ઇસ્લામાબાદ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
પત્રકાર અહેમદ ફરહાદ શાહનો કેસ લડી રહેલા એડવોકેટ ઈમાન મઝારી હજીરે દાવો કર્યો હતો કે એડવોકેટ જનરલે પીઓકેને વિદેશી ભૂમિ ગણાવી હતી.
પાકિસ્તાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સરકારી વકીલે પીઓકેને લઈને નિવેદન આપ્યું છે. જે બાદ ત્યાં તેની ટીકા થઈ રહી છે. કોર્ટમાં સુનાવણી દરમિયાન તેમણે પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાંથી અપહરણ કરાયેલા કવિ અને પત્રકાર અહેમદ ફરહાદ શાહને વિદેશી નાગરિક ગણાવ્યો હતો.
ફરહાદ શાહનો કેસ લડી રહેલા એડવોકેટ ઈમાન મઝારી હજીરે આ દાવો કર્યો છે. તેમણે કોર્ટની બહાર મીડિયાને કહ્યું કે સરકારી વકીલ એવી દલીલ કરી રહ્યા હતા કે કાશ્મીર વિદેશી જમીન છે. આ સારી છાપ નથી. રિયાસત કાશ્મીરને બહારનું ગણાવી રહી છે. આનાથી સારો સંદેશ નથી જઇ રહ્યો.
પાકિસ્તાને કાશ્મીરના જે ભાગને કબજે કર્યો છે, તે તેને આઝાદ કાશ્મીર કહે છે. તે જ સમયે, ભારત તેને PoK એટલે કે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર કહે છે. ભારત માને છે કે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર (PoK) એ જમ્મુ-કાશ્મીરનો એક ભાગ છે જેના પર પાકિસ્તાને બળપૂર્વક કબજો જમાવ્યો છે.

આ તસવીર પીઓકેના 38 વર્ષીય પત્રકાર અહેમદ ફરહાદ શાહની છે, જે 14 મેના રોજ પોતાના ઘરેથી ગુમ થયા હતા. (ફાઈલ)
શું છે અહેમદ ફરહાદ શાહનો આખો મામલો?
પીઓકેનો અહેમદ ફરહાદ શાહ લગભગ 16 દિવસથી ગુમ હતા. જ્યારે તેમનો પરિવાર ઈસ્લામાબાદ હાઈકોર્ટ પહોંચ્યો ત્યારે તેમને જાણ કરવામાં આવી કે તે ધીરકોટ પોલીસની કસ્ટડીમાં છે. આ મામલામાં શુક્રવારે ઈસ્લામાબાદ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. અહેમદ ફરહાદ શાહના ગુમ થવા પર કોર્ટમાં અરજી કરનાર ઈમાન માજરીએ કહ્યું કે, પોલીસે કોર્ટને કહ્યું છે કે અહેમદ કાશ્મીરમાં જ છે.
અગાઉ, અહેમદના પરિવારે દાવો કર્યો હતો કે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIએ તેને ગાયબ કરી દીધો હતો કારણ કે તેણે સરકારની ટીકા કરી હતી. અહેમદની પત્ની ઉરુજ ઝૈનબે જણાવ્યું હતું કે 14 મેના રોજ મોડી રાત્રે ઘેરા રંગના કપડા પહેરેલા ચાર લોકો તેમના ઘરે પહોંચ્યા હતા. તેઓ અહેમદને ઘરની બહાર ખેંચી ગયા અને પછી બળજબરીથી કારમાં લઈ ગયા. તેમની સાથે વધુ ત્રણ વાહનો હાજર હતા. જોકે, પાકિસ્તાન સરકારે આ દાવાઓને ફગાવી દીધા હતા અને કહ્યું હતું કે અહેમદ ISIની કસ્ટડીમાં નથી.

કવિ અને પત્રકાર અહેમદનો પરિવાર બુધવારે મુઝફ્ફરાબાદ પોલીસ સ્ટેશનમાં તેમને મળ્યો હતો.
અહેમદે પીઓકેમાં સરકાર વિરોધી પ્રદર્શનને કવર કર્યો હતો
અહેમદ ફરહાદ પાકિસ્તાની ફ્રીલાન્સ પત્રકાર અને કવિ છે. 38 વર્ષીય અહેમદ પીઓકેના બાગ શહેરમાંથી આવે છે. તેમણે તાજેતરમાં જ પીઓકેમાં સરકાર વિરોધી વિરોધને કવર કર્યો હતો. તેઓ પાકિસ્તાની સેનાની ટીકા માટે જાણીતા છે.
અહેમદની પત્ની ઝૈનબે અલ જઝીરાને જણાવ્યું કે તેમનો પતિ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન અને તેની પાર્ટી પીટીઆઈનો સમર્થક છે. આ કારણે સરકારી એજન્સીઓ તેમના પર લાંબા સમયથી દબાણ કરી રહી છે.
ઝૈનબે વધુમાં કહ્યું કે અહેમદ માત્ર માનવાધિકારના પક્ષમાં છે. નવાઝ શરીફની પાર્ટી પીએમએલ-એનને લશ્કરી દબાણ હેઠળ સત્તા પરથી હટાવવામાં આવી ત્યારે અહેમદે પણ પીએમએલ-એનના સમર્થનમાં પ્રદર્શન કર્યું હતું.
પત્રકારે કહ્યું- સેનાથી મારા જીવને ખતરો
ઝૈનબે કહ્યું કે તેના પતિએ ઘણી વખત કહ્યું હતું કે તેના જીવને ખતરો છે. તેમણે કહ્યું હતું કે પીઓકેનો મુદ્દો ઉઠાવવા અને દેશની રાજનીતિ પર ટિપ્પણી કરવાને કારણે સેના તેમની પાછળ છે.
અહેમદની પત્નીએ 15 મેના રોજ સવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટમાં તેમના પતિને શોધવા અને તેને કોર્ટમાં રજૂ કરવા માટે અરજી કરી હતી. ઝૈનબે માગ કરી હતી કે તેના પતિના અચાનક ગુમ થવાના કેસની તપાસ કરવામાં આવે.
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, ઝૈનબે જણાવ્યું હતું કે તે ગુમ થયાના બે દિવસ બાદ અહેમદે તેનો વોટ્સએપ દ્વારા સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. ઓનલાઈન કોલ પર, અહેમદે તેને તેની અરજી પાછી ખેંચી લેવા કહ્યું હતું. ઝૈનબે જણાવ્યું કે દરેક કોલ 30 સેકન્ડનો હતો. અહેમદની વાતચીતના ટોન પરથી સ્પષ્ટ હતું કે તેને આ બધું કરવા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે.
અહેમદે કહ્યું હતું કે જો ઝૈનબે તેની અરજી પાછી ખેંચી લીધી તો તે 2 દિવસમાં ઘરે પરત ફરશે. અહેમદે ઝૈનબને એમ પણ કહ્યું હતું કે તે કોઈ અંગત કામ માટે બહાર છે અને એકદમ સુરક્ષિત છે. અહેમદની સલાહ બાદ ઝૈનબે પણ અરજી પાછી ખેંચવા માટે અરજી કરી હતી. જો કે આ પછી પણ અહેમદ ઘરે પરત ફર્યો ન હતો.