ્યુનિટી કોલેજમાં અભ્યાસ કરવા આવી હતી. રિપોર્ટ્સ અનુસાર, મુના એક માત્ર સંતાન હતી. તેની માતા ઘણા દિવસોથી તેની પુત્રીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહી હતી પરંતુ તેનો ફોન સ્વીચ ઓફ આવતો હતો.
મુનાની માતાને હ્યુસ્ટન લાવવાની વ્યવસ્થા કરવા માટે નેપાળનું એસોસિએશન નેપાળના કોન્સ્યુલેટ સાથે કામ કરી રહ્યું છે. આ માટે ફંડ પણ એકત્ર કરવામાં આવી રહ્યું છે.