14 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલના હુમલા વચ્ચે પેલેસ્ટિનિયો રાફાથી નીકળી રહ્યા છે.
હમાસે સીઝફાયર કરાર સ્વીકાર્યા બાદ મંગળવારે ઇઝરાયલની સેના દક્ષિણ ગાઝાના રાફા વિસ્તારમાં ટેન્ક લઈને ઘુસી હતી. તેણે ઇજિપ્ત સાથેની ગાઝાની સરહદ કબજે કરી લીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર ઇઝરાયલે દાવો કર્યો છે કે આ ઓપરેશન દરમિયાન તેણે હમાસના 20 આતંકીઓને માર્યા છે. સૈનિકોને આ વિસ્તારમાં ત્રણ હમાસ ટનલ મળી છે.
રાફા હમાસ સાથેના યુદ્ધમાં ઇઝરાયલની સેનાના ઓપરેશનનું છેલ્લું સ્ટોપ છે. ઈન્ટેલિજન્સ ટાંકીને ઇઝરાયલે દાવો કર્યો હતો કે હમાસ આતંકવાદી કૃત્યો માટે સરહદનો ઉપયોગ કરે છે. રાફા પર હુમલા પહેલા ઇઝરાયલે આ વિસ્તારમાંથી એક લાખ પેલેસ્ટિનીઓને બહાર કાઢવાની વાત કરી હતી.
હમાસે સીઝફાયર સ્વીકાર્યું પરંતુ ઇઝરાયલને મંજુર નથી
ઇઝરાયલ સાથે 7 મહિનાના યુદ્ધ પછી, હમાસે ઇજિપ્ત અને કતારના સીઝફાયર પ્રસ્તાવનો સ્વીકાર કર્યો. હમાસે સોમવારે (6 મે) આ અંગે સત્તાવાર નિવેદન બહાર પાડ્યું હતું.
હમાસના નેતા ઈસ્માઈલ હનીયે કતારના વડાપ્રધાન મોહમ્મદ બિન અબ્દુલ રહેમાન અલ-થાની અને ઈજીપ્તની ગુપ્તચર એજન્સી સાથે ફોન પર વાત કરી હતી. તેમણે બંનેને કહ્યું કે તેઓ ઇઝરાયલ સાથે સીઝફાયર માટે તેની શરતો સ્વીકારી રહ્યાં છે. હમાસે કહ્યું, “હવે નિર્ણય ઇઝરાયલના હાથમાં છે કે તે સીઝફાયર માટે સંમત થાય છે કે નહીં.”
જો કે, ઇઝરાયલે કહ્યું છે કે હમાસ જે શરતો પર સહમત છે તેને તે સ્વીકારતું નથી. આ પછી ઇઝરાયલે યુદ્ધનો અંતિમ તબક્કો શરૂ કર્યો અને દક્ષિણ ગાઝામાં રાફા પર હુમલો કર્યો.
હમાસ દ્વારા સીઝફાયર પ્રસ્તાવને સ્વીકાર્યાના થોડા કલાકો પછી, ઇઝરાયલે રાફા પર ઘણા હુમલાઓ કર્યા.
હમાસના સીઝફાયર પ્રસ્તાવના 3 તબક્કા
અલ જઝીરાના જણાવ્યા અનુસાર, હમાસ દ્વારા સ્વીકારવામાં આવેલા કરારમાં ત્રણ તબક્કામાં સીઝફાયર માટે કહેવામાં આવ્યું છે. દરેક તબક્કો 42 દિવસ સુધી ચાલશે…
પહેલો તબક્કો- આમાં ઇઝરાયલ ગાઝા પર હુમલા બંધ કરશે. નેટઝારીમ કોરિડોરમાંથી ઇઝરાયલની સેના પાછી હટી જશે. આ એ જ વિસ્તાર છે જેનો ઉપયોગ ઇઝરાયલની સેનાએ ઉત્તર-દક્ષિણ ગાઝાને વિભાજીત કરવા માટે કર્યો હતો.
આ સિવાય ઇઝરાયલની સેના હેલિકોપ્ટર અને ડ્રોન વડે દરરોજ 10 કલાક ગાઝા પર નજર રાખશે નહીં. જ્યારે હમાસ ઇઝરાયલના 33 બંધકોને મુક્ત કરશે. દરેક ઇઝરાયલ બંધકની મુક્તિના બદલામાં, ઇઝરાયલ તેની જેલમાંથી 30 પેલેસ્ટિનીઓને મુક્ત કરશે.
