લંડન, નવી દિલ્હી15 કલાક પેહલા
- કૉપી લિંક
- ડ્રેગને પાકિસ્તાનના બદલે હવે અફઘાનિસ્તાન તરફ મીટ માંડી
ચીન સરકારે અફઘાનિસ્તાનની સત્તા પર કબજો જમાવી ચૂકેલા તાલિબાનના પસંદગી પામેલા અધિકારીને રાજકીય દરજ્જો આપી દીધો છે. અલબત્ત આને લઇને ચીને સ્પષ્ટતા પણ કરી છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંગ વેનબિને કહ્યું છે કે અફઘાનિસ્તાન લાંબા સમયથી મિત્ર તરીકે છે, આવી સ્થિતિમાં અફઘાનિસ્તાનને આંતરરાષ્ટ્રીય સમુદાયથી હવે બહાર રાખવું જોઇએ નહીં.
આ પહેલાં ચીને તાલિબાનને દેવાની જાળવાળી બેલ્ટ એન્ડ રોડ પરિયોજના માટે આયોજિત ફોરમમાં પણ આમંત્રણ આપ્યું હતું. નિષ્ણાતોનું કહેવું છે કે લાંબા સમયથી ચીનની નજર અફઘાનિસ્તાનના ખનિજ સંસાધન પર કેન્દ્રીત થઇ ગઇ છે. આની સાથે જ તે પાકિસ્તાનમાં ચાલી રહેલા રક્તપાત અને ત્યાં સીપેકની યોજનાઓના વિરોધને લઇને પણ પરેશાન છે. આ જ કારણસર ચીન પાકિસ્તાનના બદલે અફઘાનિસ્તાનમાં વધારે શક્યતા નિહાળે છે.
લંડનમાં રોયલ યુનાઇટેડ સર્વિસીસ ઇન્સ્ટિટ્યૂટમાં વરિષ્ઠ એસોસિયેટ ફ્લો રેફેલો પેન્ટુચીના કહેવા મુજબ બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં તાલિબાનની એન્ટ્રી દર્શાવે છે કે તે રોકાણમાં આગળ છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બીઆરઆઇના ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર (સીપીઇસી)હેઠળ કેટલીક પરિયોજનાઓમાં અફઘાનિસ્તાનને સામેલ કરવાની વાત ચાલી રહી છે. તાલિબાને સતત બીઆરઆઇમાં સામેલ થવાને લઇને સક્રિયતા દર્શાવી છે.
આપણી ચિંતા વધી : બીઆરઆઇમાં તાલિબાનના સમાવેશથી આતંકવાદ વધવાનો ખતરો
તાલિબાનને બીઆરઆઇના વિસ્તારમાં સામેલ કરવાની ચીનની યોજના પાછળ કેટલાક પાસા રહેલા છે. તે લાંબા સમયથી રોકાણ કરી રહેલા ભારતના પ્રભાવને ઘટાડવાની યોજના ધરાવે છે. જો તાલિબાન તેના દેવાની જાળમાં ફસાઇ જશે તો ચોક્કસપણે ભારત માટે ચિંતાની વાત રહેશે. ભારતે અફઘાનિસ્તાનમાં વીજળી, પાણી, માર્ગો, જેવી પરિયોજનાઓમાં રોકાણ કર્યું છે. જેનો લાભ પ્રજાને થઇ રહ્યો છે પરંતુ ચીન સીધી રીતે શાસકોને લાભ કરાવે છે. એવો ભય પણ છે કે ચીનના પૈસા તાલિબાની શાસકોના હાથમાં જશે, જેના કારણે તે આર્થિક રીતે મજબૂત થશે. આના કારણે પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓમાં વધારો થશે. આની સીધી અસર ભારત પર થશે. બીજી બાબત એ છે કે પાકિસ્તાની સેના અથવા તો સરકારની સહમતિ વગર ચીન આ યોજનાને અફઘાનિસ્તાન શિફ્ટ કરી શકે નહીં. આને બદલે ચીનને પાકિસ્તાન સરકાર તાલિબાન સાથે સારા સંબંધ માટે મદદ કરવા માટે કહેશે. બીઆરઆઇના અફઘાનિસ્તાનમાં વિસ્તારથી અમેરિકાની પરેશાની વધશે. છેલ્લીવાત એ છે કે ચીનથી અફઘાનિસ્તાનના લોકોને કોઇ ફાયદો થશે નહીં.