2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ શાહબાઝ શરીફ તેમની પ્રથમ વિદેશ યાત્રા પર સાઉદી અરેબિયા ગયા હતા.
સાઉદી અરેબિયા ટૂંક સમયમાં પાકિસ્તાનમાં તાંબા અને સોનાની ખાણ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં 8.34 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરશે. સાઉદીના વિદેશ મંત્રી ફૈઝલ બિન ફરહાન અલ સઉદ હાલમાં જ પાકિસ્તાનની 2 દિવસની મુલાકાતે ગયા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ દરમિયાન બંને દેશો વચ્ચે ડીલ પર ચર્ચા થઈ હતી. શુક્રવારે પાક આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાઉદીના સહાયક રક્ષા મંત્રી મેજર જનરલ અબ્દુલ્લા અલ-ઓતૈબીને પણ મળ્યા હતા. આ દરમિયાન બંને દેશો વચ્ચે સંરક્ષણ ઉત્પાદન અને સૈન્ય તાલીમ પર પણ ચર્ચા થઈ હતી.
આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઈદ-ઉલ-ફિત્રના અવસર પર સાઉદી અરેબિયા ગયા હતા. ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમને ઈફ્તાર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું. આર્થિક સંકટ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે સાઉદી હંમેશા પાકિસ્તાનની પડખે ઉભું રહ્યું છે.
ગયા વર્ષે જુલાઈમાં સાઉદીએ પાકિસ્તાનને 2 અબજ ડોલરની લોન આપી હતી. 2020 સુધી પાકિસ્તાનને લોન આપનારા દેશોમાં સાઉદી પ્રથમ નંબરે હતો. આ સ્ટોરીમાં જાણો, શા માટે સાઉદી પાકિસ્તાનની નબળી આર્થિક અને સુરક્ષા સ્થિતિ છતાં મદદ કરે છે. તેમના સંબંધોનો ઇતિહાસ શું છે?
પાકિસ્તાનના આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે બે દિવસ પહેલા સાઉદીના આસિસ્ટન્ટ ડિફેન્સ મિનિસ્ટર મેજર જનરલ અબ્દુલ્લા અલ-ઓતૈબી સાથે મુલાકાત કરી હતી.
આતંક અને કંગાળ છતાં સાઉદી શા માટે પાકિસ્તાનને મદદ કરે છે
બીબીસીના અહેવાલ મુજબ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને પોતાના કાર્યકાળ દરમિયાન 32 વિદેશ પ્રવાસો કર્યા હતા. જેમાંથી 8 વિદેશ યાત્રાઓ સાઉદી અરેબિયાની હતી. 2021માં ઈમરાનની સરકારના પતન બાદ વડાપ્રધાન બનેલા શાહબાઝ શરીફ પણ પોતાના પ્રથમ વિદેશ પ્રવાસે સાઉદી ગયા હતા.
પાકિસ્તાનના વડાપ્રધાનો માટે તેમના પ્રથમ વિદેશ પ્રવાસે સાઉદી અરેબિયાની મુલાકાત લેવી સામાન્ય બાબત છે. તેનું મુખ્ય કારણ પાકિસ્તાનને સાઉદી પાસેથી મળતું નાણું છે. સાઉદી અરેબિયા તેલ પર તેની અર્થવ્યવસ્થાની નિર્ભરતા ઘટાડવા માંગે છે. આવી સ્થિતિમાં તે વેપાર માટે નવા ભાગીદારોની શોધમાં છે. ભારત પણ તેમાંથી એક છે. જો કે તે પાકિસ્તાનને વધારે નારાજ કરી શકે તેમ નથી. તેનું મુખ્ય કારણ ઈરાન છે.
1979માં ઇસ્લામિક ક્રાંતિ પછી, શિયા ધાર્મિક નેતાઓ ઇરાનમાં સત્તા પર આવ્યા. કારણ કે ઈરાન શિયા પ્રભુત્વ ધરાવતો દેશ છે, સાઉદી અરેબિયા આ ક્રાંતિથી ખૂબ ડરી ગયો હતો. તેનો સામનો કરવા માટે સાઉદી અરેબિયાએ પાકિસ્તાન અને ભારત સહિત સુન્ની મુસ્લિમ દેશોને પૈસા મોકલવાનું શરૂ કર્યું.
