દમાસ્કસ23 મિનિટ પેહલા
- કૉપી લિંક
સીરિયામાં વિદ્રોહીઓએ રાષ્ટ્રપતિ બશર અલ-અસદના પિતા અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ હાફેઝ અલ-અસદની કબર સળગાવી હતી. આ કબર સીરિયાના ઉત્તર-પશ્ચિમ વિસ્તારમાં લતાકિયાના કરદાહામાં હતી. કરદાહા અસદ પરિવારનું પૈતૃક ગામ છે.
બશરના પિતા હાફેઝ 1971 થી 2000 સુધી સીરિયાના રાષ્ટ્રપતિ હતા. હાફિઝે 1982માં હમામાં હજારો લોકોનો નરસંહાર કર્યો હતો. 29 વર્ષ સુધી સીરિયાના રાષ્ટ્રપતિ રહ્યા બાદ 2000માં હાફિઝનું હાર્ટ એટેકથી મોત થયું હતું. હાફિઝના મૃત્યુ બાદ તેના નાના પુત્ર બશરને દેશના નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા હતા.
સીરિયામાં, 8 ડિસેમ્બરે, બળવાખોરોએ રાજધાની દમાસ્ક પર કબજો કર્યો. જેના કારણે રાષ્ટ્રપતિ બશરે દેશ છોડીને રશિયામાં શરણ લીધી હતી. બશરના દેશ છોડવાની સાથે જ સીરિયા પર અસદ પરિવારના 54 વર્ષ લાંબા શાસનનો અંત આવ્યો હતો.
વચગાળાના વડાપ્રધાને કહ્યું- તમામ લોકોને ધાર્મિક અધિકારોની ગેરંટી
વચગાળાના વડાપ્રધાન બશીરે ઈટાલીના એક અખબારને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે દેશના તમામ લોકોને ધાર્મિક અધિકારોની ગેરંટી આપવામાં આવશે. બશીરે વિદેશમાં રહેતા સીરિયન નાગરિકોને પણ દેશમાં પાછા ફરવાની અપીલ કરી છે.
બશીરે કહ્યું કે સીરિયા હવે એક આઝાદ દેશ છે જેણે તેની પ્રતિષ્ઠા અને ગૌરવ પાછું મેળવ્યું છે. નાગરિકોએ દેશમાં પાછા ફરવું જોઈએ.
બશર અલ-અસદે દેશ છોડ્યા બાદ શાંતિપૂર્ણ રીતે બળવાખોરોને સત્તા સોંપવાની જાહેરાત કરી હતી. બળવાખોર જૂથ હયાત તહરિર અલ-શામ (HTS)એ સત્તા સંભાળ્યા બાદ મોહમ્મદ અલ-બશીરને સીરિયાના વચગાળાના વડાપ્રધાન બનાવ્યા છે. બશીર અગાઉ સીરિયન પ્રાંત ઇદલિબના ગવર્નર હતા.
ઇઝરાયલે સીરિયામાં 350 સ્થળો પર હુમલો કર્યો
ઇઝરાયલે અત્યાર સુધીમાં સીરિયામાં 350થી વધુ સ્થળો પર હુમલા કર્યા છે. અલ જઝીરા અનુસાર, ઇઝરાયલની સેનાએ કહ્યું કે આ હુમલો સીરિયાના હથિયારો વિદ્રોહી જૂથોના હાથમાં ન જાય તે માટે કરવામાં આવ્યો હતો. સેનાનો અંદાજ છે કે સીરિયામાં 70% થી 80% શસ્ત્રો નાશ પામ્યા છે.
આ ઓપરેશનને ‘બશાન એરો’ નામ આપવામાં આવ્યું છે. ઇઝરાયલની સૈન્યએ જણાવ્યું હતું કે તેણે સોમવારે રાત્રે સીરિયન નૌકાદળના કાફલા પર હુમલો કર્યો હતો અને અલ-બાયદા-લતાકિયા પોર્ટ પરના હુમલામાં 15 જહાજોનો નાશ કર્યો હતો.