46 મિનિટ પેહલા
- કૉપી લિંક
વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરની કારની સામે આવીને ત્રિરંગો ફાડવાનો પ્રયાસ કરતો ખાલિસ્તાની સમર્થક.
ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકરની કારને લંડનમાં ખાલિસ્તાની સમર્થકોએ ઘેરી લીધી હતી. આ દરમિયાન એક ખાલિસ્તાની સમર્થક જયશંકરની કારની સામે આવીને ત્રિરંગો પણ ફાડ્યો હતો. જયશંકર હાલ લંડનમાં છે. તેમણે અહીં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે એક ખાસ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
આ કાર્યક્રમ પૂરો થયા પછી તરત જ પોતાની કાર તરફ આગળ વધ્યા, ત્યાં પહેલેથી જ વિરોધ કરી રહેલા ખાલિસ્તાની પ્રદર્શનકારીઓએ તેમને જોઈને સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. આ પછી ત્રિરંગો લઈને આવેલા એક વ્યક્તિએ તેમની કારની સામે આવીને રસ્તો રોક્યો હતો. આ દરમિયાન તેણે રાષ્ટ્રધ્વજ ફાડવા જેવું શરમજનક કૃત્ય પણ કર્યુ હતું.

પ્રદર્શન કરી રહેલા ખાલિસ્તાન સમર્થકો અને કારમાં બેઠેલા ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર.
વિરોધ પ્રદર્શનથી ભારતીયો નારાજ
આ વ્યક્તિની આ હરકત જોઈને તરત જ સુરક્ષાકર્મીઓએ તેને પકડી લીધો અને કારથી દૂર લઈ ગયા. એક તરફ કેટલાક ખાલિસ્તાન સમર્થકો હાથમાં ખાલિસ્તાનનો ધ્વજ લઈને નારા લગાવી રહ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે, જેના કારણે ભારતીય સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ લંડનમાં ભારતીયોએ વિરોધ પ્રદર્શન કર્યું છે. લોકો બ્રિટિશ સરકાર પાસે ભારતીય રાષ્ટ્રધ્વજનું અપમાન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. ઉપરાંત, ભારત સરકાર પણ રાજદ્વારી સ્તરે આ મુદ્દો ઉઠાવે તેવી અપેક્ષા છે.
અગાઉ પણ ઘટનાઓ બની છે
નોંધનીય છે કે ખાલિસ્તાની તત્ત્વો દ્વારા ભારત વિરોધી પ્રવૃત્તિઓ આ પહેલાં પણ વિદેશોમાં ઘણી વખત જોવા મળી છે. બ્રિટન, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાં ભારતીય દૂતાવાસો બહાર પણ આવી ઘટનાઓ બની છે, જેના પર ભારત સરકાર વિરોધ વ્યક્ત કરી ચૂકી છે.
જયશંકરે કહ્યું- PoK મળતાં જ કાશ્મીર મુદ્દો ઉકેલાઈ જશે
જયશંકર 4 માર્ચે બ્રિટન પહોંચ્યા હતા. તેઓ બીજા દિવસે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્કમાં એક કાર્યક્રમમાં પોતાની વાત કરી રહ્યા હતા. કાશ્મીર મુદ્દા અંગે તેમણે કહ્યું કે PoK મળતાં જ આ મુદ્દો ખતમ થઈ જશે.

જયશંકરે બુધવારે લંડનમાં ચેથમ હાઉસના ડિરેક્ટર અને CEO બ્રૉનવેન મેડોક્સ સાથે વાત કરી હતી.
જયશંકરે કહ્યું કે અમે કાશ્મીરના મોટા ભાગના મુદ્દાઓનો ઉકેલ શોધી લીધો છે. કલમ 370 હટાવવાનું પહેલું પગલું હતું. પછી કાશ્મીરમાં વિકાસ, આર્થિક પ્રવૃત્તિઓ અને સામાજિક ન્યાયને પુનઃસ્થાપિત કરવો એ બીજું પગલું હતું. ચૂંટણી યોજવી, જેમાં નોંધપાત્ર મતદાન થયું હતું, તે ત્રીજું પગલું હતું.
જયશંકરે વધુમાં કહ્યું, “મને લાગે છે કે અમે કાશ્મીરના તે ભાગની વાપસીની રાહ જોઈ રહ્યા છીએ જે પાકિસ્તાને ચોરીથી પોતાની પાસે રાખ્યો છે. જ્યારે તે પરત આવી જશે તો હું તમને ખાતરી આપું છું કે કાશ્મીરનો મુદ્દો ઉકેલાઈ જશે.
બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી જયશંકરે લંડનમાં ચેથમ હાઉસ થિંક ટેન્ક ખાતે વિશ્વમાં ભારતના ઉદય અને ભૂમિકા પર એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમણે કાશ્મીર, પારસ્પરિક ટેરિફ અને ટ્રમ્પની નીતિઓ જેવા મુદ્દાઓ પર ખૂલીને વાત કરી.
પણ આ કાર્યક્રમ પછી તે બિલ્ડિંગમાંથી બહાર આવતાની સાથે જ ત્યાં ખાલિસ્તાની ધ્વજ લઈને ત્યાં હાજર સમર્થકો પહેલાથી જ સૂત્રોચ્ચાર કરી રહ્યા હતા. જયશંકર પોતાની કાર તરફ આગળ વધ્યા કે તરત જ એક ખાલિસ્તાની પ્રદર્શનકારી દોડીને તેમની કારનો રસ્તો રોકી દીધો. આના પર ત્યાં હાજર સુરક્ષા કર્મચારીઓએ તે વ્યક્તિને ત્યાંથી દૂર ખસેડ્યો.
દ્વિપક્ષીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે વિદેશ મંત્રી એસ જયશંકર બ્રિટન અને આયર્લેન્ડની છ દિવસની મુલાકાતે છે. આ પ્રવાસ દરમિયાન, તેઓ સૌપ્રથમ લંડન પહોંચ્યા, જ્યાં તેઓ બ્રિટિશ વડાપ્રધાન કીર સ્ટારમર અને વિદેશ પ્રધાન ડેવિડ લેમીને મળ્યા.