એક કલાક પેહલા
- કૉપી લિંક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. તેઓ મીડિયા અને જનતાના પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. તેમણે કહ્યું- યુક્રેન પશ્ચિમી દેશોના ટુકડા પર જીવી રહ્યું છે. પશ્ચિમી દેશો તેને સતત મદદ મોકલી રહ્યા છે અને હથિયારો આપી રહ્યા છે, પરંતુ આ સપ્લાય એક દિવસ બંધ થઈ જશે.
પશ્ચિમી દેશોએ એ સુનિશ્ચિત કરવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કર્યા કે રશિયા અને યુક્રેન વચ્ચે ક્યારેય સારા સંબંધો વિકસિત ન થાય. જ્યારે અમે અમારો ઉદ્દેશ્ય સિદ્ધ કરી લઈશું ત્યારે યુક્રેનમાં શાંતિ રહેશે. અમારું લક્ષ્ય હજુ પણ પહેલા જેવું જ છે. વિશ્વ જોઈ રહ્યું છે કે રશિયા તેના હિત માટે લડવાથી ડરતું નથી.
પુતિને કહ્યું- યુક્રેનને સેનાથી મુક્ત કરાવવું અમારા એજન્ડામાં છે યુક્રેન શાંતિની વાત કરવા નથી માગતું, તેથી અમે સૈન્ય કાર્યવાહી કરી રહ્યા છીએ. તેમના રાજકારણીઓ બેદરકારીથી તેમના જ સૈનિકોનો નાશ કરી રહ્યા છે. યુક્રેન પોતાના વિનાશનો માર્ગ મોકળો કરી રહ્યું છે. અમે અત્યાર સુધીમાં યુક્રેનમાં હજારો ટેન્કનો નાશ કર્યો છે.
પુતિન પ્રશ્નોના જવાબ આપવા માટે ભારતીય સમય અનુસાર બપોરે 2:30 વાગ્યે મોસ્કોની ઓલ્ડ મર્ચન્ટ કોર્ટ પહોંચ્યા હતા.
અમેરિકા વિશ્વ માટે મહત્વપૂર્ણ
રશિયા શાંતિ માટે તૈયાર છે, પરંતુ પશ્ચિમી દેશો એવું વર્તન કરે છે કે જાણે તેઓ તેના વિશે કશું જ જાણતા નથી. યુરોપિયન દેશોએ તેમનું સાર્વભૌમત્વ ગુમાવ્યું છે. તેઓ અમેરિકાથી ઓર્ડર લે છે. આમ છતાં અમે અમેરિકા સાથે વાત કરવા તૈયાર છીએ. અમે માનીએ છીએ કે અમેરિકા વિશ્વ માટે મહત્વપૂર્ણ છે.
યુક્રેનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે, તે હારી રહ્યું છે
પુતિને કહ્યું- અમે ક્યારેય યુરોપિયન યુનિયન સાથે સંબંધો બગાડ્યા નથી. તેઓ હંમેશા અમને પાછળ ધકેલતા રહે છે. અમે દાયકાઓથી યુક્રેન સાથે સારા સંબંધો બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છીએ.
યુક્રેન યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે 2014માં પશ્ચિમી દેશોએ સાથે મળીને યુક્રેનમાં બળવો કર્યો અને તત્કાલિન રાષ્ટ્રપતિ વિક્ટર યાનુકોવિચની સરકારને હટાવવામાં આવી. યુક્રેનમાં ગૃહયુદ્ધ ચાલી રહ્યું છે. તેમનો દક્ષિણ-પૂર્વ ભાગ હંમેશા રશિયા સાથે રહ્યો છે.
તેમણે કહ્યું- યુક્રેનનું કાઉન્ટર આક્રમણ નિષ્ફળ ગયું છે. તે પોતે પોતાના સૈનિકોનો નાશ કરવામાં વ્યસ્ત છે. યુદ્ધ એ વન-વે ટિકિટ છે. યુક્રેન આખી દુનિયા પાસેથી પૈસા માગી રહ્યું છે, પરંતુ તે મેદાનમાં સતત હારી રહ્યું છે.
રશિયન મીડિયા RT અનુસાર, આ કોન્ફરન્સ માટે જનતા તરફથી 20 લાખ પ્રશ્નો મળ્યા છે. પુતિન આવા કેટલાક પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે.
રશિયન સૈનિકો તમામ મોરચે આગળ વધી રહ્યા છે
અત્યાર સુધીમાં 4.86 લાખ લોકોએ રશિયન આર્મીમાં જોડાવા માટે પોતાના નામ નોંધાવ્યા છે. અમારા સૈનિકો તમામ મોરચે આગળ વધી રહ્યા છે. રશિયા ડોનેટ્સક, લુહાન્સ્ક, ખેરસન અને ઝપોરિઝિયા જેવા યુક્રેનિયન પ્રદેશોમાં એકિકરણ અને વિકાસ માટે દર વર્ષે આશરે 92.68 હજાર કરોડ રૂપિયા ખર્ચવાની યોજના બનાવી રહ્યા છીએ.
ગાઝા અને યુક્રેન યુદ્ધ વચ્ચે કોઈ સમાનતા નથી
પુતિને ઈઝરાયલ-હમાસ યુદ્ધ પરના સવાલનો પણ જવાબ આપ્યો. તેમણે કહ્યું- તુર્કીના રાષ્ટ્રપતિ ગાઝામાં શાંતિ સ્થાપિત કરવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. ગાઝા અને યુક્રેનના યુદ્ધ વચ્ચે કોઈ સમાનતા નથી. ગાઝાના મામલામાં યુએનમાં આ ઉકેલ પર ઘણી વખત ચર્ચા કરવામાં આવી હતી, પરંતુ કેટલાક દેશો તેને લાગુ કરવા દેતા નથી. મધ્ય પૂર્વમાં સમસ્યાનો ઉકેલ લાવવાનો એકમાત્ર રસ્તો ટુ-સ્ટેટ સૉલ્યુશન જ છે.