બીજો તબક્કો- પ્રથમ તબક્કો સફળ થયા બાદ ઇઝરાયલ-હમાસ આગામી તબક્કાની શરતો પર ચર્ચા કરશે. બાકીના ઇઝરાયલી બંધકોની મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. તેમજ ગાઝામાં હાજર બાકીના ઇઝરાયલ સૈનિકો પાછા હટશે.
ત્રીજો તબક્કો- છેલ્લા તબક્કામાં ગાઝામાં માર્યા ગયેલા ઇઝરાયલના બંધકોના મૃતદેહ પાછા લાવવામાં આવશે. ગાઝામે ફરીથી વસાવવા પર ચર્ચા થશે. ઇજિપ્ત, કતાર અને અમેરિકા આની દેખરેખ રાખશે.
અમેરિકાએ કહ્યું- રાફા પર હુમલાનું સમર્થન નહીં કરે
બીજી તરફ અમેરિકાએ કહ્યું છે કે તેઓ હાલમાં પ્રસ્તાવની સમીક્ષા કરી રહ્યા છે અને મિડલ ઈસ્ટમાં તેમના સહયોગી દેશો સાથે ચર્ચા કરી રહ્યા છે. અમેરિકાની પ્રાથમિકતા ઇઝરાયલના બંધકોને મુક્ત કરવાની છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મેથ્યુ મિલરે કહ્યું કે, “અમે રાફા પર ઇઝરાયલના હુમલાને સમર્થન આપતા નથી. ઇઝરાયલના હુમલા દરમિયાન ગાઝાના મોટાભાગના લોકો રાફા તરફ જતા રહ્યા હતા. આવી સ્થિતિમાં જો ત્યાં કોઈ હુમલો થશે તો માનવીય નુકસાન થશે. અમે પેલેસ્ટિનિયનોની સુરક્ષા માટે બનાવેલી યોજનાની સમીક્ષા કર્યા વિના રાફા પરના હુમલાને સમર્થન આપીશું નહીં.
અમેરિકાએ પહેલીવાર ઈઝરાયલને દારૂગોળાનો પુરવઠો અટકાવ્યો
નેતન્યાહુએ રાફામાં સૈન્ય કાર્યવાહીની જાહેરાત કરીને ફરી એકવાર અમેરિકાને નારાજ કરી દીધું છે. આ કારણે જ 7 ઓક્ટોબરના હુમલા બાદ પહેલીવાર અમેરિકાએ ઇઝરાયલ મોકલવામાં આવતા દારૂગોળાના કન્સાઈનમેન્ટ પર રોક લગાવી છે.
ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, આ કન્સાઈનમેન્ટમાં મિસાઈલ સહિત યુદ્ધ સંબંધિત ઘણી સામગ્રી હતી. આ પહેલા અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને નેતન્યાહુને કહ્યું હતું કે રાફામાં સૈન્ય કાર્યવાહીથી અમેરિકા-ઇઝરાયલના સંબંધો પર ખરાબ અસર પડશે.
નવેમ્બરમાં, હમાસે બંને દેશો વચ્ચેના પ્રથમ સીઝફાયર વચ્ચે 112 બંધકોને મુક્ત કર્યા હતા.
ઇજિપ્ત, કતાર અને અમેરિકા સમજૂતી કરવામાં વ્યસ્ત છે
ઇજિપ્ત, કતાર અને અમેરિકા સાથે મળીને હમાસ અને ઇઝરાયલ વચ્ચે સીઝફાયર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્રણેય દેશોએ દરખાસ્ત પર ચર્ચા કરવા માટે શુક્રવારે 26 એપ્રિલે એક હાઈ લેવલ ડેલિગેશન ઇઝરાયલ મોકલ્યું હતું.
