31 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના આર્મી ચીફ અસીમ મુનીર સોમવારે બકરી ઈદના અવસર પર એલઓસી પહોંચ્યા હતા. અહીં તેમણે ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો છે. પાકિસ્તાની મીડિયા જિયો ન્યૂઝ અનુસાર, મુનીરે કહ્યું કે તેઓ કાશ્મીરીઓ પર થતા અત્યાચારની નિંદા કરે છે.
પાકિસ્તાની સેનાના અધિકારીઓને સંબોધતા આર્મી ચીફે કહ્યું, “ભારત તાજેતરની ચૂંટણીઓથી કાશ્મીરમાં પોતાના અત્યાચારને છુપાવવા માટે પાકિસ્તાન વિરુદ્ધ જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. તે હવે ભારતમાં એક રાજકીય સાધન બની ગયું છે.”
પાકિસ્તાનના આર્મી ચીફે સોમવારે ભારત-પાકિસ્તાન બોર્ડર (એલઓસી)ની મુલાકાત લીધી હતી.
PAK આર્મી ચીફે કહ્યું- દેશને જોખમ હોય તો જવાબ આપવા તૈયાર
મુનીરે કહ્યું કે પાકિસ્તાન હંમેશા કાશ્મીરમાં શાંતિની વકાલત કરતું આવ્યું છે. અમે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ના ઠરાવ હેઠળ આ મુદ્દાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવા માગીએ છીએ. પરંતુ જો પાકિસ્તાનની પ્રાદેશિક અખંડિતતાને કોઈ જોખમ છે તો અમે તેનો જવાબ આપવા તૈયાર છીએ.
આ પહેલા વડાપ્રધાન શાહબાઝ શરીફે પણ પેલેસ્ટાઈન અને કાશ્મીરમાં થઈ રહેલા અત્યાચારનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે અમે અમારા પેલેસ્ટિનિયન અને કાશ્મીરી ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ છીએ, જેઓ બહાદુરીપૂર્વક વિદેશી કબજા સામે લડી રહ્યાં છે.
પીએમ શરીફે ચીન જઈને કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો
આ પહેલા 7 જૂને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઈજિંગમાં દ્વિપક્ષીય બેઠક દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. બેઠક બાદ જારી સંયુક્ત નિવેદનમાં ચીને કહ્યું હતું કે તે જમ્મુ-કાશ્મીરમાં ભારતની એકતરફી કાર્યવાહીનો વિરોધ કરે છે.
ચીને કહ્યું હતું કે આ મુદ્દે ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દો યુએન ચાર્ટર અને યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલ (યુએનએસસી) ઠરાવો હેઠળ શાંતિપૂર્ણ રીતે ઉકેલવો જોઈએ.
આ પછી ભારતે જમ્મુ-કાશ્મીર પર ચીન અને પાકિસ્તાનના નિવેદનોને ફગાવી દીધા હતા. વિદેશ મંત્રાલયે 13 જૂને કહ્યું હતું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ હતું, છે અને રહેશે.
7 જૂને પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
‘ભારતનો હિસ્સો એવા વિસ્તારમાં આર્થિક કોરિડોરનું કામ સ્વીકાર્ય નથી’
ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર એટલે કે CPECનું અમુક કામ પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં થવાનું છે. ભારત આ ક્ષેત્રમાં થતા કોઈપણ કામનો વિરોધ કરે છે.
હકીકતમાં, પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફની ચીનની મુલાકાત દરમિયાન, જિનપિંગે CPEC હેઠળ ઉચ્ચ ગુણવત્તાના વિકાસ અને પહેલાથી જ ચાલી રહેલા પ્રોજેક્ટ્સને સમયસર પૂર્ણ કરવા પર એક બેઠકમાં સંમતિ દર્શાવી હતી.