ડોનાલ્ડ ટ્રમ્પ ગુગલી ફેંકવામાં માહિર છે. નરેન્દ્ર મોદી 21 સપ્ટેમ્બર શનિવારથી ત્રણ દિવસ અમેરિકા જવાના છે. તે પહેલાં જ ટ્રમ્પે કહી દીધું કે, મારા મિત્ર મોદી અમેરિકા આવી રહ્યા છે, તેમને હું મળવાનો છું. ટ્રમ્પે આમ તો હવામાં ગોળીબાર કર્યો છે. કારણ કે મોદી
.
નમસ્કાર,
આખા વિશ્વની નજર નરેન્દ્ર મોદીની અમેરિકા મુલાકાત પર છે. અમેરિકામાં નવેમ્બરમાં ચૂંટણી આવી રહી છે. જો બાઈડન તો ચૂંટણીમાંથી ખસી ગયા છે એટલે ટ્રમ્પ અને ભારતીય મૂળનાં કમલા હેરિસ વચ્ચે સીધો જંગ છે. નરેન્દ્ર મોદી અમેરિકામાં ક્વાડ દેશોની સમિટમાં ભાગ લેશે, ભારતીય સમુદાયને સંબોધન કરશે અને યુનાઈટેડ નેશન્સમાં પણ તે સ્પીચ આપશે. મોદીની મુલાકાતથી અમેરિકાની ચૂંટણીના સમીકરણો પર શું અસર થશે, તેના પર બધાની નજર છે.
ટ્રમ્પે અમેરિકામાં મોદી કાર્ડ વાપર્યું અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તાજેતરમાં કહ્યું હતું કે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકા આવી રહ્યા છે ત્યારે પોતે ટૂંક સમયમાં નરેન્દ્ર મોદીને મળશે. ટ્રમ્પે રેલીમાં ભારતની વેપાર નીતિની ટીકા કરી હતી, પણ વડાપ્રધાન મોદીની પ્રશંસા કરીને અદ્ભુત વ્યક્તિ ગણાવ્યા હતા. ટ્રમ્પે કહ્યું કે, ભારત અમેરિકાથી આયાત થનારી વસ્તુઓ પણ ભારે ટેક્સ લાદે છે અને ખુદ અમેરિકા નિકાસ કરે તો કોઈ ટેક્સ માગતું નથી. આ મામલે ટ્રમ્પે ભારતને નીતિઓનો દુરુપયોગ કરનાર દેશ ગણાવ્યો હતો. ટ્રમ્પ આગામી યુએસ ચૂંટણીમાં રિપબ્લિકન પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. ટ્રમ્પના નિવેદન બાદ ભારતના વિદેશ મંત્રાલયનું નિવેદન પણ આવ્યું છે. વિદેશ મંત્રાલયે એક પ્રેસ કોન્ફરન્સમાં પીએમ મોદીના અમેરિકા પ્રવાસ અંગે માહિતી આપી છે. પીએમ મોદી અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પને મળશે તેવો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. એટલે મોદી સત્તાવાર રીતે ટ્રમ્પને મળવાના નથી. પણ ટ્રમ્પે અમેરિકામાં ઢંઢેરો પીટી દીધો છે કે, મોદી તો મોદી છે. હું તેમને મળીશ…
ભારતના વિદેશ મંત્રાલયે શું કહ્યું? પ્રેસ કોન્ફરન્સમાં માહિતી આપતાં ભારતીય વિદેશ સચિવ વિક્રમ મિસરીએ કહ્યું, અમેરિકામાં વડાપ્રધાન સાથે ઘણી બેઠકો છે જેને અમે શેડ્યૂલ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. હાલમાં, હું તમને કોઈ ચોક્કસ મીટિંગ વિશે કહી શકીશ નહીં. અમે જોઈ રહ્યા છીએ કે અમારી પાસે કેટલો સમય છે અને અમે કોની સાથે મીટિંગ કરી શકીએ છીએ. અમે તમને મીટિંગ્સ વિશે અપડેટ આપતા રહીશું.
