2 કલાક પેહલા
- કૉપી લિંક
7 ઓક્ટોબર, 2023ના રોજ શરૂ થયેલ ઇઝરાયલ-હમાસ યુદ્ધ હજુ પણ ચાલુ છે. આ દરમિયાન ગાઝામાં મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલના હુમલામાં 7 રાહતકર્મીઓ માર્યા ગયા હતા. તેના પર ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે યુદ્ધમાં તો આવું થતું રહે.
પીએમ નેતન્યાહુએ એક વીડિયો સંદેશમાં રાહતકર્મીઓના મૃત્યુ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે, “દુર્ભાગ્યવશ, એક દુ:ખદ ઘટના બની જેમાં અમારા સૈન્યએ અજાણતામાં ગાઝા પટ્ટીમાં રાહતકર્મીઓની હત્યા કરી નાખી. સૈન્યએ ભૂલ કરી. અમને ઘણું દુઃખ છે કે હુમલામાં રાહતકર્મીઓના મોત થયા, પરંતુ યુદ્ધમાં તો આવું થતું રહે છે. આવનાર સમયમાં કોઈ નિર્દોષ મરે નહીં તેનું ધ્યાન રાખીશું. આ મામલે તપાસ થશે.
આ તસવીર રાહતકર્મીઓના વાહન પર થયેલા હુમલાની છે.
માર્યા ગયેલા બચાવકર્મીઓ વિવિધ દેશોના નાગરિકો હતા
મંગળવારે મોડી રાત્રે ઇઝરાયલી સેનાએ વર્લ્ડ સેન્ટ્રલ કિચન ચેરિટી કાફલા પર હવાઈ હુમલો કર્યો. આ હુમલામાં 7 સ્વયંસેવકો માર્યા ગયા હતા. આ ઓસ્ટ્રેલિયા, બ્રિટન, પોલેન્ડ, અમેરિકાના નાગરિકો હતા.
ચેરિટી વર્લ્ડ સેન્ટ્રલ કિચનના સ્થાપક શેફ જોસ એન્ડ્રેસે જણાવ્યું હતું કે, “બચાવ કાર્યકરો ચેરિટીના લોગોવાળી બે બખ્તરબંધ કારમાં હતા. તેઓએ તેમના આગમનની ઇઝરાયલી સેનાને જાણ કરી હતી. તેમ છતાં, સેનાએ તેમના પર હુમલો કર્યો.”
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે આ હુમલા માટે ઈઝરાયલની નિંદા કરી છે. યુએનના જણાવ્યા અનુસાર યુદ્ધમાં અત્યાર સુધીમાં 196 રાહતકર્મીઓના મોત થયા છે.
મંગળવારે રાત્રે થયેલા હુમલામાં માર્યા ગયેલા બચાવકર્મીઓ અને તેમના પાસપોર્ટની આ તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
રાહત કાર્યકરો પાસે 100 ટન ખોરાક હતો
યુએન અનુસાર, ગાઝાના 22 લાખ લોકો ભૂખમરાની આરે છે. આવી સ્થિતિમાં ત્યાં રાહત સામગ્રી પહોંચાડવામાં આવી રહી છે. વર્લ્ડ સેન્ટ્રલ કિચન ચેરિટી કાફલાએ દેર અલ-બાલાહ વિસ્તારમાં એક વેરહાઉસ છોડ્યું. તેમાં પેલેસ્ટિનિયનો માટે 100 ટન ખોરાક હતો. આ ખોરાક દરિયાઈ માર્ગે ગાઝા પહોંચાડવામાં આવ્યો હતો.
ચેરિટીને મદદ આપવા પર પ્રતિબંધ
UAE દરિયાઈ માર્ગે ગાઝામાં મદદ મોકલી રહ્યું હતું. અહીંથી અમેરિકન ચેરિટી વર્લ્ડ સેન્ટ્રલ કિચનના રાહતકર્મીઓ ફૂડ બોક્સ એકઠા કરીને પેલેસ્ટાઈનીઓને પહોંચાડી રહ્યા હતા. ચેરિટી અને UAEએ સુરક્ષાના કારણોસર હાલમાં તેમનું કામ બંધ કરી દીધું છે. ઈઝરાયલ દ્વારા તપાસ પૂર્ણ થયા બાદ ફરી કામ શરૂ કરવામાં આવશે.
ઇઝરાયલના હુમલામાં વર્લ્ડ સેન્ટ્રલ કિચન ચેરિટી વાહનને ખૂબ જ નુકસાન થયું હતું.