UNO એટલે યુનાઈટેડ નેશન્સ ઓર્ગેનાઈઝેશનના અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત હેડ્કવાટર્સમાં મોરારિબાપુની કથાનું આયોજન થવું એ ન માત્ર ભારત પણ અધ્યાત્મિક જગત માટે વિશેષ આનંદની વાત છે. યુએનઓ તે આંતરરાષ્ટ્રીય દેશોનું સંગઠન છે જેમાં 193 દેશો સદસ્ય છે. ભારતના કોઈ કથા
.
દુનિયામાં યુદ્ધના માહોલ વચ્ચે સત્ય,પ્રેમ,કરૂણાનો સંદેશ
યુએનઓ એટલે સંયુક્ત રાષ્ટ્રસંઘમાં આ કથા એ દોરમાં થવા જઈ રહી છે જ્યારે એક તરફ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે તો બીજી તરફ ઈઝરાયલ અને પેલેસ્ટાઈન વચ્ચે યુદ્ધ થઈ રહ્યું છે. આ લડાઈમાં હજારો લોકો માર્યા ગયા છે. એટલું જ નહીં, બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ જેવા દેશ આંતરિક હિંસાનો શિકાર બની રહ્યા છે. એવામાં સત્ય, પ્રેમ અને કરુણાની વાત કરનારા કથાકાર મોરારિબાપુની રામકથા યુએનઓ હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે જે દુનિયાને રામ ચરિત માનસમાંથી શાંતિનો સંદેશો પાઠવશે.
કથાનો સમય અને યુટ્યુબ તથા ટીવી ચેનલની આ વિગતો નોંધી રાખો
મોરારિબાપુની કથા ન્યૂયોર્કના યુનાઈટેડ નેશન્સના હેડક્વાર્ટરમાં થવા જઈ રહી છે. ભારત અને અમેરિકાના સમય અલગ અલગ છે એટલે ભારતમાં ક્યારે અને કઈ યુટ્યુબ ચેનલમાં કથા જોવા,સાંભળવા મળશે તે નોંધી રાખો. યુટ્યુબ ચેનલનું નામ છે- ‘VEDIC Channel & Chitrakoot Dham Talgajarda. ભારતમાં કથા સાંભળી શકાશે – કથાના પહેલા દિવસે 28 જુલાઈ, 2024. એટલે 27 જુલાઈની મોડી રાત્રે 1:30 વાગ્યાથી 28ની વહેલી સવારે 4:30 વાગ્યા સુધી. બાકીના દિવસોની કથા 28 જુલાઈથી 4 ઓગસ્ટ, 2024 ભારતીય સમય મુજબ સાંજે 7:30થી રાત્રે 11:00 વાગ્યા સુધી.
માનો કે તમારે આસ્થા ટીવી ચેનલમાં લાઈવ પ્રસારણ જોવું હોય તો 28 જુલાઈથી 5 ઓગસ્ટ સુધી ભારતીય સમય મુજબ સવારે 9:30 વાગ્યાથી બપોરે 1:00 વાગ્યા સુધી જોઈ શકાશે.
યુએનઓમાં 51 દેશ સદસ્ય હતા, આજે 193 દેશ સદસ્ય છે
યુએનઓ એક કૂટનીતિક અને રાજનીતિક આંતરરાષ્ટ્રીય સંગઠન છે જેનો ઉદ્દેશ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવી રાખવી, આંતરરાષ્ટ્રીય દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ વ્યવહાર જાળવી રાખવો, આંતરરાષ્ટ્રીય સહયોગ મેળવીને દુનિયામાં શાંતિ સ્થાપવાનો છે. યુએનઓનું હેડક્વાર્ટર અમેરિકાના ન્યૂયોર્કમાં છે અને જિનિવા, નૈરોબી, વિયેના અને દા-હેગમાં અન્ય કાર્યાલય પણ છે. સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના બીજા વિશ્વ યુદ્ધ પછી બીજા વિશ્વયુદ્ધોને રોકવાના હેતુથી 1945માં થઈ હતી. સ્થાપના સમયે યુએનઓમાં 51 દેશો સદસ્ય હતા. હવે 193 દેશો સદસ્ય છે.