ભારત માટે ટ્રમ્પ ‘ડબલ ઢોલકી’ ટ્રમ્પ ભારતની ટીકા કરે છે ને મોદીના વખાણ કરે છે. ટ્રમ્પનું વલણ ભારત માટે હંમેશા ડબલ ઢોલકી જેવું રહ્યું છે. અગાઉ 2016માં અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણી દરમિયાન ન્યૂ જર્સીમાં એક પ્રચારરેલીમાં ટ્રમ્પે કહ્યું હતું, હું હિન્દુઓનો મોટો ફેન છું અને ભારતનો પણ બહુ મોટો ફેન છું. અમેરિકન ન્યૂઝ ચેનલ સીએનએનને ટ્રમ્પે કહ્યું હતું, ભારત જે કરે છે તે સારું કરે છે, પણ કોઈ તેના અંગે વાત નથી કરતું. ઓગસ્ટ 2019માં ફ્રાન્સમાં ટ્રમ્પ અને મોદી વચ્ચે મુલાકાત થઈ હતી. ફેબ્રુઆરી 2020માં જ્યારે ટ્રમ્પ ભારત આવ્યા ત્યારે અમદાવાદના સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ કર્યો હતો. ટ્રમ્પ અને મોદીએ અમદાવાદમાં એક મોટો રોડ શો કર્યો હતો. તેના પહેલાં જ્યારે મોદી અમેરિકા ગયા ત્યારે ‘હાઉડી મોદી’ કાર્યક્રમ થયો હતો. આ કાર્યક્રમમાં ટ્રમ્પે મોદીના ભરપૂર વખાણ કર્યા હતા. મોદી અને ટ્રમ્પ એકબીજાના ભરપૂર વખાણ કરતા રહ્યા છે. થોડા સમય અગાઉ જ્યારે ટ્રમ્પ પર હુમલો થયો ત્યારે પીએમ મોદીએ પણ પ્રતિક્રિયા આપી હતી. પણ હવે ટ્રમ્પે ભારતને નીચાજોણું બતાવવાની કોશિશ કરી છે ત્યારે જોવાનું એ છે કે, મોદી અને ટ્રમ્પ મળે છે નહીં.
હાઉડી મોદી ઈવેન્ટમાં બંને નેતાઓએ એકબીજાના ભરપૂર વખાણ કર્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની છેલ્લી મુલાકાત ફેબ્રુઆરી 2020 માં થઈ હતી. તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારતની મુલાકાતે આવ્યા હતા. તેના એક વર્ષ પહેલાં 2019માં નરેન્દ્ર મોદી અમેરિકા ગયા હતા. આ દરમિયાન ટ્રમ્પે ટેક્સાસમાં ‘હાઉડી મોદી’ રેલીમાં પણ ભાગ લીધો હતો. રેલીમાં 50,000 થી વધુ લોકોની હાજરીમાં બંને નેતાઓએ મંચ પરથી એકબીજાના જોરદાર વખાણ કર્યા હતા.
