જેરુસલેમ/બેરૂત30 મિનિટ પેહલા
- કૉપી લિંક
લેબનોનમાં હવાઈ હુમલા કર્યા બાદ ઇઝરાયલે હવે લેબનોનની સરહદમાં ઘુસીને યુદ્ધની તૈયારી શરૂ કરી દીધી છે. CNNના અહેવાલ મુજબ, ઇઝરાયલના સૈન્ય વડા હર્જઇ હાલેવીએ બુધવારે કહ્યું કે લેબનોનમાં તેમની એરસ્ટ્રાઈકનો હેતુ હિઝબુલ્લાહના માળખાને તોડી પાડવાનો અને તેની સરહદમાં ઘૂસવાનો માર્ગ શોધવાનો છે.
હાલેવીએ કહ્યું કે ઇઝરાયલની સેના, હિઝબુલ્લાહની સરહદમાં ઘુસશે અને તેમની સૈન્ય ચોકીઓને નષ્ટ કરશે. પછી તેઓ જાણશે કે ઇઝરાયલી સેનાનો સામનો કરવાનો અર્થ શું છે. તેમણે કહ્યું કે હિઝબુલ્લાહના હુમલાને કારણે ઇઝરાયલના ઉત્તરીય વિસ્તારોમાં રહેતા હજારો લોકો તેમના ઘર છોડીને દક્ષિણી વિસ્તારોમાં જતા રહ્યા હતા. હવે તેઓ પોતાના ઘરે પરત ફરી શકશે.
આ દરમિયાન અમેરિકા અને ફ્રાન્સે બુધવારે ઇઝરાયલ-લેબનોન યુદ્ધને થોડા સમય માટે રોકવા માટે 21 દિવસના યુદ્ધવિરામની માંગ કરી હતી. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા અનુસાર, ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલી (UNGA)માં આ યુદ્ધ મામલે ઈમરજન્સી બેઠક બોલાવવામાં આવી હતી.
ઓસ્ટ્રેલિયા, કેનેડા, સાઉદી અરેબિયા, યુએઈ, કતાર સહિત ઘણા યુરોપિયન દેશોએ યુદ્ધવિરામની માંગને સમર્થન આપ્યું હતું. બેઠકમાં ફ્રાન્સે કહ્યું કે લેબનોનમાં ચાલી રહેલા યુદ્ધને રોકવું જરૂરી છે, નહીં તો મધ્ય પૂર્વમાં યુદ્ધ વધુ વધી શકે છે. તેને કૂટનીતિ દ્વારા રોકી શકાય છે.

યુનાઈટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામ બાબતે બેઠક બોલાવી હતી.
બાઈડને કહ્યું- લોકોની સુરક્ષા માટે યુદ્ધવિરામ જરૂરી છે
ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ અંગે રાષ્ટ્રપતિ બાઈડને કહ્યું કે તેનો સમય આવી ગયો છે. લોકો સુરક્ષિત રીતે ઘરે પરત ફરે તે માટે આ જરૂરી છે. તેમણે યુદ્ધવિરામ માટે ઇઝરાયલ અને લેબનોન સરકારનો સહયોગ માંગ્યો હતો. જો કે, અત્યાર સુધી હિઝબુલ્લાહ, લેબનોન કે ઈઝરાયલે યુદ્ધવિરામનો કોઈ જવાબ આપ્યો નથી.
ન્યૂયોર્ક ટાઈમ્સ મુજબ, અમેરિકન અધિકારીઓને આશા છે કે જો હિઝબુલ્લાહ અને ઇઝરાયલ વચ્ચે યુદ્ધ અટકશે તો તેની અસર ગાઝામાં ચાલી રહેલા યુદ્ધ પર પણ પડશે. ગાઝામાં લગભગ એક વર્ષથી લડાઈ ચાલી રહી છે.
રિપોર્ટ મુજબ મધ્ય પૂર્વમાં યુદ્ધ રોકવા માટે બાઈડન પર ઘણું દબાણ છે. હવે તેઓ રાષ્ટ્રપતિ પદ પર માત્ર 116 દિવસ જ રહ્યા છે. બાઈડન લાંબા સમયથી વાટાઘાટો દ્વારા યુદ્ધને રોકવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ અત્યાર સુધી તેઓ નિષ્ફળ રહ્યા છે. જો તેના પ્રયાસો સફળ થશે તો તેનાથી તેની છબી સુધરશે.

