કિવ-મોસ્કો33 મિનિટ પેહલા
- કૉપી લિંક
તસવીર કિવની છે જ્યાં રશિયન હુમલા બાદ બંકરમાં લોકો છુપાઈ ગયા હતા.
- રશિયાએ 120 મિસાઈલ અને 90 ડ્રોનથી હુમલો કર્યો
યુક્રેન પર રશિયાના હુમલાને મંગળવારે એક હજાર દિવસ પૂરા થશે. 24 ફેબ્રુઆરી 2022ના રોજ, જ્યારે રશિયન આર્મી ટેન્ક યુક્રેનની સરહદમાં પ્રવેશી, ત્યારે એવું લાગતું હતું કે યુક્રેન લાંબો સમય નહીં ટકે, હાર માની લેશે. પરંતુ છેલ્લા સાડા ત્રણ વર્ષથી યુક્રેનની સેના રશિયન સેનાનો સામનો કરી રહી છે, સાથે રશિયાના કુર્સ્ક પ્રદેશ પર હુમલો કરી કબજો પણ કર્યો છે.
આ દરમિયાન રવિવારે રશિયાએ યુક્રેનના પાવર ગ્રિડ પર સૌથી મોટો હુમલો કર્યો હતો. યુક્રેનમાં શિયાળાની સિઝન શરૂ થવા જઈ રહી છે ત્યારે આ હુમલો કરવામાં આવ્યો છે. યુક્રેન મુજબ, રશિયાએ 120 મિસાઈલ અને 90 ડ્રોનથી હુમલો કર્યો છે, આ હુમલાને કારણે રાજધાની કિવ સહિત અનેક પ્રાંતોમાં વીજળી ડૂલ થઈ ગઈ છે. કિવમાં 30 લાખથી વધુ લોકો અંધારામાં રહેવા મજબૂર છે.
અડધું વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ધ્વસ્ત, હવે માત્ર બંકરો જ સહારો યુક્રેનને શિયાળાના ટાણે જ વીજળીથી વંચિત રાખવા માટે રશિયાએ પાવર ગ્રિડને નિશાન બનાવ્યું છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે રશિયાએ યુક્રેનના વીજળી ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અડધા ભાગને ધ્વસ્ત કર્યો છે. પાવર ગ્રિડના ફરી બહાલી માટે પશ્ચિમી દેશોને મદદ માટે અપીલ કરાઈ છે. યુક્રેનમાં શિયાળો નજીક આવી રહ્યો છે અને દેશ પહેલેથી જ વીજળીની મોટી તંગીથી પીડાઈ રહ્યો છે. સેંકડો યુક્રેનિયનોએ મેટ્રો સ્ટેશનોમાં બનેલા બંકરોમાં આશ્રય લીધો છે.
યુક્રેન યુદ્ધના અંત માટે ટ્રમ્પના પ્લાનની રાહ રશિયા-યુક્રેનના યુદ્ધ પર કોઈ પણ પક્ષ વાતચીત કરવા માટે તૈયાર નથી. અમેરિકી પ્રમુખપદની ચૂંટણી જીતનાર ડોનાલ્ડ ટ્રમ્પનું કહેવું છે કે તેઓ ટૂંક સમયમાં યુદ્ધનો અંત લાવશે, જોકે તે સ્પષ્ટ નથી કે તેઓ કેવી રીતે અને કયા પક્ષમાં નરમ વલણ દાખવશે. સ્કોટલેન્ડની સેન્ટ એન્ડ્રુઝ યુનિવર્સિટીમાં વ્યૂહાત્મક નીતિના પ્રોફેસર ફિલિપ્સ ઓ’બ્રાયનનું કહેવું છે કે પૂર્વીય યુક્રેનમાં રશિયાની વ્યૂહરચના આગળ વધી રહી છે. ટ્રમ્પ યુક્રેનને શસ્ત્ર સપ્લાય અટકાવીને યુદ્ધનો અંત લાવવાનો પ્રયાસ કરી શકે છે. જો ટ્રમ્પ યુક્રેનને આપવામાં આવતી સહાયમાં ઘટાડો કરે છે અને યુદ્ધવિરામથી સંઘર્ષ અટકે છે, તો રશિયા પણ પીછેહઠ કરી શકે છે. પરંતું રશિયા ભવિષ્યમાં ફરીથી હુમલા ન કરે તેની બાંહેધરી પણ આપાવી પડશે.
પાડોશી દેશ એલર્ટ: પોલેન્ડ-નાટોએ સુરક્ષા માટે ફાઈટર મોકલ્યાં
- પોલેન્ડ અને નાટોએ રવિવારે વહેલી સવારે સરહદી વિસ્તારોમાં તેમના હવાઈ ક્ષેત્રની સુરક્ષા માટે જેટ મોકલ્યા હતા.
- પોલેન્ડ એરફોર્સના મિલિટરી કમાન્ડે જણાવ્યું હતું કે લગભગ ત્રણ કલાક પછી વિમાનો તેમના બેઝ પર પાછા ફર્યા હતા.
- ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે યુરોપ દ્વારા દાનમાં આપવામાં આવેલા એફ-16 ફાઈટર પ્લેનને દેશના સંરક્ષણના ભાગરૂપે મોકલવામાં આવ્યા હતા.
- 2022માં યુદ્ધ શરૂ થયું ત્યારથી બંને દેશોના હજારો સૈનિકો માર્યા ગયા છે, અને સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે ઓછામાં ઓછા 11,700 યુક્રેનિયન નાગરિકો માર્યા ગયા છે.