6 કલાક પેહલા
- કૉપી લિંક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં વખાણ કર્યા છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન મોદી પોતે રશિયા અને ભારતના સંબંધોની ગેરંટી છે. તેમને ડરાવી કે ધમકાવી શકાય નહીં અથવા રાષ્ટ્રીય હિત વિરુદ્ધ નિર્ણયો લેવા દબાણ કરી શકાય નહીં.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિને કાર્યક્રમમાં વધુમાં કહ્યું હતું કે હું કલ્પના પણ કરી શકતો નથી કે મોદીને ડરાવવામાં આવે, ધમકાવવામાં આવે અથવા ભારતીય હિત અને ભારતીય લોકો વિરુદ્ધ કોઈપણ પગલાં કે નિર્ણય લેવા માટે દબાણ કરવામાં આવે. કેવું દબાણ છે, મને ખબર છે. જોકે મેં તેમની સાથે આ વિશે ક્યારેય વાત નથી કરી. હું માત્ર બહારથી શું થઈ રહ્યું છે એ જોઉં છું. કેટલીકવાર ભારતીય લોકોની સુરક્ષાને લઈને તેમની કડકાઈથી મને આશ્ચર્ય થાય છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ બે વર્ષથી યુદ્ધ ચાલી રહ્યું છે. યુદ્ધ શરૂ થયા બાદ અમેરિકા સહિતના પશ્ચિમી દેશોએ રશિયા પર કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. આ પછી પણ ભારતે રશિયા પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની ખરીદી કરી છે.
પીએમ મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ પુતિને અનેક અવસરો પર બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત કરવા પર ચર્ચા કરી છે. (ફાઇલ ફોટો)
મોદીનું વલણ આશ્ચર્યજનક છે
રશિયન મીડિયા સ્પુટનિક અનુસાર, પુતિન મોસ્કોમાં આયોજિત 14મા VTB ઇન્વેસ્ટમેન્ટ ફોરમ ‘રશિયા કૉલિંગ’માં બોલી રહ્યા હતા. તેમણે કહ્યું- રશિયા અને ભારત વચ્ચેના સંબંધો સતત વિકસિત થઈ રહ્યા છે અને એની ગેરંટી વડાપ્રધાન મોદીની નીતિ છે. સાચું કહું તો કેટલીકવાર મને ભારતીય લોકો દ્વારા તેમનાં રાષ્ટ્રીય હિતોની રક્ષા માટે લેવામાં આવેલા કડક વલણથી આશ્ચર્ય થાય છે.
આ પહેલાં પુતિને ભારત-રશિયા સંબંધો પર પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે પશ્ચિમી દેશોએ ભારત અને રશિયા વચ્ચે તિરાડ ઊભી કરવાની કોશિશ ન કરવી જોઈએ. આમ કરવું અર્થહીન છે, કારણ કે ભારત એક આઝાદ દેશ છે અને તેઓ તેમના નાગરિકોનાં હિત માટે કામ કરે છે.
બ્લેક-સી નજીક સ્થિત સોચી શહેરમાં સંબોધન દરમિયાન પુતિને કહ્યું હતું – પશ્ચિમી દેશો દરેક દેશ માટે દુશ્મન બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેઓ તેમના એકાધિકાર સાથે સહમત નથી, પરંતુ ભારત સરકાર પોતાના દેશના હિતમાં સ્વતંત્ર રીતે કામ કરી રહી છે.
પુતિન પહેલાં પણ કરી ચૂક્યા છે મોદીનાં વખાણ…
મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે.
આ પહેલ 4 ઓક્ટોબરના રોજ એક કાર્યક્રમમાં પ્રમુખ પુતિને પીએમ મોદી અને મેડ ઈન ઈન્ડિયાના તેમના આગ્રહની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘નરેન્દ્ર મોદી ખૂબ જ બુદ્ધિશાળી વ્યક્તિ છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસની દૃષ્ટિએ ઘણી પ્રગતિ કરી રહ્યું છે. તેમના એજન્ડા પર કામ કરવું ભારત અને રશિયા બંનેનાં હિત સાથે સંપૂર્ણ રીતે મેળ ખાય છે.
પુતિને રશિયામાં નાણાકીય સુરક્ષા પર ઓલિમ્પિયાડને સંબોધિત કર્યું.
