મોસ્કો26 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બુધવારે યુક્રેનની સરહદે આવેલા રશિયાના કુર્સ્ક પ્રદેશની મુલાકાત લીધી હતી. આ દરમિયાન પુતિન આર્મી ડ્રેસ પહેરેલા દેખાયા હતા. બુધવારે પુતિન મોરચા પર એક આર્મી કમાન્ડ પોસ્ટ પર પહોંચ્યા હતા. પુતિને કુર્સ્ક વિસ્તારમાંથી યુક્રેનિયન સૈનિકોને ખદેડવા પર ખુશી વ્યક્ત કરી.
રશિયાના રાષ્ટ્રપતિ કાર્યાલય ક્રેમલિન દ્વારા પુતિનના ફોટા જાહેર કરવામાં આવ્યા. પુતિન, લીલા રંગનો યુનિફોર્મ પહેરીને, એક ડેસ્ક પર બેઠા હતા. તેમની સામે ઘણા બધા નકશા મૂકવામાં આવ્યા હતા. આ દરમિયાન, રશિયન સેનાના ઉચ્ચ અધિકારી જનરલ વાલેરી ગેરાસિમોવ તેમની સાથે દેખાયા હતા.
ગયા વર્ષે ઓગસ્ટમાં યુક્રેન દ્વારા કુર્સ્ક પર હુમલો કરવામાં આવ્યો હતો. કુર્સ્કના ઘણા વિસ્તારો હજુ પણ યુક્રેનિયન સેનાના કબજામાં છે. યુક્રેનિયન રાષ્ટ્રપતિ ઝેલેન્સકી રશિયા સાથે સીઝફાયર ડીલમાં આપ-લે માટે આ જમીનનો ઉપયોગ કરવા માંગે છે.

યુક્રેન ૩૦ દિવસના સીઝફાયર માટે તૈયાર
મંગળવારે સાઉદી અરેબિયામાં યુએસ અને યુક્રેનિયન પ્રતિનિધિઓ વચ્ચેની બેઠક બાદ પુતિને આ મુલાકાત લીધી હતી. આ બેઠકમાં યુક્રેન 30 દિવસના સીઝફાયર માટે સંમત થયું છે. અમેરિકા આ યોજના રશિયા સમક્ષ રજૂ કરવા માંગે છે. જોકે, રશિયાએ અગાઉ કોઈપણ કામચલાઉ સીઝફાયરનો ઇનકાર કર્યો હતો.
પુતિને કહ્યું કે કોઈપણ કામચલાઉ સીઝફાયરનો ફાયદો ફક્ત યુક્રેનિયન સેનાને જ થશે. આનાથી યુદ્ધના મેદાનમાં પાછળ રહી ગયેલી યુક્રેનિયન સેનાને તેના સૈનિકોની સંખ્યા વધારવા અને તૈયારી કરવામાં મદદ મળશે.
રશિયાએ પશ્ચિમી દેશો સાથે વ્યાપક સુરક્ષા કરારની માંગ કરી છે. આમાં એ ગેરંટી પણ સામેલ છે કે યુક્રેનને નાટોમાં સામેલ કરવામાં આવશે નહીં.
ડિસેમ્બરમાં, પુતિને કહ્યું હતું કે “આપણને શાંતિની જરૂર છે, સીઝફાયરની નહીં. રશિયા અને તેના નાગરિકોને સુરક્ષા ગેરંટી સાથે શાંતિની જરૂર છે.
પુતિને કહ્યું- રશિયન પ્રદેશમાંથી પકડાયેલા યુક્રેનિયન સૈનિકોને આતંકવાદી માનવામાં આવે

રાષ્ટ્રપતિ પુતિને કુર્સ્કમાં પકડાયેલા યુક્રેનિયન સૈનિકોને આતંકવાદી માનવા અને રશિયન કાયદા હેઠળ કાર્યવાહી કરવા હાકલ કરી હતી. જનરલ ગેરાસિમોવે જણાવ્યું હતું કે આ કાર્યવાહીમાં 400થી વધુ યુક્રેનિયન સૈનિકોને પકડવામાં આવ્યા છે.
પુતિને કહ્યું કે ભાડૂતી વિદેશી સૈનિકો જીનીવા કન્વેંશન હેઠળ આવતા નથી. રશિયા સામેના યુદ્ધમાં વિદેશી સૈનિકો પણ યુક્રેનના પક્ષમાં લડી રહ્યા છે. આ મહિને, રશિયાએ કુર્સ્ક નજીક યુક્રેન તરફથી લડતા 22 વર્ષીય બ્રિટિશ યુવાનને પકડી લીધો. આતંકવાદના આરોપમાં તેને 19 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.
યુક્રેને રશિયાના 74 ગામો પર કબજો કર્યો
યુક્રેનિયન દળોએ ઓગસ્ટમાં રશિયાના કુર્સ્ક પ્રદેશના 74 ગામડાઓ પર કબજો કર્યો હતો. યુક્રેનના અચાનક હુમલા બાદ બે લાખ રશિયન નાગરિકોને તેમના ઘર છોડીને ભાગવા મજબુર થયા હતા.
યુક્રેને 6 ઓગસ્ટના રોજ રશિયાના કુર્સ્ક પ્રદેશ પર હુમલો શરૂ કર્યો. 13 ઓગસ્ટ સુધીમાં, તેણે 1000 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કરી લીધો હતો.
આ પછી, રશિયાએ કુર્સ્કમાં યુક્રેન પાસેથી 40% વિસ્તાર પાછો છીનવી લીધો અને ત્યાં 59 હજાર સૈનિકો તહેનાત કર્યા હતા.
અત્યાર સુધી યુક્રેનનો 20% ભાગ રશિયન નિયંત્રણ હેઠળ છે
યુદ્ધ શરૂ થયું ત્યારથી રશિયાએ યુક્રેનના લગભગ 20% ભાગ પર કબજો કરી લીધો છે. રાષ્ટ્રપતિ પુતિને યુક્રેનના ચાર પૂર્વીય પ્રાંતો – ડોનેત્સ્ક, લુહાન્સ્ક, ઝાપોરિઝ્ઝિયા અને ખેરસોનને રશિયામાં ભેળવી દીધા છે. જ્યારે રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં બંને સેનાઓ વચ્ચે સંઘર્ષ ચાલુ છે.