2 કલાક પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં સતત ચોથા દિવસે મોંઘવારી અને વીજળીના ભાવને લઈને વિરોધ પ્રદર્શન ચાલુ છે. રવિવારે જમ્મુ કાશ્મીર અવામી એક્શન કમિટી (JAAC)ની POK સરકાર સાથેની વાતચીત નિષ્ફળ ગઈ. જેના કારણે આજે વિરોધીઓ JAACના નેતૃત્વમાં રાવલકોટથી POKની રાજધાની મુઝફ્ફરાબાદ સુધી લોંગ માર્ચ કરી રહ્યા છે.
પ્રદર્શનકારીઓએ કોહાલા-મુઝફ્ફુરાબાદ રોડ બ્લોક કરી દીધો હતો. આ રોડ 40 કિલોમીટર લાંબો છે અને કોહાલા શહેરને મુઝફ્ફરાબાદ સાથે જોડે છે. હિંસક વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં મોટાભાગના પોલીસકર્મીઓ છે. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પાકિસ્તાનની અર્ધલશ્કરી રેન્જર્સ તૈનાત કરવામાં આવી છે.
11 મે, શનિવારે પોલીસ અને PoKના JAAC વચ્ચે અથડામણ થઈ હતી. આમાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 100 ઘાયલ થયા હતા.
રાષ્ટ્રપતિ બાદ વડાપ્રધાને પણ ઈમરજન્સી બેઠક બોલાવી હતી
બીજી તરફ પીઓકેની સ્થિતિ અંગે ચર્ચા કરવા વડાપ્રધાન શહેબાઝ શરીફે આજે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. તેમણે હિંસક અથડામણ અંગે પણ ચિંતા વ્યક્ત કરી છે. શરીફે કહ્યું, “સંવાદ, શાંતિપૂર્ણ વિરોધ અને ચર્ચા એ લોકશાહીની સુંદરતા છે. જોકે, જે લોકો કાયદો પોતાના હાથમાં લઈ રહ્યા છે તેમને અમે સહન નહીં કરીએ.”
શરીફે વધુમાં કહ્યું કે તેમણે પીઓકેના વડા પ્રધાન ચૌધરી અનવારુલ હક સાથે વાત કરી છે અને પીઓકેમાં તમામ પક્ષ પીએમએલ-એનના અધિકારીઓને એક્શન કમિટીના નેતાઓ સાથે વાત કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે કહ્યું, ‘હું તમામ પક્ષો પાસેથી આ મામલાને શાંતિપૂર્ણ રીતે ઉકેલવાની માંગ કરું છું.’
પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીએ પણ આજે ઈમરજન્સી બેઠક બોલાવી છે. અહેવાલો અનુસાર, રાષ્ટ્રપતિએ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં સ્થિતિ સુધારવા માટે દરખાસ્તો માગી છે.
વડાપ્રધાન શાહબાઝ શરીફે પીઓકે સરકાર અને વિરોધ કરી રહેલા સંગઠન JAACને વાતચીત દ્વારા ઉકેલ શોધવા માટે કહ્યું છે.
POKમાં જાહેર પરિવહન બંધ
મુઝફ્ફરાબાદ અને પૂંચ વિભાગમાં જાહેર પરિવહન અને વેપાર કેન્દ્રો બંધ રહ્યા હતા. મીરપુરમાં આંશિક હડતાળ પડી હતી. POK સરકાર અને JAAC વચ્ચે વાટાઘાટો નિષ્ફળ થયા પછી, રાવલકોટના એક નેતાએ કહ્યું છે કે સરકાર વિરોધને રોકવા માટે ખોટી પદ્ધતિઓનો ઉપયોગ કરી રહી છે.
આ બેઠકમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના વિવિધ જિલ્લાના કાઉન્સેલરોએ ભાગ લીધો હતો. બેઠકમાં હાજર રહેલા રાવલકોટ કાઉન્સિલર સરદાર ઉમર નઝીરે કહ્યું કે તેઓ માત્ર આશ્વાસન આપીને તેમનો વિરોધ બંધ નહીં કરે. જ્યાં સુધી તેમની માંગણીઓ અંગે જાહેરનામું બહાર પાડવામાં નહીં આવે ત્યાં સુધી વિરોધ ચાલુ રહેશે.