ભારતે તેનું પાલન કરવું જોઈએ
13 સપ્ટેમ્બરના રોજ પુતિને મોદીનાં વખાણ કર્યાં હતાં અને કહ્યું હતું કે – પહેલાં આપણા દેશમાં કાર બનતી ન હતી, પરંતુ હવે બનાવીએ છીએ. એ વાત સાચી છે કે તે ઓડી અને મર્સિડીઝની સરખામણીમાં ઓછી સારી દેખાય છે, પરંતુ તે કોઈ સમસ્યા નથી. આપણે રશિયન બનાવટનાં વાહનોનો ઉપયોગ કરવો જોઈએ.
આપણે આપણા સાથી દેશ ભારતને અનુસરવું જોઈએ. તેઓ દેશમાં જ વાહનો બનાવી રહ્યા છે અને તેનો ઉપયોગ કરી રહ્યા છે. આપણે નક્કી કરવું જોઈએ કે કયા વર્ગના અધિકારીઓ કઈ કાર ચલાવી શકે છે, જેથી તેઓ ઘરેલુ કારનો ઉપયોગ કરશે.
પુતિને વ્લાદિવોસ્તોકમાં 8મા ઈસ્ટર્ન ઈકોનોમિક ફોરમ (EEF)માં મીડિયાના પ્રશ્નોના જવાબમાં કહ્યું હતું કે ભારતે આગળ વધવા માટે અનુસરવું જોઈએ.
મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા
29 જૂન, 2023ના રોજ પુતિને મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરી હતી. તેમણે કહ્યું હતું- ભારત એક એવો દેશ છે જે કંપનીઓને પોતાના દેશમાં આવીને કામ કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યો છે. અમારા ખાસ મિત્ર PM નરેન્દ્ર મોદીએ ઘણાં વર્ષો પહેલાં મેક ઇન ઇન્ડિયાની શરૂઆત કરી હતી. આજે ભારતની અર્થવ્યવસ્થા પર તેની અસર સ્પષ્ટ દેખાઈ રહી છે.
તેમણે રશિયામાં સ્થાનિક ઉત્પાદનો અને બ્રાન્ડને પ્રોત્સાહન આપવા માટે ભારતનું ઉદાહરણ આપ્યું. તેમણે કહ્યું હતું – એવા સમયે જ્યારે પશ્ચિમી દેશો ભારતની જેમ રશિયા સાથે વેપાર પર સતત નિયંત્રણો લાદી રહ્યાં છે, ત્યારે આપણે આપણા દેશની કંપનીઓને પ્રોત્સાહન આપવું જોઈએ અને તેમને વધુ સારું બજાર પ્રદાન કરવું જોઈએ.
પુતિને મોસ્કોમાં રશિયન એજન્સી ફોર સ્ટ્રેટેજિક ઇનિશિયેટિવ્સ (ASI) દ્વારા આયોજિત ફોરમમાં મેક ઇન ઇન્ડિયાની પ્રશંસા કરી હતી.
મોદી સાચા દેશભક્ત છે
28 ઓક્ટોબર 2022ના રોજ પુતિને મોદીને સાચા દેશભક્ત ગણાવ્યા હતા. મોસ્કોમાં વાલદાઈ ડિસ્કશન ક્લબની 19મી વાર્ષિક બેઠકમાં તેમણે કહ્યું હતું કે મોદીના નેતૃત્વમાં ભારતે વિકાસમાં જબરદસ્ત સફળતા મેળવી છે. ભારતનું ભવિષ્ય ઉજ્જ્વળ છે. મેક ઈન ઈન્ડિયાનો તેમનો વિચાર અર્થતંત્ર અને મૂલ્યોની દૃષ્ટિએ પરફેક્ટ છે.
પુતિને કહ્યું હતું – ભવિષ્ય ભારતનું છે, કારણ કે તે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર છે. આ દરેક ભારતીય માટે ગર્વની વાત છે. મોદી સારી રીતે જાણે છે કે તેના લોકોનાં હિતોનું રક્ષણ કેવી રીતે કરવું. પીએમ નરેન્દ્ર મોદી એવા લોકોમાંથી એક છે જે સ્વતંત્ર વિદેશ નીતિ લાગુ કરવામાં નિષ્ણાત છે.