ટ્રમ્પે અમેરિકાની ચૂંટણી સભામાં ભારત પર માછલાં ધોયા જુલાઈ 2024માં ટ્રમ્પે એક ચૂંટણીસભામાં કહ્યું હતું, જો તમે ચીનમાં કંઈક બનાવવા માગો તો ચીન ઇચ્છશે કે આપણે ચીજો અહીં બનાવીએ અને ત્યાં મોકલીએ. પછી તે તમારા પર 250 ટકા ટેરિફ લગાવશે. અમે એ ઇચ્છતા નથી. પછી તમને આમંત્રણ આપશે કે આવો અને પોતાનો પ્લાન્ટ સ્થાપો. પછી આ કંપનીઓ ત્યાં જાય છે. ભારત પણ આવું જ કરે છે. હાર્લી ડેવિડસન સાથે પણ ભારતે આવું જ કર્યું. હાર્લી ડેવિડસન પર 200 ટકા ટેરિફ લગાવવાને કારણે પોતાની બાઇક ત્યાં વેચી ન શકી. હાર્લી ડેવિડસન દુનિયાની જાણીતી બાઇક કંપની છે. આ કંપનીની બાઇક લાખો રૂપિયાની હોય છે અને સુપરબાઇક કહેવાતી હાર્લી ડેવિડસન ધનિકોમાં ખાસ્સી લોકપ્રિય છે. ટ્રમ્પે કહ્યું હતું,”મેં હાર્લી ડેવિડસન કંપનીના વડાને પૂછ્યું હતું કે ભારતમાં તમારો વેપાર કેવો ચાલે છે? જવાબ મળ્યો કે સારો નથી ચાલતો. આપણે 200 ટકા ટેરિફ કેમ આપી રહ્યા છીએ. બીજા શબ્દોમાં કહીએ તો જો આપણે બાઇક વેચીએ તો ભારત આપણા પર આટલો વધુ ટેક્સ લગાવે છે? ટ્રમ્પે કહ્યું કે, મેં બાઈક કંપનીના માલિકને કહ્યું કે જો 200 ટકા ટેરિફ લાગે છે તો તમે ભારતમાં બાઈક વેંચવાનું બંધ કરી દો. પછી ભારતે હાર્લી ડેવિડસનને પ્લાન્ટ નાખવા આમંત્રણ આપ્યું હતું. કંપની કદાચ ભારતમાં પ્લાન્ટ સ્થાપી રહી છે. આ દેશ આ રીતે કામ કરે છે. હું તેના માટે ભારતને જવાબદાર નહીં ઠેરવું. હું એના માટે પોતાને જવાબદાર ગણું છું કે આપણે આવું થવા દીધું. હવે આગળથી આવું નહીં થાય.
ટ્રમ્પે કહ્યું- જો રાષ્ટ્રપતિ બનીશ તો ‘જેવા સાથે તેવા’નો વ્યવહાર કરીશ ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી સભામાં કહ્યું હતું કે જો તે ચૂંટણી જીતશે તો અમેરિકા પણ ટિટ ફોર ટેટ કરશે. જો કોઈ આપણા પર 10 પૈસા અથવા બે ડોલર અથવા 250 ટકા ઈમ્પોર્ટ ડ્યૂટી લાદે છે, તો અમે તેમની પાસેથી પણ એટલી જ ઈમ્પોર્ટ ડ્યૂટી વસૂલ કરીશું. આ રીતે આપણે મુક્ત વેપાર પર પાછા આવીશું. ટ્રમ્પે અગાઉ પણ ઘણાં અમેરિકન ઉત્પાદનો પર ભારે આયાત જકાત લાદવા બદલ ભારતની ટીકા કરી હતી. તેમના છેલ્લા રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન પણ ટ્રમ્પે ભારત દ્વારા લાદવામાં આવેલી કથિત ઉચ્ચ આયાત જકાત વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. ઉપરાંત તેમના છેલ્લા કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે અમેરિકામાં ઘણાં ભારતીય ઉત્પાદનો પર ભારે આયાત ડ્યૂટી લાદી હતી.
ટ્રમ્પે કહેલું, ભારતની ગંદકી દરિયામાં તણાઈને લોસ એન્જલસ સુધી પહોંચી રહી છે માર્ચ 2019માં ટ્રમ્પે કહ્યું હતું, આપણો મૂરખ દેશ નથી. તમે ભારતને જુઓ. નરેન્દ્ર મોદી મારા ખૂબ સારા મિત્ર છે. આપણી બાઈક પર 100 ટકા ટેક્સ લગાવે છે. આપણે ભારતની વસ્તુઓ પર ટેક્સ લગાવતા નથી. માત્ર મારા એક ફોન પર મોદીએ ટેક્સમાં 50 ટકાનો ઘટાડો કર્યો. આ ટેક્સ પણ વધારે છે. ભારત ટેક્સ ઘટાડવા કામ કરી રહ્યું છે. નવેમ્બર 2019માં ટ્રમ્પે પ્રદૂષણ મુદ્દે ભારત પર નિશાન સાધ્યું હતું. એ સમયે ભારતના ઘણા ભાગોમાં હવાનો ગુણવત્તા સૂચકાંક ખતરનાક સ્તરે પહોંચી ગયો હતો. ટ્રમ્પે કહ્યું હતું, ભારત, ચીન અને રશિયાની ગંદકી વહીને લોસ એન્જલસ સુધી પહોંચી ગઈ છે. તમને ખબર છે કે અહીં પણ એક સમસ્યા છે. આપણી પાસે જમીનનો નાનો ટુકડો છે છતાં કેટલું ધ્યાન રાખીએ છીએ. પણ જો તમે ચીન, રશિયા અને ભારત જેવા અન્ય દેશો સાથે સરખામણી કરો તો તેઓ સફાઈ અને ધુમાડાને રોકવા કંઈ નથી કરતા. તેઓ તેમની ગંદકી સમુદ્રમાં ઠલવી રહ્યા છે અને તે લોસ એન્જલસ સુધી પહોંચી રહી છે.