આ પહેલા નવેમ્બરમાં પહેલીવાર કતાર અને ઈજિપ્તની મધ્યસ્થી બાદ ઇઝરાયલ અને હમાસ વચ્ચે 4 દિવસ માટે સીઝફાયર થયું હતું. આ દરમિયાન હમાસે 112 બંધકોને મુક્ત કર્યા હતા. આ સાથે જ ઇઝરાયલે જેલમાં બંધ 240થી વધુ પેલેસ્ટિનીઓને પણ મુક્ત કર્યા હતા.
ઇઝરાયલે હમાસને છેલ્લી તક આપી
6 મહિનાના યુદ્ધમાં ઇઝરાયલે રાફા સિવાય સમગ્ર ગાઝા પર કબજો કરી લીધો છે. રાફા પર હુમલા પહેલા ઇઝરાયલે હમાસને સમજૂતી માટે છેલ્લી તક આપી હતી. ઈઝરાયલે કહ્યું હતું કે જો હમાસ કરાર નહીં સ્વીકારે તો ઇઝરાયલ રફાહ પર મોટો હુમલો કરશે.
આ કારણોસર ઇજિપ્તનું ડેલિગેશન બંને પક્ષો વચ્ચે સમજૂતી પર પહોંચવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં એવા અહેવાલો આવ્યા હતા કે ઇજિપ્ત બંધકોને છોડાવવા માટે હમાસ પર દબાણ લાવવાની તૈયારી કરી રહ્યું છે. ખરેખરમાં રાફા ઇજિપ્તની સરહદ નજીક છે. તેથી તેને ડર છે કે જો ઇઝરાયલની સેના રાફા પર હુમલો કરશે તો મોટી સંખ્યામાં શરણાર્થીઓ ઇજિપ્તમાં પ્રવેશવાનો પ્રયાસ કરશે.
આને અવગણવા માટે, ઇજિપ્તનું ડેલિગેશન ઇઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ કરારની દલાલી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. હાલમાં રફાહ શહેરમાં 10 લાખથી વધુ પેલેસ્ટિનિયનોએ આશ્રય લીધો છે.
હમાસના વરિષ્ઠ અધિકારી ખલીલ અલ-હૈયાએ કહ્યું હતું કે જો પેલેસ્ટાઈન અલગ દેશ બનશે તો હમાસ તેના હથિયારો નીચે મુકશે.
હમાસે 5 વર્ષના સીઝફાયરની ઈચ્છા વ્યક્ત કરી હતી
થોડા દિવસો પહેલા હમાસના એક વરિષ્ઠ અધિકારીએ 5 વર્ષના સીઝફાયરની ઈચ્છા વ્યક્ત કરી હતી. ન્યૂઝ એજન્સી એપીને આપેલા ઈન્ટરવ્યુમાં ખલીલ અલ-હૈયાએ કહ્યું હતું કે જો પેલેસ્ટાઈન એક અલગ અને સ્વતંત્ર દેશ બનશે તો અમે હથિયાર નીચે મૂકીશું અને એક સામાન્ય રાજકીય પક્ષ તરીકે કામ કરીશું.
જો કે, 7 ઓક્ટોબરના હુમલા બાદ હમાસને ખતમ કરવાની પ્રતિજ્ઞા લેનાર ઇઝરાયલ આ કરાર માટે સંમત નથી. અલ-હૈયાએ કહ્યું કે જો પેલેસ્ટાઈનને 1967ના યુદ્ધ પહેલા જે વિસ્તારો તેની પાસે હતા તે આપવામાં આવે તો તે ઇઝરાયલ સામે યુદ્ધ નહીં લડે.
આ સમાચાર પણ વાંચો-
હમાસ કતાર છોડીને ઓમાન જવાની યોજના બનાવી રહ્યું છે: સીઝફાયરનું દબાણ સહન નહીં; કતાર મધ્યસ્થીની ભૂમિકાથી પરેશાન
હમાસના નેતાઓ ટૂંક સમયમાં કતારમાંથી તેમનો આધાર હટાવી શકે છે. વોલ સ્ટ્રીટ જર્નલના અહેવાલ મુજબ, અમેરિકા ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સંધિને પૂર્ણ કરવા માટે કતાર પર સતત દબાણ કરી રહ્યું છે, જે અત્યાર સુધી શક્ય બન્યું નથી. આરબ અધિકારીઓને ટાંકીને રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હમાસ હાલમાં ઓમાન સહિત બે ખાડી દેશોના સંપર્કમાં છે.