15 મિનિટ પેહલા
- કૉપી લિંક
માલદીવ્સની બે મુખ્ય વિપક્ષી પાર્ટીઓએ રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુની ભારત વિરોધી નીતિનો વિરોધ કર્યો છે. માલદીવ્સ ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને ડેમોક્રેટ્સે કહ્યું- ભારત લાંબા સમયથી અમારું સાથી છે. આવા દેશની અવગણના દેશના વિકાસ માટે સારી નથી.
MDP પ્રમુખ ફૈયાઝ ઈસ્માઈલ, માલદીવ્સ સંસદના ડેપ્યુટી સ્પીકર અહેમદ સલીમ, ડેમોક્રેટ પાર્ટીના વડા સાંસદ હસન લતીફ અને સંસદીય જૂથના નેતા અલી અઝીમે બુધવારે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું- દેશની સરકારે માલદીવ્સનાં લોકોના લાભ અને વિકાસ માટે તમામ ભાગીદારો સાથે કામ કરવું જોઈએ. આવું હંમેશાં થતું આવ્યું છે.
તસ્વીરમાં માલદીવ્સના વિપક્ષી નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરતા જોવા મળે છે.
વિપક્ષી નેતાએ કહ્યું- દેશની સુરક્ષા માટે હિંદ મહાસાગરમાં શાંતિ જરૂરી છે
નેતાઓએ કહ્યું- સરકારની નીતિઓ વિસ્તારમાં તણાવ પેદા કરી શકે છે. માલદીવ્સમાં સુરક્ષા અને સ્થિરતા માટે હિંદ મહાસાગરમાં શાંતિ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. માલદીવની વિપક્ષી પાર્ટીઓનું આ નિવેદન ત્યારે સામે આવ્યું છે જ્યારે ભારત સાથેના તણાવ વચ્ચે મુઈઝ્ઝુ સરકારે બે દિવસ પહેલા જ ચીનના જહાજને માલદીવ્સમાં રોકવાની મંજૂરી આપી હતી.
MDP અને ડેમોક્રેટ્સના સાંસદો માલદીવ્સની સંસદમાં 87માંથી 55 બેઠકો ધરાવે છે. જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુએ ચીનની રાજ્ય મુલાકાત લીધી હતી. આ તેમની પ્રથમ રાજ્ય મુલાકાત હતી, જ્યારે સામાન્ય રીતે માલદીવ્સના રાષ્ટ્રપતિ ભારતની તેમની પ્રથમ રાજ્ય મુલાકાત લે છે.
ચીનથી પરત ફર્યા બાદ મુઈઝ્ઝુએ તેમના વખાણ કર્યા હતા. કહ્યું- ચીન આપણા આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરતું નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે અમારો દેશ નાનો છે, પરંતુ તેનો અર્થ એ નથી કે અમને ધમકાવવાનું લાયસન્સ કોઈને મળી ગયું છે.
ઈન્ડિયા આઉટ અભિયાન સાથે મુઈઝ્ઝુ જીત્યા
વાસ્તવમાં મોહમ્મદ મુઈઝ્ઝુએ પોતાના ચૂંટણી પ્રચારમાં ઈન્ડિયા આઉટનો નારો આપ્યો હતો. સત્તામાં આવ્યા બાદ તેમણે માલદીવ્સમાં હાજર ભારતીય સૈનિકોને પાછા ખેંચવાનો આદેશ આપ્યો હતો. ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે કરાર સમાપ્ત કરવાની જાહેરાત કરી. આ પછી માલદીવ્સના બે મંત્રીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની લક્ષદ્વીપની મુલાકાતને લઈને ભારત વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી હતી.
આ પછી 14 જાન્યુઆરીએ માલદીવ્સમાં યોજાયેલી કોર કમિટીની બેઠકમાં, મુઇઝ્ઝુ સરકારે ત્યાં હાજર 88 ભારતીય સૈનિકોને હટાવવા માટે 15 માર્ચ સુધીનો સમય આપ્યો હતો. 15 નવેમ્બર 2023ના રોજ, માલદીવ્સના નવા રાષ્ટ્રપતિ અને મોહમ્મદ મુઇઝ્ઝુ, જેઓ ચીનના સમર્થક હોવાનું કહેવાય છે, તેમણે શપથ લીધા. ત્યારથી ભારત અને માલદીવ વચ્ચેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે.
આ તસવીર એપ્રિલ 2016ની છે જ્યારે ભારતે માલદીવ્સને બીજું હેલિકોપ્ટર ગિફ્ટ કર્યું હતું. માલદીવ્સની રાજધાની માલેના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આ તસવીરમાં બંને દેશોના આર્મી ઓફિસરો નજરે પડે છે.
‘ભારતીય સૈનિકોને હટાવવાની માલદીવ્સની જનતાની ઈચ્છા છે’
જાન્યુઆરીની શરૂઆતમાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાષ્ટ્રપતિ મુઈઝ્ઝુને ભારતની સૈન્ય હાજરીના મુદ્દે એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. સવાલ એ હતો કે શું ભારત તેના સૈનિકોને બહાર કાઢવાના તમારા આગ્રહથી ચિંતિત છે.
આનો મુઈઝ્ઝુએ જવાબ આપ્યો હતો – આ વર્ષની રાષ્ટ્રપતિની ચૂંટણીમાં માલદીવ્સના લોકોએ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ દેશમાં વિદેશી સૈનિકોની હાજરી નથી ઈચ્છતા. હાલમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેના સૈનિકો અહીં હાજર છે. માલદીવ્સના નાગરિકોની ઈચ્છાને ધ્યાનમાં રાખીને મેં ભારતને તેના સૈનિકો પાછા ખેંચવા કહ્યું છે.