17 મિનિટ પેહલા
- કૉપી લિંક
રશિયા ફરી એકવાર પોતાની સેના વધારવા જઈ રહ્યું છે. CNN મુજબ, રાષ્ટ્રપતિ પુતિને સેનામાં સૈનિકોની સંખ્યા વધારવાનો આદેશ આપ્યો છે.
આદેશ મુજબ રશિયન સેનામાં 1.80 લાખ સૈનિકોની ભરતી કરવામાં આવશે. આનાથી રશિયન આર્મીમાં કુલ સૈનિકોની સંખ્યા અંદાજે 23.8 લાખ થઈ જશે. આમાં એક્ટિવ સૈનિકોની સંખ્યા 15 લાખ હશે.
ક્રેમલિન અનુસાર, નવી ભરતી ડિસેમ્બરમાં થશે. હાલમાં એક્ટિવ સૈનિકોના મામલામાં ચીન, ભારત અને અમેરિકા રશિયાથી આગળ છે. નવી ભરતી બાદ તે સેનાની બાબતમાં બીજા નંબર પર આવશે.
ઇન્ટરનેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્ટ્રેટેજિક સ્ટડીઝ (IISS) મુજબ, ચીનમાં લગભગ 20 લાખ એક્ટિવ સૈન્યકર્મી છે. તેમજ, ભારતમાં લગભગ 14 લાખ એક્ટિવ સૈન્યકર્મી છે અને અમેરિકામાં 13 લાખ એક્ટિવ સૈન્યકર્મી છે.
25 મહિનામાં ત્રીજી વખત રશિયન સેનાનું કદ વધશે ફેબ્રુઆરી 2022માં યુક્રેન યુદ્ધ શરૂ થયા બાદ આ ત્રીજી વખત છે જ્યારે પુતિને સેનાના કદમાં વધારો કર્યો છે.
પુતિને ઓગસ્ટ 2022માં 1.37 લાખ સૈનિકો વધારવાનો આદેશ આપ્યો હતો. આ સાથે, રશિયન સેનામાં સૈનિકોની કુલ સંખ્યા વધીને 20 લાખથી વધુ થઈ ગઈ છે. તેમાં 11.5 લાખ એક્ટિવ સૈનિકો હતા.
આ પછી ડિસેમ્બર 2022માં રશિયન સેનામાં 1.70 લાખ વધુ સૈનિકો વધારવામાં આવ્યા હતા. આ સાથે કુલ એક્ટિવ આર્મી 13.2 લાખ થઈ ગઈ.
રશિયાએ 80 વર્ષમાં પ્રથમ વખત જમીન ગુમાવી રિપોર્ટ અનુસાર, સૈનિકોની સંખ્યા વધારવા માટે પુતિનનો આદેશ એટલા માટે પણ મહત્વપૂર્ણ છે કારણ કે ગયા મહિને યુક્રેનની સેના રશિયાના કુર્સ્ક ક્ષેત્રમાં ઘુસી ગઈ હતી. યુક્રેને રશિયા પાસેથી લગભગ 1,175 ચોરસ કિલોમીટર વિસ્તાર કબજે કર્યો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી રશિયાએ આટલી જમીન ગુમાવી હોય તે પ્રથમ બન્યુ હતું.
જો કે હવે રશિયાએ પોતાની જમીન પાછી મેળવવાના પ્રયાસો તેજ કરી દીધા છે. અહેવાલો અનુસાર, ગયા અઠવાડિયે કુર્સ્કના કેટલાક વિસ્તારોમાં રશિયન અને યુક્રેનિયન દળો વચ્ચે અથડામણ થઈ હતી. આ દરમિયાન, રશિયાએ પૂર્વ ડોનબાસ ક્ષેત્રમાં યુક્રેનના એક મહત્વપૂર્ણ શહેર પોક્રોવસ્કને કબજે કરવાના પ્રયાસો તેજ કર્યા છે.
ઝેલેન્સકીનું માનવું છે કે યુક્રેનની સુરક્ષા અને શાંતિ માટે લાંબા અંતરના હથિયારોની જરૂર છે, જેથી રશિયાને રોકી શકાય.
ઝેલેન્સકીએ લાંબા અંતરની મિસાઇલોનો ઉપયોગ કરવાની મંજુરી માંગી યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ફરી એકવાર રશિયાના ઠેકાણાઓ પર હુમલો કરવા માટે તેમના સહયોગી દેશો પાસેથી મંજુરી માંગી છે. ઝેલેન્સકીએ કહ્યું છે કે લાંબા અંતરની મિસાઇલોથી રશિયન લશ્કરી થાણાઓને નષ્ટ કરીને જ ઉકેલ કાઢી શકાય છે.
અહેવાલો અનુસાર, અમેરિકા અને બ્રિટને ગયા સપ્તાહ સુધી યુક્રેનને લાંબા અંતરની મિસાઈલો આપવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ પુતિનની ચેતવણી બાદ તેઓએ પોતાનો નિર્ણય બદલી નાખ્યો.
ખરેખરમાં પુતિને પશ્ચિમી દેશોને ધમકી આપી હતી કે જો યુક્રેનને લાંબા અંતરની એટેક મિસાઈલનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે તો તેના ખૂબ જ ખરાબ પરિણામો ભોગવવા પડશે.
પુતિને કહ્યું હતું કે જો રશિયા પર લાંબા અંતરની મિસાઇલોથી હુમલો કરવામાં આવે છે, તો તે માનવામાં આવશે કે નાટો આ યુદ્ધમાં સીધુ સામેલ છે. પુતિનની ચેતવણી બાદ વ્હાઇટ હાઉસે નિવેદન જાહેર કર્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં યુક્રેનને લાંબા અંતરની મિસાઇલોની સપ્લાય પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.