30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇઝરાયલી સેનાએ 15 ડિસેમ્બરે ગાઝામાં પોતાના જ ત્રણ નાગરિકોને ગોળી મારી દીધી હતી. ત્રણેયના ઘટનાસ્થળે જ મોત થયા હતા. આ ત્રણ નાગરિકોને 7 ઓક્ટોબરે હમાસ દ્વારા બંધક બનાવવામાં આવ્યા હતા.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ કહ્યું- અમે આ ઘટનાની જવાબદારી લઈએ છીએ. ગાઝા શહેરના શાજીયા વિસ્તારમાં ગ્રાઉન્ડ ઓપરેશન દરમિયાન સૈનિકોને લાગ્યું કે આ લોકો તેમના માટે જોખમ છે. ગોળીબાર બાદ જ્યારે અમે મૃતદેહો પાસે પહોંચ્યા ત્યારે માર્યા ગયેલા લોકોની ઓળખ અંગે શંકા હતી. બાદમાં ખબર પડી કે તે ઇઝરાયલના નાગરિક હતા.
IDFના પ્રવક્તા હગારીએ કહ્યું- ગાઝામાં એલોન શમરિઝ, યોતમ હૈમ અને સમેર અલ-તલાલ્કા માર્યા ગયા. અમને લાગે છે કે તે હમાસની કેદમાંથી છટકી ગયો હતો. 7 ઓક્ટોબરથી શરૂ થયેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝાના 18 હજારથી વધુ પેલેસ્ટિનિયનોનાં મોત થયા છે. તે જ સમયે, હમાસના હુમલામાં 1200 ઇઝરાયલનાં મોત થયા હતા.
યુદ્ધની 4 તસવીરો…

માર્યા ગયેલા પેલેસ્ટિનિયનોનાં મૃતદેહ ખાન યુનિસની નાસર હોસ્પિટલમાં રાખવામાં આવ્યા

બંધકોની સુરક્ષિત વાપસી માટે ઇઝરાયલ સરકાર વિરુદ્ધ તેલ અવીવમાં દેખાવો થઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે તમામ બંધકોની સુરક્ષાની જવાબદારી સરકારે લેવી જોઈએ.

રાહામાં એક બહુમાળી ઇમારત ઇઝરાયલના બોમ્બમારા બાદ નષ્ટ થઈ ગઈ છે.

રાફામાં ઇઝરાયલની કાર્યવાહી દરમિયાન અનેક વાહનોને નષ્ટ કરવામાં આવ્યા હતા.
બે શિપિંગ કંપનીઓના જહાજો રેડ-સીમાં નહીં જાય
રેડ-સીમાં જહાજો પર હુતીઓના હુમલા વધી રહ્યા છે. આને ધ્યાનમાં રાખીને ડેનમાર્ક અને જર્મનીની બે મોટી શિપિંગ કંપનીઓએ લાલ સમુદ્રમાં તેમના જહાજો નહીં મોકલવાનો નિર્ણય લીધો છે. આ હુમલાઓ પેલેસ્ટાઈનીઓ સાથે એકતા અને ઇઝરાયલના હુમલાના વિરોધમાં કરવામાં આવી રહ્યા છે.
ઇઝરાયલ ગાઝાને મદદ પૂરી પાડવા માટે યુદ્ધ વચ્ચે પ્રથમ વખત તેમની બોર્ડર ખોલશે
ઇઝરાયલના સતત હુમલાને કારણે ગાઝા સુધી મદદ પહોંચી રહી નથી. લોકો પાસે ખોરાક કે રહેવા માટે છત પણ નથી. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, ઇઝરાયલે ગાઝામાં તેની એક બોર્ડર ખોલવાનો નિર્ણય લીધો છે. ઇઝરાયલે કહ્યું- હવે જરૂરી સામાન કેરેમ શાલોમ બોર્ડરથી ગાઝા પહોંચી શકશે. Kerem Shalom દક્ષિણ ગાઝા સાથે ઇઝરાયલ સરહદ છે.

શુક્રવારે ઇઝરાયલી હુમલામાં અલ જઝીરાના પત્રકાર વેલ અલ દહદોહનું મોત થયું હતું. તેમને નાસાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
ઇઝરાયલી ટેન્ક ગાઝામાં કબરોને કચડી રહી છે
ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ ઇઝરાયલની સેના ગાઝામાં કબ્રસ્તાનોને પણ નષ્ટ કરી રહી છે. અહેવાલમાં જણાવાયું છે કે ઇઝરાયલની ટેન્કોએ છ કબ્રસ્તાનોનો નાશ કર્યો, જેમાં શાજાઇ શહેરમાં ટ્યુનિશિયન કબ્રસ્તાન અને જબાલિયામાં અલ-ફલુજાહ કબ્રસ્તાનનો સમાવેશ થાય છે.

ફૂટેજ જબલિયાના અલ-ફલ્લુજાહ કબ્રસ્તાનના છે. તે ઇઝરાયલની ટેન્કો પસાર થવાને કારણે થયેલ વિનાશ દર્શાવે છે.
તેમની સેટેલાઇટ તસવીરો સામે આવી છે. સોશિયલ મીડિયા પર વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. આમાં, કબરોને કચડી નાખતી ઇઝરાયેલી ટેન્કના નિશાન દેખાય છે. યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝાના 19 હજાર લોકો માર્યા ગયા છે. ગાઝામાં કબ્રસ્તાનમાં જગ્યાના અભાવે સામૂહિક કબરો બનાવવામાં આવી રહી છે.

શાજીયા શહેરમાં કબ્રસ્તાનના આ સેટેલાઇટ ફોટા ઇઝરાયેલની ટેન્ક ત્યાંથી પસાર થયા પહેલા અને પછી લેવામાં આવ્યા હતા.
મુસ્લિમ વિદ્યાર્થિનીઓનું ગળું કાપવાની ધમકી આપનાર વ્યક્તિની ધરપકડ
અમેરિકામાં 51 વર્ષીય શિક્ષક બેન્જામિન રીસની ધરપકડ કરવામાં આવી છે. તેણે ત્રણ મુસ્લિમ વિદ્યાર્થીનીઓના ગળા કાપી નાખવાની ધમકી આપી હતી. અમેરિકન મીડિયા હાઉસ સીએનએનના અહેવાલ મુજબ, બેન્જામિનએ એક વિદ્યાર્થીને કાર સાથે ખેંચવાની ચેતવણી પણ આપી હતી. વીડિયોમાં શિક્ષક હોલમાં વિદ્યાર્થીઓનો પીછો કરતા અને પછી તેમને ધમકાવતા જોવા મળે છે. કતારના મીડિયા હાઉસ અલજઝીરા અનુસાર, વિદ્યાર્થીઓએ શિક્ષકને પૂછ્યું હતું કે ક્લાસરૂમની બહાર ઈઝરાયેલનો ધ્વજ કેમ છે. આ જોઈને શિક્ષક ગુસ્સે થઈ ગયા.