મોદીનો અમેરિકામાં શું કાર્યક્રમ છે? વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21થી 23 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે છે. વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ક્વાડ સંસ્થાની બેઠક 21 સપ્ટેમ્બરે અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડનના હોમટાઉન ડેલાવેરમાં યોજાશે. જાન્યુઆરી 2024માં ભારતમાં પ્રથમ ક્વાડ મીટિંગ યોજાવાની હતી. પરંતુ કેટલાક કારણોસર આ સમિટ સપ્ટેમ્બર સુધી સ્થગિત કરવામાં આવી હતી. ભારત 2025માં ક્વાડનું યજમાન બનશે. ક્વાડ સમિટ એ ચાર દેશોનું સંગઠન છે, જેમાં ભારત સિવાય અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ થાય છે. તેની રચના 2007માં થઈ હતી. પરંતુ તે 2017માં ફરીથી સક્રિય કરવામાં આવ્યું હતું. આ સંગઠનનો ઉદ્દેશ્ય ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા વર્ચસ્વને રોકવાનો છે. QUAD સમિટ સિવાય PM મોદી અને રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચે દ્વિપક્ષીય બેઠક થશે. આ સિવાય પીએમ મોદી જાપાન અને ઓસ્ટ્રેલિયા સાથે પણ દ્વિપક્ષીય બેઠક કરશે.
મોદી બીજા દિવસે 22 સપ્ટેમ્બરે ન્યૂજર્સીમાં પીએમ મોદીની મેગા ઈવેન્ટમાં ભારતીય સમુદાયના 24 હજારથી વધુ લોકો હાજરી આપશે. આ ઈવેન્ટનું નામ ‘મોદી એન્ડ યુએસ પ્રોગ્રેસ ટુગેધર’રખાયું છે. અમેરિકાના 50માંથી 42 રાજ્યોમાંથી ભારતીય મૂળના નાગરિકો આ ઈવેન્ટમાં ભાગ લઈ શકશે.
ત્રીજા દિવસે 23 સપ્ટેમ્બરે PM ન્યૂયોર્કમાં યુનાઈટેડ નેશન્સમાં ‘સમિટ ઓફ ધ ફ્યુચર’ને સંબોધિત કરશે. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, સેમિકન્ડક્ટર અને બાયોટેકનોલોજી પર ઘણી મોટી કંપનીઓના સીઈઓ સાથે ન્યૂયોર્કમાં મુલાકાત કરવાના છે.
