1 કલાક પેહલા
- કૉપી લિંક
ફૂટેજ પેરાગ્લાઇડિંગ ઇવેન્ટના છે, જ્યારે બાઇડન વિશ્વના તમામ નેતાઓથી દૂર બીજી બાજુ ઊભા હતા.
G7 સમિટમાં ભાગ લેવા ઇટાલી પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન એક વીડિયોમાં વિશ્વ નેતાઓથી દૂર ફરતા જોવા મળે છે. બ્રિટનના પીએમ સુનક, કેનેડાના પીએમ ટ્રુડો, ફ્રાંસના રાષ્ટ્રપતિ મેક્રોન અને જર્મન ચાન્સેલર જેવા G7 જૂથના નેતાઓ વીડિયોમાં હાજર જોવા મળે છે. સમિટના યજમાનની સાથે ઈટાલીના વડાપ્રધાન જ્યોર્જિયા મેલોની પણ છે.
મેલોનીએ બાઇડનને હાથ પકડી પાછા લાવ્યાં
તમામ નેતાઓ એક સંવાદ સત્ર દરમિયાન પેરાગ્લાઇડિંગ જોઈ રહ્યા છે. આ સમય દરમિયાન પેરાગ્લાઈડર પાસે G7નો ધ્વજ હોય છે. જ્યારે એ ઊતરે છે ત્યારે તમામ નેતાઓ તાળીઓના ગડગડાટથી એનું સ્વાગત કરવા લાગે છે. દરમિયાન જો બાઇડન જૂથની બીજી બાજુએ કોઈને અંગૂઠો આપતા જોવા મળે છે. પછી કેમેરામેન બાઇડન પર ફોકસ કરવાનું શરૂ કરે છે. દરમિયાન ઇટાલીના પીએમ મેલોની જૂથ સાથે વાત કરતાં આગળ વધે છે. પછી તેઓ જો બાઇડનનો હાથ પકડીને તેમને જૂથમાં પાછા લાવે છે. આ પછી બધા નેતાઓ પેરાગ્લાઈડર સાથે વાત કરવાનું શરૂ કરે છે. બાઇડનનો અલગ દુનિયામાં ખોવાયેલા હોય એવો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ તો જોરદાર વાઇરલ થઈ રહ્યો છે.
ફૂટેજમાં બાઇડન વાતચીતની વચ્ચે મેલોનીને સલામ કરતો જોવા મળે છે.
બાઇડને મેલોનીને સલામ કરી
બીજી તરફ મેલોનીએ ગુરુવારે ઇટાલી પહોંચેલા અમેરિકી રાષ્ટ્રપતિનું સ્વાગત કર્યું હતું. બંનેએ આલિંગન આપ્યું અને હાથ મિલાવ્યા હતા. આ પછી વાતચીત દરમિયાન બાઇડન મેલોનીને સલામ કરતા જોવા મળ્યા હતા. પછી તેઓ સ્ટેજ પરથી નીચે ગયા હતા. બાઇડનના બંને વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ટ્રોલ થઈ રહ્યા છે. એક યુઝરે લખ્યું, હવે ભગવાન અમેરિકાની મદદ કરે છે. બાઇડન ક્યાં સુધી આ રીતે આપણને શરમાવતા રહેશે? અન્ય યુઝરે કહ્યું કે આ એ ભાગ છે, જે કેમેરામાં રેકોર્ડ થયો હતો. આ સિવાય મને નથી ખબર કે તેમણે કેટલીવાર વિશ્વના નેતાઓને શરમાવ્યા હશે.
બાઇડન ઘણી વખત નેતાઓનાં નામ ભૂલી ગયા છે
આ પહેલીવાર નથી, જ્યારે બાઇડનની યાદશક્તિ અથવા તેમના સ્વાસ્થ્ય વિશે પ્રશ્નો ઊભા થયા હોય. આ પહેલાં તેમણે ઘણી વખત અમેરિકન અને અન્ય દેશોના નેતાઓનાં નામ ખોટા લીધાં હતાં. અમેરિકન મીડિયા ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ અનુસાર ફેબ્રુઆરીમાં બાઇડને મેમરી લોસના આરોપોને નકારી કાઢવા માટે એક પ્રેસ-કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેઓ ગાઝાને લગતા પ્રશ્ન પર હમાસનું નામ ભૂલી ગયા હતા. આ પછી ઇજિપ્તના નેતાઓએ અબ્દેલ ફત્તાહ અલ-સીસીને મેક્સિકોના રાષ્ટ્રપતિ જાહેર કર્યા હતા.
બાઇડનના એ વીડિયો, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર સવાલો ઊભા થયા હતા…
કોલોરાડોમાં એરફોર્સ એકેડેમી ઇવેન્ટમાં બાઇડન સ્ટેજ પર પડી ગયા હતા.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડન ઊભી રાખેલી સાઈકલ પરથી પડી ગયા હતા.
પ્લેનમાં સીડી ચડતી વખતે જો બાઇડન લપસી ગયા અને પડ્યા હતા.
મૃતક મિત્રને સ્ટેજ પર બોલાવતા રહ્યા
એટલું જ નહીં, 2022માં બાઇડન ડેમોક્રેટિક પાર્ટીના ટાઉનહોલમાં પહોંચ્યા હતા. અહીં ભાષણ દરમિયાન તેમણે પોતાની જ પાર્ટીના સાંસદનું નામ લીધું અને તેમને ત્રણ વખત મંચ પર આમંત્રણ આપ્યું હતું. જોકે આ સાંસદનું તો અવસાન થઈ ચૂક્યું હતું. આ પછી બાઇડને માફી માગી હતી.
બાઇડન અમેરિકાના સૌથી વૃદ્ધ રાષ્ટ્રપતિ
બાઇડન અમેરિકામાં રાષ્ટ્રપતિપદ સંભાળનાર સૌથી વૃદ્ધ નેતા છે. 81 વર્ષીય ડેમોક્રેટ નેતાએ 20 જાન્યુઆરી, 2021ના રોજ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તેમણે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને હરાવીને અમેરિકામાં સત્તા મેળવી હતી. અગાઉ નવેમ્બર 2020માં બાઇડનને તેમના જમણા પગમાં હેરલાઇન ફ્રેક્ચર થયું હતું. એ દરમિયાન તેઓ પોતાના કૂતરા સાથે રમી રહ્યા હતા.