32 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારત સરકાર ભાગેડુ લિકરના બિઝનેસમેન વિજય માલ્યાને દેશમાં લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકારે ફ્રાન્સના સત્તાવાળાઓ પાસે માલ્યાને બિનશરતી ભારતને સોંપવાની માગ કરી છે. ઈન્ડિયન એક્સપ્રેસે રિપોર્ટમાં આ જાણકારી આપી છે.
માલ્યા હાલમાં બ્રિટનમાં છે, પરંતુ ભારત હાલમાં એવા દરેક દેશનો સંપર્ક કરી રહ્યું છે જ્યાં માલ્યાની મિલકતો છે. આ એટલા માટે છે કે જો માલ્યા બ્રિટન છોડીને બીજા દેશમાં ભાગી જાય તો તેને ત્યાંથી ભારત લાવવામાં વધુ સમય ન લાગે.

5 જાન્યુઆરી 2019ના રોજ કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો.
રિપોર્ટ અનુસાર, 15 એપ્રિલે આતંકવાદ વિરોધી કાર્યકારી જૂથની બેઠક દરમિયાન માલ્યાના પ્રત્યાર્પણ પર ભારત અને ફ્રાન્સ વચ્ચે વાતચીત થઈ હતી. જો કે હવે આ માહિતી સામે આવી છે. આ બેઠકમાં ફ્રાન્સે કેટલીક શરતો સાથે માલ્યાના પ્રત્યાર્પણની ઓફર કરી, પરંતુ ભારતે તેમને શરતો હટાવવા માટે કહ્યું છે.
ભારત તરફથી આ બેઠકમાં વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ કેડી દેવલે ભાગ લીધો હતો. આ સિવાય ઈન્ટેલિજન્સ એજન્સીના ઘણા અધિકારીઓ પણ બેઠકમાં હાજર હતા. કિંગફિશર એરલાઈન્સ સહિત અનેક કંપનીઓના માલિક ભારતીય ઉદ્યોગપતિ વિજય માલ્યા પર દેશની 17 બેંકોના લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું દેવું છે.
વિજય માલ્યાને 2019માં ભાગેડુ જાહેર કરાયો હતો
માલ્યા 2016માં દેશ છોડીને બ્રિટન ભાગી ગયો હતો, જ્યાંથી ભારત સરકાર તેને દેશમાં પરત લાવવાનો પ્રયાસ કરી રહી છે. માલ્યા સામે છેતરપિંડી અને મની લોન્ડરિંગના કેસ પેન્ડિંગ છે. 5 જાન્યુઆરી 2019ના રોજ કોર્ટે વિજય માલ્યાને ભાગેડુ જાહેર કર્યો હતો.
ગયા વર્ષે તપાસ દરમિયાન સીબીઆઈએ દાવો કર્યો હતો કે માલ્યાએ વર્ષ 2015-16 દરમિયાન બ્રિટન અને ફ્રાન્સમાં 330 કરોડ રૂપિયાની સંપત્તિ ખરીદી હતી. તે સમયે તેમની કંપની કિંગફિશર એરલાઈન્સ ખોટમાં હતી. માલ્યાએ પોતે બેંકોને લોન ચૂકવી નથી. વર્ષ 2020 માં, EDની અપીલ પર, ફ્રાન્સે માલ્યાની ત્યાં સ્થિત 14 કરોડ રૂપિયાની સંપત્તિ જપ્ત કરી હતી.

કિંગફિશર કંપની બનવા અને નાદારીની કહાની
તેમના પિતા વિઠ્ઠલ માલ્યાના મૃત્યુ પછી, વિજય માલ્યાએ 1978માં યુનાઈટેડ બ્રુરીઝ (UB) કંપની હેઠળ કિંગફિશર પ્રીમિયમ નામની બીયર કંપની શરૂ કરી. 44 વર્ષની ઉંમરે માલ્યા યુનાઈટેડ બ્રુરીઝ ગ્રુપના ચેરમેન બન્યા. એવું માનવામાં આવે છે કે પોતાની બીયરને વધુ પ્રમોટ કરવા માટે માલ્યાએ 2005માં કિંગફિશર એરલાઈન્સ શરૂ કરી.
આ પછી IPL ટીમ ખરીદવાથી લઈને ફોર્મ્યુલા વન ટીમ ખરીદવા સુધી કિંગફિશરની વિસ્તૃત માર્કેટિંગ વ્યૂહરચના તરીકે જોવામાં આવી. માલ્યાએ કિંગફિશરના નામે કેલેન્ડર પણ લાવવાનું શરૂ કર્યું, જેમાં મોડેલ્સને રજૂ કરવામાં આવતી હતી.
વર્ષ 2011થી કિંગફિશર એરલાઈન્સ ખોટમાં જવા લાગી. 2012 સુધીમાં તો સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે કેટલાક વિમાનોની ઉડાન રોકવી પડી. કર્મચારીઓને પગાર મળતો બંધ થઈ ગયો. પ્રદર્શન થવા લાગ્યા.
2012ના અંત સુધીમાં અડધાથી વધુ એરક્રાફ્ટ ગ્રાઉન્ડ થઈ ગયા હતા. 20 ઓક્ટોબરે ડાયરેક્ટર જનરલ ઓફ સિવિલ એવિએશને લાયસન્સ રદ કરી દીધું. ફ્લાઇટ ઓપરેશનને લગતી રેગ્યુલેટરની શરતો પૂરી ન કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. ફેબ્રુઆરી 2013માં આંતરરાષ્ટ્રીય ઉડાન અધિકારો પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા.
જુલાઈ 2014 સુધી કંપની પર લગભગ 9 હજાર કરોડ રૂપિયાનું દેવું હતું, જે ચૂકવવામાં આવ્યું નહોતું. આ પછી કંપનીએ પોતાને નાદાર જાહેર કરી દીધી.