મોદીની મુલાકાત પહેલાં જ અમેરિકાની કોર્ટે ભારતને સમન્સ ફટકાર્યું ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુની હત્યાના કાવતરાના મામલામાં અમેરિકન કોર્ટે મંગળવારે ભારત સરકારને સમન્સ મોકલ્યું છે. ભારતના NSA અજિત ડોભાલ, પૂર્વ રૉ ચીફ સામંત ગોયલ, રૉ એજન્ટ વિક્રમ યાદવ અને ઉદ્યોગપતિ નીખિલ ગુપ્તાના નામ પણ આ સમન્સમાં સામેલ છે. અમેરિકન કોર્ટે આ સમન્સનો 21 દિવસમાં જવાબ આપવા કહ્યું છે. પન્નુએ તેની હત્યાના ષડયંત્રને લઈને અમેરિકાની જિલ્લા અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. ગયા વર્ષે અમેરિકાએ આરોપ લગાવ્યો હતો કે પન્નુ પર ન્યૂયોર્કમાં ઘાતક હુમલો કરવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આમાં ભારતનો હાથ હતો. આ ષડયંત્રને નિષ્ફળ બનાવ્યું હતું. સમન્સના જવાબમાં વિદેશ મંત્રાલયે પત્રકાર પરિષદ દરમિયાન કહ્યું કે આ સમન્સ સંપૂર્ણપણે ખોટું છે. પન્નુના ભૂતકાળના ઈતિહાસ વિશે સૌ કોઈ જાણે છે. તે એક ગેરકાયદે સંસ્થા સાથે સંકળાયેલો છે. પન્નુ પ્રતિબંધિત સંગઠન ‘શીખ ફોર જસ્ટિસ’નો વડો છે અને ભારતીય નેતાઓ અને સંસ્થાઓ સામે ભડકાઉ ભાષણો કરતો આવ્યો છે. તે સતત ધમકીઓ પણ આપે છે. ભારત સરકારે તેને 2020માં આતંકવાદી જાહેર કર્યો હતો. સમન્સ મામલે ભારતે ઉચ્ચ સ્તરીય સમિતિની પણ રચના કરી છે.
અમેરિકા જવામાં મનમોહનસિંઘનો રેકોર્ડ તોડશે નરેન્દ્ર મોદી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર અમેરિકાના પ્રવાસે જવાના છે. પીએમ તરીકે તેઓ અત્યાર સુધીમાં 8 વખત અમેરિકાની મુલાકાત લઈ ચૂક્યા છે અને હવે તેઓ નવમીવાર મુલાકાત લેવાના છે. પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ભારતના વડાપ્રધાનોના ઈતિહાસ પર નજર કરીએ તો, અત્યાર સુધીમાં 7 વડાપ્રધાન અમેરિકા જઈ આવ્યા છે. આ વખતે મોદીની વડાપ્રધાન તરીકેની 9મી મુલાકાત છે. ભારતના વડાપ્રધાનોના અમેરિકા પ્રવાસમાં મોદી સૌથી વધુ US જનારા વડાપ્રધાન બનશે.
1. પંડિત જવાહરલાલ નહેરુ : 4 વાર
2. ઈન્દિરા ગાંધી : 3 વાર
3. મોરારજી દેસાઈ : 1 વાર
4. રાજીવ ગાંધી : 3 વાર
5. અટલ બિહારી વાજપેયી : 4 વાર
6. ડો. મનમોહનસિંઘ : 8 વાર
7. નરેન્દ્ર મોદી : 9 વાર ( આ વખત સહિત)
છેલ્લે,
2019માં મોદી અમેરિકા ગયા હતા ત્યારે પણ ટ્રમ્પ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર હતા અને અમેરિકાની ચૂંટણી નજીક હતી. ભારતમાં અબ કી બાર મોદી સરકાર સૂત્ર ચર્ચામાં રહ્યું હતું, તેનો ઉપયોગ ટ્રમ્પે કર્યો ને ભારતીય સમુદાયમાં અબ કી બાર ટ્રમ્પ સરકાર સૂત્ર વહેતું કર્યું. ત્યારે અમેરિકામાં વિવાદ પણ થયો હતો. હવે ફરી અમેરિકામાં ચૂંટણી છે, ફરી ટ્રમ્પ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે અને ફરી મોદી અમેરિકા જઈ રહ્યા છે. તો શું ત્યાં ભારતમાં ગુંજેલું બીજું સૂત્ર ગુંજે તો નવાઈ નહીં, ફીર એકબાર ટ્રમ્પ સરકાર…
સોમવારથી શુક્રવાર રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ….
(રિસર્ચ : યશપાલ બક્ષી )