તેલ અવીવ/કાહિરા/વોશિંગ્ટનઅમુક પળો પેહલા
- કૉપી લિંક
હમાસનો દાવો છે કે ગાઝામાં ઇઝરાયલના હુમલાને કારણે અત્યાર સુધીમાં 30 હજાર પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. (ફાઈલ)
ઇઝરાયલ અને હમાસ વચ્ચે 7 ઓક્ટોબર, 2023થી ચાલી રહેલા યુદ્ધમાં બીજી વખત સીઝફાયરની અપેક્ષા છે. આ માટે કાહિરામાં વાતચીત ચાલી રહી છે. CNNએ એક અમેરિકન ઓફિસરને ટાંકીને કહ્યું- ઇઝરાયલ 6 અઠવાડિયા સુધી હુમલા રોકવા માટે તૈયાર છે.
બીજી તરફ, બ્રિટિશ અખબાર ‘ધ સન’એ હમાસના એક નેતાને ટાંકીને કહ્યું છે કે સીઝફાયરની શરતો વિચારણાના અંતિમ તબક્કામાં છે. 24 થી 48 કલાકમાં નિર્ણય લેવામાં આવશે તેવી આશા છે. 7 દિવસનો પ્રથમ સીઝફાયર નવેમ્બરમાં થયું હતું.
હમાસના કબજા હેઠળના ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઇઝરાયલના હુમલામાં અત્યાર સુધીમાં 30 હજાર લોકો માર્યા ગયા છે.

ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પેરિસમાં તૈયાર કરેલા ડ્રાફ્ટને મંજૂરી આપી દીધી છે. જો કે, સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. (ફાઈલ)
હવે હમાસે નિર્ણય લેવાનો છે
- રિપોર્ટ અનુસાર અમેરિકા અને ઈજિપ્તની સાથે કતાર પણ આ વાતચીતમાં સામેલ છે. ઇઝરાયલ સરકાર યુદ્ધવિરામ માટે તૈયાર છે. હવે હમાસે નિર્ણય લેવાનો છે.
- મળતી માહિતી મુજબ, બે બાબતો પર સહમતિ બની છે. પ્રથમ- સીઝફાયર 6 અઠવાડિયા સુધી ચાલશે. આ સમયગાળા દરમિયાન બંને પક્ષો એકબીજા પર હુમલો કરશે નહીં. બીજું- હમાસ 134 બંધકોને મુક્ત કરશે. ઇઝરાયલ તેની જેલમાં બંધ મહિલાઓ અને બાળકોને પણ મુક્ત કરશે.
- એવું માનવામાં આવે છે કે આ ડીલ રમઝાન પહેલા થઈ જશે. ગાઝામાં હમાસના ડેપ્યુટી ચીફ ખલીલ અલ-હયાસ રવિવારે સવારે કાહિરા પહોંચ્યા હતા. હમાસ વતી તેઓ જ વાટાઘાટો કરી રહ્યા છે. આ પહેલા તેમણે કતારની રાજધાની દોહામાં તમામ પક્ષકારો સાથે વાત કરી હતી.
- ‘સ્કાય ન્યૂઝ’એ એક અમેરિકન ઓફિસરને ટાંકીને કહ્યું – સીઝફાયર માટે વાટાઘાટો ઝડપી ગતિએ ચાલી રહી છે. આનું કારણ એ છે કે બંને પક્ષો આ મુદ્દાનો ઉકેલ શોધવા માટે તૈયાર છે. તેમ છતાં એમ કહી શકાય કે હવે નિર્ણય હમાસે લેવાનો છે.

હમાસના નેતા ઈસ્માઈલ હાનિયા ગયા અઠવાડિયે કતારમાં સંગઠનના બાકીના નેતાઓને મળ્યા હતા. આ પછી, સીઝફાયર પર વાતચીત ઝડપથી થઈ. (ફાઈલ)
પેરિસથી દોહા અને હવે કાહિરા
અહેવાલો અનુસાર, કતાર અને ઇજિપ્તના અધિકારીઓએ દોહામાં હમાસ નેતાઓ સાથે મુલાકાત કરી હતી. આ પછી પેરિસમાં સીઝફાયરનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આવ્યો હતો. ઇઝરાયલ આ માટે તૈયાર હતું. આખરે આ ડ્રાફ્ટ કાહિરામાં હમાસને સોંપવામાં આવ્યો હતો અને તેના પર જલ્દી નિર્ણય લેવા માટે કહેવામાં આવ્યું હતું. ઇઝરાયલે ખાતરી આપી હતી કે તે ઘણા પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવા તૈયાર છે.
ઇઝરાયલે કહ્યું છે કે તે ઘાયલ, વૃદ્ધો અને મહિલાઓને મુક્ત કરશે. આ ઉપરાંત 18 વર્ષથી નીચેના બાળકોને પણ મુક્ત કરવામાં આવશે.
7 ઓક્ટોબર, 2023ના રોજ, હમાસે ઇઝરાયલના સરહદી વિસ્તારમાં આવેલા શહેરો પર હુમલો કર્યો હતો. 1200 લોકો માર્યા ગયા. 234ને બંધક બનાવ્યા હતા. નવેમ્બરમાં 103 લોકોને મુક્ત કરવામાં આવ્યા છે. બાકીના હમાસની કેદમાં છે.

રવિવારે અમેરિકાએ ગાઝા વિસ્તારમાં પેરાશૂટ દ્વારા ફૂડ પેકેટ નાંખ્યા હતા.
સીઝફાયરની શરતો
બ્રિટિશ અખબાર ‘ધ સન’એ સૂત્રોને ટાંકીને સીઝફાયરની શરતો વિશે માહિતી આપી છે. જે આ પ્રમાણે છે…
- 10 પેલેસ્ટિનિયનોના બદલામાં ઇઝરાયલના એક બંધકને મુક્ત કરવામાં આવશે.
- ઇઝરાયલ અને હમાસ તમામ પ્રકારની સૈન્ય કાર્યવાહી બંધ કરશે.
- ગાઝામાં ઇઝરાયલના સર્વેલન્સ ડ્રોન દિવસમાં માત્ર 8 કલાક જ ઉડશે.
- ઉત્તર ગાઝામાં સામાન્ય લોકો તેમના ઘરે પરત ફરી શકશે. જો કે, લશ્કરી સેવાની ઉંમરના યુવાનો ઘરે પરત ફરી શકશે નહીં.
- યુદ્ધવિરામ બે તબક્કામાં થશે. આ સમયગાળા દરમિયાન ગાઝાના ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં વધુ સૈનિકો તહેનાત કરવામાં આવશે નહીં.
- માનવતાવાદી સહાય અને ખાદ્ય પદાર્થો માટે દરરોજ 500 ટ્રક ગાઝામાં પ્રવેશ કરશે. ગાઝાને 2 લાખ ટેન્ટ મળશે. હોસ્પિટલો અને બેકરીઓ ફરી ખુલશે. આ માટે ઇંધણ પણ આપવામાં આવશે.
- ગાઝામાં કાટમાળ હટાવવા માટે ભારે મશીનરી લઈ જવાની પરવાનગી આપવામાં આવશે. હમાસને ખાતરી આપવી પડશે કે તે ઇઝરાયલ સામે આંતરરાષ્ટ્રીય સહાયનો ઉપયોગ કરશે નહીં. પ્રથમ તબક્કા બાદ સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે. આ પછી બીજો તબક્કો શરૂ થશે.