ઇઝરાયલ અને હિઝબુલ્લા વચ્ચે 18 વર્ષમાં સૌથી મોટું યુદ્ધ થયું
ગયા અઠવાડિયે, ઇઝરાયલ અને હિઝબુલ્લાહ વચ્ચે 2006 પછીની સૌથી ભયાનક લડાઈ ફાટી નીકળી હતી. 17 સપ્ટેમ્બરે લેબનોનમાં પેજર હુમલો થયો હતો. માત્ર એક દિવસ પછી, પેજર અને વોકી-ટોકી પણ વિસ્ફોટ થયા હતા. હિઝબુલ્લાહ અને લેબનોને આ હુમલા માટે ઇઝરાયલને જવાબદાર ગણાવ્યું હતું.
ઇઝરાયલ છેલ્લા 7 દિવસથી લેબનોનમાં મિસાઇલ હુમલા કરી રહ્યું છે. અલજઝીરાના અહેવાલ મુજબ, ઇઝરાયલના મિસાઇલ હુમલાના કારણે લેબનોનમાં 700થી વધુ લોકોના મોત થયા છે. આ સિવાય 5 લાખથી વધુ લોકોને ઘર છોડવું પડ્યું છે. ઇઝરાયલે લેબનોનમાં હાથ ધરાયેલા ઓપરેશનને “નોર્દન એરોજ” નામ આપ્યું છે.
ઇઝરાયલ ડિફેન્સ ફોર્સે (IDF) 23 સપ્ટેમ્બરે લેબનોન પર સૌથી મોટો હુમલો કર્યો હતો. IDFએ હિઝબુલ્લાહની 1600 જગ્યાઓને નિશાન બનાવીને એર સ્ટ્રાઈક કરી હતી. જેમાં 10 હજાર રોકેટ નષ્ટ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 569 લોકોના મોત થયા હતા. ઇઝરાયલ દ્વારા આ હુમલા બુધવારે પણ ચાલુ રહ્યો હતો. લેબનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે ઇઝરાયલના હુમલામાં ઓછામાં ઓછા 72 લોકો માર્યા ગયા હતા.
આ સમાચાર પણ વાંચો…
UNમાં ઈરાને કહ્યું- ઈઝરાયેલને રોકવું જરૂરીઃ જો નહીં રોકાય તો આખી દુનિયામાં યુદ્ધ ફાટી નીકળશે, લેબનોન પરના હુમલાનો અમે હજુ જવાબ નહીં આપીએ

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પઝશકિયાને મંગળવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધન કર્યુ હતું. તેમણે કહ્યું કે ઈરાન હજુ લેબનોનમાં ઇઝરાયલના હુમલાનો જવાબ આપશે નહીં. તેનાથી વિસ્તારમાં તણાવ વધી શકે છે.
ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહ મિસાઇલ કમાન્ડરનું મોત: લેબનોન પર સતત 5માં દિવસે હુમલો, અત્યાર સુધીમાં 569 લેબનીઝ માર્યા ગયા

ઇઝરાયલના હુમલામાં હિઝબુલ્લાહનો મિસાઇલ કમાન્ડર ઇબ્રાહિમ કુબૈસી માર્યો ગયો હતો. ઇઝરાયલે લેબનોનમાં હાથ ધરાયેલા ઓપરેશનને “નોર્દન એરોજ” નામ આપ્યું છે. આઈડીએફનો દાવો છે કે હિઝબુલ્લાહ દક્ષિણ લેબનોનના ઘરોમાં મિસાઈલો છુપાવી રહ્યું છે જે લગભગ એક વર્ષથી ઈઝરાયલ પર ફાયર કરવામાં આવી રહી છે.