ન્યૂયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સનું હેડક્વાર્ટર
AIથી બાપુના જ અવાજમાં હિન્દી કથાનું ટ્રાન્સલેશન કરીને પ્રસારણ કરાશે
મોરારિબાપુની કથા વિદેશોમાં જ્યારે પણ થાય છે ત્યારે તેનું લાઇવ પ્રસારણ થાય છે. પણ વિશેષ જાણકારી એ છે કે, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AIના માધ્યમથી આ કથાને દુનિયાભરમાં પ્રસારિત કરવામાં આવશે. લાઈવ પ્રસારણમાં હિન્દીમાં કથા સાંભળી શકીશું તો બીજી તરફ AIની મદદથી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કથા મોરારિબાપુના જ અવાજમાં પણ સાંભળી શકાશે. મોરારિબાપુ કથા તો હિન્દીમાં જ કરશે પણ તેના 40 કલાક પછી અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરાયેલી કથા સાંભળવા મળશે.

બાપુએ કહેલું કે, મારું ચાલે તો રશિયા-યુક્રેનની બોર્ડર પર પણ કથા કરું
દુનિયાના દેશો વચ્ચે શાંતિ સ્થપાયેલી રહે તેવા ઉદ્દેશથી યુએનઓની સ્થાપના થઈ હતી અને હવે અહીંથી જ સત્ય,પ્રેમ, કરૂણાનો સંદેશો દુનિયામાં વહેતો થશે અને તેની અસર પણ થશે તેવું માની શકાય. જૂનમાં ઝારખંડમાં કથા હતી ત્યારે મોરારિબાપુએ યુદ્ધોને હવે ખતમ કરવાનો સમય આવી ગયો છે એવું કહ્યું હતું. મોરારિબાપુએ કહેલું કે, મને ખબર નથી કે મારો અવાજ વિશ્વના નેતાઓ સુધી પહોંચશે કે કેમ પણ મહાદેવ સુધી જરૂર પહોંચશે. તેમણે એવું પણ કહેલું કે, મારું ચાલે તો શાંતિ માટે હું રશિયા-યુક્રેન બોર્ડર પર પણ કથા કરવા તૈયાર છું.
હવે પછીની કથા દુનિયાની સૌથી વધુ મુસ્લિમ વસ્તીવાળા દેશ ઈન્ડોનેશિયામાં
થોડા સમય પહેલાં કેમ્બ્રિજની રામકથામાં ઋષિ સુનક પહોંચ્યા હતા અને જયશ્રી રામનો ઉદ્દઘોષ કરતાં તેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. રામ મંદિર નિર્માણ માટે સૌથી વધારે અનુદાન મોરારિબાપુએ જ આપેલું તો તેમણે સમાજના પછાત વર્ગ માટે પણ મોટું કામ કર્યું છે. તેમણે મુંબઈના વૈશ્યાલયોમાં જઈને ત્યાંની સમસ્યા જાણી હતી અને અયોધ્યામાં ગણિકાઓ માટે કથા કરી હતી. મુંબઈમાં કિન્નરો માટે કથા કરવાની પહેલ પણ બાપુએ કરી હતી. છેલ્લે નોર્વેમાં રામકથા કરી હતી અને યુએનઓમાં રામકથા કર્યા પછી મોરારિબાપુ દુનિયાના સૌથી મોટા મુસ્લિમ દેશ ઈન્ડોનેશિયામાં રામકથા કરવા જઈ રહ્યા છે. 24 કરોડની વસ્તી ધરાવતા ઈન્ડોનેશિયામાં 90 ટકા વસ્તી મુસ્લિમોની છે.