આનાથી વિશ્વભરના દેશોમાં વહાબી ઇસ્લામ મજબૂત થયો અને સમગ્ર પ્રદેશમાં સૂફી ઇસ્લામની હાજરી ઓછી થઇ. ઈરાન અને સાઉદી વચ્ચે મિડલ ઈસ્માં વર્ચસ્વ માટે વર્ષોથી લડાઈ ચાલી રહી છે. આ માટે સાઉદી પાકિસ્તાનને પોતાની છાવણીમાં રાખવા માંગે છે.
સાઉદી પણ પાકિસ્તાનની પરમાણુ તાકાતનો લાભ લેવા માંગે છે
- સાઉદી અરેબિયા હંમેશા પાકિસ્તાનને આર્થિક રીતે ઘણી મદદ કરતું આવ્યું છે. ગયા વર્ષે જુલાઈમાં સાઉદીએ આર્થિક સંકટ વચ્ચે પાકિસ્તાનને 2 અબજ ડોલરની લોન આપી હતી. 2020 સુધી પાકિસ્તાનને લોન આપનારા દેશોમાં સાઉદી પ્રથમ નંબરે હતો.
- સાઉદી પાકિસ્તાનને આર્થિક મદદ કરીને વ્યૂહાત્મક રીતે તેની સ્થિતિ મજબૂત કરવા માંગે છે. ખરેખરમાં પાકિસ્તાન સાથે ઈરાનની સરહદ 909 કિલોમીટર છે. પાકિસ્તાનમાંથી હાંકી કાઢવામાં આવેલા પત્રકાર તાહા સિદ્દીકીના જણાવ્યા અનુસાર, સાઉદી આર્થિક પેકેજ અને રોકાણ દ્વારા પાકિસ્તાન સરકારની વફાદારી ખરીદી રહ્યું છે. સાઉદી પાકિસ્તાનની સરહદો પર પોતાની નીતિ બનાવે છે.
- સાઉદી અરેબિયામાં મક્કા અને મદીનાની હોવાને કારણે તે ઇસ્લામિક વિશ્વ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એટલા માટે સાઉદી અરેબિયા પેલેસ્ટાઈનને ઇઝરાયલના ભાગ તરીકે સ્વીકારવાનું ટાળે છે. જો સાઉદીએ ભૂલથી પણ આવું કર્યું તો લોકો તેની ઈસ્લામિક પ્રતિબદ્ધતા પર સવાલ ઉઠાવવા લાગશે. આ મામલે પાકિસ્તાનનું પણ આ જ વલણ છે. સમાન વિદેશ નીતિ બંને દેશોને નજીક લાવે છે.
- સાઉદી અરેબિયા માટે પાકિસ્તાન સરકાર કરતાં પાકિસ્તાની સેના વધુ મહત્વની છે. તેનું કારણ એ છે કે પાકિસ્તાની સેના વિશ્વની 20મી સૌથી શક્તિશાળી સેના છે. હાલમાં સાઉદીમાં લગભગ 70 હજાર પાકિસ્તાની સૈનિકો છે. 2018માં, વડાપ્રધાન તરીકે, ઇમરાન ખાને કહ્યું હતું કે- ‘સાઉદી અરેબિયામાં મક્કા અને મદીના છે. આવી સ્થિતિમાં જો ત્યાં કોઈ જોખમ આવશે તો માત્ર પાકિસ્તાની સેના જ નહીં પરંતુ અહીંના લોકો પણ સાઉદી અરેબિયાની સુરક્ષા કરશે.
- પાકિસ્તાન અમેરિકા અને બ્રિટન પાસેથી વધુમાં વધુ શસ્ત્રો ખરીદતું હોવા છતાં જ્યારે પરમાણુ હથિયારોની જરૂર હતી ત્યારે આ દેશોએ ના પાડી દીધી હતી. સાઉદી અરેબિયા સારી રીતે જાણે છે કે વિશ્વમાં પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે જે સાઉદી અરેબિયાને એક ઈશારે પરમાણુ ટેક્નોલોજી કે હથિયારો આપી શકે છે.