નઝીરે સરકાર પર આરોપ લગાવ્યો છે કે તેઓ કોઈપણ મુદ્દે એક પણ નોટિફિકેશન બહાર પાડતા નથી. સરકારી મંત્રણાના નામે માત્ર વિલંબ, વિલંબની રણનીતિ, જુઠ્ઠાણા અને છેતરપિંડી થઈ રહી છે.
તણાવને જોતા પીઓકેમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે. PoK સરકારે જાહેર સ્થળોએ ભેગા થવા, રેલીઓ અને સરઘસ કાઢવા પર પ્રતિબંધ મૂક્યો છે. ભીમ્બર, બાગ ટાઉન, મીરપુર જેવા ઘણા વિસ્તારોમાં મોબાઈલ નેટવર્ક અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવામાં આવી છે.
POKમાં પ્રદર્શનની તસવીરો…
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પ્રદર્શન દરમિયાન લોકોએ PoKને ભારતમાં ભેળવી દેવાની પણ માગ કરી હતી. આને લગતા પોસ્ટર પણ બતાવવામાં આવ્યા હતા.
પ્રદર્શનકારીઓએ પીઓકેમાં 3 સરકારી વાહનોને આગ ચાંપી દીધી હતી.
પીઓકેના મીરપુરમાં પણ ઘણી જગ્યાએ આગની ઘટના બની હતી. આ દરમિયાન પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી થઈ હતી.
PoKમાં પ્રદર્શનકારીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો. ઈમરાન ખાનની પીટીઆઈ પાર્ટીએ તેનો વીડિયો શેર કર્યો છે.
આ ફૂટેજ મીરપુરનું છે, જ્યાં પોલીસે હિંસા બાદ અનેક પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. (ક્રેડિટ- IANS)
પીઓકેમાં વિરોધ કેવી રીતે હિંસક બન્યો
- ચાર દિવસ પહેલા પીઓકેમાં રોજબરોજની ચીજવસ્તુઓની વધતી કિંમતોને લઈને વિરોધ પ્રદર્શનો શરૂ થયા હતા. લોકો શાંતિપૂર્વક વિરોધ કરી રહ્યા હતા. પરંતુ સ્થળ પર હાજર પોલીસે નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ કર્યો હતો. જેના કારણે મહિલાઓ અને શાળાના બાળકો ઘાયલ થયા હતા. પાકિસ્તાન પોલીસનો વીડિયો પણ વાઇરલ થયો હતો.
- પોલીસની હિંસા બાદ લોકોએ વધુ દેખાવો કરવાની જાહેરાત કરી હતી. તેઓ શેરીઓમાં ઉતર્યા. પોલીસે ફરીથી તેમના પર લાઠીચાર્જ શરૂ કરતાં પ્રદર્શનકારીઓ ગુસ્સે થઈ ગયા. તેઓએ પોલીસ પર હુમલો કરીને જવાબી કાર્યવાહી કરી હતી. આ હુમલામાં એક પોલીસકર્મીનું મોત થયું હતું, જ્યારે 100થી વધુ લોકો ઘાયલ થયા હતા.
પાકિસ્તાનમાં લોટની કિંમત 800 રૂપિયા પ્રતિ કિલો છે
પાકિસ્તાનમાં રાજકીય અસ્થિરતા વચ્ચે દેશની આર્થિક સ્થિતિ ખરાબ થઈ ગઈ છે. અહીં મોંઘવારી દરમાં સતત વધારો નોંધવામાં આવ્યો છે. પાકિસ્તાનના લોકો ભૂખમરો અને બેરોજગારીથી પરેશાન છે. પાકિસ્તાનની જીડીપી 2024માં માત્ર 2.1%ના દરે વધવાની સંભાવના છે.
આ કારણોસર, લોકોએ ગયા મહિને પણ પીઓકેમાં વધતી મોંઘવારી સામે વિરોધ કર્યો હતો. આ દરમિયાન લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને મોંઘવારી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. બીજી બાજુ પીઓકેમાં ખરાબ સ્થિતિને લઈને હ્યુમન રાઈટ્સ કમિશન ઓફ પાકિસ્તાન (એચઆરસીપી) એ સ્વીકાર્યું છે કે ત્યાં માનવ અધિકારોનું સતત ઉલ્લંઘન થઈ રહ્યું છે.