આ તસવીર મોસ્કોની ઓલ્ડ મર્ચન્ટ કોર્ટમાં હાજર લોકો અને મીડિયા કર્મચારીઓની છે.
રશિયાની GDP 3.5% વધવાની ધારણા
સાર્વભૌમત્વ વિના રશિયાનું કોઈ અસ્તિત્વ નથી. રશિયા તેની અર્થવ્યવસ્થા વિકસાવવા સક્ષમ છે. અમારા આર્થિક વિકાસથી ઘણા લોકો ચોંકી ગયા છે. અમે આ વર્ષના અંત સુધીમાં દેશના જીડીપીમાં 3.5% વૃદ્ધિની અપેક્ષા રાખીએ છીએ.
આ કોન્ફરન્સ બે વર્ષ બાદ થઈ રહી છે
પુતિન દર વર્ષના અંતે આ કોન્ફરન્સ યોજે છે. જો કે, પુતિને છેલ્લા બે વર્ષથી આ કોન્ફરન્સ યોજી નથી. 2021માં કોરોના અને 2022માં યુક્રેન સાથેના યુદ્ધને કારણે આ કોન્ફરન્સ યોજાઈ નહોતી.
રોઇટર્સના રિપોર્ટ અનુસાર, આ કોન્ફરન્સ પુતિનના કેલેન્ડરનો મુખ્ય ભાગ છે. તેઓ આને વૈશ્વિક મુદ્દાઓ પર પોતાની પકડ બતાવવાની તક તરીકે જુએ છે. તેઓ સરકારની નીતિઓ પર લોકો પાસેથી પ્રતિસાદ પણ લે છે.
પુતિન આ કોન્ફરન્સમાં સરકારની નીતિઓ પર લોકો પાસેથી ફીડબેક પણ લે છે.
પુતિન યુદ્ધ ખતમ કરવાની વાત કહી ચૂક્યા છે
G20 વર્ચ્યુઅલ સમિટ દરમિયાન પુતિને લગભગ બે વર્ષથી ચાલી રહેલા રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. પુતિને કહ્યું હતું- હવે યુક્રેન સાથે યુદ્ધ ખતમ કરવાનો સમય આવી ગયો છે. અમે વાતચીત માટે તૈયાર છીએ. અમે શાંતિ મંત્રણા માટે ક્યારેય ના પાડી નથી. યુક્રેનિયન કાયદાને કારણે આ રોકાયેલ છે.
હકીકતમાં, ઑક્ટોબર 2022માં યુક્રેનિયન રાષ્ટ્રપતિ વોલોડિમિર ઝેલેન્સકીએ પુતિન સાથે કોઈપણ યુક્રેનિયન વાટાઘાટોની શક્યતાને અસંભવિત જાહેર કરતા એક હુકમનામા પર હસ્તાક્ષર કર્યા હતા. જો કે, તેમણે રશિયન સરકાર સાથે વાતચીત માટે દરવાજા ખુલ્લા હોવાની વાત કરી હતી.
રશિયાએ 24 ફેબ્રુઆરી 2022ના રોજ યુક્રેન પર હુમલો કર્યો હતો
રશિયન સૈનિકોએ 24 ફેબ્રુઆરી 2022 ના રોજ યુક્રેન પર હુમલો કર્યો. આની પાછળ વ્લાદિમીર પુતિનનો એક જ ઉદ્દેશ્ય હતો – યુક્રેનને કબજે કરવાનો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આને મંજૂરી આપી ન હતી, તેથી એક વર્ષ પછી પણ આ યુદ્ધ ચાલુ છે.
આ યુદ્ધમાં બંને દેશોને ઘણું નુકસાન થયું હતું. ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લશ્કરી સાધનો નાશ પામ્યા હતા. કોઈ નક્કર આંકડા નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે આ યુદ્ધમાં બંને પક્ષોના હજારો લોકો અને સૈનિકો માર્યા ગયા છે.
1 જાન્યુઆરી, 2023ના રોજ, પુતિન અને ઝેલેન્સકીએ તેમના દેશને સંબોધિત કર્યું.
23 ડિસેમ્બર, 2022ના રોજ પુતિને જાહેરાત કરી હતી કે તેઓ યુદ્ધનો જલ્દી અંત લાવવા માગે છે. પુતિને કહ્યું હતું કે અમારો મુખ્ય ઉદ્દેશ્ય આ સંઘર્ષનો અંત લાવવાનો છે. અમે આ માટે પ્રયાસો કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ કરતા રહીશું, પરંતુ નવા વર્ષ એટલે કે 1 જાન્યુઆરી, 2023ના રોજ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે શબ્દોની લડાઈ થઈ.
બંનેએ પોતાના દેશને સંબોધિત કર્યા. પુતિને 9 મિનિટના લાંબા સંબોધનમાં કહ્યું હતું – અમારી સેના અમારી જમીન, સત્ય અને ન્યાય માટે લડી રહી છે. અમે રશિયા અને અમારા પરિવારો માટે યુદ્ધ જીતીશું.
બદલામાં, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ પણ એક વીડિયો સંદેશ જાહેર કર્યો – તેમણે રશિયાના લોકોને કહ્યું કે પુતિન તેમનો નાશ કરી રહ્યા છે. તેઓ તેમના સૈનિકોનું નેતૃત્વ કરી રહ્યા નથી પરંતુ તેમની પાછળ છુપાઈ રહ્યા છે.