50 મિનિટ પેહલા
- કૉપી લિંક
‘બેબી અરિહાનો આજે ત્રીજો જન્મદિવસ છે. આજે તે અનાથની જેમ જીવી રહી છે. અમે અમારી બાળકીને આવી જિંદગી આવી આપવા નથી માંગતા.’ આ શબ્દો છે માતા ધારા શાહના. ધારા શાહે ફરી એકવાર વિદેશ મંત્રાલય અને વડાપ્રાન મોદીને વિનંતી કરી છે કે તેમની પુત્રી અરિહાને જલદીથી ભારત પરત લાવે.
માતા ધારા શાહે PM મોદીને વિનંતી કરી
માતા ધારા શાહે એક વીડિયો શેર કરતાં જણાવ્યું હતું કે, આજે અરિહાનો ત્રીજો જન્મદિવસ છે. બધા માતા-પિતાની જેમ જ અમારા માટે આજનો દિવસ ખાસ છે. પણ અમે આ દિવસે અમે અમારી દીકરીને પ્રેમ આપી શકતા નથી કે ના આશીર્વાદ આપી શકતા. અમે અમારી બાળકીને મળી પણ શકતા નથી. વિદેશ મંત્રાલય પ્રયાસ કરી રહ્યું છે. પણ મોદીજી, પ્લીઝ, સેવ અરિહા… તમારા આશીર્વાદથી જ અરિહા ફરી અમને મળી શકશે.
જર્મન ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસની કેદમાં છે બેબી અરિહા
ગુજરાતી જૈન પરિવારની દીકરી અરિહા બે વર્ષથી જર્મનીની ચાઇલ્ડ પ્રોટેક્શન સર્વિસ નામની સંસ્થા પાસે છે. કોર્ટે અરિહાનાં માતા-પિતાને ક્લીનચિટ આપી હોવા છતાં આ સંસ્થાની દાદાગીરી એટલી છે કે બાળકને આપવાની ના પાડી રહી છે.

જાણો આખી ઘટના શું છે?
ગુજરાતી દંપતી ભાવેશ શાહ અને ધારા શાહ ભારતથી જર્મની ગયા અને સારી નોકરી કરવા લાગ્યા. દરમિયાન આ દંપતીને એક દીકરી અવતરી. નામ તેનું અરિહા રાખ્યું. દંપતીનું પ્લાનિંગ તો એવું હતું કે ચારેક વર્ષ અહીં રહેવું અને પછી ફરી ભારત પરત ફરવું, પણ એક દિવસ આ સુખને જાણે કુદરતની નજર લાગી ગઇ. એક દિવસ એવું બન્યુ કે ભારતથી આવેલા ભાવેશ શાહનાં માતા પૌત્રીને રમાડી રહ્યાં હતાં. એ દરમિયાન અરિહાના પ્રાઇવેટ પાર્ટ પાસે લોહીના ડાઘ જોવા મળ્યા. દંપતી હાંફળુંફાંફળું થઇને ડોક્ટર પાસે દોડી ગયું. હવે દંપતી સાથે શરૂ થાય છે એક છેલ્લી પાયરીનો ખેલ. ડોક્ટરે તપાસ કરીને ફોલોઅપ માટે આવવા જણાવ્યું.. ડોક્ટરે આપેલી તારીખે દંપતી ફોલોઅપ માટે ગયું. અરિહાની ચકાસણી બાદ હૉસ્પિટલના સર્જને કહ્યું હતું કે દીકરીને કોઈ ઍક્ટિવ બ્લીડિંગ નથી અને ચિંતા કરવા જેવું કંઈ નથી. બે દિવસ બાદ ફરીથી અરિહાને લઈને હૉસ્પિટલ પહોંચ્યાં. ત્યારે ડૉક્ટરે અરિહાને ટાંકા લેવાની ટ્રીટમેન્ટની વાત કરી.
આ દરમિયાન હૉસ્પિટલના સત્તાવાળાઓએ બીજા જ દિવસે જર્મનીની ‘ચાઇલ્ડ સર્વિસ’ અને ‘પોલીસ’ને જાણ કરી. પોલીસ અને ચાઈલ્ડ સર્વિસ ડિપાર્ટમૅન્ટના એક પાકિસ્તાની પંજાબી ટ્રાન્સલેટરને વચ્ચે રાખી દંપતી સાથે સંવાદ કરવામાં આવ્યો. કોઇ માણસ વિચારતાં પણ શરમાય એવી અધમતાની પરાકાષ્ઠા તો એ બની કે બાળકનાં માતા-પિતા પર ‘ચાઇલ્ડ એબ્યુઝ’નો આરોપ લગાડવામાં આવ્યો!